માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી અશ્વિની વૈષ્ણવે MNIT જયપુર ખાતે એડવાન્સ્ડ કવોન્ટમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ્સની સ્થાપના કરવાની જાહેરાત કરી


વિદ્યાર્થીઓને લેમ રિસર્ચના (Lam Research) સેમીવર્સ સેમિકન્ડક્ટર ટ્રેનિંગ પ્લેટફોર્મની સુવિધા મળશે

प्रविष्टि तिथि: 11 JUN 2026 5:22PM by PIB Ahmedabad

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે માલવીયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MNIT), જયપુર ખાતે એક 'એડવાન્સ્ડ કવોન્ટમ કમ્પ્યુટિંગ એન્ડ કવોન્ટમ કમ્યુનિકેશન્સ લેબ' ની સ્થાપના કરવાની જાહેરાત કરી છે.

આ લેબની સ્થાપના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) ના ઇલેક્ટ્રોનિક્સ અને ICT એકેડેમિક પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે.

તે કવોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન (QKD), કવોન્ટમ કમ્પ્યુટિંગ સિમ્યુલેશન અને કવોન્ટમ સેન્સિંગ હાર્ડવેર કમ્પોનન્ટ્સમાં સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન તકનીકી લહેર ભલે AI દ્વારા સંચાલિત હોય, પરંતુ આગામી મોટી તકનીકી લહેરનું નેતૃત્વ કવોન્ટમ ટેક્નોલોજી દ્વારા કરવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ હેઠળ જે કામ હાથ ધરવામાં આવશે તે દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ લેબ કવોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન (QKD) માં પણ સંશોધન હાથ ધરશે, જે રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ છે. શ્રી વૈષ્ણવે MNIT જયપુરને પોસ્ટ-કવોન્ટમ ક્રિપ્ટોગ્રાફીના ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે આહવાન કર્યું હતું.

લેમ રિસર્ચનું "સેમીવર્સ" પ્લેટફોર્મ

કેન્દ્રીય મંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે MNIT જયપુરના વિદ્યાર્થીઓને લેમ રિસર્ચના "સેમીવર્સ" (Semiverse) પ્લેટફોર્મની સુવિધા મળશે. આ એક ડિજિટલ ટ્વીન-આધારિત સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન અને ટ્રેનિંગ ઇકોસિસ્ટમ છે.

સેમીવર્સ દ્વારા, વિદ્યાર્થીઓ હવે સેમિકન્ડક્ટર ચિપના માળખાનો 3D માં અભ્યાસ કરી શકશે, ચિપ ઉત્પાદનની પ્રક્રિયાઓને સમજી શકશે અને વર્ચ્યુઅલ વાતાવરણમાં ફેબ્રિકેશનના તબક્કાઓનું સિમ્યુલેશન કરી શકશે.

કેન્દ્રીય મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઉદ્યોગના અંદાજ મુજબ 1 મિલિયનથી વધુ સેમિકન્ડક્ટર ડિઝાઇન વર્કફોર્સની માંગ છે. ભારત આ અંતરને સરળતાથી ભરી શકે છે. NVIDIA, Qualcomm, ARM અને AMD જેવી અગ્રણી કંપનીઓ ભારતમાં 2 અને 3 nm ની અદ્યતન સેમિકન્ડક્ટર ચિપ્સ ડિઝાઇન કરી રહી છે. આ બાબત માત્ર ડિઝાઇન વર્કફોર્સના કારણે જ શક્ય બની છે.

શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત સરકાર 'ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ' (C2S) પ્રોગ્રામના ભાગરૂપે દેશભરની 323 થી વધુ યુનિવર્સિટીઓને ઇલેક્ટ્રોનિક ડિઝાઇન ઓટોમેશન (EDA) ટુલ્સ પ્રદાન કરી રહી છે. આ ટુલ્સ સિનોપ્સિસ (Synopsys), કેડેન્સ (Cadence) અને રેનેસાસ (Renesas) જેવી અગ્રણી કંપનીઓના અત્યાધુનિક સેમિકન્ડક્ટર ડિઝાઇન ટુલ્સ છે.

આ સાધનોનો ઉપયોગ કરીને, ભારતભરની સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલી 100 થી વધુ ચિપ્સ સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL), મોહાલી ખાતે બનાવવામાં (ફેબ્રિકેટ કરવામાં) આવી છે. મંત્રીએ વિદ્યાર્થીઓને આ અદ્યતન EDA ટુલ્સનો સંપૂર્ણ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ

કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી હતી કે MNIT જયપુર ખાતે એક AI લેબ પણ સ્થાપિત કરવામાં આવશે. આ લેબ સંશોધન અને ઇનોવેશન માટે અદ્યતન કમ્પ્યુટ અને સાધનો સહિતની સુવિધાઓ પૂરી પાડશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ લેબને ઇન્ડિયાએઆઇ (IndiaAI) મિશનના નેટવર્ક સાથે જોડવાનો રહેશે. આ સંદર્ભમાં, તેમણે ડીપફેક ડિટેક્શન ટેક્નોલોજી સંબંધિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી જોધપુર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો.

મેકર્સ લેબનું ઉદ્ઘાટન

ત્યારબાદ, કેન્દ્રીય મંત્રીએ રાજસ્થાન સરકારના ઊર્જા વિભાગના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી હીરાલાલ નગર અને રાજસ્થાન વિધાનસભાના સભ્ય (સિવિલ લાઇન્સ જયપુર) શ્રી ગોપાલ શર્માની સાથે MNIT જયપુર ખાતે 'મેકર્સ લેબ' (Makers Lab) નું ઉદ્ઘાટન કર્યું હતું.

મેકર્સ લેબ વિદ્યાર્થીઓને સોફ્ટવેર અને હાર્ડવેર બંને ટેક્નોલોજીમાં પ્રાયોગિક અને વ્યવહારુ તાલીમની તકો પૂરી પાડશે. આમાં સેન્સર્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, કમ્પ્યુટ ડિવાઇસીસ અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સનો સમાવેશ થશે.

આ મુલાકાત દરમિયાન અગાઉ, શ્રી વૈષ્ણવે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓએ AI, રોબોટિક્સ, ડ્રોન, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ અને પોસ્ટ-કવોન્ટમ ક્રિપ્ટોગ્રાફીના ક્ષેત્રોમાં વિવિધ પ્રોજેક્ટ્સ અને એપ્લિકેશન્સનું પ્રદર્શન કર્યું હતું.


SM/IJ/JD


(रिलीज़ आईडी: 2271800) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Assamese , Kannada