ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન સંભવિત પૂર અને હીટ વેવને પહોંચી વળવા માટે દેશની સજ્જતાની વ્યાપક સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, આપણે શૂન્ય જાનહાનિ આપત્તિ વ્યવસ્થાપન (Zero Casualty Disaster Management) ના વિઝનને અમલમાં લાવવા માટે કામ કરવું જોઈએ

દેશના દરેક રાજ્યમાં ફ્લડ ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ્સ (FCMTs) ની રચના થવી જોઈએ

હીટ વેવને કારણે કૃષિ ક્ષેત્રને ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા પ્રયાસો કરવા જોઈએ અને આપણી હવામાન સંબંધિત યોજનાઓ પાયાના સ્તર સુધી પહોંચવી જોઈએ

આપત્તિઓ માટે જારી કરાયેલ NDMA માર્ગદર્શિકાના પાલનની રાજ્ય, જિલ્લા અને મ્યુનિસિપલ સ્તરે સમીક્ષા થવી જોઈએ

જળ સંગ્રહ અને ચેક ડેમ પ્રોજેક્ટ્સ દ્વારા જળ સંચય અને ભૂગર્ભ જળ સ્તરમાં સુધારણા માટેની વધુ શક્યતાઓ શોધવી જોઈએ

પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુથી કરવામાં આવતા પ્રયાસોને વધુ બહુપરિમાણીય બનાવવા માટે કેમ્પા (CAMPA) ફંડનો ઉપયોગ કરવો જોઈએ

ઓછામાં ઓછા 60 ઉચ્ચ જોખમ ધરાવતા તળાવો માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી (early warning system) વિકસાવવા પ્રયાસો કરવા જોઈએ અને તમામ રાજ્યોમાં રાજ્ય સ્તરે સંકલિત જળાશય સંચાલન પ્રણાલી અમલમાં મૂકવી જોઈએ

હવામાનની આગાહીઓ અને ચેતવણીઓનો વ્યાપક અને અસરકારક રીતે પ્રસાર થવો જોઈએ

પોસ્ટેડ ઓન: 10 MAY 2026 6:47PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન સંભવિત પૂર અને હીટ વેવને પહોંચી વળવા માટે દેશની સજ્જતાની વ્યાપક સમીક્ષા કરી હતી.

બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ના સહયોગથી જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં 30 ઉચ્ચ જોખમ ધરાવતા તળાવો માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી વિકસાવવાની યોજનામાં ઓછામાં ઓછા 60 તળાવોનો સમાવેશ કરવો જોઈએ. શ્રી શાહે એમ પણ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે પૂરની આગાહી માટે એક સંકલિત પ્રણાલી હોવી જોઈએ.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશના દરેક રાજ્યમાં ફ્લડ ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ્સ (FCMTs) ની રચના અને સક્રિયકરણ થવું જોઈએ. તેમણે કહ્યું કે આપત્તિઓ માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાથી વધુ સારી જાગૃતિ આવી છે અને “સમગ્ર સરકાર” (Whole of Government) અભિગમનો વિકાસ થયો છે, પરંતુ રાજ્ય, જિલ્લા અને મ્યુનિસિપલ સ્તરે આ માર્ગદર્શિકાના પાલનની સમીક્ષા કરવાથી તેમના અમલીકરણને વધુ મજબૂત બનાવી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે NDMA એ અભ્યાસ કરવો જોઈએ કે કેટલા રાજ્યો ગૃહ મંત્રાલયના નિર્દેશો અને જંગલની આગ, હીટ વેવ અને પૂરનો સામનો કરવા માટેની NDMA માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શૂન્ય જાનહાનિ આપત્તિ વ્યવસ્થાપનના વિઝનને અમલમાં મૂકવા માટે પ્રયત્નો કરવા જોઈએ. તેમણે કહ્યું કે જળ સંગ્રહ અને ચેક ડેમ પ્રોજેક્ટ્સ દ્વારા જળ સંચય અને ભૂગર્ભ જળ સ્તરમાં સુધારણા માટેની વધુ શક્યતાઓ શોધવી જોઈએ. આપણો ઉદ્દેશ્ય નદીઓ પર ચેક ડેમ બનાવીને પાણીનો સંગ્રહ કરવાનો અને સાથે સાથે હીટ વેવની અસર ઘટાડવાનો હોવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુથી કરવામાં આવતા પ્રયાસોને વધુ બહુપરિમાણીય બનાવવા માટે કેમ્પા (CAMPA) ફંડનો ઉપયોગ કરવો જોઈએ.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ક્લાયમેટ ચેન્જને કારણે હવામાનની પેટર્નમાં આવેલા ફેરફારો અને તેનાથી ઉદ્ભવતા આપત્તિ સંબંધિત વધતા પડકારોને પહોંચી વળવા માટે “સમગ્ર સરકાર” અને “સમગ્ર સમાજ” (Whole of Society) અભિગમ અપનાવીને માસ્ટર પ્લાન તૈયાર કરવો જોઈએ. તેમણે બેઠકમાં ઉપસ્થિત મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓને નવી એપ્સ અને પોર્ટલ બનાવવાને બદલે હાલની એપ્સ અને પોર્ટલને એકીકૃત કરવા અને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે હવામાનની આગાહીઓ અને ચેતવણીઓનો વ્યાપક અને અસરકારક રીતે પ્રસાર થવો જોઈએ.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન થયેલી જાનહાનિ, આપણી આગાહીઓની ચોકસાઈ અને કૃષિ ક્ષેત્રને થયેલા નુકસાનનો અભ્યાસ કરીને આગામી ચોમાસાના આપણા મૂલ્યાંકનમાં વધુ સુધારો કરવા પ્રયાસો કરવા જોઈએ.

શ્રી અમિત શાહે બેઠકમાં ભાગ લઈ રહેલા મંત્રાલયો અને વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી તેમજ તેમની વચ્ચેના સંકલનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણી હવામાન સંબંધિત યોજનાઓ પાયાના સ્તર સુધી પહોંચે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પૂર અને અન્ય કુદરતી આપત્તિઓની અસર ઘટાડવા માટેની સજ્જતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. દર વર્ષે, કેન્દ્રીય ગૃહ મંત્રી પૂર પૂર્વેની સજ્જતાની વિગતવાર સમીક્ષા કરે છે અને તેમના નિર્દેશો અનુસાર અનેક મહત્વની પહેલો હાથ ધરવામાં આવી છે. આમાં ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) અને કેન્દ્રીય જળ આયોગ (CWC) દ્વારા વરસાદ અને પૂરની આગાહી માટેના આગોતરા સમયગાળાને 3 દિવસથી વધારીને 7 દિવસ કરવાનો તેમજ હીટ વેવની આગાહી માટેના ધોરણો સુધારવાનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય ગૃહ સચિવ, વિવિધ મંત્રાલયોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ના સભ્યો અને વિભાગીય વડાઓ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) ના ડાયરેક્ટર જનરલ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને કેન્દ્રીય જળ આયોગ (CWC) ના અધ્યક્ષો તેમજ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) અને અન્ય સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2259570) મુલાકાતી સંખ્યા : 14