ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) ખાતે ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
NIDનો ઉદ્દેશ્ય દેશમાં ડિઝાઇનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને તેની વ્યાપારી સંભાવનાઓને સો ટકા સાકાર કરવાનો છે
NID હવે સેમીકન્ડક્ટર ચિપ્સ સહિત હાઇ-ટેક ડિઝાઇન ક્ષેત્રોમાં તેની પહોંચનો વિસ્તાર કરશે
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનનું ઇન્ક્યુબેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર એવા પ્રતિભાશાળી વ્યક્તિઓને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે જેઓ ડિઝાઇન માટે ઉત્સાહ ધરાવે છે
ઔદ્યોગિક પાર્ક હોય કે કોઈપણ તકનીકી પ્રોજેક્ટનો વિકાસ હોય, ડિઝાઇનની શિસ્ત ભારતમાં પહેલેથી જ અસ્તિત્વમાં છે; તેને માત્ર ઓળખવાની અને અન્વેષણ (શોધ) કરવાની જરૂર છે
સંગીત હોય, ડિઝાઇન હોય કે અન્ય કોઈ કળા હોય, કોઈપણ ક્ષેત્રની સંભાવનાઓને તેને કારકિર્દી તરીકે અપનાવીને જ સો ટકા શોધી શકાય છે
પોસ્ટેડ ઓન:
17 MAY 2026 5:38PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) ખાતે ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર (IIC) નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જનમેદનીને સંબોધતા શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે NID એ એક એવી સંસ્થા છે જે સર્જનાત્મકતા, નવીનતા (ઇનોવેશન) અને સાહસિકતાને જોડે છે. શ્રી શાહે કહ્યું કે પરંપરાગત રીતે ડિઝાઇનને એક શિસ્ત (ડિસિપ્લિન) ગણવામાં આવે છે, પરંતુ તેનાથી આગળ વધીને તે એક કળા પણ છે જે વસ્તુઓને શુદ્ધ અને અર્થપૂર્ણ રીતે રજૂ કરે છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે NID ની સ્થાપના એ સમજણ સાથે કરવામાં આવી હતી કે દરેક વ્યક્તિ પાસે અમુક અંશે ડિઝાઇન સેન્સ (ડિઝાઇનની કોઠાસૂઝ) હોય છે, પરંતુ દૈનિક જીવનના દબાણને કારણે, ડિઝાઇન ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરવાની ક્ષમતા ધરાવતા ઘણા લોકો તેને ગંભીરતાથી આગળ ધપાવી શકતા નથી. તેમણે કહ્યું કે NID ની સ્થાપના પાછળનો એક ઉદ્દેશ્ય એવા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો જેઓ ડિઝાઇન પ્રત્યે સ્વાભાવિક ઝુકાવ ધરાવે છે અને તેમની ક્ષમતાને સમાજ સમક્ષ લાવવામાં મદદ કરે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં કોઈપણ ક્ષેત્રની સંભાવનાઓને સંપૂર્ણ રીતે શોધવા માટે તેને કારકિર્દી તરીકે સ્વીકારવી પડશે. ગીતલેખન, સંગીત કે ડિઝાઇન હોય, આ બધી કળાના સ્વરૂપો છે, પરંતુ અંતે તેમને વ્યવસાય તરીકે પણ સ્વીકારવાની જરૂર છે. શ્રી શાહે જણાવ્યું હતું કે NID ની સ્થાપના ગુજરાતમાં એટલા માટે કરવામાં આવી હતી જેથી ડિઝાઇન અને કળાની વ્યાપારી સંભાવનાઓનો તેની સંપૂર્ણ મર્યાદા સુધી વિકાસ કરી શકાય.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે NID એ ડિઝાઇન ક્ષેત્રે શુદ્ધિકરણને પ્રોત્સાહિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના એક પ્રશંસનીય પહેલ છે, પરંતુ તેની સાથે ડિઝાઇનને કારકિર્દી તરીકે પસંદ કરતા યુવાનોને એવી તકો સાથે જોડવા પણ એટલા જ મહત્વપૂર્ણ છે જે તેમની વ્યાવસાયિક ચિંતાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરે. તેમણે કહ્યું કે આ હેતુ માટે એક અલગ વર્ટિકલ (વિભાગ) બનાવવો પડશે કારણ કે ડિઝાઇનર્સ સર્જનાત્મકતાના નિષ્ણાતો છે, વ્યાપારીકરણના નહીં. શ્રી શાહે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં NID એ બંને ક્ષેત્રોના પ્રોફેશનલ્સને સાથે લાવવા પડશે. તો જ ભારત દેશની ડિઝાઇન ક્ષમતાનો સંપૂર્ણ વિકાસ કરી શકશે અને યુવાનોને કોઈપણ ખચકાટ વિના ડિઝાઇનને કારકિર્દી તરીકે અપનાવવા પ્રોત્સાહિત કરી શકશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં ડિઝાઇનનું મહત્વ છે. મોટા ઔદ્યોગિક પાર્કના નિર્માણમાં પણ ડિઝાઇનની જરૂરિયાત હોય છે. ડિઝાઇનની શિસ્ત ભારતમાં પહેલેથી જ અસ્તિત્વમાં છે; તેને માત્ર ઓળખવાની અને અન્વેષણ કરવાની જરૂર છે. આપણે હાઇ-ટેક ડિઝાઇનના ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ, પછી તે સેમીકન્ડક્ટર્સ હોય કે ચિપ્સ હોય. તે તમામ ક્ષેત્રો જ્યાં ડિઝાઇનની ગુણવત્તા, પ્રકૃતિ અને રસ અસ્તિત્વ ધરાવે છે તેનો વિકાસ થવો જોઈએ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇને આ ક્ષેત્રોને કારકિર્દી સાથે જોડવાનું કાર્ય હાથ ધરવું જોઈએ. આને આગળ લઈ જવા માટે તમામ કેમ્પસમાં એક સમર્પિત વર્ટિકલ બનાવવો જોઈએ.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ડિઝાઇન સમાજના દરેક ક્ષેત્ર અને દૈનિક જીવનનો એક અભિન્ન ભાગ બને તે સુનિશ્ચિત કરવા માટે પણ નોંધપાત્ર પ્રયાસોની જરૂર છે. પાટણના પટોળાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જેમણે આ પરંપરાગત કાપડ કળા જોઈ છે તેઓ તેની ડિઝાઇનમાં, ખાસ કરીને રંગોના મિશ્રણમાં સામેલ અસાધારણ ચોકસાઈ, વિગતો અને વૈજ્ઞાનિક અભિગમને સમજી શકશે. તેમણે કહ્યું કે ભારત પાસે ડિઝાઇન અને કારીગરીની આવી સમૃદ્ધ પરંપરાઓ પહેલેથી જ છે, પરંતુ આના વિશે વધુ સંશોધન કરવાની જરૂર છે. આ માટે વધુને વધુ યુવાનોએ ડિઝાઇનને કારકિર્દી તરીકે અપનાવવી પડશે. શ્રી શાહે જણાવ્યું હતું કે ડિઝાઇનની ઉપયોગિતા વિશે જાગૃતિ લાવવા અને આ ક્ષેત્રનો વધુ વિસ્તાર કરવા માટે પણ પ્રયાસો કરવા જોઈએ.
IJ/JD
(રીલીઝ આઈડી: 2262031)
મુલાકાતી સંખ્યા : 8