પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
જાહેર ક્ષેત્રની OMCsના 48 રિટેલ આઉટલેટ્સ પર E85નો પ્રારંભ; પૈસા બચાવો, પર્યાવરણ બચાવો, વિદેશી હૂંડિયામણ બચાવો!
E85-સંચાલિત વાહનો ભારતીય ખેડૂતોના પરસેવા અને સખત મહેનતથી મેળવેલા સ્થાનિક સ્તરે ઉત્પાદિત ઇથેનોલ પર ચાલે છે: શ્રી હરદીપ સિંહ પુરી
સ્થાનિક સ્તરે ઉત્પાદિત ઇથેનોલના આર્થિક લાભો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે E85 ની કિંમત પરંપરાગત પેટ્રોલ કરતાં પ્રતિ લીટર અંદાજે ₹20 ઓછી રાખવામાં આવી છે
E85 કી અસલી તાકત યહ હૈ—ન આયાતિત તેલ, ન વિદેશી ખનિજ; ભારત કી ઉપજ, ભારત કી પ્રગતિ
प्रविष्टि तिथि:
05 JUN 2026 7:57PM by PIB Ahmedabad
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના અવસરે આજે નવી દિલ્હીમાં ઇન્ડિયનઓઇલના રિટેલ આઉટલેટ પર E85 ઇંધણ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને જાહેર ક્ષેત્રની OMCs ના સીએમડી (CMDs) પણ ઉપસ્થિત રહ્યા હતા.
E85 એ ઉચ્ચ-ઇથેનોલ મિશ્રિત ઇંધણ છે જેમાં 80-85% ઇથેનોલ અને 14-19% પેટ્રોલ સામેલ હોય છે, જે ખાસ કરીને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સ (FFVs) અપનાવવાની પ્રક્રિયાને સુવિધાજનક બનાવવાનો છે, જે ગ્રાહકોને કોઈ એક સિંગલ બ્લેન્ડ (મિશ્રણ) સુધી મર્યાદિત રાખ્યા વિના, E20 થી E100 સુધીના ઇથેનોલ મિશ્રણ પર ચાલવા સક્ષમ છે.
આ રોલઆઉટ દેશમાં જાહેર ક્ષેત્રની OMCs ના 48 રિટેલ આઉટલેટ્સ (ROs) પર શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી ફ્લેક્સ-ફ્યુઅલ વાહન વપરાશકર્તાઓ આ સ્વચ્છ ઇંધણ મેળવી શકશે. આ પહેલનો દેશવ્યાપી વિસ્તાર કરવાનું આયોજન છે. આ વ્યવસ્થાને ડિસેમ્બર 2026 સુધીમાં 500 રિટેલ આઉટલેટ્સ અને ડિસેમ્બર 2027 સુધીમાં અંદાજે 5000 રિટેલ આઉટલેટ્સ સુધી વધારવામાં આવશે અને તે વર્ષ 2030-31 સુધીમાં ભારતના કુલ ઇથેનોલ મિશ્રણના સ્તરને અંદાજે 26% સુધી લાવવામાં મદદ કરશે.

આ કાર્યક્રમમાં બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે સ્થિર ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરીને અને વૈશ્વિક ઊર્જા અસ્થિરતાથી ગ્રાહકોને મહત્તમ શક્ય મર્યાદા સુધી સુરક્ષિત રાખીને ઊર્જાની ઉપલબ્ધતા, પરવડે તેવી ક્ષમતા અને ટકાઉપણુંના "એનર્જી ટ્રાઇલેમા" (ઊર્જાની ત્રિપક્ષીય સમસ્યા) ને સફળતાપૂર્વક સંતુલિત કરવાની તેની ક્ષમતા પ્રદર્શિત કરી છે. તેમણે નોંધ્યું હતું કે ફેબ્રુઆરી 2026 થી ઇંધણના ભાવમાં સૌથી ઓછો વધારો કરનારા દેશોમાં ભારત સામેલ છે.
ઇથેનોલ મિશ્રણ વર્ષ 2014 માં 1.53%થી વધીને આજે 20% થયું છે તેના પર પ્રકાશ પાડતા, જે લક્ષ્યાંક સમયપત્રક કરતાં પાંચ વર્ષ વહેલો પ્રાપ્ત કરી લેવાયો છે, તેમણે જણાવ્યું હતું કે આ પરિવર્તને વિદેશી હૂંડિયામણમાં ₹1.84 લાખ કરોડથી વધુની બચત કરવામાં મદદ કરી છે અને અંદાજે 302 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલની આયાતને વિસ્થાપિત કરી છે. આ પ્રક્રિયા ભારતના ખેડૂતોના યોગદાનથી સંચાલિત થઈ છે, જેઓ દેશના "અન્નદાતા" માંથી હવે "ઊર્જાદાતા" પણ બન્યા છે.
E85ના ફાયદા:
- સ્થાનિક સ્તરે ઉત્પાદિત ઇથેનોલના આર્થિક લાભો ગ્રાહકો સુધી પહોંચાડવાની ખાતરી કરવા માટે E85 ની કિંમત પરંપરાગત પેટ્રોલ કરતાં પ્રતિ લીટર અંદાજે ₹20 ઓછી રાખવામાં આવી છે.
- E85 પર ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો પરંપરાગત પેટ્રોલ વાહનોની સરખામણીમાં લાઈફસાયકલ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં અંદાજે 61%નો ઘટાડો કરી શકે છે.
- આશરે 108 ના રિસર્ચ ઓક્ટેન નંબર (RON) સાથે, ઇથેનોલ શ્રેષ્ઠ નોક રેઝિસ્ટન્સ (ઝટકા પ્રતિરોધક ક્ષમતા) પ્રદાન કરે છે જે એન્જિનને ઉચ્ચ કમ્પ્રેશન રેશિયો અને ઓપ્ટિમાઇઝ્ડ ઇગ્નીશન ટાઇમિંગ પર કામ કરવાની મંજૂરી આપે છે.
- ઉચ્ચ ઇથેનોલ મિશ્રણ વધુ સ્વચ્છ અને વધુ સંપૂર્ણ દહનને પ્રોત્સાહન આપે છે, જેના પરિણામે પાર્ટિક્યુલેટ મેટરનું ઉત્સર્જન લગભગ શૂન્ય થાય છે, જે શહેરી હવાની ગુણવત્તા સુધારવામાં યોગદાન આપે છે.

આ વિગતને વધુ સ્પષ્ટ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, જો 50% નવા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો તરફ વળે છે, તો તેનાથી 312 કરોડ લીટરથી વધુ ઇથેનોલની માંગ ઊભી થઈ શકે છે અને તેના પરિણામે અંદાજે ₹12,403 કરોડ સીધા ખેડૂતો સુધી પહોંચશે. તેમણે ઉમેર્યું હતું કે આવા પરિવર્તનથી વાર્ષિક અંદાજે ₹15,151 કરોડની વિદેશી હૂંડિયામણની બચત થઈ શકે છે અને CO2 ના ઉત્સર્જનમાં 66.4 લાખ મેટ્રિક ટનનો ઘટાડો થઈ શકે છે.
ભારતની ફ્લેક્સ-ફ્યુઅલ સફર સ્થાનિક આકાંક્ષાઓ અને શક્તિઓને અનુરૂપ હોવાની સાથે સાબિત થયેલી વૈશ્વિક સફળતામાંથી પ્રેરણા મેળવે છે તેમ જણાવતા મંત્રીએ નોંધ્યું હતું કે બ્રાઝિલે દાયકાઓથી ઉચ્ચ ઇથેનોલ મિશ્રણની લાંબા ગાળાની વ્યવહારુતા દર્શાવી છે, જ્યાં તેના હળવા વાહનો (light vehicle fleet) ના 80% થી વધુ વાહનો હાલમાં ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી પર ચાલે છે.
મંત્રીએ જણાવ્યું હતું કે તાજેતરમાં ફ્લેક્સ-ફ્યુઅલ સુસંગત ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને હવે E85 ઇંધણનું લોન્ચિંગ એ પાયલોટ પ્રોજેક્ટ્સમાંથી એક સુવ્યવસ્થિત રાષ્ટ્રીય ફ્લેક્સ-ફ્યુઅલ ઇકોસિસ્ટમ તરફ ભારતનું પરિવર્તન દર્શાવે છે. તેમણે રાજ્યોને E85 ઇંધણ અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે અનુકૂળ કરવેરા નીતિઓ દ્વારા આ પરિવર્તનને ટેકો આપવા વિનંતી કરી હતી.
ઇથેનોલ-મિશ્રિત ઇંધણની આસપાસની ગેરસમજોને દૂર કરતા મંત્રીએ જણાવ્યું કે:
- E85 ઇંધણ માત્ર ખાસ ડિઝાઇન કરાયેલા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે જ છે, સામાન્ય પેટ્રોલ વાહનો માટે નથી.
- જ્યારથી E20 દેશભરમાં સ્ટાન્ડર્ડ ઇંધણ બન્યું છે, ત્યારથી ઇથેનોલ મિશ્રણને કારણે એન્જિન ફેલ થવા અથવા વાહન બગડવાનો એક પણ કેસ નોંધાયો નથી.
- E20-સુસંગત વાહનો વધુ સારું એક્સિલરેશન અને બહેતર રાઇડ ક્વોલિટી પ્રદાન કરે છે, ખાસ કરીને શહેરમાં ડ્રાઇવિંગ કરવાની સ્થિતિમાં.
- E20 ઇંધણના ઉપયોગની ભારતમાં વાહન વીમા (વેહિકલ ઇન્સ્યોરન્સ) ની માન્યતા પર કોઈ અસર થતી નથી.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો તેમની ઓછી ખરીદી અને વર્તમાન ઇંધણ માળખાનો લાભ લેવાની ક્ષમતાને કારણે EVs (ઇલેક્ટ્રિક વાહનો) ની સરખામણીમાં ભારે સ્પર્ધાત્મક છે. તેમણે નોંધ્યું કે જ્યારે EV ટેકનોલોજી નોંધપાત્ર રીતે આયાતી બેટરીઓ અને જટિલ ખનિજો પર આધાર રાખે છે, ત્યારે E85-સંચાલિત વાહનો ભારતીય ખેડૂતોના પરસેવા અને સખત મહેનતથી મેળવેલા સ્થાનિક સ્તરે ઉત્પાદિત ઇથેનોલ પર ચાલે છે.
પોતાના સંબોધનનું સમાપન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ઇથેનોલનું દરેક લીટર આયાતી અશ્મિભૂત ઇંધણ (fossil fuel) નું સ્થાન લે છે અને E85 નું દરેક ટીપું પોતાની સાથે આત્મનિર્ભર ભારતની ભાવના વહન કરે છે.
“હર બૂંદ મેં ભારત હૈ, હર બૂંદ મેં હમારે કિસાન હૈ, હર બૂંદ મેં ભારત કા ભવિષ્ય હૈ” !
SM/JD
(रिलीज़ आईडी: 2269561)
आगंतुक पटल : 18