પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
INCOIS દ્વારા ભારતના દરિયાઈ ક્ષેત્રોના રક્ષણ માટે વિશેષ અલ નિનો બુલેટિનની શરૂઆત
INCOIS પ્રથમ અલ નિનો બુલેટિનમાં દરિયાઈ તાપમાનમાં વધારો અને મરીન સ્ટ્રેસ અંગે ચેતવણી આપી
માનનીય સાંસદ શ્રી કોંડા વિશ્વેશ્વર રેડ્ડીએ દરિયાઈ ઓપરેટરો માટે ઇનકોઇસની પ્રથમ વિશેષ અલ નિનો એડવાઇઝરી જાહેર કરી
प्रविष्टि तिथि:
23 JUN 2026 5:55PM by PIB Ahmedabad
ઇનકોઇસ (INCOIS) દ્વારા દરિયાઈ ક્ષેત્રો (મેરિટાઇમ સેક્ટર્સ) પર વર્તમાન અલ નિનોની સંભવિત અસરો પર પ્રકાશ પાડવા માટે વિશેષ અલ નિનો બુલેટિન બહાર પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. ચેવેલ્લા મતવિસ્તારના માનનીય સંસદ સભ્ય શ્રી કોંડા વિશ્વેશ્વર રેડ્ડી ગારુ દ્વારા 22 જૂન, 2026 ના રોજ ઇનકોઇસ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પ્રથમ વિશેષ બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું.
આ બુલેટિન પુષ્ટિ કરે છે કે અલ નિનોની સ્થિતિ સતત વિકસી રહી છે અને શિયાળાની ઋતુમાં (નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027) તે તેની ચરમસીમા પર પહોંચે તેવી અપેક્ષા છે. પરિણામે, હિંદ મહાસાગરમાં દરિયાની સપાટીનું તાપમાન એપ્રિલ/મે 2027 સુધી સામાન્ય કરતાં વધુ રહેશે. ઉત્તર હિંદ મહાસાગર (અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને) માં દરિયાઈ જીવસૃષ્ટિ આગામી મહિનાઓમાં, ખાસ કરીને માર્ચ-મે 2027 દરમિયાન થર્મલ સ્ટ્રેસ (તાપમાનના તણાવ) હેઠળ રહેવાની સંભાવના છે. આના કારણે પરવાળાના ખડકો (કોરલ રીફ્સ) ના બ્લીચિંગમાં (રંગ ગુમાવવો) વધારો, દરિયાઈ હીટ વેવ્સની વધુ ઘટનાઓ અને માછલીઓનો જથ્થો યોગ્ય રહેઠાણો તરફ સ્થળાંતર થવાને કારણે અથવા નવી માછલીઓના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે માછલી પકડવાના પ્રમાણમાં (ખાસ કરીને સારડીન અને મેકરેલ પ્રજાતિઓ) ઘટાડો થઈ શકે છે. વધુમાં, વિકસી રહેલા અલ નિનો સાથે સંબંધિત દરિયાઈ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફારને કારણે માછલીઓ ઇચ્છિત કદ સુધી પહોંચી શકશે નહીં.
ચોમાસાની ઋતુ દરમિયાન બંગાળની ખાડીમાં દરિયાની સ્થિતિ ખરાબ રહેશે અને ભારતના પૂર્વીય કિનારે દરિયાકાંઠાના ધોવાણ અને પૂરની સંભાવનાઓ વધારે છે. સકારાત્મક બાબત એ છે કે, અરબી સમુદ્ર અને પશ્ચિમ કિનારે દરિયાની સ્થિતિ સામાન્ય કરતાં વધુ શાંત રહેવાની સંભાવના છે, જે વિવિધ દરિયાઈ ક્ષેત્રોની કામગીરી માટેના સમયગાળામાં વધારો કરી શકે છે. ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન પશ્ચિમ કિનારે દરિયાકાંઠાનું ધોવાણ અને પાણી ભરાવાની (ઇનન્ડેશન) શક્યતા ઓછી છે.
ઇનકોઇસ તમામ દરિયાઈ ઓપરેટરોને સમય સમય પર ઇનકોઇસ દ્વારા જારી કરવામાં આવતી એલર્ટ, ચેતવણીઓ અને એડવાઇઝરીઓને નજીકથી અનુસરવાની સલાહ આપે છે. આગામી વિશેષ બુલેટિન જુલાઈ 2026 ના બીજા અઠવાડિયામાં જારી કરવામાં આવશે.

ચેવેલ્લા મતવિસ્તારના માનનીય સંસદ સભ્ય શ્રી કોંડા વિશ્વેશ્વર રેડ્ડી ગારુ દ્વારા વિશેષ અલ નિનો બુલેટિનનું વિમોચન.

હિંદ મહાસાગરના દરિયાઈ ક્ષેત્રો પર વર્તમાન અલ નિનોની સંભવિત અસરો.
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2277239)
आगंतुक पटल : 11