સંસ્કૃતિ મંત્રાલય
ભગવાન બુદ્ધના મુખ્ય શિષ્યોના પવિત્ર અસ્થિ અવશેષોનું મોંગોલિયા ખાતેનું ઐતિહાસિક 10-દિવસીય પ્રદર્શન પૂર્ણ થયું
મોંગોલિયામાં અંદાજે એક લાખ શ્રદ્ધાળુઓએ અરહંત સારીપુત્ર અને અરહંત મહામોગ્ગલ્લાનમના પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલિ અર્પી
प्रविष्टि तिथि:
10 JUN 2026 6:11PM by PIB Ahmedabad
ભગવાન બુદ્ધના બે મુખ્ય શિષ્યો, અરહંત સારીપુત્ર અને અરહંત મહામોગ્ગલ્લાનમના પવિત્ર અસ્થિ અવશેષો, મોંગોલિયાના ઉલાનબાતારમાં ગંદન તેગચેનલિંગ મઠ ખાતે 10 દિવસના અત્યંત સફળ પ્રદર્શન પછી આજે ભારત પરત આવ્યા છે. ગંદન તેગચેનલિંગ મઠની વિનંતી પર, સંસ્કૃતિ મંત્રાલય હેઠળના નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયા (ભારતના રાષ્ટ્રીય સંગ્રહાલય) દ્વારા મધ્યપ્રદેશ સરકાર, શ્રીલંકાની મહાબોધિ સોસાયટી અને ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન (IBC) ના સહયોગથી 31 મે થી 09 જૂન 2026 દરમિયાન આ પવિત્ર અવશેષોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન 31 મે 2026 ના રોજ મોંગોલિયન બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર અવસરે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આસામના માનનીય રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્ય દ્વારા 30 મે 2026ના રોજ મોંગોલિયાના શિક્ષણ મંત્રી મહામહિમ શ્રી એન્ખ-અમગાલન અને ગંદનતેગચેનલિંગ મઠના પરમ પૂજ્ય વેન ખામ્બા નોમુન ખાન ગેશે લહારમ્પા ડી જાવઝાનદોર્જને આ પવિત્ર અવશેષો ઔપચારિક રીતે સોંપવામાં આવ્યા હતા.
ઑક્ટોબર 2025 માં મોંગોલિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ખુરેલસુખ ઉખનાની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. ભારત અને મોંગોલિયા બૌદ્ધ ધર્મમાં આધારીત ઊંડા સભ્યતા અને આધ્યાત્મિક સંબંધો ધરાવે છે, અને આ પ્રદર્શને મોંગોલિયાના લોકોને પવિત્ર અવશેષો પ્રત્યે શ્રદ્ધા સુમન અર્પણ કરવાની એક અનોખી તક પૂરી પાડી હતી. 10 દિવસના આ પ્રદર્શન દરમિયાન, સમગ્ર મોંગોલિયામાંથી અંદાજે એક લાખ શ્રદ્ધાળુઓએ આદરપૂર્વક નમન કરવા મઠની મુલાકાત લીધી હતી. મોંગોલિયાની વસ્તી અંદાજે 34 લાખ (3.4 મિલિયન) છે.
આજ દિન સુધી આ પવિત્ર અવશેષો માત્ર થાઇલેન્ડ અને મોંગોલિયા જ મોકલવામાં આવ્યા છે. અત્રે એ યાદ કરી શકાય કે જૂન 2022 માં મોંગોલિયામાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રદર્શન પણ અત્યંત સફળ અને યાદગાર ઘટના રહી હતી.

પ્રદર્શનના અનુસંધાને, ભારતના રાષ્ટ્રીય સંગ્રહાલય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદે બૌદ્ધ ધર્મ પર આધારિત નીચેના વિશેષ પ્રદર્શનોનું આયોજન કર્યું હતું, જેને જનતા, ભિક્ષુઓ અને વિદ્વાનો દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી:
i) ‘સારિપુત્ર અને મોગ્ગલ્લાન – જ્ઞાન, ભક્તિ અને પવિત્ર અવશેષોની યાત્રા’ – આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ દ્વારા
ii) ‘ભારતથી મંગોલિયા: આંતરિક એશિયામાં બુદ્ધ ધર્મના પ્રસારની ગાથા’ – આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ દ્વારા
iii) ‘પ્રકાશના પાત્રો: પ્રતિમાશાસ્ત્ર, પવિત્ર અવશેષો અને ધમ્મનો માર્ગ (ભારતના સંગ્રહાલય સંગ્રહોમાં શાક્યમુનિ બુદ્ધની યાત્રા)’ – ભારતના રાષ્ટ્રીય સંગ્રહાલય દ્વારા.

પ્રોટોકોલ અને સુરક્ષાની દ્રષ્ટિએ આ પવિત્ર અવશેષોને દેશના વડા (હેડ ઓફ સ્ટેટ) નો દરજ્જો પ્રાપ્ત છે. આસામના માનનીય રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્યના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળ સાથે ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા 30 મે 2026 ના રોજ આ અવશેષોને મોંગોલિયા લાવવામાં આવ્યા હતા. લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેનાના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળ દ્વારા ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનમાં આ અવશેષોને આજે ભારત પરત લાવવામાં આવ્યા હતા. ગંદન તેગચેનલિંગ મઠ ખાતે ઔપચારિક સ્વાગત અને વિદાય સમારંભોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોંગોલિયા સરકારે આ પ્રદર્શન માટે પૂર્ણ સહયોગ આપ્યો હતો, જ્યારે ગંદન તેગચેનલિંગ મઠે પવિત્ર અવશેષોના આદરણીય દરજ્જા અનુસાર કાર્યક્રમના ધાર્મિક પાસાઓની દેખરેખ રાખી હતી. આજે મઠ ખાતે યોજાયેલા સમાપન સમારોહ દરમિયાન, પરમ પૂજ્ય વેન ખામ્બા નોમુન ખાન ગેશે લહારમ્પા ડી. જાવઝાનદોર્જ, મહામહિમ શ્રી એન્ખ-અમગાલન, લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના, શ્રીલંકાની મહાબોધિ સોસાયટીના પ્રમુખ વેન બનાગલા ઉપતિસ્સા થેરો અને ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી શાર્તસે ખેનસુર રિનપોચે જાંગછુબ ચોએડેન સહિતના વક્તાઓએ મોંગોલિયામાં આ પ્રદર્શનની સુવિધા પૂરી પાડવા બદલ ભારત સરકાર અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

ભારત પરત ફરતા પહેલા, મહામહિમ શ્રી એન્ખ-અમગાલન અને પરમ પૂજ્ય વેન ખામ્બા નોમુન ખાન ગેશે લહારમ્પા ડી. જાવઝાનદોર્જ દ્વારા લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેનાને આ પવિત્ર અવશેષો ઔપચારિક રીતે સોંપવામાં આવ્યા હતા. પ્રસ્થાન પૂર્વે એરપોર્ટ પર, મોંગોલિયામાં ભારતના રાજદૂત શ્રી અતુલ મલ્હારી ગોત્સૂર્વેએ લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નરને મોંગોલિયન છોડ (રોપો) ભેટ આપ્યું હતું. ભારત અને મોંગોલિયા વચ્ચેના કાયમી સંબંધો અને આધ્યાત્મિક બંધનના પ્રતીક તરીકે આ રોપાને લદ્દાખમાં રોપવામાં આવશે.
પ્રતિનિધિમંડળ અને ગંદન તેગચેનલિંગ મઠે આ પ્રદર્શનના સફળ આયોજનમાં સક્રિય સહયોગ આપવા બદલ મોંગોલિયામાં ભારતીય દૂતાવાસનો આભાર માન્યો હતો. આ ઘટનાએ ભારત અને મોંગોલિયા વચ્ચેના સદીઓ જૂના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કર્યા છે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2271300)
आगंतुक पटल : 14