પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું
પીએમ વિકસિત ભારત રોજગાર યોજના પ્રથમ વખત નોકરી મેળવનારા કર્મચારીઓને સશક્ત બનાવવા અને યુવાનો તથા ઉદ્યોગો વચ્ચે સેતુ બનાવવાની બાબત છે: પીએમ
આપણા યુવાનોની આકાંક્ષાઓ, કૌશલ્યો અને ક્ષમતાઓ વિકસિત ભારતના માર્ગને આકાર આપે છે: પીએમ
આગામી વર્ષોમાં વૈશ્વિક વિકાસ, નવીનતા (ઇનોવેશન) અને સાહસિકતાને આગળ ધપાવવામાં ભારતના યુવાનો મોખરે રહેશે: પીએમ
ભારત આગળથી નેતૃત્વ કરવા માટે તૈયાર છે: પીએમ
21મી સદીમાં, તકો તે દેશોની હશે જેઓ કુશળ પ્રતિભાઓને પોષશે, નવીનતાને પ્રોત્સાહન આપશે અને ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણો જાળવી રાખશે: પીએમ
વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે, આપણે સર્વોચ્ચ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવા જ પડશે: પીએમ
प्रविष्टि तिथि:
19 JUN 2026 7:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને હિતધારકોને સંબોધિત કર્યા હતા, અને ભારતના યુવાનોને સશક્ત બનાવવા તથા દેશભરમાં રોજગાર નિર્માણને વેગ આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું હતું, જે ભારત સરકારની આ ફ્લેગશિપ રોજગાર-લિંક્ડ પ્રોત્સાહન યોજનાના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને વિવિધ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષા કવચનો વિસ્તાર કરે છે. આ પ્રોત્સાહને દેશભરમાં 15 લાખ રોજગારીની તકોના નિર્માણને ટેકો આપ્યો છે.
ફ્રાન્સ અને સ્લોવાકિયાની તેમની મુલાકાત, જ્યાં તેમણે જી-7 (G-7) સમિટમાં ભાગ લીધો હતો અને વિશ્વના નેતાઓ સાથે મુલાકાત કરી હતી, ત્યાંથી પરત ફર્યાના ટૂંક સમય બાદ જ મેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારતના યુવાનોને તેમની પ્રતિભા, કૌશલ્ય અને ક્ષમતા માટે વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ માન્યતા મળી રહી છે. તેમણે ટિપ્પણી કરી કે વિશ્વ યુવા ભારતીયોની ક્ષમતાઓને વધુને વધુ સ્વીકારી રહ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું કે સરકાર દરેક યુવાન વ્યક્તિને તેમની ક્ષમતાને સફળતામાં પરિવર્તિત કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
"પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના એ માત્ર એક રોજગાર યોજના કરતાં ઘણું વધારે છે. તે પોતાની પ્રથમ નોકરીમાં પ્રવેશતા યુવાનોની આકાંક્ષાઓને મજબૂત કરવા સાથે ઉદ્યોગ અને કાર્યબળ (વર્કફોર્સ) વચ્ચે એક મજબૂત સેતુ બનાવવા માટે ડિઝાઇન કરાયેલી પહેલ છે", તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું. જ્યારે ઘણી યોજનાઓ સામાન્ય રીતે કર્મચારીઓ અથવા નોકરીદાતાઓ (એમ્પ્લોયર્સ) માંથી કોઈ એક પર કેન્દ્રિત હોય છે, ત્યારે આ કાર્યક્રમ બંનેને એકસાથે ટેકો આપે છે. સરકાર તેમની વ્યાવસાયિક સફર શરૂ કરનારા યુવાનોની સાથે ઉભી છે અને નવી રોજગારીની તકો ઊભી કરતી સંસ્થાઓને પ્રોત્સાહિત કરે છે.
યોજનાની સિદ્ધિઓ શેર કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અંદાજે 70 લાખ નવી નોકરીઓનું નિર્માણ થયું છે અને એટલી જ સંખ્યામાં પ્રથમ વખત નોકરી મેળવનારા કર્મચારીઓને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે નજીક નજીકમાં 20 લાખ યુવાનોએ તેમની પ્રથમ નોકરીમાં 6 મહિના પૂર્ણ કર્યા છે, જ્યારે આ સીમાચિહ્ન પૂર્ણ કરવા પર આશરે 10 લાખ લાભાર્થીઓ યોજના હેઠળ પ્રોત્સાહનો મેળવી ચૂક્યા છે. લાભાર્થીઓના બેંક ખાતામાં ₹2,000 કરોડથી વધુ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સહાયને માત્ર નાણાકીય સહાય કરતાં વધુ ગણાવતા શ્રી મોદીએ કહ્યું કે તે દેશના યુવાનોની સખત મહેનતની સ્વીકૃતિ અને તેમના ભવિષ્યમાં દેશના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
પ્રધાનમંત્રીએ આ યોજના હેઠળ રોજગારીની તકો ઊભી કરનાર સંસ્થાઓ અને સાહસોની ભાગીદારી બદલ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. "જ્યારે સરકાર, ઉદ્યોગ અને યુવાનો સાથે મળીને કામ કરે છે ત્યારે રોજગાર નિર્માણને વેગ મળે છે. આ પહેલ એક નવા ભારતનું પ્રતિબિંબ છે જ્યાં યુવાનોને તકો મળે છે, ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે અને રોજગાર નિર્માણ એક રાષ્ટ્રીય મિશન બને છે", તેમ શ્રી મોદીએ નોંધ્યું હતું.
ભારતની વસ્તીવિષયક શક્તિ (ડેમોગ્રાફિક સ્ટ્રેન્થ) પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ અવલોકન કર્યું કે ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે અને વિકસિત રાષ્ટ્ર બનવા તરફની સફર તેના યુવાનોની આકાંક્ષાઓ, કૌશલ્યો અને ક્ષમતાઓ સાથે આંતરિક રીતે જોડાયેલી છે. તેમણે દરેક યુવા ભારતીય પોતાની પ્રતિભા અને મહત્વાકાંક્ષા મુજબ આગળ વધી શકે તે સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા બાર વર્ષોમાં સરકારે રોજગારના દરેક માર્ગને મજબૂત કરવા માટે કામ કર્યું છે. "ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનોવેશનથી લઈને મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ઈકોનોમી, સ્પેસ ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સ સુધીના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવ્યા છે. મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ, સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજારોમાં લઈ જવાના પ્રયાસો અને મિશન મેન્યુફેક્ચરિંગ જેવી પહેલોએ રોજગાર અને સ્વ-રોજગાર બંને માટેના માર્ગો વિસ્તૃત કર્યા છે", તેમ શ્રી મોદીએ નોંધ્યું હતું.
શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકારનું ₹12 લાખ કરોડથી વધુનું રોકાણ રોજગાર નિર્માણ માટે એક મજબૂત પાયો તૈયાર કરી રહ્યું છે. તેમણે એ પણ નોંધ્યું કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ₹33 લાખ કરોડથી વધુની સહાયે લાખો યુવાનોને પોતાના સાહસો સ્થાપવા માટે સક્ષમ બનાવ્યા છે. મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે 10 કરોડથી વધુ મહિલાઓ સ્વસહાય જૂથો (સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સ) સાથે જોડાયેલી છે, જ્યારે 3 કરોડથી વધુ મહિલાઓ લખપતિ દીદી તરીકે ઉભરી આવી છે. તેમણે ઉમેર્યું હતું કે પીએમ સ્વનિધિ અને પીએમ વિશ્વકર્મા જેવી પહેલોએ નાના ઉદ્યોગસાહસિકો, સ્ટ્રીટ વેન્ડર્સ અને પરંપરાગત કારીગરોની આજીવિકા મજબૂત કરી છે.
પ્રધાનમંત્રીએ ઝડપથી વિસ્તરી રહેલા ડ્રોન સેક્ટરનું ઉદાહરણ આપ્યું કે કેવી રીતે ઉભરતી ટેકનોલોજી રોજગારીની નવી તકો ઉભી કરી રહી છે. દવાઓની ડિલિવરી અને કૃષિ એપ્લિકેશન્સથી લઈને સ્વામિત્વ (SVAMITVA) યોજના હેઠળ જમીનનું મેપિંગ અને સંરક્ષણ કામગીરી સુધી, ડ્રોન ટેકનોલોજીનો વધતો ઉપયોગ યુવા ભારતીયો માટે રોજગારના નવા માર્ગો ખોલી રહ્યો છે. ડિજિટલ અર્થતંત્રની પરિવર્તનકારી અસર વિશે વાત કરતા શ્રી મોદીએ ગીગ ઈકોનોમી, પ્લેટફોર્મ-આધારિત સેવાઓ, કન્ટેન્ટ ક્રિએશન અને ટેકનોલોજી સંચાલિત સાહસોના ઉદભવને રોજગાર અને આવકના મહત્વના સ્ત્રોત તરીકે રેખાંકિત કર્યા હતા. "એક સમયે જે તકો અકલ્પનીય હતી તે હવે લાખો યુવા ભારતીયો માટે વ્યવહારુ આજીવિકા બની ગઈ છે. આવું જ પરિવર્તન ભારતના ગતિશીલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સ્પષ્ટ દેખાય છે, જે નવીનતાને પ્રોત્સાહન આપવાનું, નોકરીઓનું સર્જન કરવાનું અને દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખે છે", તેમ શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ છેલ્લા એક દાયકામાં ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના અસાધારણ વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે જ્યારે દેશમાં એક સમયે માત્ર 500 જેટલા સ્ટાર્ટઅપ્સ હતા, આજે દેશના લગભગ દરેક જિલ્લામાં 2,00,000 થી વધુ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. "વૈશ્વિક સમુદાય ભારતના ભવિષ્ય વિશે વધુને વધુ આશાવાદી છે અને તેને તેની યુવા વસ્તીની ક્ષમતાઓમાં ઘણો વિશ્વાસ છે", તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું. ફ્રાન્સની તેમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતા તેમણે "ઇન્ડિયા ઇનોવેટ્સ" ઇવેન્ટના સફળ આયોજનને યાદ કર્યું, જેણે ભારતીય સ્ટાર્ટઅપ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેસ ટેકનોલોજી, ગ્રીન એનર્જી અને બાયોટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં વૈશ્વિક રોકાણકારોને એકસાથે લાવ્યા હતા. તેમણે ટિપ્પણી કરી કે આવા જોડાણો ભારતના ઇનોવેશન ઇકોસિસ્ટમમાં વધતી જતી આંતરરાષ્ટ્રીય રુચિ અને ભવિષ્યની ટેકનોલોજીને આકાર આપવામાં તેની વિસ્તરતી ભૂમિકા દર્શાવે છે.
શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત વિશ્વભરના દેશો સાથે સક્રિયપણે નવા વેપાર કરારો કરી રહ્યું છે. આ કરારો ભારતીય ઉદ્યોગો માટે નવા બજારો ખોલી રહ્યા છે અને ભારતીય વ્યાવસાયિકો માટે નવી તકો ઊભી કરી રહ્યા છે. "જ્યારે વિશ્વ ભવિષ્યના અર્થતંત્ર માટે તૈયારી કરી રહ્યું છે, ભારત તેનું નેતૃત્વ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમ જેમ દેશો ભવિષ્યની ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યા છે, તેમ ભારત તેના યુવાનોને ઝડપથી બદલાતી દુનિયામાં ખીલવા માટે જરૂરી કૌશલ્યો અને ક્ષમતાઓથી સજ્જ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે", તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ છેલ્લા 12 વર્ષોમાં ભારતના રોજગાર ઇકોસિસ્ટમમાં આવેલા એક નોંધપાત્ર પરિવર્તન તરફ પણ ધ્યાન દોર્યું હતું, જેના પર અવારનવાર ઓછું ધ્યાન જાય છે પરંતુ તે વિકસિત ભારતના માર્ગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. "સરકારનું ધ્યાન રોજગારને સુરક્ષા, ગરિમા અને સામાજિક સુરક્ષા સાથે જોડવા પર રહ્યું છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ને આધુનિક બનાવવા, પેન્શન પ્રણાલીને સરળ બનાવવા અને લાખો કામદારો માટે આરોગ્ય વીમો તથા સસ્તી આરોગ્યસંભાળની પહોંચ વિસ્તારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જ ફિલોસોફી સરકાર દ્વારા કરવામાં આવેલા શ્રમ સુધારાઓને માર્ગદર્શન આપે છે", તેમ શ્રી મોદીએ નોંધ્યું હતું.
પ્રધાનમંત્રીએ ભારતના આર્થિક અને સામાજિક વિકાસમાં મહિલાઓના વધતા યોગદાન પર પણ પ્રકાશ પાડ્યો હતો. "નાઇટ-શિફ્ટ રોજગાર સંબંધિત સુધારાઓ, વર્ક-ફ્રોમ-હોમની તકોને પ્રોત્સાહન અને કાર્યસ્થળની સુરક્ષા પ્રણાલીઓને મજબૂત કરવાનો હેતુ કાર્યબળમાં મહિલાઓની ભાગીદારીને વધુ વધારવાનો છે", તેમ શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
ઉદ્યોગના પ્રતિનિધિઓને સંબોધતા શ્રી મોદીએ એકવીસમી સદીમાં આર્થિક સફળતા નક્કી કરવામાં કુશળ પ્રતિભા, નવીનતા અને ગુણવત્તાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે અવલોકન કર્યું કે જે દેશો પાસે આ શક્તિઓ હશે તેઓ સૌથી મોટી તકોને આકર્ષિત કરશે, અને દાવો કર્યો કે ભારત પાસે આ ત્રણેય ક્ષેત્રોમાં અભૂતપૂર્વ ક્ષમતા છે. "વિશ્વ ભારતના સ્વાગત માટે તેના દરવાજા વધુને વધુ ખોલી રહ્યું છે અને લગભગ ચાલીસ દેશો સાથે મુક્ત વેપાર કરારો (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ) પૂર્ણ થયા છે. આ કરારો નવા બજારો બનાવી રહ્યા છે, વૈશ્વિક ગ્રાહકો સુધી પહોંચ વિસ્તારી રહ્યા છે અને મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ બનેલી બ્રાન્ડ્સ માટે નવી તકો ઊભી કરી રહ્યા છે", તેમ શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી.
શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે કોઈ રાષ્ટ્ર વૈશ્વિક દ્રષ્ટિકોણ અપનાવે છે, ત્યારે સફળતાની સીમાઓ સ્વાભાવિક રીતે વિસ્તરે છે. તેમણે જણાવ્યું કે એકવીસમી સદીમાં, તાલીમ, માર્ગદર્શન (મેન્ટરશિપ) અને ઇન્ટર્નશિપ હવે વૈકલ્પિક નથી પરંતુ ભવિષ્ય માટે તૈયાર કાર્યબળના આવશ્યક ઘટકો છે. "વિકસિત ભારત તરફની સફર માત્ર રોકાણ દ્વારા જ સંચાલિત થશે નહીં. તેના બદલે, તે પ્રતિભા, કૌશલ્ય અને નવીનતાની શક્તિ દ્વારા સંચાલિત થશે. રાષ્ટ્રીય વિકાસના દરેક ક્ષેત્રમાં ગુણવત્તા એ નિર્ણાયક માપદંડ રહેવી જોઈએ. વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરવા અને સફળ થવા માટે, ભારતે સતત સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા અને તેનાથી આગળ વધવું જ પડશે", તેમ શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું.
શ્રી મોદીએ અવલોકન કર્યું કે વિશ્વ આજે ભારત પાસે મોટી અપેક્ષાઓ રાખે છે. દેશના યુવાનોમાં અડગ વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવા ભારતીયો આ અપેક્ષાઓ પૂરી જ નહીં કરે પરંતુ તેમના સંકલ્પ, સર્જનાત્મકતા અને ક્ષમતાઓ દ્વારા તેનાથી પણ આગળ નીકળી જશે. તેમણે આ આત્મવિશ્વાસને વિકસિત ભારતની સાચી શક્તિ અને ભારતના યુવા શક્તિની અપાર ક્ષમતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ યુવાનોને અડચણો કે નિષ્ફળતાઓથી નિરાશ ન થવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. "દરેક નિષ્ફળતા મૂલ્યવાન પાઠ લાવે છે અને વ્યક્તિગત વિકાસ તથા ભવિષ્યની સફળતામાં યોગદાન આપે છે. યુવા મનની સાચી કસોટી પડકારોમાંથી સતત શીખવાની, સપનાઓને સિદ્ધિઓમાં બદલવાની અને દરેક સિદ્ધિ પછી નવી આકાંક્ષાઓ જગાડવાની તેની ક્ષમતામાં રહેલી છે", તેમ શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના યુવાનો અને ઉદ્યોગસાહસિકતાની ભાવનામાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, અને તમામ સહભાગીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી સમાપન કર્યું હતું તથા ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશના યુવા નાગરિકોની આકાંક્ષાઓ, નવીનતા અને મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
SM/JD
(रिलीज़ आईडी: 2275424)
आगंतुक पटल : 13