પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

વિયેતનામના રાષ્ટ્રપતિ માનનીય તો લમ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 06 MAY 2026 2:30PM by PIB Ahmedabad

માનનીય, જનરલ સેક્રેટરી એન્ડ પ્રેસિડેન્ટ તો લમ, બંને દેશોના પ્રતિનિધિઓ (delegates), મીડિયાના સાથીઓ,

નમસ્કાર!

સિન ચાઓ!

રાષ્ટ્રપતિ તો લમનું ભારતમાં હાર્દિક સ્વાગત કરતા મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા પછી, એક મહિનાની અંદર જ તેમનું ભારત આવવું, અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ તેમજ કેટલાય વ્યાપારી આગેવાનો સાથે આવવું, એ સ્પષ્ટ કરે છે કે તેઓ ભારત-વિયેતનામ સંબંધોને કેટલી પ્રાથમિકતા આપે છે.

એટલું જ નહીં, તેમણે ભારત યાત્રાની શરૂઆત બોધગયાથી કરી છે. આ આપણા બંને દેશોની સહિયારી સભ્યતા અને આધ્યાત્મિક પરંપરાને દર્શાવે છે. તેમની આ મુલાકાત અને આપણી સાર્થક ચર્ચાઓથી, આપણે આપણી પરસ્પર સદ્ભાવનાને કેટલાય નક્કર પરિણામોમાં બદલી રહ્યા છીએ.

સાથીઓ,

ભારત અને વિયેતનામની ભાગીદારીમાં, વિરાસત અને વિકાસ - બંનેનું મહત્વ છે. ગત વર્ષે, જ્યારે ભારતથી બૌદ્ધ અવશેષો વિયેતનામ ગયા, તો તેમના દર્શન દોઢ કરોડથી વધુ, એટલે કે સમગ્ર વિયેતનામની વસ્તીના 15 ટકા લોકોએ કર્યા હતા. આપણી સહિયારી વિરાસતને જીવંત રાખવા માટે, આપણે વિયેતનામની પ્રાચીન ચંપા સભ્યતાના મી સોન (My Son) અને ન્હાન ટવર (Nhan Tower) મંદિરોનું પુનઃનિર્માણ કરી રહ્યા છીએ. હવે આપણે ચંપા સભ્યતાની હસ્તપ્રતોને ડિજિટલાઇઝ કરીશું, અને આ અમૂલ્ય ધરોહરને આવનારી પેઢીઓ માટે સંરક્ષિત કરીશું.

સાથીઓ,

એક દાયકા પહેલા, મારી વિયેતનામ યાત્રા દરમિયાન, વિયેતનામ આસિયાનમાં, ભારતનું પ્રથમ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદાર બન્યું હતું. ત્યારથી, આપણા સંબંધોએ ઝડપી અને વ્યાપક પ્રગતિ કરી છે. સભ્યતાના સંબંધોની સાથે-સાથે, આપણા વ્યાપાર, ટેકનોલોજી અને પર્યટન સંબંધો પણ વધુ મજબૂત થયા છે.

આ મજબૂત પાયા પર આગળ વધતા, આજે આપણે આપણા સંબંધોને ઉન્નત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જઈ રહ્યા છીએ. હવે આપણે આપણી ભાગીદારીને વધુ ઊંચા લક્ષ્યો તરફ અગ્રેસર કરીશું. સંસ્કૃતિ (Culture), કનેક્ટિવિટી અને ક્ષમતા નિર્માણની સાથે-સાથે, સુરક્ષા, ટકાઉપણું અને સપ્લાય ચેઈન સ્થિતિસ્થાપકતા (supply chain resilience) - દરેક ક્ષેત્રમાં આપણો સહયોગ નવા સ્તરે પહોંચશે.

સાથીઓ (Friends),

ભારત અને વિયેતનામનો દ્વિપક્ષીય વ્યાપાર (bilateral trade), વિતેલા એક દાયકામાં બમણો થઈને 16 બિલિયન ડોલર સુધી પહોંચી ચૂક્યો છે. 2030 સુધીમાં આને 25 બિલિયન ડોલર સુધી પહોંચાડવા માટે આજે આપણે કેટલાય મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આપણી ડ્રગ ઓથોરિટીઝ વચ્ચેના સમજૂતી કરાર (MOU)થી હવે ભારતની દવાઓની વિયેતનામમાં પહોંચ વધશે. ભારતના કૃષિ, મત્સ્યઉદ્યોગ અને પશુ પેદાશોની પણ, વિયેતનામ સુધી નિકાસ (export) વધુ સરળ થવા જઈ રહી છે. ખૂબ જ ટૂંક સમયમાં, વિયેતનામ ભારતના દ્રાક્ષ અને દાડમનો સ્વાદ લેશે, અને આપણે વિયેતનામના ડુરિયન અને પોમેલોનો.

એટલું જ નહીં, આપણે ભારત-આસિયાન ટ્રેડ એગ્રીમેન્ટ "આઈટિગા"ને વર્ષના અંત સુધીમાં અપડેટ કરવા પર પણ સહમતિ સાધી છે. આનાથી ભારત અને આસિયાનના તમામ દેશો વચ્ચે, વ્યાપાર અને રોકાણને નવી ઊર્જા મળશે. ક્રિટિકલ મિનરલ્સ, રેર અર્થ (rare earth) અને ઊર્જા સહયોગમાં નવી પહેલોથી, આપણે બંને દેશોની આર્થિક સુરક્ષા અને સપ્લાય ચેઈનની સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરીશું.

સાથીઓ,

કનેક્ટિવિટી અને ક્ષમતા નિર્માણ, આપણી ભાગીદારીના મહત્વના સ્તંભ છે. આપણને ખૂબ આનંદ છે કે બંને દેશો વચ્ચે એર કનેક્ટિવિટી સતત વધી રહી છે.

નાણાકીય કનેક્ટિવિટી (Financial connectivity) ને પણ પ્રોત્સાહન આપવા માટે, આજે આપણે આપણી મધ્યસ્થ બેંકો વચ્ચે સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે. ભારતના UPI અને વિયેતનામની ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ પણ ટૂંક સમયમાં જ લિંક થવા જઈ રહ્યા છે. સાથે જ, હવે આપણે બંને દેશો વચ્ચે રાજ્યથી રાજ્ય અને શહેરથી શહેરના સહયોગને પણ મજબૂત કરવા જઈ રહ્યા છીએ.

સાથીઓ (Friends),

વિયેતનામ ભારતની એક્ટ-ઈસ્ટ પોલિસી (Act-East Policy) અને વિઝન મહાસાગર (Vision SAGAR) નો એક મુખ્ય સ્તંભ છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પણ આપણો સમાન દૃષ્ટિકોણ  છે. આપણે આપણા સુદૃઢ થઈ રહેલા સંરક્ષણ અને સુરક્ષા સહયોગથી, કાયદાના શાસન (rule-of-law), શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે યોગદાન આપતા રહીશું. વિયેતનામના સહયોગથી ભારત, આસિયાન સાથે પોતાના સંબંધોને પણ વધુ વ્યાપક બનાવશે.

માનનીય,

પહલગામ આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરવા, અને આતંકવાદ વિરુદ્ધના આપણા સંઘર્ષમાં સાથે ઊભા રહેવા માટે અમે વિયેતનામના આભારી છીએ.

વૈશ્વિક ઉથલપાથલ અને આર્થિક પડકારોના આ દોરમાં, પોતાના ટેલેન્ટ, સુશાસન અને આર્થિક સુધારાઓના બળ પર, ભારત અને વિયેતનામ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ તરીકે ઉભરી રહ્યા છે. હવે આપણી ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીના માધ્યમથી, આપણે એકબીજાના ઝડપી વિકાસમાં સહાયક બનીશું.

જેમ કે બુદ્ધના ઉપદેશોની ભાવના છે કે "જો તમે અન્ય કોઈ માટે દીવો પ્રગટાવો છો, તો તે તમારા પોતાના માર્ગને પણ પ્રકાશિત કરે છે."

આ જ ભાવના સાથે, આપણે એકબીજાના વિઝન અને ધ્યેયોને સમર્થન આપતા, વિકસિત રાષ્ટ્ર બનવાની આપણી આકાંક્ષાઓને મળીને સાકાર કરીશું.

આપણે સાથે ચાલીશું, સાથે વધીશું, અને સાથે જીતીશું.

ખૂબ ખૂબ ધન્યવાદ.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2258395) મુલાકાતી સંખ્યા : 8