યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

'MY Bharat' ને એક અઠવાડિયામાં ઓનલાઈન ક્વિઝમાં સૌથી મોટી ભાગીદારી માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સનું સન્માન મળ્યું


આ માન્યતા ભારતના યુવાનો અને 'વિકસિત ભારત@2047' ની સફરમાં તેમના વિશ્વાસની છે: ડૉ. મનસુખ માંડવિયા

प्रविष्टि तिथि: 04 JUN 2026 2:33PM by PIB Ahmedabad

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોના વિભાગના ફ્લેગશિપ યુવા જોડાણ પ્લેટફોર્મ 'મેરા યુવા ભારત' (MY Bharat) ને સત્તાવાર મૂલ્યાંકન સમયગાળા દરમિયાન 390,812 સહભાગીઓએ ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી "એક સપ્તાહમાં ઓનલાઇન ક્વિઝ લેનારા સૌથી વધુ વપરાશકર્તાઓ" માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records - GWR) નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે.

આજે નવી દિલ્હીના શ્રમ શક્તિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં GWR એડજ્યુડિકેટર શ્રી ઋષિનાથ દ્વારા માય ભારતને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે, યુવા બાબતો વિભાગના સચિવ ડૉ. પલ્લવી જૈન ગોવિલ, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના પ્રતિનિધિઓ અને યુવા સહભાગીઓ હાજર રહ્યા હતા.

આ માન્યતા 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ' (VBYLD) ક્વિઝ માટે આપવામાં આવી છે, જે 'વિકસિત ભારત@2047' ના વિઝનમાં યુવા નાગરિકોમાં જાગૃતિ અને સહભાગિતાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે દેશવ્યાપી યુવા જોડાણ પહેલ છે. 'માય ભારત' પોર્ટલ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલમાં તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 50.42 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો, જે તેને દેશમાં હાથ ધરવામાં આવેલી સૌથી મોટી ડિજિટલ યુવા જોડાણ કવાયતોમાંની એક બનાવે છે.

મંત્રીશ્રીએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ 'માય ભારત' અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ પોર્ટલ ભારતના યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરી રહ્યું છે, જેઓ 35 વર્ષથી ઓછી ઉંમરની દેશની લગભગ 65% વસ્તી ધરાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોર્ટલમાં યુવાનોનો ભરોસો અને વિશ્વાસ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે માત્ર ત્રણ વર્ષમાં 'માય ભારત' પર 2.19 કરોડ નોંધણી (રજિસ્ટ્રેશન) નોંધાઈ છે, જેમાં દરરોજ હજારો નવા યુવાનો જોડાઈ રહ્યા છે.

મંત્રીશ્રીએ આ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે ભારતના યુવાનોને પણ અભિનંદન આપતા કહ્યું કે આ માન્યતા ખરેખર તેમની છે અને તે વિકસિત ભારત તરફની સફરમાં તેમણે મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે 'માય ભારત' પોર્ટલ માત્ર એક ડિજિટલ પ્લેટફોર્મ નથી, પરંતુ એક વિશ્વસનીય અને સશક્તિકરણની જગ્યા છે જ્યાં યુવાનો અર્થપૂર્ણ રીતે જોડાઈ શકે છે, તેમના વિચારો શેર કરી શકે છે અને પ્રધાનમંત્રીના 'વિકસિત ભારત@2047' ના વિઝનને હાંસલ કરવામાં યોગદાન આપી શકે છે. તેમણે કહ્યું કે, આ બાબત ત્યારે સ્પષ્ટપણે સાબિત થઈ જ્યારે VBYLD દ્વારા યુવાનો દ્વારા શેર કરાયેલા વિચારો કેન્દ્રીય બજેટ 2026માં પ્રતિબિંબિત થયા હતા.

યુવા બાબતોના વિભાગના સચિવ શ્રીમતી પલ્લવી જૈન ગોવિલે જણાવ્યું હતું કે 'માય ભારત' પોર્ટલ સમગ્ર ભારતમાં અર્થપૂર્ણ યુવા જોડાણ માટે એક વિશ્વસનીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ પોર્ટલ યુવાનોની સહજ અને સ્વૈચ્છિક ભાગીદારી દ્વારા જોડાણના બહુવિધ સ્વરૂપોને સક્ષમ બનાવે છે.

25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2025 સુધીના સત્તાવાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ મૂલ્યાંકન સમયગાળા દરમિયાન, પ્લેટફોર્મ પર 8.39 લાખથી વધુ ક્વિઝ સહભાગિતા નોંધાઈ હતી. સ્વતંત્ર ડિજિટલ ફોરેન્સિક ઓડિટ, પુરાવાઓની ચકાસણી અને સહભાગિતાના રેકોર્ડની વિગતવાર તપાસ સહિતની વ્યાપક વેરિફિકેશન પ્રક્રિયાને અનુસરીને, ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે 390,812 પાત્ર સહભાગીઓને પ્રમાણિત કર્યા અને આ રીતે એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત થયો.

આ સિદ્ધિ યુવા જોડાણ અને સહભાગિતા માટેની તકોનો વિસ્તાર કરવા માટે ડિજિટલ ટેક્નોલોજીનો લાભ લેવાની ભારત સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. તે સ્વયંસેવા (વોલન્ટિયરિંગ), અનુભવજન્ય શિક્ષણ, નેતૃત્વ વિકાસ અને સમુદાય સંચાલિત કાર્યો માટે રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે 'માય ભારત' ની વધતી જતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડે છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની આ માન્યતા યુવા સશક્તિકરણ અને નાગરિક ભાગીદારી માટે ડિજિટલ ઇનોવેશનનો ઉપયોગ કરવાના ભારતના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે 'વિકસિત ભારત@2047' ના સહિયારા વિઝનને આગળ વધારે છે.

SM/GP/BS/JD


(रिलीज़ आईडी: 2268888) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Tamil , Telugu , Kannada , Malayalam