ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
બેંગલુરુમાં નાદપ્રભુ શ્રી કેમ્પેગૌડાની 517મી જન્મજયંતી પર ઉપરાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ અર્પી
'મિની ભારત' તરીકે બેંગલુરુની ઓળખ એ કેમ્પેગૌડાના વિઝનની સાબિતી છે: ઉપરાષ્ટ્રપતિ
ટકાઉ વિકાસ, સામાજિક સૌહાર્દ અને સર્વસમાવેશી શાસન અંગેનું કેમ્પેગૌડાનું વિઝન આધુનિક ભારતને પ્રેરણા આપતું રહે છે: ઉપરાષ્ટ્રપતિ
મહાન રાષ્ટ્રોનું નિર્માણ એવા લોકો દ્વારા થાય છે જેઓ પોતાના જીવનકાળથી આગળનું વિચારે છે: કેમ્પેગૌડા જન્મજયંતી ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ
प्रविष्टि तिथि:
27 JUN 2026 7:59PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે બેંગલુરુમાં નાદપ્રભુ શ્રી કેમ્પેગૌડાની 517મી જન્મજયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી અને બેંગલુરુના સ્થાપકને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી, તેમને એક સ્વપ્નદ્રષ્ટા વહીવટકર્તા, નગર નિર્માતા, પર્યાવરણવિદ્ અને સામાજિક સુધારક તરીકે વર્ણવ્યા હતા જેમના આદર્શો આજે પણ પ્રાસંગિક છે.
સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે શ્રી કેમ્પેગૌડાને માત્ર એક શાસક તરીકે નહીં પરંતુ પ્રજાના કલ્યાણ માટેના વિઝન સાથે શાસન કરનારા નેતા તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે નોંધ્યું હતું કે કેમ્પેગૌડાએ એક એવા સર્વસમાવેશી શહેરની કલ્પના કરી હતી જ્યાં ખેડૂતો, વેપારીઓ, કારીગરો, વિદ્વાનો અને વિવિધ ધર્મના લોકો સાથે રહી શકે અને સમૃદ્ધ થઈ શકે, અને ઉમેર્યું કે આજનું બેંગલુરુ ખરા અર્થમાં તે વિઝનને એક "મિની ભારત" તરીકે પ્રતિબિંબિત કરે છે.

કેમ્પેગૌડાની અદભૂત દૂરંદેશી પર પ્રકાશ પાડતા, શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે તેમણે સુઆયોજિત બજારો, પડોશ (મોહલ્લા), જળ પ્રણાલીઓ અને જાહેર સ્થળો દ્વારા આયોજિત શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો. તેમણે અવલોકન કર્યું કે કેમ્પેગૌડાના તળાવો અને જળ માર્ગોના પરસ્પર જોડાયેલા નેટવર્ક, તેમજ મોટા પાયે વૃક્ષારોપણ, ટકાઉ વિકાસની ભારતની વર્ષો જુની બૌદ્ધિક સંપદાને પ્રદર્શિત કરે છે અને પાણીની અછત તથા આબોહવા પરિવર્તન જેવા વર્તમાન સમયના પડકારોનો સામનો કરવા માટે મૂલ્યવાન પાઠ પૂરા પાડે છે.

ઉપરાષ્ટ્રપતિએ સામાજિક સુધારણા, સાંસ્કૃતિક સૌહાર્દ અને માનવ ગૌરવ પ્રત્યે કેમ્પેગૌડાની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કન્નડ સંસ્કૃતિમાં ઊંડા મૂળ ધરાવતા હોવા છતાં, કેમ્પેગૌડાએ ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને અપનાવી હતી અને માનતા હતા કે એક મહાન શહેરે શિક્ષણ, સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોનું જતન કરવું જોઈએ.

બેંગલુરુ ભારતની ટેકનોલોજી અને ઇનોવેશન કેપિટલ (રાજધાની) તરીકે ઉભરી આવ્યું છે તે નોંધીને, શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે તેની સફળતા લગભગ પાંચ સદીઓ પહેલા કેમ્પેગૌડા દ્વારા નાખવામાં આવેલા મજબૂત પાયા પર ટકેલી છે. તેમણે ઉમેર્યું હતું કે દીર્ઘકાલીન આયોજન, ટકાઉપણું અને સંસ્થાકીય નિર્માણના કેમ્પેગૌડાના આદર્શો વિકસિત ભારતના વિઝન તરફની ભારતની યાત્રાને માર્ગદર્શન આપતા રહે છે.

યુવાનોને કેમ્પેગૌડાના જીવનમાંથી પ્રેરણા લેવાનું આહવાન કરતા, ઉપરાષ્ટ્રપતિએ તેમને સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં સાર્થક યોગદાન આપવા વિનંતી કરી. તેમણે જળ સંરક્ષણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને દેશભરના ખેડૂતોના લાભ માટે જળ સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગને સુનિશ્ચિત કરવા નદીઓને પરસ્પર જોડવાની હિમાયત કરી હતી.
આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત; કેન્દ્રીય ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી શ્રી એચ. ડી. કુમારસ્વામી; કેન્દ્રીય રેલવે અને જલ શક્તિ રાજ્ય મંત્રી શ્રી વી. સોમન્ના; કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી આર. અશોક; કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્ય ડૉ. સી. એન. અશ્વથ નારાયણ; ડૉ. નિર્મલાનંદનાથ મહાસ્વામીજી; નાદપ્રભુ શ્રી કેમ્પેગૌડા ફાઉન્ડેશનના પ્રમુખ પ્રો. એમ. કૃષ્ણેગૌડા; અને શ્રી બસવમૂર્તિ માદરા ચેન્નૈયા સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2278499)
आगंतुक पटल : 13