પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ

प्रविष्टि तिथि: 05 JUN 2026 8:45PM by PIB Ahmedabad

ભારત માતા કી જય। ભારત માતા કી જય। ભારત માતા કી જય।

ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્ર ભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી સી આર પાટીલ, રાજ્યના ઉપમુખ્યમંત્રી ભાઈ હર્ષ સંઘવી, ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, ઉપસ્થિત અન્ય મંત્રીગણ, જનપ્રતિનિધિગણ અને અહીં ઉપસ્થિત સુરતના મારા વહાલા ભાઈઓ અને બહેનો.

કેમ છો બધા, અને આપણું સુરત મજામાં છે ને? તું શું લઈને આવ્યો છે ભાઈ, ધન્યવાદ દોસ્ત, ખૂબ સરસ ચિત્ર બનાવ્યું છે તેં, જરા એસપીજીના લોકો, આ ભાઈ ભેટ આપવા માંગે છે, ખૂબ આભાર ભાઈ, મારી ટીમને આપી દો.

સાથીઓ,

મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.

સાથીઓ,

મને ઘણી વાર લાગે છે કે, આ સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે, અને આ સ્પિરિટ હોય, તો જ પર્યાવરણ દિવસ પર પ્રત્યેક પરિવારને જોડીને, આવા 15000 પર્યાવરણને સમર્પિત, આવા ખૂબ સરસ પોસ્ટર બનાવીને લોકો લાવ્યા છે. જે-જે પરિવારના સાથીઓએ આ કાર્ય કર્યું છે, તે બધાનું હું ખૂબ-ખૂબ અભિનંદન કરું છું. કારણ કે જ્યારે તેમણે આ વિચાર કર્યો હશે ને, તો તેમનું મન હવે આ પર્યાવરણની રક્ષામાં લાગ્યું હશે. અને આપણા કાઠિયાવાડના ઘણા બધા ભાઈઓ અહીં સુરતમાં રહે છે, અને તેમની ત્યાં ખેતી છે, તો મારો તેમને એક આગ્રહ છે કે પર્યાવરણના એક કાર્યના ભાગ રૂપે ‘ખેતર બચાવો’, તે અભિયાનમાં જોડાઈ જાય. કેમિકલ ફ્રી ખેતી, આપણા વડીલો જે પ્રાકૃતિક ખેતી કરતા હતા, અને હું તો સુરતના જે-જે લોકોની જ્યાં-જ્યાં ખેતી હોય, બધાને મારે હકથી કહેવું છે, કે આટલું મારું કામ કરજો.

સાથીઓ,

અહીં બધાએ મારું સ્વાગત કર્યું, અલગ-અલગ સ્મૃતિ ચિહ્ન આપ્યા, ભેટ-સોગાદ આપી, પરંતુ આ સિવાય પણ અનમોલ ભેટ સુરતે મને આપી છે, આનાથી પણ વધુ મૂલ્યવાન. સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. 1 લાખ લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું. મારા માટે આ સૌથી મોટી સોગાત છે અને હું 1 લાખ લોકોનો અને આખા સુરતનો હૃદયથી આભાર માનું છું. લોકોને થતું હશે કે આ કેવો પ્રધાનમંત્રી છે? સ્વાગતમાં કચરો મળ્યો તેનું ગૌરવ કરી રહ્યો છે, કારણ કે મારે સ્વચ્છતાને સંસ્કાર બનાવવી છે. 1 લાખ લોકોનું જોડાવું, એટલે કે 1 લાખ પરિવારોનું જોડાવું, અને આ માત્ર સ્વચ્છતાનું અભિયાન નથી, આ એક પ્રકારે સ્વસ્થ ભવિષ્ય માટે સંસ્કાર પર્વ છે, અને તેના માટે સુરતના તમામ સાથીઓ ખૂબ-ખૂબ અભિનંદનના અધિકારી છે.

સાથીઓ,

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી, હું પહેલીવાર ગુજરાત આવ્યો છું, સુરત આવ્યો છું. હું સુરતથી, આખા ગુજરાતના લોકોનું વંદન કરું છું, અભિનંદન કરું છું.

સાથીઓ,

અઢી દાયકા કરતા વધુનો સમય થઈ ગયો છે, તમે અમે બધા, ભાજપને, નિરંતર પોતાના આશીર્વાદ આપી રહ્યા છો. અને સમયની સાથે આ આશીર્વાદ વધતા જ જઈ રહ્યા છે. જુઓ એક દીકરી આપ સૌને ખેંચીને લઈ ગઈ. હાલમાં જ, જિલ્લા પરિષદ, તાલુકા પરિષદ, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ થઈ છે. આમાં ગુજરાતના લોકોએ ભાજપને એટલું સમર્થન આપ્યું, કે જૂના બધા રેકોર્ડ તૂટી ગયા. અને હું આજે વધારે ખુશ એટલા માટે છું કે મારા રેકોર્ડ પણ આપ સૌએ તોડી દીધા. હું રાજનીતિમાં બહુ મોડો આવ્યો હતો, કદાચ 87 માં હું પોલિટિક્સમાં આવ્યો, અને ત્યારબાદ પહેલી ચૂંટણી હતી સુરત અમદાવાદ કોર્પોરેશન વગેરેની, અને પહેલી ચૂંટણીમાં અમે ભારે વિજય પ્રાપ્ત કર્યો, અને ત્યારથી લઈને આજ સુધી આ વિજયની યાત્રા ચાલી જ રહી છે. દુનિયાના લોકતાંત્રિક સમાજમાં, એવું ભાગ્યે જ જોવા મળે છે. કોઈપણ પક્ષને આટલા લાંબા સમય સુધી જનતા જનાર્દનના આશીર્વાદ મળવા અને સેવાની તક મળવી, આ બહુ મોટી વાત છે.

સાથીઓ,

અહીં સુરત અને નવસારીના અનેક ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓ પણ આવેલા છે. હું આપ સૌને પણ ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. આપણે બધાએ હંમેશા યાદ રાખવાનું છે, ગુજરાતની જનતાએ આપણા સેવા ભાવને પોતાનું સમર્થન આપ્યું છે. આ પ્રચંડ વિજય, સેવાના આ મિશનને વધુ વિસ્તાર આપવા માટે છે. આપણે બધાએ, હવે હજુ પણ વધુ પરિશ્રમ કરવાનો છે. આપણો સંકલ્પ, વિકસિત ગુજરાત, વિકસિત ભારત, આ સંકલ્પને સિદ્ધ કરવો, સેવાના ભાવથી સમર્પિત થઈને કરવાનો છે. જ્યારે હું કહું છું, સુરત એક શહેર નથી, સુરત એક સ્પિરિટ છે, આની પાછળ મારું દ્રઢ વલણ છે. તમે કલ્પના કરી શકો છો, આખા હિન્દુસ્તાનમાં જે શહેર સતત સ્વચ્છતાના એવોર્ડ પ્રાપ્ત કરતું હોય, સ્વાભાવિક છે તેનું મન થઈ જાય, યાર બહુ થઈ ગયું, આટલા એવોર્ડ લઈ લીધા, હવે શું કરવું છે. પરંતુ સુરત એવું નથી કરી રહ્યું, તે આજે પણ સફાઈના અભિયાનને પ્રાથમિકતા આપે છે, ત્યારે હું કહું છું, સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે.

સાથીઓ,

આ જે આપણો સંકલ્પ છે, વિકસિત ભારતનો, વિકસિત ગુજરાતનો. આ સંકલ્પ, દેશના ગામ, દરેક જિલ્લા, દરેક શહેરને, આપણે જ્યારે વિકસિત કરીશું, ત્યારે જ સિદ્ધ થવાનો છે. ઓનલા માટે, તમામ ચૂંટાયેલા ભાજપ જન-પ્રતિનિધિઓની ભૂમિકા બહુ મોટી છે.

સાથીઓ,

આજનો દિવસ એક અન્ય સુખદ સંયોગનો છે. આજે 5 જૂન, પર્યાવરણ દિવસ છે. અને પર્યાવરણ દિવસના આ અવસર પર, હું દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક, સુરતમાં છું. અને આ કેટલો મોટો ગર્વનો વિષય છે, આ એ જ સુરત છે, જે ક્યારેક પ્લેગ જેવી મહામારીથી પ્રભાવિત હતું, અને આજે સ્વચ્છતા માટે, ઓળખાઈ રહ્યું છે. આના માટે વિતેલા અઢી દાયકાથી નિરંતર પ્રયાસો કરવામાં આવ્યા છે. આમાં સુરતના તમામ લોકો, અધિકારી-કર્મચારી, જનપ્રતિનિધિ, બધાનું યોગદાન છે. મને જણાવવામાં આવ્યું છે કે વિતેલા થોડા દિવસોમાં અહીં સ્વચ્છતા માટે વિશેષ અભિયાન પણ ચાલ્યું છે. હું આપ સૌ સુરતના વાસીઓને, અને દેશી ભાષામાં કહીએ તો સુરતીઓને, મારા વહાલા સુરતીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. સુરતના વિકાસને ગતિ આપવા માટે આજે અહીં અનેક પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. હું આપ સૌને આ પ્રોજેક્ટ્સ માટે ખૂબ–ખૂબ વધામણી આપું છું.

સાથીઓ,

દુનિયા, હવે હરિત યુગ તરફ, ગ્રીન ફ્યુચર તરફ બહુ જ સાવધ થઈ ચૂકી છે, ધીમે-ધીમે કદમ રાખવાનો પ્રયાસ પણ કરી રહી છે. ભારત પણ ગ્રીન ગ્રોથ પર બહુ જ વધારે કામ કરી રહ્યું છે. અને આમાં પણ ગુજરાતે વર્ષો પહેલા જ તેજ કદમ ઉઠાવવાના શરૂ કરી દીધા હતા. ગુજરાત રાજ્ય છે, જેણે આ શતાબ્દીના પ્રારંભમાં જ સરકારે ક્લાઇમેટ ચેન્જનો અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો હતો. એક અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો હતો. એવી વ્યવસ્થા બનાવનાર ગુજરાત, દેશનું પહેલું રાજ્ય હતું. અને જેવું હમણાં મુખ્યમંત્રીજીએ જેનું વર્ણન કર્યું, ગુજરાતના પોતાના પાટણના ચારણકા ગામમાં, ભારતનો પહેલો સોલર પાર્ક પણ બનાવવામાં આવ્યો હતો. અને એક પ્રકારે તે સમયે તો તે તીર્થ ક્ષેત્ર બની ગયું હતું, લોકો જોવા આવતા હતા કે આટલો, દૂર-દૂર સુધી દેખાય એટલો મોટો સોલર પ્લાન્ટ.

સાથીઓ,

ગુજરાતમાં તે સમયે આપ સૌએ જે કર્યું, તેણે આખા દેશને પ્રેરણા આપી છે. આજે ભારત, પ્રકૃતિની સાથે પ્રગતિનો મંત્ર લઈને વિકાસ કરી રહ્યું છે. ઇકોનોમી પણ, ઇકોલોજી પણ.

અને સાથીઓ,

સુરતમાં તો આ પ્રત્યક્ષ દેખાય છે. આજકાલ સુરતની 'સર્ક્યુલર વોટર ઇકોનોમી' ની બહુ ચર્ચા થાય છે. અહીં શહેરના વેસ્ટ વોટરને ટ્રીટ કરીને ઇન્ડસ્ટ્રીને સપ્લાય કરવામાં આવે છે. આનાથી ગંદા પાણીનું મેનેજમેન્ટ પણ થઈ જાય છે, અને પાણીમાંથી કમાણી પણ થાય છે. વિતેલા 12 વર્ષોથી દેશમાં વેસ્ટ ટુ વેલ્થનું એક બહુ મોટું જન-આંદોલન ચાલ્યું છે. આ આપણા શહેરોની સ્વચ્છતા અને તેમને ગ્રીન અને ક્લીન બનાવવામાં બહુ કામ આવી રહ્યું છે.

સાથીઓ,

હવે પ્રયાસ એ છે કે આવનારા કેટલાય દાયકાઓ સુધી સુરત માટે પીવાના પાણીની પૂરી વ્યવસ્થા હોય, આના માટે તાપી બેરાજ પ્રોજેક્ટ સ્વીકૃત કરવામાં આવ્યો છે. આ સિવાય વોટર મેનેજમેન્ટ અને વોટર ડ્રેનેજ પણ સરકારની બહુ મોટી પ્રાથમિકતા છે. આજે પણ અહીં આવા અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું છે.

સાથીઓ,

સુરત માત્ર સ્વચ્છતા અને સર્ક્યુલર ઇકોનોમી સુધી જ સીમિત નથી. બલ્કે ગ્રીન ગ્રોથના બીજા માધ્યમોનો પણ અભૂતપૂર્વ ગતિથી વિસ્તાર થઈ રહ્યો છે. હવે જેમ કે ઇલેક્ટ્રિક મોબિલિટી છે. સુરત, એવી વ્યવસ્થા બનાવવામાં જૂટ્યું છે, જ્યાં રસ્તાઓ પર ચાલનારી બધી બસો ઇલેક્ટ્રિક હશે. સાથે જ અહીં સુરત મેટ્રોનો પણ વિસ્તાર થઈ રહ્યો છે. આ બધા પગલાં, હરિત શહેર તરીકે સુરતની ઓળખને વધુ સશક્ત કરશે. અને હા, આવનારા સમયમાં, હઝીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ગ્રીન સ્ટીલના ઉત્પાદન માટે પણ ઓળખાશે. એટલે કે સ્ટીલના પ્રોડક્શનમાં, ગ્રીન ઊર્જાનો ઇસ્તેમાલ થશે.

સાથીઓ,

આજે દુનિયા અભૂતપૂર્વ પડકારોના દોરમાંથી પસાર થઈ રહી છે. થોડા સમય પહેલાં મેં કહ્યું હતું, કે આ દાયકો, દુનિયા માટે આપત્તિનો દાયકો સિદ્ધ થઈ રહ્યો છે. આપણે વિતેલા સમયમાં એક પછી એક વૈશ્વિક આપત્તિઓ જોઈ છે. પહેલાં બહુ મોટી કોરોનાની કટોકટી આવી, પછી જગ્યાએ-જગ્યાએ યુદ્ધ શરૂ થઈ ગયા, અને હવે આટલી મોટી ઊર્જા કટોકટી, આણે આખી દુનિયાને અસ્તવ્યસ્ત કરી દીધી છે. દુનિયાભરમાં પેટ્રોલની કિંમતોમાં સતત ઉતાર-ચઢાવ થઈ રહ્યો છે, ગેસની સપ્લાય ચેઈન ધ્વસ્ત થઈ રહી છે.

પરંતુ ભાઈઓ અને બહેનો,

મને બહુ સંતોષ છે કે 140 કરોડ ભારતીયોના સામૂહિક પ્રયાસોથી, દેશ આવા દરેક સંકટનો મજબૂતીથી મુકાબલો કરી રહ્યો છે. આ લડાઈમાં તમે મારી સાથે છો ને? આપણે આ લડાઈ પણ જીતવાની છે ને?

અને સાથીઓ,

આમાં પણ ગુજરાતની બહુ મોટી ભૂમિકા છે. વિતેલા વર્ષોમાં ગુજરાતે રિફાઇનિંગના ક્ષેત્રમાં, સોલર અને વિન્ડ પાવરના ક્ષેત્રમાં, પોતાનું જે સામર્થ્ય વધાર્યું છે, તે દેશના બહુ કામ આવી રહ્યું છે. આજે ભારતની રિન્યુએબલ કેપેસિટી, 250 ગીગાવોટ છે. આપણા દેશમાં ક્યારેય મેગાવોટથી આગળ વિચારવામાં જ નહોતું આવતું, આજે ગીગાવોટની ચર્ચા થઈ રહી છે. અને આમાં 50 ગીગાવોટનું યોગદાન એકલા ગુજરાતનું છે. 250 ગીગાવોટમાં 50 ગીગાવોટ, આપ સૌની તાકાત છે આ. એટલે કે દેશની ગ્રીન ઊર્જાનો પાંચમો ભાગ, એકલું ગુજરાત પ્રોડ્યુસ કરે છે. સૌર ઊર્જાના ઉત્પાદનમાં ગુજરાતે પ્રશંસનીય કામ કર્યું છે. અને હવે, જ્યારે દેશ ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા જેવા ક્ષેત્રોમાં કામ કરી રહ્યો છે, તો આમાં પણ ગુજરાતનો રોલ બહુ મોટો હોવાનો છે.

સાથીઓ,

આ જે વૈશ્વિક કટોકટી ચાલી રહી છે, તે દર્શાવે છે કે ઊર્જાની બાબતમાં આત્મનિર્ભરતા કેટલી જરૂરી છે. અને વિતેલા 12 વર્ષોમાં દેશે જે કેપેસિટી તૈયાર કરી છે, તેનું કેટલું મોટું મહત્વ છે. એક તરફ આપણે દુનિયાના અલગ-અલગ હિસ્સાઓમાંથી તેલ અને ગેસની આપૂર્તિ સુનિશ્ચિત કરી. બીજી તરફ આપણે રિન્યુએબલ એનર્જીમાં ઐતિહાસિક રોકાણ વધાર્યું. 12 વર્ષ પહેલાં ભારતમાં સૌર ઊર્જાનું ઉત્પાદન નામ માત્રનું હતું, આજે આપણે દુનિયાના ટોપ 5 દેશોમાંથી એક છીએ, 5 દેશોમાંથી એક છીએ. અને માત્ર સૌર ઊર્જા જ નહીં, આપણે ભારતમાં ઇથેનોલ બ્લેન્ડિંગની કેપેસિટી વધારી, રેલવેના વીજળીકરણને ગતિ આપી, પરમાણુ ઊર્જા પર કામ કર્યું, અમારું જે વીજળીનું ટ્રાન્સમિશન નેટવર્ક જૂનું થઈ ગયું હતું, તેનું આધુનિકીકરણ કર્યું, તેનો વિસ્તાર કર્યો. ગેસ પાઇપલાઇનના નેટવર્કનો દાયરો બહુ જ વધારે વધાર્યો. આપણા જે પોર્ટ છે, તેમની કેપેસિટી વધારી, જેથી ત્યાં વધુમાં વધુ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પહોંચી શકે અને જ્યાં સંભવ છે, ત્યાં સ્ટોર પણ થઈ શકે. આવનારા સમયમાં દેશનું આ સામર્થ્ય હજુ વધુ વધવાનું છે. આ દિશામાં અમારી સરકારના પ્રયાસો સતત ચાલુ છે.

સાથીઓ,

અહીં સુરતમાં તમારી વચ્ચે આવતા પહેલાં હું હજીરા ગયો હતો, અત્યારે હર્ષ ભાઈ જેનું વર્ણન કરી રહ્યા હતા. આત્મનિર્ભર ભારતનો શું મતલબ થાય છે, તે હજીરા જવાથી પણ સાફ દેખાય છે. હજીરા આજે માત્ર એક ઔદ્યોગિક ક્ષેત્ર નથી. આ એક એવું ઇકોસિસ્ટમ બની ચૂક્યું છે જ્યાં, ઊર્જા છે, સ્ટીલ છે, ડિફેન્સ પ્રોડક્શન છે, પોર્ટ છે, અને ગ્લોબલ ટ્રેડનું ઇકોસિસ્ટમ છે. હજીરા, દેશના એક મોટા મેરીટાઇમ-ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે, આત્મનિર્ભર ભારતના એક મોટા સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે.

પરંતુ સાથીઓ,

આજે દેશમાં કેટલાક નિરાશાવાદી લોકો છે, જે આત્મનિર્ભર ભારત અભિયાનની મજાક ઉડાવતા રહે છે. દેશના આ સંકલ્પને તેઓ સતત નીચો જ દેખાડે છે, આ એ લોકો છે જેમણે હંમેશા ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યું. તે લોકો એ ભૂલી જાય છે, કે બીજા પર નિર્ભર દેશ, વિકાસની એ ઊંચાઈ ક્યારેય પ્રાપ્ત નથી કરી શકતો, જેનો તે હકદાર છે.

સાથીઓ,

આત્મનિર્ભર ભારતને ગતિ આપવા માટે, આજે દેશનું કનેક્ટિવિટી પર બહુ જ વધારે ફોકસ છે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ, ભારતની આ જ પ્રાથમિકતાને દર્શાવે છે. આજે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના એક મોટા હિસ્સાનું ઉદ્ઘાટન થઈ ગયું છે. આ દેશના બે મોટા ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રેડ સેન્ટર્સને હજુ બહેતર કનેક્ટિવિટી આપશે.

સાથીઓ,

અમારો પ્રયાસ બધાને જોડવાનો છે, બધાને સમાન તક અને સુવિધા આપવાનો છે. દૂરા-સુદૂરના વિસ્તારો, આદિવાસી ક્ષેત્રો, જેમની સુધી સુવિધાઓ નહોતી પહોંચી, તેમની સુધી આજે આધુનિક કનેક્ટિવિટી પહોંચી રહી છે. દાહોદ-બોડેલી-વાપી કોરિડોર, આ જ સંકલ્પનું પ્રતિબિંબ છે. તમે વિચારો, નર્મદા અને તાપી જિલ્લાના આદિવાસી ક્ષેત્રો સુધી ફોર-લેનની સુવિધા પહોંચી રહી છે. આનાથી યાત્રાનો સમય બહુ ઓછો થશે, ભાડું ઓછું થશે, એટલે કે આદિવાસી અને ગ્રામીણ ક્ષેત્રોના લોકોને, ભણતર, દવા અને કમાણીની શ્રેષ્ઠ સુવિધા મળશે.

સાથીઓ,

આ કોરિડોરથી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપી જિલ્લાના આદિવાસી ક્ષેત્રો, આ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટથી જોડાઈ જશે. આનાથી, દક્ષિણ ગુજરાતના આદિવાસી ક્ષેત્રોમાં ટુરિઝમને પણ બળ મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા અને આસપાસના પર્યટન સ્થળો સુધી પહોંચવું બહુ સરળ થઈ જશે.

સાથીઓ,

आज અહીં સુરતમાં એક આધુનિક ESIC હોસ્પિટલનું પણ લોકાર્પણ થયું છે. આ હોસ્પિટલ આપણા શ્રમિક ભાઈઓ-બહેનો અને તેમના પરિવારો માટે, બહેતર આરોગ્ય સેવાઓનું નવું કેન્દ્ર બનશે. બીજા રાજ્યોમાંથી જે સાથીઓ અહીં રહેવા આવ્યા છે, રોજગાર કરવા આવ્યા છે, તેમને પણ આ હોસ્પિટલથી બહુ મદદ મળવાની છે.

સાથીઓ,

અમારી સરકાર, દેશના વિકાસને સર્વોપરી રાખતા કામ કરી રહી છે. અને એટલા માટે, દેશનો ભરોસો ભાજપ પર છે, ભાજપના વિકાસ કાર્યો પર છે. એટલા માટે દેશની જનતા વારંવાર ભાજપને જનાદેશ આપી રહી છે. હાલમાં જ થયેલી, બંગાળની ચૂંટણી, તમને લાગતું હશે કે મેં બંગાળ બોલી દીધું, એકદમથી અહીં ઊર્જા આવી ગઈ, પરંતુ મારો અનુભવ હતો, હું પાછલા દિવસોમાં 5 દેશોની યાત્રા પર હતો, ત્યાં પણ બંગાળ-બંગાળ ચાલી રહ્યું હતું, દરેક કોઈ બંગાળની ચર્ચા કરતું હતું. ચૂંટણી બંગાળની, અસામ અને પુડુચેરીની ચૂંટણીઓમાં, ભાજપને, એનડીએને બહુ મોટો જનાદેશ મળ્યો છે. આ સિવાય જે પંચાયતો અને કોર્પોરેશનની પણ ચૂંટણીઓ દેશભરમાં થઈ રહી છે, ત્યાં પણ બીજેપીને વિજય મળી રહ્યો છે.

સાથીઓ,

આવી દરેક ચૂંટણીનો એક જ મેસેજ છે, દેશ અરાજકતા, અનિશ્ચિતતા અને નિરાશાને પસંદ નથી કરતો. કોંગ્રેસ, વિતેલા 12 વર્ષોથી અરાજકતા અને અનિશ્ચિતતા ફેલાવીને પોતાના માટે અવસર શોધી રહી છે, પરંતુ દેશની જનતા, તેને વારંવાર કરારો જવાબ આપી રહી છે. ગુજરાતના તમે લોકોએ તો કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી છે, પરંતુ જ્યાં કોંગ્રેસની સરકારો છે, ત્યાં પણ જનતા કોંગ્રેસના કુશાસનથી કંટાળી ગઈ છે. હમણાં-હમણાં હિમાચલમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ, કોંગ્રેસની સરકાર છે, ત્યાં કોંગ્રેસ બુરી રીતે હારી ગઈ. હિમાચલની જનતાએ, કોંગ્રેસના કુશાસનને નકારી દીધું છે. આ પહેલાં, હરિયાણાની સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસને હાર મળી, અને પંજાબના લોકોએ પણ કોંગ્રેસને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. સંદેશ એ છે કે, કોંગ્રેસની પરજીવી પોલિટિક્સ નહીં ચાલે, કોંગ્રેસની અરાજકતામાં અવસર શોધવાની રાજનીતિ નહીં ચાલે. કર્ણાટકની જનતામાં પણ કોંગ્રેસ સરકારને લઈને બહુ આક્રોશ છે. અને આ જ કારણ છે, કે કર્ણાટકમાં પણ કોંગ્રેસને સીએમ બદલવા પડી રહ્યા છે.

સાથીઓ,

ભારત, નકારાત્મકતાથી ક્યાંય આગળ નીકળી ચૂક્યું છે. આ અસીમિત આશાવાદવાળો દેશ છે. અદ્ભુત આકાંક્ષાઓથી સજ્જ દેશ છે. ભારતના નાગરિકો સપનાઓથી ભરેલા છે, સંકલ્પોથી ભરેલા છે. અને સંકલ્પને સિદ્ધિમાં બદલવા માટે પ્રતિબદ્ધ જનતા જનાર્દન છે. અને જ્યારે દેશની જનશક્તિ સંકલ્પિત છે, તો દેશ દરેક લક્ષ્ય મેળવી શકે છે. અને આ જ, આ જ ભારતની તાકાત છે. આવો, આપણે વિકસિત ભારતના નિર્માણને મળીને, એકસાથે મળીને ગતિ આપીએ, આપણે સપનાઓને સંકલ્પમાં બદલીએ, અને સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત કરવા માટે પોતાને જોતરી દઈએ દોસ્તો. હું તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભો છું. તમે બે કદમ ચાલશો, હું ત્રણ કદમ ચાલવા માટે તૈયાર છું. રોકાવું અને થાકવું આપણને મંજૂર નથી. આ જ આહવાન સાથે, એકવાર ફરી વિકાસ પરિયોજનાઓ માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ.

ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

વંદે માતરમ.

વંદે માતરમ.

વંદે માતરમ.

વંદે માતરમ.

વંદે માતરમ.

વંદે માતરમ.

વંદે માતરમ.

વંદે માતરમ.

વંદે માતરમ.

વંદે માતરમ.

વંદે માતરમ.

SM/NP/JD


(रिलीज़ आईडी: 2269579) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी