પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સ્લોવાક પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 15 JUN 2026 5:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું આજે ઐતિહાસિક બ્રાતિસ્લાવા કિલ્લા ખાતે સ્લોવાક પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબર્ટ ફિત્સો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આગમન પર, તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર (ઔપચારિક સ્વાગત) આપવામાં આવ્યું હતું.

બંને નેતાઓએ વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. તેમણે દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક ભાગીદારીના સ્તર પર લાવવાના નિર્ણયને આવકાર્યો હતો, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત કરે છે અને બંને દેશો વચ્ચેના સહિયારા મૂલ્યો તેમજ સમયસિદ્ધ મિત્રતાને પ્રતિબિંબિત કરે છે.

બંને પ્રધાનમંત્રીઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, અંતરિક્ષ, નાગરિક પરમાણુ, પુનઃપ્રાપ્ય ઊર્જા, ડિજિટલ ઇનોવેશન, શૈક્ષણિક આદાનપ્રદાન, સંસ્કૃતિ અને પ્રતિભા ગતિશીલતા સહિત દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરી હતી. તેમણે નવી અને ઉભરતી ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સુપરકોમ્પ્યુટર્સ જેવા નવા ક્ષેત્રોમાં સહયોગના માર્ગો પણ શોધ્યા હતા.

એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સ્લોવાકિયા દ્વારા ભારતને આપવામાં આવેલી એકજૂટતા અને સમર્થન બદલ પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ફિત્સોનો આભાર માન્યો હતો. આ બાબત તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા માટે બંને દેશોની મજબૂત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે બહુપક્ષીયતા અને વૈશ્વિક શાસન સંસ્થાઓના સુધારા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

નેતાઓએ તાજેતરની ભારત-યુરોપીયન સંઘ સમિટના પ્રોત્સાહક પરિણામો પર પ્રગાઢ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઐતિહાસિક ભારત-યુરોપીયન સંઘ મુક્ત વેપાર કરારના સફળ નિષ્કર્ષ તેમજ સંયુક્ત વ્યાપક વ્યૂહાત્મક એજન્ડાને અપનાવવાના નિર્ણયને આવકાર્યો હતો, જે બંને મળીને મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને ગાઢ બનાવવામાં એક મોટું પ્રગતિશીલ કદમ દર્શાવે છે.

વાટાઘાટો બાદ, ડિજિટલ ટેકનોલોજી, શ્રમ સ્થળાંતર, ઉચ્ચ શિક્ષણ અને સંશોધન તેમજ દ્રશ્ય-શ્રાવ્ય (ઑડિયો-વિઝ્યુઅલ) નિર્માણના ક્ષેત્રમાં સહયોગ માટેના સમજૂતી જ્ઞાપનોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. સંરક્ષણ ક્ષેત્રે સહયોગને પ્રોત્સાહન આપવા અંગેના આશય પત્રનું પણ આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. એ વાત પર પણ સહમતી સધાઈ હતી કે ભારત દ્વારા ટેકનિકલ યુનિવર્સિટી ઓફ કોસિસ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પ્રથમ ચેરની સ્થાપના કરવામાં આવશે.

પ્રધાનમંત્રી ફિત્સોએ પ્રધાનમંત્રીના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ તેમના યજમાનને પરસ્પર અનુકૂળ તારીખે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2273183) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada