પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પસંદગીના સ્વીડિશ ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત કરી

પોસ્ટેડ ઓન: 17 MAY 2026 11:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનના ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયા અને સ્વીડનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે 17 મે 2026 ના રોજ પસંદગીના સ્વીડિશ સીઇઓ (CEOs) સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે ભારત અને સ્વીડન લોકશાહી, પારદર્શિતા, ઇનોવેશન (નવીનતા) અને ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) ના સહિયારા મૂલ્યો દ્વારા જોડાયેલા છે, જે એક મહત્વાકાંક્ષી અને ભવિષ્યલક્ષી આર્થિક ભાગીદારી માટે મજબૂત પાયો પૂરો પાડે છે. તેમણે રેખાંકિત કર્યું કે ભારત-સ્વીડન ભાગીદારી આજે માત્ર એક આર્થિક સંબંધ નથી, પરંતુ વિચારો, ટેકનોલોજી, ઇનોવેશન અને સહ-નિર્માણ (કો-ક્રીએશન) ની ભાગીદારી છે. તેમણે ભારતના વિકાસમાં સ્વીડિશ કંપનીઓના લાંબા સમયથી ચાલી આવેલા યોગદાનને આવકાર્યું હતું અને સંશોધન, ઇનોવેશન, ગ્રીન ટ્રાન્ઝિશન (હરિત પરિવર્તન) અને ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) માં વધુ ઊંડા સહયોગને પ્રોત્સાહિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ સુધારા, મજબૂત સ્થાનિક માંગ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદન વિસ્તરણ અને આગામી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા સંચાલિત ભારતની ઝડપી આર્થિક પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સ્વીડિશ કંપનીઓને 'મેક ઇન ઇન્ડિયા' (MAKE IN INDIA), રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન, રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન જેવી પહેલો હેઠળ ભારતમાં તેમની હાજરી વધારવા અને સ્વચ્છ ઊર્જા, સંરક્ષણ, સેમીકન્ડક્ટર્સ અને અદ્યતન ઉત્પાદન સહિતના ક્ષેત્રોમાં વિસ્તરતી તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું.

આ ચર્ચામાં સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલા (રેઝિલિયન્ટ સપ્લાય ચેઈન), ગ્રીન ટ્રાન્ઝિશન, ટકાઉ ગતિશીલતા (સસ્ટેનેબિલિટી મોબિલિટી), લાઇફ સાયન્સ અને ડિજિટલ ટેકનોલોજીમાં સહયોગ મજબૂત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ 21મી સદી માટેના ઉકેલો સહ-નિર્મિત કરવા માટે ઇનોવેશન અને ટકાઉપણુંમાં સ્વીડનની શક્તિઓને ભારતના વ્યાપ, પ્રતિભા (ટેલેન્ટ) અને વિકાસની ગતિ સાથે જોડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2262147) મુલાકાતી સંખ્યા : 10