પ્રધાનમંત્રીનું કાર્યાલય
હેગ, નેધરલેન્ડ્સમાં એક સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
16 MAY 2026 3:35PM by PIB Ahmedabad
ભારત માતાની જય !!!!
આટલો પ્રેમ. આટલો ઉત્સાહ. સાચું કહું તો, થોડીવાર માટે હું ભૂલી જ ગયો કે હું નેધરલેન્ડ્સમાં છું. એવું લાગી રહ્યું છે જાણે ભારતમાં જ ક્યાંક કોઈ ફેસ્ટિવલ (ઉત્સવ) ચાલી રહ્યો છે!
આમ તો ધ હેગ (The Hague) ને દુનિયા "City of Peace and Justice” (શાંતિ અને ન્યાયનાં શહેર)ના રૂપમાં જાણે છે. પરંતુ આજે અહીં જે માહોલ છે તેને જોઈને લાગી રહ્યું છે કે ધ હેગ, ભારતીય મિત્રતાનું જીવંત પ્રતીક બની ગયું છે!
આ દર્શાવે છે કે પાસપોર્ટનો રંગ બદલાઈ શકે છે, સરનામું પણ બદલાઈ શકે છે, ટાઈમ ઝોન પણ બદલાઈ શકે છે પરંતુ મા ભારતીના સંતાનો ગમે ત્યાં રહે, આ હૂંફ, આ વાઇબ્રેન્સી, લાઈફને સેલિબ્રેટ કરવાનો ઉત્સાહ હંમેશા આપણી સાથે રહે છે. હું આપ સૌનો, આ વૉર્મ વેલકમ (ઉષ્માભર્યા સ્વાગત) માટે ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જ્યારે હું અહીં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે આખું મહારાષ્ટ્ર, અને છત્રપતિ શિવાજી મહારાજ, અને મારો પ્યારો રાજસ્થાન, અને એ ફોર આસામ ...
સાથીઓ,
આપ સૌને મળ્યા પછી આજે મને મહારાજા અને મહારાણીને મળવાની તક મળશે. આની સાથે જ પ્રધાનમંત્રી રોબ યેત્તેન સાથે પણ વિગતવાર કેટલાય વિષયો પર ચર્ચા થશે.
વીતેલા વર્ષોમાં જ્યારે પણ મારી નેધરલેન્ડ્સના નેતાઓ સાથે વાત થઈ છે, તેઓ હંમેશા ભારતીય ડાયસ્પોરા (પ્રવાસી ભારતીયો)ના ખૂબ વખાણ કરતા આવ્યા છે. એટલે કે આપ સૌના વખાણ કરે છે. આપ નેધરલેન્ડ્સના સમાજ અને અહીંની ઇકોનોમીમાં જે યોગદાન કરી રહ્યા છો તેના પર દરેક ભારતવાસીને ગર્વ છે.
હું આજે આ અવસરે નેધરલેન્ડ્સની જનતાનો અને અહીંની સરકારનો આભાર વ્યક્ત કરું છું. હું અહીંની જનતાને 140 કરોડ ભારતવાસીઓ તરફથી પોતાની શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ,
હું પહેલા પણ નેધરલેન્ડ્સ આવતો રહ્યો છું. મારા જૂના સાથીઓ અહીં બેઠા છે. અને અહીં રહેતા ભારતીય સમુદાય સાથે પણ ઘણો પરિચય રહ્યો છે. અહીં બેઠેલા અનેક પરિવારોની વાર્તા, માત્ર માઇગ્રેશનની વાર્તા નથી. આ એક સંસ્કૃતિની, આસ્થાની અને તમામ સંઘર્ષો વચ્ચે પ્રગતિની વાર્તા છે.
તે સમયમાં ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે બે મહાસાગર પાર કર્યા પછી પણ ભારતીયોની ઓળખ આટલી જીવંત રહેશે. આપના પૂર્વજો ઘણું બધું પાછળ છોડીને આવ્યા હતા પરંતુ કેટલીક વસ્તુઓ હંમેશા તેમની સાથે રહી - પોતાની માટીની સુગંધ, પોતાના તહેવારોની સ્મૃતિઓ, ભજનની ધૂનો અને પોતાના પૂર્વજોના સંસ્કાર.
સાથીઓ,
માનવતાનો ઇતિહાસ સાક્ષી છે કે સમયની સાથે અનેક સંસ્કૃતિઓ ભૂંસાઈ ગઈ. પરંતુ ભારતની વિવિધતાસભર સંસ્કૃતિ, આજે પણ પોતાના લોકોના દિલમાં ધબકે છે. પેઢીઓ બદલાઈ ગઈ, દેશ બદલાઈ ગયા, પરિવેશ બદલાઈ ગયા પરંતુ પરિવારના સંસ્કાર ન બદલાયા. પોતાપણું ન બદલાયું. આપે ડચ ભાષાને અપનાવી પરંતુ પોતાના પૂર્વજોની ભાષાને પણ છોડી નહીં.
આપણા કમ્યુનિટી રેડિયો સ્ટેશન્સ અહીં ખૂબ લોકપ્રિય છે. અને આ સ્ટેશન્સના માધ્યમથી ભારતનું સંગીત અને સંસ્કૃતિ પણ ડચ પરિવારો સુધી પહોંચી રહ્યા છે. ધ ગાંધી સેન્ટર હોય કે પછી અલગ-અલગ શહેરોની શાળાઓ, આપ પોતાની સંસ્કૃતિને ભાવી પેઢીઓ સુધી પહોંચાડી રહ્યા છો. આ ખૂબ સરાહનીય છે. આપ સૌ અભિનંદનના અધિકારી છો.
સાથીઓ,
આજે 16 મે છે અને આ દિવસ એક બીજા કારણસર ખૂબ વિશેષ છે. આજથી 12 વર્ષ પહેલા 16 મે 2014 ના રોજ કંઈક ખાસ થયું હતું. 2014માં આજના જ દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા. દાયકાઓ પછી ભારતમાં સ્થિર અને પૂર્ણ બહુમતી વાળી સરકારનું બનવું નક્કી થયું હતું. એક એ દિવસ હતો અને એક આજનો દિવસ છે, કોટિ-કોટિ ભારતવાસીઓનો વિશ્વાસ મને ન રોકાવા દે છે અને ન થાકવા દે છે. આ નોન-સ્ટોપ ચાલ્યા જ કરે છે.
સાથીઓ,
ખૂબ નાની ઉંમરથી જ હું દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો. આપ જ મારો પરિવાર બની ગયા. સ્વર્ગ સમાન સમષ્ટિની તરફ ચાલી નીકળ્યો. અહંથી વયમ (હું થી અમે) નો રસ્તો પસંદ કરી લીધો.
અને પછી તો આપનું સુખ જ મારૂં સુખ બની ગયું. આપનું કલ્યાણ જ મારૂં કર્તવ્ય બની ગયું. અને સમર્પિત ભાવથી આપ સૌના આશીર્વાદથી કંઈક ને કંઈક કરતો રહ્યો. પરંતુ જનતા જનાર્દનનો આટલો પ્રેમ મળશે... એ તો કલ્પનામાં પણ ન હતું.
જ્યારે પાછા વળીને જોઉં છું તો 13 વર્ષ મુખ્યમંત્રીના રૂપમાં, 12 વર્ષ પ્રધાનમંત્રીનો સેવાકાળ, ડેમોક્રેટિક વર્લ્ડમાં 25 વર્ષો સુધી કરોડો-કરોડો વોટર્સનું સતત સમર્થન, આ મારા માટે ખૂબ જ મોટા સૌભાગ્યની વાત છે.
મારા માટે આ માત્ર એક આંકડો નથી, આ આપના આશીર્વાદ એ મારી બહુ મોટી પૂંજી છે. દેશનો આ પ્રેમ, આ આશીર્વાદ મને પોતાના જીવનની પળેપળ દેશવાસીઓના સપનાઓને પૂરા કરવા માટે પ્રેરિત કરે છે.
સાથીઓ,
દુનિયાનો કોઈ પણ દેશ હોય, જો તેને આગળ વધવું હોય તો તેણે મોટા સપના જોવા જ પડશે. આજે આપણું ભારત પણ ખૂબ મોટા સપના જોઈ રહ્યું છે. આજે દેશ કહી રહ્યો છે - આપણને માત્ર ટ્રાન્સફોર્મેશન (પરિવર્તન) નથી જોઈતું, આપણને બેસ્ટ (શ્રેષ્ઠ) જોઈએ છે. અને આપણને બેસ્ટ જ નહીં, આપણને ફાસ્ટેસ્ટ (સૌથી ઝડપી) જોઈએ છે. અને એટલા માટે જ્યારે ભારતમાં Aspirations Unlimited (અસીમિત આકાંક્ષાઓ) છે, તો Efforts પણ Limitless (મર્યાદા વિનાના પ્રયાસો) થઈ રહ્યા છે.
જેમ કે ભારતના યુવાનોનું ઉદાહરણ છે. આજે ભારતનો યુવા આકાશને આંબવા માંગે છે. તે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે, તે ક્વોલિટી પ્રોડક્ટ્સ (ગુણવત્તાયુક્ત ઉત્પાદનો) બનાવવા માંગે છે, તે ડ્રોન મેન્યુફેક્ચર કરવા માંગે છે, તે AI અને સેમિકન્ડક્ટરની દુનિયામાં ભારતને આગળ લઈ જવા માંગે છે.
આ જ કારણે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સતત મજબૂત થઈ રહી છે, હવે આપણે દુનિયાના ત્રીજા સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વાળા દેશ છીએ.
અને સાથીઓ,
આજે ભારતની આકાંક્ષા માત્ર પોતાની સીમાઓ સુધી નથી. ભારત ઈચ્છે છે કે તે ઓલિમ્પિક્સ હોસ્ટ કરે, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બને, ગ્રીન એનર્જી લીડર બને અને દુનિયાનું ગ્રોથ એન્જિન બને.
વાત એ જ છે, આકાંક્ષાઓ અમર્યાદિત છે, અને આપણા પ્રયાસોનો સ્કેલ (માપદંડ) પણ એટલો જ મોટો છે. રેકોર્ડ હાઈવે કન્સ્ટ્રક્શન, રેકોર્ડ રેલવે ઇલેક્ટ્રિફિકેશન, વંદે ભારત જેવી સેમી-હાઈસ્પીડ ટ્રેનો અને દુનિયાનો આટલો મોટો પુનઃપ્રાપ્ય ઊર્જા વિસ્તાર, ગમે તેટલો મોટો લક્ષ્ય હોય, આજનું ભારત કહે છે આપણે આ લક્ષ્ય મેળવીને જ રહીશું. અને આપણે આ કરીને બતાવી રહ્યા છીએ.
સાથીઓ,
આજનું ભારત, એક અભૂતપૂર્વ પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. આપે તાજેતરમાં જોયું હશે કે દુનિયાની સૌથી મોટી અને સફળ AI સમિટ ભારતે આયોજિત કરી. તે પહેલા G-20 ની સફળ સમિટ પણ ભારતે આયોજિત કરી હતી. આ કોઈ વન ટાઈમ ઇવેન્ટ (એક વખતની ઘટના) ન હતી, આ આજના ભારતનો મિજાજ બની ગયો છે.
દુનિયાનો સૌથી મોટો યુનિક આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ ભારતે ચલાવ્યો. દુનિયાના સૌથી મોટા ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન (નાણાકીય સમાવેશ) પ્રોગ્રામમાંથી એક ભારતે ચલાવ્યો. જે સ્કેલ પર ભારત ડિજિટલાઇઝેશન કરી રહ્યું છે, તે અભૂતપૂર્વ છે. દુનિયાની સૌથી મોટી સરકારી ભંડોળ વાળી સ્વાસ્થ્ય વીમા યોજના ભારત ચલાવી રહ્યું છે.
અને હા, ચંદ્ર પર પણ ભારત ત્યાં પહોંચ્યું, જ્યાં પહેલા કોઈ પહોંચી શક્યું ન હતું. અને ન્યુક્લિયર એનર્જીમાં દુનિયાના સૌથી એડવાન્સ્ડ ફાસ્ટ બ્રીડર રિએક્ટર પર પણ આજે સફળતાની સાથે ભારત કામ કરી રહ્યું છે.
સાથીઓ,
ભારતની જે આ સ્કેલ છે, આ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં પણ જોઈ રહ્યા છીએ. આજે ભારતમાં જે સોલર પાર્ક બની રહ્યા છે તે વિશ્વના સૌથી મોટા પાર્ક્સમાંથી એક છે.
સૌથી ઊંચી અને લાંબી ટનલો હોય, સૌથી ઊંચા અને લાંબા બ્રિજ હોય, સૌથી લાંબા એક્સપ્રેસવે હોય, સૌથી મોટા મેટ્રો નેટવર્ક હોય, સૌથી મોટા સિવિલ એવિએશન નેટવર્ક હોય, સૌથી મોટા ઇલેક્ટ્રિફાઇડ રેલવે નેટવર્ક હોય, આમાંથી અનેક આજે ભારતમાં બની રહ્યા છે.
વીતેલા વર્ષોમાં ભારતે ધરતીથી ચંદ્રમાનું અંતર જેટલું છે, તેનાથી પણ 11 ગણું વધારે ઓપ્ટિકલ ફાઈબર પાથર્યું છે. એક દાયકા પહેલા આપણે મોબાઈલ ફોન આયાત કરતા હતા, આજે ભારત, બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક છે.
સાથીઓ,
આ જે સ્પીડ (ઝડપ) અને સ્કેલ છે તે સિવાય આજના ભારતની એક બીજી ઓળખ છે. આજનું ભારત ઇનોવેશન સંચાલિત છે. આપણા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચર્ચા આજે પૂરી દુનિયામાં થાય છે. આ ભારતીયોના ઇનોવેશનનું બહુ મોટું પ્રમાણ છે.
આજે પૈસા રાખવા હોય- તો ડિજિટલ વોલેટ છે, ડોક્યુમેન્ટ્સ રાખવા હોય- તો ડિજી લોકર છે. ટ્રાવેલ (મુસાફરી) કરવી હોય- તો ડિજી યાત્રા છે. હેલ્થકેરનો લાભ લેવો હોય- તો ડિજિટલ હેલ્થ આઈડી છે.
સાથીઓ,
આજે ભારતમાં દર મહિને 20 બિલિયનથી વધુ UPI ટ્રાન્ઝેક્શન થાય છે. એટલે કે, પૂરી દુનિયામાં થઈ રહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં, અડધાથી વધુ, માત્ર ભારતમાં થઈ રહ્યા છે.
અને સ્ટાર્ટઅપ તો, આજે ભારતના યુવાનોનો મિજાજ બની ચૂક્યું છે. બાર વર્ષ પહેલા દેશમાં 500 થી પણ ઓછા સ્ટાર્ટ-અપ્સ હતા, આજે આ સંખ્યા વધીને 2 લાખથી વધુ થઈ ગઈ છે. અને સ્ટાર્ટઅપની દુનિયામાં પણ, 2014 માં ભારતમાં માત્ર ચાર યુનિકોર્ન હતા. આજે ભારતમાં આશરે સવા સો એક્ટિવ યુનિકોર્ન છે. 2025 માં જ, આશરે 44 હજાર વધુ નવા સ્ટાર્ટઅપ્સ રજિસ્ટર થયા છે. આજે AI, સંરક્ષણ અને સ્પેસ સેક્ટરમાં આપણા સ્ટાર્ટ અપ્સ બહુ જ શાનદાર કામ કરી રહ્યા છે.
સમયની સાથે, રિસર્ચ અને ઇનોવેશનનો આ સંસ્કૃતિ વધુ વિરાટ થતી જઈ રહી છે. પાછલા વર્ષે જ ભારતમાં સવા લાખથી વધુ પેટન્ટ્સ ફાઈલ કરવામાં આવ્યા છે.
સાથીઓ,
ભારત ચિપ મેકિંગમાં, સેમિકન્ડક્ટર સેક્ટરમાં પણ મોટા કદમ ઉઠાવી રહ્યું છે. હજી ભારતમાં 12 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આમાંથી બે પ્લાન્ટ્સમાં પ્રોડક્શન પણ શરૂ થઈ ચૂક્યું છે. એટલે કે હવે ચિપ પણ, ડિઝાઇન્ડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા હશે.
સાથીઓ,
ભારતની આ આકાંક્ષાઓથી પ્રેરિત સફર, આપણી લોકશાહીને પણ સશક્ત કરી રહી છે. જ્યારે લોકોના સપના સાચા થાય છે તો લોકતંત્ર પર તેમનો ભરોસો પણ મજબૂત થાય છે.
સાથીઓ,
હું આપને હાલની વિધાનસભા ચૂંટણીઓનું ઉદાહરણ આપું છું. આસામ, બંગાળ, કેરલમ્, તમિલનાડુ અને પુડુચેરીમાં આ વખતે 80 થી 90 ટકા સુધી વોટિંગ (મતદાન) થયું. આમાં પણ વિમેન પાર્ટિસિપેશન (મહિલા ભાગીદારી) ખૂબ વધારે વધી છે. આ દરેક રાજ્યનો ટ્રેન્ડ છે.
આજે ભારતમાં વોટર ઉત્સાહિત છે, આપ પણ ઉત્સાહિત છો. સાથીઓ, આપણને ગર્વ થાય છે કે દર વર્ષે વોટિંગના રેકોર્ડ તૂટી રહ્યા છે.
સાથીઓ,
ભારતમાં 90 કરોડથી વધુ વોટર રજિસ્ટર્ડ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં 64 કરોડ લોકોએ વોટ આપ્યો. એટલે કે યુરોપિયન યુનિયનની કુલ વસ્તીથી પણ વધુ ભારતીયોએ વોટિંગ કર્યું. ભારત પોતાના દરેક નાગરિકના ડેમોક્રેટિક પાર્ટિસિપેશનને મહત્વ આપે છે. અને મધર ઓફ ડેમોક્રેસી (લોકશાહીની જનની)ના રૂપમાં, આ આપણા સૌના માટે બહુ ગર્વની વાત છે.
સાથીઓ,
ભારત જ્યારે સફળ થાય છે તો પૂરી માનવતાને તેનો ફાયદો થાય છે. પરંતુ આજે માનવતાની સામે અનેક મોટા પડકારો પણ છે. આજની દુનિયા, કઈ રીતે નવા-નવા પડકારો સામે ઝઝૂમી રહી છે.
પહેલા કોરોના આવ્યો, પછી યુદ્ધ થવાના શરૂ થયા અને હવે આજની એનર્જી ક્રાઈસિસ (ઊર્જા સંકટ) છે. આ દાયકો, દુનિયા માટે આપદાઓનો દાયકો બની રહ્યો છે.
આપણે સૌ જોઈ રહ્યા છીએ. જો, આ સ્થિતિઓ ઝડપથી ન બદલવામાં આવી તો વીતેલા અનેક દાયકાઓની ઉપલબ્ધિઓ પર પાણી ફરી વળશે. દુનિયાની બહુ મોટી આબાદી ફરીથી ગરીબીના દલદલમાં ચાલી જશે.
સાથીઓ,
આવી વૈશ્વિક પરિસ્થિતિઓમાં આજે દુનિયા સ્થિતિસ્થાપક સપ્લાય ચેઈનની વાત કરી રહી છે. અને ત્યારે ભારત અને નેધરલેન્ડ્સ મળીને, એક વિશ્વસનીય, પારદર્શક અને ભવિષ્ય માટે તૈયાર સપ્લાઈ ચેઈન બનાવવામાં લાગ્યા છે.
ઊર્જા સુરક્ષાથી લઈને જળ સુરક્ષા સુધી નેધરલેન્ડ્સ અને ભારત, મળીને કામ કરી રહ્યા છે. ગ્રીન હાઇડ્રોજનને લઈને આપણો સહયોગ ખૂબ મહત્વપૂર્ણ છે. અને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે જે ઐતિહાસિક ટ્રેડ એગ્રીમેન્ટ (વ્યાપાર કરાર) થયો છે તેનાથી ભારત અને નેધરલેન્ડ્સની ભાગીદારી વધુ મજબૂત થશે.
અને આનો લાભ આપ સૌને થશે. ભારતીય બિઝનેસીસ માટે યુરોપમાં પ્રવેશનું કુદરતી પ્રવેશદ્વાર નેધરલેન્ડ્સ બનશે. અને આ યાત્રામાં આપણો ડાયસ્પોરા વિશ્વસનીય સેતુ બની શકે છે. અને હું એટલા માટે કહું છું કે ડાયસ્પોરા ઇન્ડિયાની મહત્વાકાંક્ષાને પણ સમજે છે અને યુરોપના સ્ટાન્ડર્ડ્સને પણ જાણે છે. આનાથી અહીં વસેલા ભારતીયોને પણ ભારતના હાઈ-ક્વોલિટી પ્રોડક્ટ્સના વધુ અવસરો મળશે.
સાથીઓ,
નેધરલેન્ડ્સ ટ્યુલિપની ધરતી છે, અને અહીંના ખૂબસૂરત ટ્યુલિપ્સને જોવા માટે દુનિયાભરના લોકો અહીં આવે છે. ભારતમાં પણ, દુનિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડન્સમાંથી એક આપણા જમ્મુ-કાશ્મીરમાં છે, શ્રીનગરમાં છે.
અને જે રીતે નેધરલેન્ડ્સને ટ્યુલિપ્સ માટે ઓળખવામાં આવે છે, તેવી જ રીતે ભારત, લોટસ એટલે કે કમળ માટે ઓળખવામાં આવે છે.
સાથીઓ,
ટ્યુલિપ અને કમળ બંને ફૂલ આપણને જણાવે છે કે મૂળ ભલે પાણીમાં હોય કે ધરતી પર, જો સાચું પોષણ મળે તો સુંદરતા પણ મળે છે અને સ્ટ્રેન્થ (તાકાત) પણ આવી જાય છે. આ જ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે Partnership (ભાગીદારી)નો પણ આધાર છે.
સાથીઓ,
આપણી વચ્ચે દોસ્તીની એક બીજી કડી છે જેની એટલી ચર્ચા નથી થતી અને તે છે સ્પોર્ટ્સ (રમતગમત). આપણે બંને દેશ, સ્પોર્ટ્સના ક્ષેત્રમાં ઘણું બધું મળીને કરી રહ્યા છીએ.
હવે જેમ કે ક્રિકેટ છે. નેધરલેન્ડ્સના ક્રિકેટમાં ભારતીય સમુદાયનું બહુ મોટું યોગદાન છે. હમણાં ભારતમાં ટી-20 વર્લ્ડ કપ થયો તેમાં નેધરલેન્ડ્સની ટીમે સારું પ્રદર્શન કર્યું. ભારત વર્લ્ડ કપ ચેમ્પિયન છે પરંતુ ભારતની ટીમને પણ, નેધરલેન્ડ્સની ટીમે બહુ કડી ટક્કર આપી હતી.
જ્યારે આપણે તેજા નિદામનુરુ અને વિક્રમજીત સિંહને નેધરલેન્ડ્સની જર્સીમાં જોઈએ છીએ, અથવા તો, જ્યારે આર્યન દત્ત જેવા યુવા ખેલાડી, ડચ ક્રિકેટના ફ્યુચરમાં યોગદાન આપે છે તો આપણને સૌને ખૂબ સારું લાગે છે.
સાથીઓ,
જેમ ક્રિકેટમાં ભારતીયોનું યોગદાન છે તેમ જ ભારતના હોકીમાં નેધરલેન્ડ્સનું પણ મોટું યોગદાન છે. ભારતના હોકીને વધુ નિખારવામાં ડચ કોચીસની પણ મહેનત રહી છે. આપણી વિમેન હોકી ટીમ, વીતેલા કેટલાક સમયથી શાનદાર પરફોર્મન્સ કરી રહી છે. આમાં, કોચ મરીનની મહત્વની ભૂમિકા છે.
અને આ વર્ષે તો હોકી વર્લ્ડ કપનું યજમાન, નેધરલેન્ડ્સ પણ છે. અને આપ સૌએ ભારતના મેચ જોવા તો જવાનું જ જવાનું છે. આ વાત નક્કી છે, કે વર્લ્ડ કપ જે પણ જીતે, એટલું પાક્કું છે કે ભારત અને નેધરલેન્ડ્સની દોસ્તી જરૂર જીતશે.
સાથીઓ,
ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેના સંબંધની અસલી તાકાત આપ સૌ છો. આપ, આ પાર્ટનરશિપના જીવંત સેતુ છો. તેથી, ભારત સરકારે સુરીનામી હિન્દુસ્તાની સમાજ માટે, OCI Card ની પાત્રતા ચોથી પેઢીથી વધારીને છઠ્ઠી પેઢી સુધી કરી દીધી છે.
સાથીઓ,
21મી સદીનું ભારત અવસરોની ભૂમિ છે. ભારત ટેકનોલોજી સંચાલિત પણ છે અને માનવતા સંચાલિત પણ છે. ભારત જેટલું પ્રાચીન છે એટલું જ આધુનિક બની રહ્યું છે.
તેથી આ સમય ભારતમાં આપના પૂર્વજોના ગામ સાથે જોડાવાનો પણ છે, અને વિકસિત ભારતની યાત્રામાં ભાગીદારીનો પણ છે. હું નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાયના તમામ સાથીઓને કહીશ આપ ભારતમાં વધુમાં વધુ સહયોગ વધારો, આનાથી ભારતનું સામર્થ્ય પણ વધશે અને આપના ઇન્વેસ્ટમેન્ટ્સ પર રિટર્ન પણ વધારે મળશે અને આ, મોદીની ગેરંટી છે.
આટલી મોટી સંખ્યામાં આપ સૌ આવ્યા. આપ સૌના દર્શન કરવાનો લહાવો મળ્યો. મને ખૂબ ખુશી થઈ. આ જ ભાવની સાથે, હું મારી વાત સમાપ્ત કરું છું.
આટલા હુંફાળા સ્વાગત માટે, ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર !
ભારત માતાની જય !
IJ/JD
(રીલીઝ આઈડી: 2261753)
મુલાકાતી સંખ્યા : 2