પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

હૈદરાબાદમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 10 MAY 2026 5:51PM by PIB Ahmedabad

તેલંગાણાના રાજ્યપાલ શ્રીમાન શિવ પ્રતાપ શુક્લાજી, રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન રેવંત રેડ્ડીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી જી. કિશન રેડ્ડી, બંડી સંજય કુમાર, સંસદના મારા સાથી કોંડા વિશ્વેશ્વર રેડ્ડીજી, તેલંગાણા સરકારના મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ, દેવીઓ અને સજ્જનો!

સાયબરાબાદનું સામર્થ્ય નેશનલ પણ છે અને ગ્લોબલ પણ છે. તે તેલંગાણાના અને દેશના ઝડપી વિકાસનું મુખ્ય કેન્દ્ર છે. તેથી, આજે સાયબરાબાદથી તેલંગાણાને દેશનું એક મોટું મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનાવવા માટે અનેક મોટા પ્રોજેક્ટ્સ શરૂ થઈ રહ્યા છે. આજે જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે, તેનાથી અહીં હજારો નવા રોજગાર ઉભા થશે અને તેલંગાણાની કનેક્ટિવિટી પણ સશક્ત થશે. હું તેલંગાણાની જનતાને આ પ્રોજેક્ટ્સ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

આજે ભારત રિફોર્મ્સ એક્સપ્રેસ પર ચાલી રહ્યું છે. સાથે જ, આજનું ભારત આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવી રહ્યું છે. ઝહીરાબાદ ઇન્ડસ્ટ્રિયલ એરિયાના નિર્માણ પાછળ પણ આ જ લક્ષ્ય છે. આ ઇન્ડસ્ટ્રિયલ એરિયા, ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર વિકસાવવાના ભારત સરકારના રાષ્ટ્રીય અભિયાનનો ભાગ છે. આ એક પ્રકારે Industrial Smart City બનવા જઈ રહ્યું છે. અહીં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે, શ્રેષ્ઠ પાવર સપ્લાય હશે, એડવાન્સ્ડ I.C.T. નેટવર્ક હશે, એટલે કે દુનિયાભરના રોકાણકારો માટે અહીં તે દરેક સુવિધા હશે જે ઉદ્યોગ માટે તેમને જરૂરી છે. આ સુવિધાઓના નિર્માણ માટે ભારત સરકારના હજારો કરોડ રૂપિયા લાગશે, અને તેલંગાણા, હૈદરાબાદના હજારો નવયુવાનો માટે રોજગારનું માધ્યમ બનશે. અહીં બનતી ગાડીઓ, મશીનરી, અહીં લાગનારા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો - આ તેલંગાણાના શ્રમિકો અને ખેડૂતોને પણ સશક્ત કરશે.

સાથીઓ,

ભૂતકાળમાં જ્યારે ભારત દુનિયાની બહુ મોટી ઈકોનોમી હતું, ત્યારે આપણા વસ્ત્ર ઉદ્યોગની મોટી ભૂમિકા હતી. હવે આપણે તે વારસાને ફરીથી સશક્ત કરી રહ્યા છીએ. વારંગલનો પીએમ મિત્ર પાર્ક દેશમાં ટેક્સટાઇલ ક્રાંતિને વેગ આપશે. પીએમ મિત્ર પાર્કમાં લાગનારા યુનિટ્સને કેન્દ્ર સરકારની યોજનાઓનો પણ પૂરો લાભ મળશે. તેમને કેન્દ્ર સરકારની PLI સ્કીમથી પણ મદદ મળશે. એટલે કે આ ટેક્સટાઇલ પાર્કથી મોટી સંખ્યામાં રોજગારનું નિર્માણ થશે. ખાસ કરીને, જે આપણી બહેનો-દીકરીઓ છે, તેમના માટે અનેક અવસરો બનવાના છે.

સાથીઓ,

વીતેલા 12 વર્ષોમાં ભારત સરકારની બહુ મોટી પ્રાથમિકતા આધુનિક કનેક્ટિવિટી પણ રહી છે. રોડ હોય, રેલવે હોય, એરપોર્ટ હોય, કનેક્ટિવિટીના દરેક મોડ પર અભૂતપૂર્વ રોકાણ કરવામાં આવી રહ્યું છે. અંદાજે પોણા બે લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફક્ત અને ફક્ત નેશનલ હાઇવે પર કરવામાં આવ્યું છે. અને તેનો બહુ મોટો લાભ તેલંગાણાને પણ મળી રહ્યો છે. વીતેલા 12 વર્ષોમાં તેલંગાણામાં નેશનલ હાઇવેનું નેટવર્ક ડબલ થયું છે. તેલંગાણા અને કર્ણાટકને જોડતા નેશનલ હાઇવેના પહોળીકરણથી ઘણી સુવિધા થશે. આનાથી ટ્રાવેલ ટાઇમ ઓછો થશે અને ભાડામાં પણ બચત થશે.

સાથીઓ,

વર્ષ 2014 પહેલા અવિભાજિત આંધ્રપ્રદેશ માટે એક હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું રેલવે બજેટ હતું. રેવંતજી સાંભળી રહ્યા છો ને? સંયુક્ત આંધ્રના સમયે રેલવેનું બજેટ એક હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું હતું. આજે ફક્ત સંયુક્ત આંધ્રની વાત નથી કરી રહ્યો, આજે ફક્ત તેલંગાણાનું રેલવે બજેટ જ લગભગ સાડા પાંચ હજાર કરોડ રૂપિયાનું છે. હાલમાં અંદાજે 50 હજાર કરોડ રૂપિયાના રેલ પ્રોજેક્ટ્સ પર અહીં કામ ચાલી રહ્યું છે. તેલંગાણામાં પાંચ વંદે ભારત અને 6 અમૃત ભારત ટ્રેનો પણ ચાલી રહી છે.

સાથીઓ,

હમણાં થોડી વાર પહેલા કાઝીપેટ-વિજયવાડા મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટના કેટલાક સેક્શન્સનું લોકાર્પણ થયું છે. આ ઉપરાંત કાઝીપેટ રેલ અંડર બાયપાસ લાઇન પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે. આ સુવિધાઓથી મુસાફરી પણ સરળ થશે અને ટ્રાન્સપોર્ટેશનની ગતિ પણ ઝડપી થશે.

સાથીઓ,

21મી સદીની આ દુનિયામાં ઊર્જા વિના બધું કામ અટકી પડે છે. એનર્જી સિક્યુરિટીનું શું મહત્વ છે, તે આજે દુનિયાની દરેક વ્યક્તિ અનુભવી રહી છે. તેથી ભારતની એનર્જી સિક્યુરિટી પર અમારી કેન્દ્ર સરકાર અભૂતપૂર્વ રોકાણ કરી રહી છે. મલકાપુરમાં ઈન્ડિયન ઓઈલના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન આ દિશામાં એક મોટું પગલું છે. આ ટર્મિનલ તેલંગાણાની વધતી જતી ઊર્જા જરૂરિયાતોને પૂરી કરશે, સપ્લાય ચેઈનને મજબૂત કરશે.

સાથીઓ,

વીતેલા વર્ષોમાં સોલર પાવરની બાબતમાં ભારત દુનિયાના ટોચના દેશોમાં પહોંચી ગયું છે. પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગને લઈને અભૂતપૂર્વ કામ થયું છે. પહેલા અમે સો ટકા એલપીજી કવરેજ પર ફોકસ કર્યું, હવે અમે પાઇપથી સસ્તી ગેસ પર ફોકસ કરી રહ્યા છીએ, સીએનજી આધારિત વ્યવસ્થાને પ્રોમોટ કરી રહ્યા છીએ. આવા તમામ પ્રયાસોને કારણે ભારત આ બહુ મોટા વૈશ્વિક ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. પરંતુ હવે આજે સમયની એ પણ માંગ છે કે પેટ્રોલ-ડીઝલ-ગેસ જેવી ચીજોનો બહુ સંયમથી ઉપયોગ કરીએ. જે એનર્જી પ્રોડક્ટ આપણે વિદેશથી મંગાવીએ છીએ, આપણે પ્રયાસ કરવો જોઈએ કે જેટલી જરૂરિયાત હોય તેટલો જ ઉપયોગ કરીએ. આનાથી વિદેશી મુદ્રાની પણ બચત થશે અને યુદ્ધના સંકટથી થતી દુષ્પ્રેરણાને પણ ઓછી કરી શકાશે.

સાથીઓ,

આજે તેલંગાણાનો યુવાન નવા સપના જોઈ રહ્યો છે. અહીંનો ખેડૂત નવી આશાઓ સાથે આગળ વધવા માંગે છે. અહીંના ઉદ્યોગો, અહીંના MSMEs, અહીંના સ્ટાર્ટઅપ્સ - બધા એક વિકસિત તેલંગાણાના નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવવા માંગે છે. કારણ કે તેલંગાણા વિકસિત થશે તો ભારત વિકસિત થશે. હું તેલંગાણાના દરેક પરિવારજનને એ ભરોસો અપાવું છું કે તમારા સપના પૂરા કરવા માટે કેન્દ્ર સરકાર જ આનાથી પણ વધુ ઝડપી ગતિએ કામ કરતી રહેશે. હવે આપણા રેવંતજીએ કહ્યું હતું કે હા આપણે રાજકીય વાત નહીં કરીએ, તો હું પણ નહીં કરું, અને તેથી બિન-રાજકીય વાત હું રેવંતજીને કહીશ કે 10 વર્ષના શાસનમાં ભારત સરકારે જેટલું ગુજરાતને આપ્યું, તે હું તમને આપવા તૈયાર છું. પરંતુ મારી જાણકારીથી હું તમને જણાવી દઉં કે જેવું હું એવું કરીશ, તમને જે અત્યારે મળી રહ્યું છે તે અડધું થઈ જશે. તમે જ્યાં પહોંચવા માંગો છો ત્યાં નહીં પહોંચી શકો. અને તેથી સારું છે કે મારાથી જ જોડાઓ.

સાથીઓ,

અમારો એ પાકો વિશ્વાસ છે, લોકશાહીમાં રાજ્યોમાં અલગ-અલગ પ્રકારની સરકારો હોવી કોઈ ખરાબ બાબત નથી, પરંતુ દેશના વિકાસ માટે રાજ્યોનો વિકાસ પણ તેટલો જ મહત્વપૂર્ણ છે. રાજ્યોના વિકાસ વિના દેશનો વિકાસ શક્ય જ નથી. અને તેથી અમારી બધી યોજનાના કેન્દ્રબિંદુમાં રાજ્યોનો વિકાસ હોય, ઝડપી ગતિએ વિકાસ હોય, તે ભાવને લઈને આપણે બધા સાથે મળીને ચાલીએ અને 2047 વિકસિત ભારતનું સપનું આપણે આપણી આંખો સામે સિદ્ધ થતું જોઈએ, એ જ મારી સૌને શુભેચ્છાઓ છે. ખુબ ખુબ ધન્યવાદ!

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2259553) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Manipuri