કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતમાં ટેક્સટાઇલ રિસાયક્લિંગ પરના તાજેતરના મીડિયા રિપોર્ટનું ખંડન

પોસ્ટેડ ઓન: 14 MAY 2026 10:27AM by PIB Ahmedabad

પાણીપત (હરિયાણા) જેવા ક્લસ્ટરોમાં ટેક્સટાઇલ રિસાયક્લિંગ પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડતા તાજેતરના આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટે, ભારતમાં ટેક્સટાઇલ રિસાયક્લિંગ ઇકોસિસ્ટમના વિભાગો સાથે સંકળાયેલા પર્યાવરણીય અને વ્યાવસાયિક પાસાઓ તરફ ધ્યાન દોર્યું છે. જો કે કોઈપણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં બિન-પાલનના છૂટાછવાયા કિસ્સાઓ ઉદ્ભવી શકે છે, પરંતુ ભારતની ટેક્સટાઇલ ક્ષેત્રની પર્યાવરણીય રીતે બેદરકાર અથવા માળખાકીય રીતે શોષણખોર તરીકેની વ્યાપક રજૂઆત ગેરમાર્ગે દોરનારી, પસંદગીયુક્ત છે અને તે દેશભરમાં હાથ ધરવામાં આવી રહેલા ચાલુ નિયમનકારી મજબૂતીકરણ, ટેકનોલોજી અપનાવવા અને ટકાઉપણું-કેન્દ્રિત દરમિયાનગીરીઓનું પ્રતિનિધિત્વ કરતી નથી.

શરૂઆતમાં એ નોંધી શકાય છે કે, ભારત ટેક્સટાઇલ મટિરિયલ્સના પુનઃઉપયોગ, સમારકામ, રિસાયક્લિંગ અને પુનઃઉદ્દેશ્ય માટે લાંબા સમયથી સ્થાપિત વેલ્યુ ચેઇન્સ દ્વારા સમર્થિત વિશ્વનું સૌથી મોટું ટેક્સટાઇલ રિકવરી અને રિસાયક્લિંગ નેટવર્ક ધરાવે છે. અન્ય ઘણા દેશોથી વિપરીત, જ્યાં ટેક્સટાઇલ કચરો મુખ્યત્વે લેન્ડફિલ્ડ (જમીનમાં દાટી દેવો) કરવામાં આવે છે, ભારતમાં ટેક્સટાઇલ કચરાનો મોટો હિસ્સો ઔપચારિક અને અનૌપચારિક પ્રણાલીઓ દ્વારા પુનઃપ્રાપ્ત કરવામાં આવે છે અને તેને સેકન્ડરી ઉપયોગ, ફાઇબર રિકવરી, ઔદ્યોગિક પુનઃઉપયોગ અને સંલગ્ન એપ્લિકેશનો તરફ વાળવામાં આવે છે.

ભારતમાં કાપડના કચરા પરના પુરાવાનો આધાર સતત સૂચવે છે કે સામગ્રી પુનઃપ્રાપ્તિનું સ્તર ઘણીવાર માનવામાં આવે છે તેના કરતા નોંધપાત્ર રીતે વધારે છે. "મેપિંગ ઓફ ટેક્સટાઇલ વેસ્ટ વેલ્યુ ચેઇન ઇન ઇન્ડિયા" અભ્યાસ, 2026 મુજબ ભારત વાર્ષિક આશરે ~7,073 કિલો ટન ટેક્સટાઇલ કચરો પેદા કરે છે, જેમાં પ્રી-કન્ઝ્યુમર અને પોસ્ટ-કન્ઝ્યુમર બંને પ્રવાહોનો સમાવેશ થાય છે. આ અભ્યાસ એ પણ હાઇલાઇટ કરે છે કે મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાઓ દરમિયાન પેદા થતો પ્રી-કન્ઝ્યુમર ટેક્સટાઇલ કચરો નોંધપાત્ર રીતે ઉચ્ચ રિકવરી રેટ દર્શાવે છે; કુલ પ્રી-કન્ઝ્યુમર કચરામાંથી લગભગ 97% રિસાયકલ કરવામાં આવે છે, જે સ્થાનિક ઉત્પાદન પ્રણાલીઓમાં પહેલેથી જ સમાવિષ્ટ ઉચ્ચ સ્તરની મટિરિયલ સર્ક્યુલારિટી (ચક્રાકાર વ્યવસ્થા) સૂચવે છે.

રિપોર્ટ અચોક્કસપણે સૂચવે છે કે ભારત મુખ્યત્વે પશ્ચિમી ફાસ્ટ-ફેશન કચરા માટે "ડમ્પિંગ ગ્રાઉન્ડ" તરીકે સેવા આપે છે. ઉપર જણાવેલ રિપોર્ટના ડેટા હાઇલાઇટ કરે છે કે ભારતીય રિસાયક્લિંગ ઉદ્યોગ મુખ્યત્વે સ્થાનિક જરૂરિયાતો દ્વારા સંચાલિત છે. વાર્ષિક ધોરણે મેનેજ કરવામાં આવતા આશરે 7.8 મિલિયન ટન ટેક્સટાઇલ કચરામાંથી 90%થી વધુ સ્થાનિક પ્રી-કન્ઝ્યુમર અને પોસ્ટ-કન્ઝ્યુમર કચરામાંથી મેળવવામાં આવે છે. આયાતી પોસ્ટ-કન્ઝ્યુમર કચરો કુલ જથ્થાના માત્ર આશરે 7% હિસ્સો ધરાવે છે અને તે જોખમી અને અન્ય કચરા વ્યવસ્થાપન નિયમો, 2016 હેઠળ સખત રીતે નિયંત્રિત છે. આ આયાતી કચરામાં મુખ્યત્વે સેકન્ડ હેન્ડ કપડાં અને ફાટેલા ચીંથરાનો સમાવેશ થાય છે, જે મોટાભાગે હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ કોડ દ્વારા ટ્રેસ કરવામાં આવે છે. આ પ્રવાહ વધુ ઔપચારિક છે અને તે મુખ્યત્વે રિસાયક્લિંગ અને સોર્ટિંગ ઇકોસિસ્ટમમાં વહે છે.

FICCI રિપોર્ટ “ભારતના કાપડના કચરામાંથી મૂલ્ય મેળવવું: કાપડ ક્ષેત્રમાં પરિપત્રતા માટેનો એક માર્ગદર્શક નકશો” વધુમાં નોંધે છે કે ભારતની ટેક્સટાઇલ વેસ્ટ ઇકોસિસ્ટમ હાલમાં વાર્ષિક અંદાજે ~₹22,000 કરોડની આર્થિક કિંમત પેદા કરે છે, જેમાં ઉત્તમ સોર્ટિંગ, સેગ્રિગેશન અને ઉચ્ચ-મૂલ્ય ધરાવતા રિસાયક્લિંગ માર્ગો દ્વારા વધારાની નોંધપાત્ર સંભાવના છે. વધુમાં, ભારતની પુનઃઉપયોગ અને સમારકામ કરવાની સંસ્કૃતિએ વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ કાપડનો વપરાશ અને કચરો પેદા કરવાનું સ્તર પરંપરાગત રીતે નોંધપાત્ર રીતે ઓછું રાખ્યું છે. આ મૂલ્યાંકનો ભાર મૂકે છે કે ભારતમાં ટેક્સટાઇલ રિસાયક્લિંગ એ માત્ર કચરા વ્યવસ્થાપનની પ્રવૃત્તિ નથી, પરંતુ તે આજીવિકા, સંસાધન કાર્યક્ષમતા અને સેકન્ડરી મટિરિયલ વેલ્યુ નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

ટેક્સટાઇલ રિસાયક્લિંગને પર્યાવરણીય રીતે હાનિકારક તરીકે દર્શાવવાના સીધા અને માપી શકાય તેવા વિરોધાભાસમાં, IIT દિલ્હીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા સખત લાઈફ સાયકલ એસેસમેન્ટ (LCA) અભ્યાસો - જેમાં ખુદ પાણીપત ક્લસ્ટરમાંથી ફિલ્ડ ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો - ભારતની રિસાયક્લિંગ પ્રવૃત્તિઓથી નોંધપાત્ર પર્યાવરણીય લાભો દર્શાવે છે. જર્નલ ઓફ ક્લીનર પ્રોડક્શન (2025)માં પ્રકાશિત થયેલા સંશોધનમાં, પાણીપત રિસાયક્લિંગ ક્લસ્ટરના ડેટાના આધારે ક્વોન્ટિફાઇડ (ગણતરી) કરવામાં આવ્યું છે કે ટેક્સટાઇલ રિસાયક્લિંગ વર્જિન ફાઇબર ઉત્પાદન માર્ગોની તુલનામાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન, એસિડ રેઇન પોટેન્શિયલ અને અશ્મિભૂત ઇંધણના અવક્ષય સહિતની મુખ્ય પર્યાવરણીય અસરોને 30–40% ઘટાડે છે.

એ નોંધવું પણ પ્રાસંગિક છે કે ભારતમાં ટેક્સટાઇલ રિસાયક્લિંગ છૂટાછવાયા એકમો પૂરતું મર્યાદિત નથી પરંતુ પાણીપત, તિરુપુર, લુધિયાણા, સુરત અને અન્ય ટેક્સટાઇલ કેન્દ્રો જેવા ક્લસ્ટરોમાં દાયકાઓથી વિકસિત વિશિષ્ટ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ્સ દ્વારા સમર્થિત છે. પાણીપત, જેનો મીડિયા નેરેટિવ્સમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે, તે વૈશ્વિક સ્તરે મુખ્ય ટેક્સટાઇલ રિસાયક્લિંગ હબમાંનું એક બની ગયું છે, જે ઊની અને મિશ્રિત ટેક્સટાઇલ કચરાના જંગી જથ્થાની પ્રક્રિયા કરે છે અને નોંધપાત્ર ડાઉનસ્ટ્રીમ રોજગારી અને આર્થિક પ્રવૃત્તિને ટેકો આપે છે.

તે જ સમયે, એ સ્વીકારવામાં આવે છે કે મીડિયા અહેવાલોમાં પ્રકાશિત કેટલીક ચિંતાઓ ધ્યાન આપવા યોગ્ય છે. પોસ્ટ-કન્ઝ્યુમર ટેક્સટાઇલ કચરાના સંગ્રહ, બ્લેન્ડેડ (મિશ્રિત) અને સિન્થેટિક ટેક્સટાઇલ કચરાના સંચાલન, ફ્રેગમેન્ટેડ ફીડસ્ટોક એગ્રિગેશન, નાના અનૌપચારિક એકમોમાં પર્યાવરણીય અનુપાલન અને વેલ્યુ ચેઇનના ચોક્કસ વિભાગોમાં કામદારોની સુરક્ષાને લગતા પડકારો ચાલુ છે. જો કે, આવી ચિંતાઓને એક વિકસતા ક્ષેત્રના સંદર્ભમાં જોવાની જરૂર છે જે પ્રગતિશીલ રીતે વધુ ઔપચારિકકરણ, મજબૂત નિયમનકારી અનુપાલન, સ્વચ્છ ઉત્પાદન તકનીકો અપનાવવા, મિશ્રિત ટેક્સટાઇલ કચરાને રિસાયક્લિંગ કરવામાં તકનીકી મર્યાદાઓ અને ઉચ્ચ પર્યાવરણીય ધોરણોના પાલન તરફ આગળ વધી રહ્યું છે.

આ સંદર્ભમાં, એ નોંધવું અગત્યનું છે કે ટેક્સટાઇલ રિસાયક્લિંગ ક્ષેત્ર પર્યાવરણીય અનુપાલન, ઔદ્યોગિક કામગીરી અને કામદાર કલ્યાણને સંચાલિત કરતા સ્થાપિત કાયદાકીય અને નિયમનકારી માળખામાં કાર્ય કરે છે. ટેક્સટાઇલ રિસાયક્લિંગ અને પ્રોસેસિંગ યુનિટ્સ વોટર (Prevention and Control of Pollution) એક્ટ, 1974 અને એર (Prevention and Control of Pollution) એક્ટ, 1981 હેઠળ નિયંત્રિત થાય છે, જેમાં સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ્સ પાસેથી ફરજિયાત ઓપરેશનલ સંમતિ આવશ્યકતાઓ હોય છે. હકીકત એ છે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ્સ દ્વારા અમુક બિન-પાલન કરતા એકમો સામે અમલીકરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તે દર્શાવે છે કે ભારતની નિયમનકારી સંસ્થાઓ કાર્યરત અને સક્રિય છે.

વધારામાં, વ્યાવસાયિક સુરક્ષા, કામ કરવાની પરિસ્થિતિઓ, સામાજિક સુરક્ષા અને શ્રમ કલ્યાણ ભારતના વિકસતા શ્રમ કાયદા માળખા હેઠળ સંચાલિત થાય છે, જેમાં વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓનો કોડ, 2020 (OSH Code)નો સમાવેશ થાય છે, જે તમામ સંસ્થાઓમાં કાર્યસ્થળ સુરક્ષા, આરોગ્યના ધોરણો, કલ્યાણકારી પગલાં અને કામ કરવાની પરિસ્થિતિઓને લગતી જોગવાઈઓને એકીકૃત કરે છે, અને કોડ ઓન સોશિયલ સિક્યોરિટી, 2020, જે કામદારો માટે સામાજિક સુરક્ષા કવચને મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત, વેતન, ઔદ્યોગિક સંબંધો અને કામદાર સુરક્ષાને લગતી જોગવાઈઓ કોડ ઓફ વેજીસ, 2019 અને ઈન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ, 2020 દ્વારા સંબોધવામાં આવે છે. બિન-પાલનના કિસ્સામાં નિયમનકારી દેખરેખ, નિરીક્ષણ અને અમલીકરણની કાર્યવાહી લાગુ કાયદાકીય માળખા અનુસાર સક્ષમ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવે છે.

ભારતીય ટેક્સટાઇલ રિસાયક્લિંગ ઉદ્યોગની વ્યાપક રજૂઆત સંગઠિત અને નિકાસ-લક્ષી રિસાયકલર્સ દ્વારા પર્યાવરણીય રીતે જવાબદાર અને કામદારો માટે સુરક્ષિત પદ્ધતિઓ અપનાવવામાં થયેલી નોંધપાત્ર પ્રગતિને અવગણે છે. ભારતની ટેક્સટાઇલ રિસાયક્લિંગ ઇકોસિસ્ટમ પરંપરાગત મિકેનિકલ રિસાયક્લિંગથી આગળ વધીને અત્યાધુનિક કેમિકલ રિસાયક્લિંગ ટેકનોલોજી તરફ ઝડપથી આગળ વધી રહી છે જે મોલેક્યુલર સ્તરે ફાઇબર રિકવર કરવામાં સક્ષમ છે અને સાચી ટેક્સટાઇલ-ટુ-ટેક્સટાઇલ સર્ક્યુલારિટીને સક્ષમ બનાવે છે. અસંખ્ય ટેક્સટાઇલ યુનિટોએ અદ્યતન રિસાયક્લિંગ ટેકનોલોજી, ડસ્ટ એક્સટ્રેક્શન સિસ્ટમ્સ, ઝીરો-લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) વેસ્ટવોટર ટ્રીટમેન્ટ અને રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશનમાં રોકાણ કર્યું છે. તિરુપુરનું ટેક્સટાઇલ ક્લસ્ટર, ખાસ કરીને, ડાઇંગ અને પ્રોસેસિંગ યુનિટ્સમાં ZLD સિસ્ટમ્સના લગભગ સાર્વત્રિક સ્વીકાર માટે વૈશ્વિક સ્તરે ઓળખાય છે, જે મોટા પાયે ઉચ્ચ પર્યાવરણીય ધોરણો લાગુ કરવાની ભારતની ક્ષમતા દર્શાવે છે. તમિલનાડુ, ગુજરાત અને હરિયાણા જેવા અનેક રાજ્યોમાં, ટેક્સટાઇલ યુનિટ્સ લો-લિકર ડાઇંગ ટેકનોલોજી, અદ્યતન વોટર રિસાયક્લિંગ સિસ્ટમ્સ, ડિજિટલ પ્રોસેસ મોનિટરિંગ મિકેનિઝમ્સ અને ઉર્જા-કાર્યક્ષમ પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપનાવીને ટકાઉ અને સંસાધન-કાર્યક્ષમ ઉત્પાદન પદ્ધતિઓ તરફ આગળ વધી રહ્યા છે, જેનો હેતુ પર્યાવરણીય અસરો ઘટાડવા અને કાર્યકારી કાર્યક્ષમતા સુધારવાનો છે.

ભારતની ટેકનિકલ ટેક્સટાઇલ રિસાયક્લિંગ ક્ષમતાઓ પરંપરાગત વસ્ત્રો અને ઘરગથ્થુ કાપડ પૂરતી મર્યાદિત નથી. વધતા રાષ્ટ્રીય મહત્વનું વ્યૂહાત્મક ક્ષેત્ર ઉચ્ચ-મૂલ્ય ધરાવતા ટેકનિકલ ટેક્સટાઇલ વેસ્ટ સ્ટ્રીમ્સનું રિસાયક્લિંગ છે - જેમાં ડિફેન્સ-ગ્રેડ ફાઇબર્સ, ઓટોમોટિવ ટેક્સટાઇલ્સ, એરોસ્પેસ કમ્પોઝિટ્સ અને અન્ય ટેકનિકલ ટેક્સટાઇલ કચરો સામેલ છે - જે સામાન્ય રીતે તેમના રિસાયક્લિંગની તકનીકી જટિલતાને કારણે વૈશ્વિક સ્તરે ઇન્સિનરેશન (ભઠ્ઠીમાં બાળી નાખવા) અથવા લેન્ડફિલ્ડ દ્વારા નિકાલ કરવામાં આવે છે. સંરક્ષણ અને સુરક્ષાત્મક ટેક્સટાઇલ્સમાં, ભારતે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે: નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન (NTTM) હેઠળ IIT દિલ્હી દ્વારા પાણીપત ખાતે સ્થાપિત અટલ સેન્ટર ઓફ ટેક્સટાઈલ રિસાયકલિંગ એન્ડ સસ્ટેનેબિલિટી (ACTRS) એ હાઈ-પર્ફોર્મન્સ એરામિડ ફાઈબર કચરાના રિસાયક્લિંગ માટેની સૌપ્રથમ પ્રક્રિયા વિકસાવી છે અને સફળતાપૂર્વક ઉદ્યોગને સ્થાનાંતરિત કરી છે - આ મટિરિયલ બુલેટપ્રૂફ વેસ્ટ, પ્રોટેક્ટિવ ગિયર્સ, હેલ્મેટ અને સશસ્ત્ર વાહનોના ઘટકોમાં વપરાય છે. આને પૂરક બનાવતા, NTTM એ ઓટોમોટિવ લાઇટવેઇટિંગ, સ્પોર્ટ્સ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ અને એરોસ્પેસ સ્ટ્રક્ચર્સમાં સીધી એપ્લિકેશન સાથે કમ્પોઝિટ્સ, જીઓસિન્થેટિક્સ, સ્પેશિયાલિટી ફાઇબર્સ અને સ્ટ્રક્ચરલ મટિરિયલ્સને આવરી લેતા સંશોધન પ્રોજેક્ટ્સના સમર્પિત પોર્ટફોલિયોને મંજૂરી આપી છે - જે ભારતમાં વ્યવસ્થિત, ઉચ્ચ-મૂલ્ય ધરાવતી ટેકનિકલ ટેક્સટાઇલ રિસાયક્લિંગ ઇકોસિસ્ટમનો પાયો નાખે છે.

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લેતા, જ્યારે મીડિયા અહેવાલો ચોક્કસ સ્થળોએ ચોક્કસ ઓપરેશનલ ચિંતાઓ તરફ ધ્યાન દોરી શકે છે, ત્યારે આવા કિસ્સાઓ સમગ્ર ભારતમાં ટેક્સટાઇલ રિસાયક્લિંગ ઇકોસિસ્ટમના પ્રતિનિધિ નથી. ભારતનું ટેક્સટાઇલ રિસાયક્લિંગ ક્ષેત્ર નોંધપાત્ર સ્કેલ, સ્થાપિત રિકવરી પાથવેઝ અને નોંધપાત્ર સર્ક્યુલારિટી દ્વારા લાક્ષણિકતા ધરાવતો મજબૂત પાયો ધરાવે છે, અને તે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત રહીને બહેતર પર્યાવરણીય કામગીરી, ઔપચારિકકરણ અને ટકાઉપણું તરફ સંક્રમણ કરવાનું ચાલુ રાખે છે.

કાપડ મંત્રાલય ભારતના ટકાઉ વિકાસ, સંસાધન કાર્યક્ષમતા અને ચક્રાકાર અર્થતંત્રના વ્યાપક ઉદ્દેશ્યો સાથે સુસંગત વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, પર્યાવરણીય રીતે જવાબદાર અને સામાજિક રીતે સર્વસમાવેશક કાપડ ક્ષેત્રને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે.

 

SM/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2260902) મુલાકાતી સંખ્યા : 34