ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
ગ્રાહક બાબતોના વિભાગે ખાદ્ય તેલના વિવિધ પેક સાઇઝ (પૅકેજના કદ) અંગે હિતધારકો સાથે બેઠક યોજી
ખાદ્ય તેલો માટે સ્ટાન્ડર્ડ પેક સાઇઝ (પ્રમાણિત પૅકેજ કદ) દાખલ કરવા અંગે ઉદ્યોગ સંગઠનો વચ્ચે સર્વસંમતિ
ગ્રાહકો માટે પારદર્શિતા સુધારવા અને કિંમતોની તુલના સરળ બનાવવા માટે ખાદ્ય તેલ માટે પ્રમાણિત પેક સાઇઝ નિર્ધારિત કરવાની શક્યતાઓ પર વિભાગ વિચારણા કરી રહ્યો છે
સૂચનોમાં 200 મિલીથી લઈને 20 લીટર/20 કિગ્રા સુધીના સ્ટાન્ડર્ડ પેક સાઇઝનો સમાવેશ થાય છે
પોસ્ટેડ ઓન:
25 MAY 2026 7:04PM by PIB Ahmedabad
ગ્રાહક બાબતોનો વિભાગ દેશના ખાદ્ય તેલ ક્ષેત્રના આશરે 90 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણી ઉદ્યોગ સંગઠનો તરફથી મળેલા સૂચનોને આધારે, લીગલ મેટ્રોલોજી માળખા હેઠળ ખાદ્ય તેલો માટે સ્ટાન્ડર્ડ પેક સાઇઝ (પ્રમાણિત પૅકેજ કદ) દાખલ કરવાની શક્યતાઓની સમીક્ષા કરી રહ્યો છે.
બજારમાં ઉપલબ્ધ પૅકેજના કદ (સાઇઝ) ની વધતી જતી સંખ્યા અને તેના પરિણામે ગ્રાહકોને વિવિધ ઉત્પાદનો વચ્ચે કિંમતોની તુલના કરવામાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવા માટે ગ્રાહક બાબતોના વિભાગના સચિવના અધ્યક્ષપદ હેઠળ 20 મે 2026 ના રોજ અગ્રણી ખાદ્ય તેલ ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ઇન્ડિયન વેજીટેબલ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IVPA), સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન (SEA), સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SOPA), સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ફોર ઓઇલ ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ (COOIT) અને મસ્ટર્ડ ઓઇલ પ્રોડ્યુસર્સ એસોસિએશન (MOPA) ના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સંગઠનોએ જણાવ્યું હતું કે તેઓ સામૂહિક રીતે દેશમાં ખાદ્ય તેલ ક્ષેત્રના આશરે 90 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.
બેઠક દરમિયાન, ઉદ્યોગના પ્રતિનિધિઓએ ધ્યાન દોર્યું હતું કે હાલમાં ખાદ્ય તેલ વિવિધ પૅકેજ જથ્થા જેવા કે 650 ગ્રામ, 700 ગ્રામ, 810 ગ્રામ, 850 ગ્રામ અને 870 ગ્રામમાં વેચાય છે. તેમણે જણાવ્યું હતું કે અલગ-અલગ જથ્થો ધરાવતા એકસરખા દેખાતા પૅકેટો કિંમતોની સરખામણી કરવા અને સમજી-વિચારીને નિર્ણય લેવામાં ગ્રાહકોને સંભવિતપણે ગેરમાર્ગે દોરી શકે છે.
વિભાગે મુખ્ય ખાદ્ય તેલો માટે પ્રમાણિત (સ્ટાન્ડર્ડ) પેક સાઇઝ દાખલ કરવા અંગે સંયુક્ત રીતે ચર્ચા કરી હતી.
સંગઠનો દ્વારા સૂચવવામાં આવેલા પેક સાઇઝ નીચે મુજબ છે:
· 200 મિલી
· 500 મિલી
· 1 લીટર
· 2 લીટર
· 3 લીટર
· 4 લીટર
· 5 લીટર
· 15 લીટર/15 કિગ્રા
· 20 લીટર/20 કિગ્રા
સંગઠનોએ સંયુક્ત રીતે આ મુખ્ય ખાદ્ય તેલોને આ યોજના હેઠળ આવરી લેવા વિનંતી કરી છે:
· પામ ઓઇલ/પામ ઓલિયન
· સોયાબીન તેલ
· સૂર્યમુખી (સનફ્લાવર) તેલ
· રાઈ/સરસવ (મસ્ટર્ડ/રેપસીડ) નું તેલ
· સીંગતેલ (ગ્રાઉન્ડનટ ઓઇલ)
· તલનું તેલ
· રાઇસ બ્રાન ઓઇલ
· કપાસિયા તેલ (કોટનસીડ ઓઇલ)
· મકાઈ (કોર્ન) નું તેલ
· બ્લેન્ડેડ (મિશ્રિત) ખાદ્ય તેલ
સંગઠનો દ્વારા આપવામાં આવેલા સૂચનો:
· ગ્રાહકો માટે સસ્તા નાના પૅક સતત ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા માટે 200 મિલીથી નીચેના પૅકેટોને પ્રમાણીકરણ (સ્ટાન્ડર્ડાઇઝેશન) ના દાયરાની બહાર રાખવાનું ચાલુ રાખી શકાય છે.
· ગૌણ (માઇનર) ખાદ્ય તેલોને આ પ્રસ્તાવિત જરૂરિયાતમાંથી મુક્ત રાખી શકાય છે.
· ઉત્પાદકોને જરૂરી ફેરફારો કરવા સક્ષમ બનાવવા માટે આશરે ત્રણ મહિનાનો ટ્રાન્ઝિશન પિરિયડ (પરિવર્તન સમયગાળો) આપી શકાય છે.
· જે ઉત્પાદકો આ પ્રસ્તાવિત પેક સાઇઝ વહેલા અપનાવવા માંગતા હોય તેમને તેમ કરવાની મંજૂરી આપી શકાય છે.
બેઠક દરમિયાન સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ પ્રકારની કોઈ પણ જરૂરિયાત જો લાગુ કરવામાં આવશે, તો તે સ્થાનિક સ્તરે ઉત્પાદિત અને આયાત કરાયેલા બંને ખાદ્ય તેલોને સમાન રીતે લાગુ પડશે. ગ્રાહક બાબતોના વિભાગના સચિવે નોંધ્યું હતું કે ઉદ્યોગ સંગઠનો તરફથી મળેલા સૂચનોની સમીક્ષા પારદર્શિતા વધારવા, ગ્રાહકો માટે કિંમતોની તુલના સરળ બનાવવા અને ન્યાયી વ્યાપાર પ્રથાઓને ટેકો આપવા માટે કરવામાં આવી રહી છે.
ગ્રાહક બાબતોનો વિભાગ આ પરામર્શ દરમિયાન મળેલા મંતવ્યોની તપાસ કરી રહ્યો છે અને સંતુલિત તેમજ વ્યવહારુ નીતિગત પગલાં દ્વારા ગ્રાહક સુરક્ષાને મજબૂત કરવા અને બજારમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2265157)
મુલાકાતી સંખ્યા : 12