આયુષ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 અભૂતપૂર્વ જનભાગીદારી સાથે વૈશ્વિક આંદોલન તરીકે ઉભરી આવ્યો
યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ હેઠળ વિશ્વભરમાં કરોડો લોકો IDY 2026ની ઉજવણીમાં જોડાયા
યોગ સંગમ પોર્ટલ પર 780 જિલ્લાઓમાં 3 કરોડથી વધુ વ્યક્તિઓની ભાગીદારી નોંધાઈ; રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં 7.64 લાખથી વધુ સંસ્થાઓ જોડાઈ
સિયાચીનથી લઈને દરિયા સુધી, આઇકોનિક હેરિટેજ સાઇટ્સથી વૈશ્વિક લેન્ડમાર્ક્સ સુધી, IDY 2026એ યોગને આરોગ્ય અને સંવાદિતાના સાર્વત્રિક પ્રતિક તરીકે પ્રદર્શિત કર્યો
प्रविष्टि तिथि:
23 JUN 2026 4:11PM by PIB Ahmedabad
12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2026એ સમગ્ર ભારતમાં અને વિશ્વભરમાં અભૂતપૂર્વ ભાગીદારી જોઈ, જે સમગ્ર સ્વાસ્થ્ય અને સુખાકારી માટે વૈશ્વિક આંદોલન તરીકે યોગની વધતી જતી ભૂમિકાને પુનઃપુષ્ટ કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં મોટા પાયે યોગ નિદર્શન અને સામુદાયિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઐતિહાસિક રેડ રોડ પર 35,000 લોકોએ ભાગ લીધો હતો. આ વર્ષની થીમ, “યોગા ફોર હેલ્ધી એજિંગ (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ)”, એ શારીરિક તંદુરસ્તી, માનસિક દ્રઢતા અને એકંદર સુખાકારીમાં યોગના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો, જેણે વિશ્વભરના લાખો લોકોને જીવનશૈલી તરીકે યોગ અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IDY 2026ને સાચા અર્થમાં વૈશ્વિક ઉજવણી બનાવવા બદલ વિશ્વભરના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇજિપ્ત અને અન્ય કેટલાક દેશો સહિત તમામ ખંડોમાં યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયથી લઈને યુરોપ, પશ્ચિમ એશિયા, આફ્રિકા અને પૂર્વ એશિયાના મુખ્ય શહેરો સુધી, સહભાગીઓ આ ઉજવણીમાં જોડાયા હતા, જે આરોગ્ય, સંવાદિતા અને સામૂહિક સુખાકારી માટે એક સેતુ તરીકે યોગની સાર્વત્રિક સ્વીકૃતિ દર્શાવે છે.
કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અભૂતપૂર્વ સફળ બનાવવા બદલ સમગ્ર ભારતમાં અને વિશ્વના નાગરિકો, યોગ સાધકો, સ્વયંસેવકો, સંસ્થાઓ અને સહભાગીઓના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે “યોગા ફોર હેલ્ધી એજિંગ” થીમ હેઠળ ઉત્સાહપૂર્ણ ભાગીદારીએ આરોગ્ય, સંવાદિતા અને સામૂહિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં યોગની ભૂમિકાને પુનઃપુષ્ટ કરી છે અને લોકોને સ્વસ્થ અને સુખી ભવિષ્ય માટે તેમના રોજિંદા જીવનમાં યોગને એકીકૃત કરવાનું જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.
આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2026 ની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સમગ્ર ભારતમાં અને વિશ્વમાં લોકોની અતિશય સંડોવણી જીવનશૈલી તરીકે યોગની વધતી વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે. તેમણે ઇવેન્ટની સફળતામાં યોગદાન આપવા બદલ તમામ સહભાગીઓ, સ્વયંસેવકો, આયોજક સંસ્થાઓ અને હિસ્સેદારોનો આભાર માન્યો હતો. ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ પર પ્રકાશ પાડતાં, તેમણે સમગ્ર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે દૈનિક જીવનમાં યોગના સતત એકીકરણ પર ભાર મૂક્યો હતો.
ભારતમાં, આ ઉજવણીએ રાષ્ટ્રીય નેતૃત્વના સર્વોચ્ચ સ્તરોથી ભાગીદારી જોઈ. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મધ્ય પ્રદેશના જબલપુર ખાતે વિશાળ યોગ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન લેહ, લદ્દાખમાં આંતરરાષ્ટ્રિય યોગા દિવસની ઉજવણીમાં જોડાયા હતા. લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ સંસદ ભવન સંકુલમાં સંસદ સભ્યો સાથે યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું, જે ભાગીદારીની રાષ્ટ્રવ્યાપી ભાવનાને રેખાંકિત કરે છે.
12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ આયુષ મંત્રાલય હેઠળ મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ યોગ (MDNIY) અને નેશનલ આયુષ મિશન (NAM) દ્વારા આયોજિત “ગંગોત્રી સે ગંગાસાગર” અભિયાન હતું. ગંગોત્રીથી ગંગાસાગર સુધીના આશરે 2,525 કિલોમીટરના અંતરને આવરી લેતા આ અભિયાને ઋષિકેશ, હરિદ્વાર, પ્રયાગરાજ, વારાણસી, પટના અને હુગલીના આઇકોનિક ઘાટોને કોમન યોગ પ્રોટોકોલ સત્રો અને જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા જોડ્યા હતા. ભારતની બે મહાન સભ્યતાના વારસા — પવિત્ર ગંગા અને યોગની પ્રાચીન પદ્ધતિ — ને પ્રતિકાત્મક રીતે એકીકૃત કરીને આ પહેલે નદીના કિનારે વસતા સમુદાયોમાં “યોગા ફોર હેલ્ધી એજિંગ” અને સમગ્ર સુખાકારીનો સંદેશ ફેલાવ્યો હતો.
રેડ રોડ, કોલકાતા ખાતે મુખ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2026 ની ઉજવણી પહેલાં, પશ્ચિમ બંગાળમાં જાહેર ભાગીદારી અને જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે યોગ-થીમ આધારિત કાર્યક્રમોની શ્રેણી યોજાઈ હતી. “દૌડ સે ધ્યાન” પહેલ અંતર્ગત કોલકાતામાં 11 સ્થળોએ મેરેથોન યોજાઈ હતી, જે નાગરિકોને યોગ અને સુખાકારી અપનાવવા પ્રોત્સાહિત કરે છે. ઉજવણીમાં હુગલી રિવરફ્રન્ટ પર “વંદે યોગમ” અને પશ્ચિમ બંગાળ ફાઉન્ડેશન ડે કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે, જેમાં સાંસ્કૃતિક પ્રદર્શન, કલા અને ફોટોગ્રાફી સ્પર્ધાઓ અને જાહેર જોડાણ પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવી હતી. લગભગ 3,000 ડ્રોન સાથેના મેગા ડ્રોન શોએ ભારતની યોગ યાત્રા પર વધુ પ્રકાશ પાડ્યો હતો અને પ્રખ્યાત યોગ ગુરુઓને શ્રદ્ધાંજલિ આપી હતી, જેણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ- 2026 પહેલાં વ્યાપક ઉત્સાહ પેદા કર્યો હતો.
આ ઉજવણી દેશના ખૂણે-ખૂણે આઇકોનિક ઐતિહાસિક સ્થળો પર આયોજિત યોગ સત્રો દ્વારા પહોંચી હતી, જેમાં લાલ કિલ્લો, દિલ્હી; હર કી પૌડી, ઉત્તરાખંડ; કોણાર્ક સૂર્ય મંદિર, ઓડિશા; હમ્પી સ્મારકોનું જૂથ, કર્ણાટક; લેહ પેલેસ, લેહ, લદ્દાખ; મહાબલીપુરમ શોર ટેમ્પલ, તમિલનાડુ; સારનાથ, ઉત્તર પ્રદેશ; કચારી કિલ્લો, સિલ્ચર, આસામ; ચારમિનાર પ્રિસિંક્ટ્સ, હૈદરાબાદ, તેલંગાણા; ગેટ-વે ઓફ ઇન્ડિયા, મુંબઈ, મહારાષ્ટ્ર; નાલંદા મહાવિહાર, બિહાર; સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ, ગુજરાત અને અન્ય કેટલાક સ્થળોનો સમાવેશ થાય છે.
જન ભાગીદારીની ભાવનાને પ્રતિબિંબિત કરતા, આયુષ ગ્રીડ દ્વારા વિકસિત 'યોગ સંગમ પોર્ટલ' પર 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 780 જિલ્લાઓને આવરી લેતા 3.07 કરોડથી વધુ વ્યક્તિઓની ભાગીદારી નોંધાઈ હતી. દેશભરમાં યોજાયેલા યોગ કાર્યક્રમોની 7.46 લાખથી વધુ તસવીરો પોર્ટલ પર અપલોડ કરવામાં આવી હતી, જ્યારે 2.66 લાખથી વધુ ભાગીદારી પ્રમાણપત્રો જનરેટ કરવામાં આવ્યા હતા.
આ પહેલને વિશ્વભરની 7.64 લાખથી વધુ સંસ્થાઓ પાસેથી નોંધણી મળી હતી, જેમાં 4.24 લાખ સરકારી સંસ્થાઓ, 2.46 લાખ શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, એનજીઓ (NGO) અને અન્ય હિસ્સેદારો સામેલ હતા. પશ્ચિમ બંગાળ (3.45 લાખ સંસ્થાઓ), રાજસ્થાન (1.67 લાખ), મધ્ય પ્રદેશ (35,742), આસામ (25,285) અને ઉત્તર પ્રદેશ (22,285) અગ્રણી યોગદાનકર્તાઓમાં ઉભરી આવ્યા હતા. યોગ બિલબોર્ડ સુવિધાને પણ 15,000 થી વધુ તસવીરો પ્રાપ્ત થઈ છે, જેનાથી દેશભરના નાગરિકોની વ્યાપક ભાગીદારી શક્ય બની છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2026ના રન-અપમાં, કેટલાક સીમાચિહ્નોએ રાષ્ટ્રવ્યાપી ભાગીદારી અને વૈશ્વિક પહોંચ પર પ્રકાશ પાડ્યો હતો. બુલઢાણા, મહારાષ્ટ્રમાં 75-દિવસના કાઉન્ટડાઉન કાર્યક્રમમાં લગભગ 5,000 સહભાગીઓએ એકસાથે ત્રિકોણાસન કર્યું હતું, જે આ આસન કરનારા સૌથી મોટા મેળાવડા તરીકે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામ્યું હતું. કાન્હા શાંતિ વનમ્ ખાતે 50-દિવસના કાઉન્ટડાઉન કાર્યક્રમમાં 6,000 થી વધુ સહભાગીઓએ એકસાથે ભુજંગાસન કર્યું હતું, જેણે સૌથી મોટા સિંક્રનાઇઝ્ડ યોગ પ્રદર્શન માટે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. વધુમાં, 14 જૂન 2026ના રોજ, આયુષ મંત્રાલયે યુટ્યુબ લાઈવ યોગ સ્ટ્રીમ માટે સૌથી વધુ દર્શકો મેળવવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો હતો, જેમાં તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ દ્વારા 4,35,831 દર્શકો વૈશ્વિક ઓનલાઇન યોગ સત્રમાં જોડાયા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026 એ વિવિધ મંત્રાલયો અને વિભાગોની સક્રિય ભાગીદારી સાથે 'હોલ-ઓફ-ગવર્નમેન્ટ' (સમગ્ર સરકાર) અભિગમ જોયો હતો, જેમાં સંરક્ષણ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, જલ શક્તિ મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, લોકસભા સચિવાલય, સીબીઆઈ (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સીઆઈએસએફ (CISF), નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) અને ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IWAI) નો સમાવેશ થાય છે. આ પહેલોએ નાગરિકોમાં સુખાકારી, નિવારક સ્વાસ્થ્ય સંભાળ અને સ્વસ્થ આયુનો સંદેશ ફેલાવ્યો હતો.
જલ શક્તિ મંત્રાલય, NMCG અને IWAIએ ગંગા બેસિનમાં અને આસામમાં બ્રહ્મપુત્રા નદી પર રાષ્ટ્રીય જલમાર્ગ-2 પરના જહાજો પર યોગ સત્રોનું આયોજન કર્યું હતું, જે સુખાકારી અને પર્યાવરણીય ચેતના વચ્ચેના જોડાણને દર્શાવે છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ભારત મંડપમ્, નવી દિલ્હી ખાતે “વયો યોગ સંગમ – યોગા ફોર હેલ્ધી એજિંગ” નું આયોજન કર્યું હતું, જ્યાં આશરે 1,300 વરિષ્ઠ નાગરિકોએ ભાગ લીધો હતો, જે સક્રિય અને ગૌરવપૂર્ણ આયુ તરફ યોગના યોગદાનને રેખાંકિત કરે છે.
સંરક્ષણ મંત્રાલયે દેશભરમાં વ્યાપક ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું, જેમાં સિયાચીન ગ્લેશિયરથી કન્યાકુમારી, કચ્છના રણ, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને સમુદ્રમાં નૌકાદળના પ્લેટફોર્મ પર યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, વરિષ્ઠ લશ્કરી નેતૃત્વ અને હજારો જવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો. ભારતીય સેના, નૌકાદળ, વાયુસેના અને કોસ્ટ ગાર્ડે કમાન્ડ્સમાં કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જ્યારે કેટલાક દેશોના સંરક્ષણ પ્રતિનિધિઓ આ ઉજવણીમાં જોડાયા હતા, જે યોગના વૈશ્વિક પડઘાને પ્રતિબિંબિત કરે છે.
ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસે લદ્દાખમાં પેંગોંગ ત્સો ખાતે લગભગ 14,000 ફૂટની ઊંચાઈએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026 ની ઉજવણી કરી હતી, જે શક્તિ, શિસ્ત અને માનસિક દ્રઢતાના નિર્માણમાં યોગના મહત્વને દર્શાવે છે. નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)એ સૌથી મોટા યુવા-આગેવાની હેઠળના યોગ આંદોલનોમાંનું એક આયોજન કર્યું હતું, જેમાં દેશભરમાં 5,000 થી વધુ સ્થળોએ સિંક્રનાઇઝ્ડ યોગ સત્રોમાં 8.30 લાખથી વધુ કેડેટ્સ, એસોસિએટ NCC અધિકારીઓ, કાયમી પ્રશિક્ષકો અને સ્ટાફે ભાગ લીધો હતો.
12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 એ યોગને વિશ્વ સુધી લઈ જવાની ભારતની યાત્રામાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થયો છે. નાગરિકો, સંસ્થાઓ, સશક્ત દળો, યુવા સંગઠનો અને વૈશ્વિક સમુદાયોની ભાગીદારી સાથે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026 એ શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સુખાકારી, ભાવનાત્મક સંતુલન અને સ્વસ્થ આયુ માટે કાલાતીત પદ્ધતિ તરીકે યોગની ભૂમિકાને મજબૂત કરી છે, જે સમગ્ર વિશ્વમાં સર્વગ્રાહી સુખાકારીને પ્રોત્સાહન આપવામાં ભારતના નેતૃત્વને વધુ મજબૂત બનાવે છે.










SM/DK/JD
(रिलीज़ आईडी: 2277053)
आगंतुक पटल : 20