ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
ગ્રાહક બાબતોના વિભાગે કાનૂની માપવિજ્ઞાન (લીગલ મેટ્રોલોજી) માળખા હેઠળ ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેક સાઈઝ નિર્ધારિત કરી
સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં સુધારાનો ઉદ્દેશ્ય કિંમતોની તુલના સરળ બનાવવાનો, પારદર્શિતા વધારવાનો અને સમાન પેકેજિંગ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે
ત્રણ મહિનાનો સંક્રમણ સમયગાળો (ટ્રાન્ઝિશન પીરિયડ) આપવામાં આવ્યો; જોગવાઈઓ સ્થાનિક અને આયાતી ખાદ્ય તેલો પર લાગુ થશે
કાનૂની માપવિજ્ઞાન માળખા હેઠળ સુધારેલી SoP સમાન પેક સાઈઝ અને કદ (વોલ્યુમ)ની સાથે સમકક્ષ વજનની જાહેરાત માટેની જોગવાઈ પૂરી પાડે છે
प्रविष्टि तिथि:
06 JUN 2026 4:04PM by PIB Ahmedabad
ગ્રાહકો માટે પારદર્શિતા વધારવા અને ન્યાયી વ્યાપાર પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, ગ્રાહક બાબતોના વિભાગે કાનૂની માપવિજ્ઞાન (લીગલ મેટ્રોલોજી) માળખા હેઠળ ખાદ્ય તેલો અને ચરબીની ચોખ્ખી માત્રા (નેટ કવોન્ટિટી) અને પ્રમાણભૂત પેક સાઈઝ નક્કી કરવા માટે તારીખ 29.12.2023 ના રોજની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SoP) માં સુધારો કર્યો છે.
આ નિર્ણય દેશના ખાદ્ય તેલ ક્ષેત્રના આશરે 90 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણી ખાદ્ય તેલ ઉદ્યોગ સંગઠનો સાથે વ્યાપક પરામર્શ બાદ લેવામાં આવ્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય બજારમાં વિવિધ પેકેજ સાઈઝના વધી રહેલા પ્રમાણને રોકવાનો છે, જેના કારણે ઘણીવાર ગ્રાહકો માટે કિંમતોની તુલના કરવી અને સમજી-વિચારીને ખરીદીના નિર્ણયો લેવાનું મુશ્કેલ બને છે.
ખાદ્ય તેલના પેકેજિંગ અને લેબલિંગ માટે ગ્રાહક-કેન્દ્રીય મોટા સુધારાઓની જાહેરાત
- મુખ્ય ખાદ્ય તેલો અને મિશ્રિત (બ્લેન્ડેડ) ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેક સાઈઝ નિર્ધારિત કરવામાં આવી છે.
- ગ્રાહકો વિવિધ બ્રાન્ડ્સ વચ્ચે કિંમતોની તુલના વધુ સરળતાથી કરી શકશે અને નાણાંનું સાચું મૂલ્ય સચોટ રીતે આંકી શકશે.
- પારદર્શિતા સુધારવા માટે કદ (વોલ્યુમ) અને સમકક્ષ વજન બંને દર્શાવવાના રહેશે.
- જોગવાઈઓ ભારતમાં ઉત્પાદિત થતા સ્થાનિક અને આયાત કરાતા બંને પ્રકારના ખાદ્ય તેલો પર લાગુ થશે.
- ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારો માટે ત્રણ મહિનાનો સંક્રમણ સમયગાળો (ટ્રાન્ઝિશન પીરિયડ) આપવામાં આવ્યો છે.
પ્રમાણભૂત પેક સાઈઝ નિર્ધારિત કરવામાં આવી સુધારેલી SoP મુખ્ય ખાદ્ય તેલો અને મિશ્રિત ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેક સાઈઝ નિર્ધારિત કરે છે, જેમાં પામ ઓઇલ, સોયાબીન ઓઇલ, સનફ્લાવર ઓઇલ, મસ્ટર્ડ/રેપસીડ (રાઈ અને સરસવ) ઓઇલ, ગ્રાઉન્ડનટ (સીંગતેલ) ઓઇલ, સેસમી (તલનું) ઓઇલ, રાઇસ બ્રાન ઓઇલ, કોટનસીડ (કપાસિયા) ઓઇલ અને કોર્ન (મકાઈનું) ઓઇલ સામેલ છે.
મંજૂર કરાયેલી પ્રમાણભૂત પેક સાઈઝ નીચે મુજબ છે:
- 200 મિલી/ગ્રામ
- 500 મિલી/ગ્રામ
- 1 લીટર/કિલોગ્રામ
- 2 લીટર/કિલોગ્રામ
- 3 લીટર/કિલોગ્રામ
- 4 લીટર/કિલોગ્રામ
- 5 લીટર/કિલોગ્રામ
- 15 લીટર/કિલોગ્રામ
- 20 લીટર/કિલોગ્રામ
આ પ્રમાણભૂત કદ ગ્રાહકોને વિવિધ બ્રાન્ડ્સ વચ્ચે કિંમતોની તુલના વધુ સરળતાથી કરવામાં અને સમજી-વિચારીને ખરીદીના નિર્ણયો લેવામાં મદદ કરશે.
ગ્રાહકોની પસંદગીનું રક્ષણ 200 મિલી અથવા 200 ગ્રામથી ઓછી માત્રા ધરાવતા પેકેજો પ્રમાણીકરણના ક્ષેત્રની બહાર રહેશે, જેથી ગ્રાહકો માટે સસ્તા નાના પેક સતત ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરી શકાય. ગૌણ ખાદ્ય તેલો (માઇનર એડિબલ ઓઇલ્સ) ને પણ પ્રમાણભૂત પેક સાઈઝની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વધારાના પગલાં અને અમલીકરણ જો ખાદ્ય તેલની માત્રા લીટર અથવા મિલીલીટરમાં (વોલ્યુમ) દર્શાવવામાં આવી હોય, તો પેકેજ પર તેનું સમકક્ષ વજન પણ સ્પષ્ટપણે દર્શાવવું આવશ્યક રહેશે. આ જરૂરિયાત કાનૂની માપવિજ્ઞાન (પેકેજ્ડ કોમોડિટીઝ) નિયમો, 2011 અનુસાર અનુસરવામાં આવશે. આનાથી ગ્રાહકો વિવિધ બ્રાન્ડ્સના ઉત્પાદનોની તુલના વધુ સરળતાથી કરી શકશે અને ખરીદીના વધુ સારા નિર્ણયો લઈ શકશે.
નવી જોગવાઈઓ ભારતમાં ઉત્પાદિત થતા ખાદ્ય તેલ અને આયાત કરાતા ખાદ્ય તેલ બંને પર લાગુ થશે. સેમ્પલિંગ, ટેસ્ટિંગ, ચોખ્ખી માત્રાની તપાસ અને સ્વીકાર્ય ભૂલો (પર્મિસિબલ એરર્સ) સંબંધિત વર્તમાન નિયમો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને કાનૂની માપવિજ્ઞાન (પેકેજ્ડ કોમોડિટીઝ) નિયમો, 2011 દ્વારા સંચાલિત થવાનું ચાલુ રહેશે. ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારોને નવી જરૂરિયાતો લાગુ કરવા માટે ત્રણ મહિનાનો સંક્રમણ સમયગાળો મળશે. જો કે, જે વ્યવસાયો પ્રમાણભૂત પેક સાઈઝ વહેલી અપનાવવા માંગતા હોય તેઓ તાત્કાલિક તેમ કરી શકે છે.
પ્રમાણભૂત પેક સાઈઝની રજૂઆતથી ગ્રાહકો માટે બ્રાન્ડ્સ વચ્ચે કિંમતોની તુલના કરવાનું અને તેઓને તેમના નાણાંનું શું મૂલ્ય મળી રહ્યું છે તે સમજવાનું સરળ બનશે. તે ગ્રાહકોને વધુ માહિતગાર અને પારદર્શક ખરીદીના નિર્ણયો લેવામાં પણ મદદ કરશે. પેકેજિંગ પદ્ધતિઓમાં વધુ સમાનતા લાવીને આ પહેલ ખાદ્ય તેલ ઉદ્યોગને પણ ફાયદો પહોંચાડશે. પ્રમાણભૂત પેક સાઈઝ પાલન (કમ્પ્લાયન્સ) ને સરળ બનાવશે, ઉત્પાદકો અને આયાતકારો વચ્ચે ન્યાયી સ્પર્ધાને પ્રોત્સાહિત કરશે અને વધુ પારદર્શક બજાર બનાવવામાં મદદ કરશે.
ગ્રાહક બાબતોનો વિભાગ બજારમાં પારદર્શિતા, ન્યાયીપણું અને ગ્રાહક વિશ્વાસને પ્રોત્સાહન આપતા સુધારાઓ દ્વારા ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2269800)
आगंतुक पटल : 25