પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 23 MAR 2026 3:25PM by PIB Ahmedabad

આદરણીય અધ્યક્ષ મહોદય,

હું સન્માનિત સદનમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે ભારત સામે આવેલા પડકારો પર વાત રાખવા માટે ઉપસ્થિત થયો છું. આ સમયે પશ્ચિમ એશિયાની હાલત ચિંતાજનક છે. વીતેલા બે-ત્રણ અઠવાડિયામાં, જયશંકરજીએ અને હરદીપ પુરીજીએ આ વિષય પર સદનને જરૂરી જાણકારી આપી છે. હવે આ સંકટને 3 અઠવાડિયાથી વધુ સમય થઈ રહ્યો છે. આની સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર, લોકોના જીવન પર, ખૂબ જ વિપરીત અસર થઈ રહી છે, તેથી આખી દુનિયા આ સંકટના વહેલામાં વહેલી તકે સમાધાન માટે તમામ પક્ષોને આગ્રહ પણ કરી રહી છે.

અધ્યક્ષ મહોદય, ભારત સામે પણ આ યુદ્ધે અણધાર્યા પડકારો ઉભા કરી દીધા છે. આ પડકારો આર્થિક પણ છે, નેશનલ સિક્યુરિટી સાથે જોડાયેલા પણ છે અને માનવીય પણ છે. યુદ્ધરત અને યુદ્ધથી પ્રભાવિત દેશો સાથે ભારતના વ્યાપક વ્યાપારી સંબંધો છે. જે ક્ષેત્રમાં યુદ્ધ થઈ રહ્યું છે તે દુનિયાના બીજા દેશો સાથે આપણા વ્યાપારનો પણ એક મહત્વપૂર્ણ રસ્તો છે. વિશેષ રૂપે કાચા તેલ અને ગેસની આપણી જરૂરિયાતોનો એક મોટો ભાગ આ જ ક્ષેત્ર પૂરો કરે છે. આપણા માટે આ ક્ષેત્ર એક બીજા કારણથી પણ મહત્વપૂર્ણ છે. લગભગ એક કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને ત્યાં કામ કરે છે. ત્યાં સમુદ્રમાં જે કોમર્શિયલ શિપ ચાલે છે, તેમાં ભારતીય ક્રૂ મેમ્બરની સંખ્યા પણ ખૂબ વધારે છે. આવા અલગ-અલગ કારણોના લીધે ભારતની ચિંતાઓ સ્વાભાવિક રીતે વધુ છે, તેથી એ આવશ્યક છે કે ભારતની સંસદમાંથી, આ સંકટને લઈને એકમત અને એકજૂટ અવાજ દુનિયામાં જાય.

અધ્યક્ષજી, જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી જ પ્રભાવિત દેશોમાં દરેક ભારતીયને જરૂરી મદદ આપવામાં આવી રહી છે. મેં પોતે પશ્ચિમ એશિયાના મોટાભાગના દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બે રાઉન્ડ ફોન પર વાત કરી છે. તમામે ભારતીયોની સુરક્ષાનું પૂરું આશ્વાસન આપ્યું છે. દુર્ભાગ્યવશ આ દરમિયાન કેટલાક લોકોના દુઃખદ મૃત્યુ થયા છે અને કેટલાક ઘાયલ થયા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારજનોને આવશ્યક મદદ આપવામાં આવી રહી છે. જે ઘાયલ છે, તેમની બહેતર સારવાર સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

અધ્યક્ષજી, પ્રભાવિત દેશોમાં આપણા જેટલા પણ મિશન છે તે નિરંતર ભારતીયોની મદદ કરવામાં લાગેલા છે. ત્યાં કામ કરનારા ભારતીયો હોય કે પછી જે પ્રવાસીઓ ત્યાં ગયા છે, તમામને શક્ય તમામ મદદ આપવામાં આવી રહી છે. આપણા મિશન નિયમિત રીતે એડવાઇઝરી જારી કરી રહ્યા છે. અહીં ભારતમાં અને અન્ય પ્રભાવિત દેશોમાં 24/7 કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી હેલ્પલાઇન સ્થાપિત કરવામાં આવી છે. આના માધ્યમથી તમામ પ્રભાવિતોને ત્વરિત જાણકારી આપવામાં આવી રહી છે.

અધ્યક્ષજી, સંકટની સ્થિતિમાં દેશ-વિદેશમાં ભારતીયોની સુરક્ષા આપણી બહુ મોટી પ્રાથમિકતા રહી છે. યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં, 3 લાખ 75 હજારથી વધુ ભારતીયો સુરક્ષિત ભારત પરત ફરી ચૂક્યા છે. ઈરાનથી જ અત્યાર સુધીમાં લગભગ 1000 ભારતીયો સુરક્ષિત પરત ફર્યા છે. આમાં 700 થી વધુ મેડિકલનો અભ્યાસ કરનારા યુવાનો છે. ખાડી દેશોમાં, ભારતીય શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે, CBSE એ આવી તમામ ભારતીય શાળાઓમાં યોજાનારી ધોરણ દસ અને બારની નિર્ધારિત પરીક્ષાઓ રદ કરી દીધી છે. આ બાળકોનો અભ્યાસ અવિરત ચાલતો રહે, તે માટે CBSE યોગ્ય પગલાં ઉઠાવી રહી છે. એટલે કે સરકાર સંવેદનશીલ પણ છે, સતર્ક પણ છે અને દરેક સહાય માટે તત્પર પણ છે.

માનનીય અધ્યક્ષજી, ભારતમાં મોટી માત્રામાં કાચું તેલ, ગેસ અને ફર્ટિલાઈઝર જેવી અનેક જરૂરી ચીજો હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ના રસ્તેથી આવે છે. યુદ્ધ પછી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવર-જવર ખૂબ પડકારજનક બની ગઈ છે. તેમ છતાં, અમારી સરકારનો એ પ્રયાસ રહ્યો છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો બહુ વધારે પ્રભાવિત ન થાય. દેશના સામાન્ય પરિવારોને પણ ઓછામાં ઓછી પરેશાની થાય, તેના પર અમારું ફોકસ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ, દેશ પોતાની જરૂરિયાતના 60% એલપીજી આયાત કરે છે, આના સપ્લાયમાં અનિશ્ચિતતાને કારણે સરકારે એલપીજીના ડોમેસ્ટિક ઉપયોગને પ્રાથમિકતા આપી છે, સાથે જ એલપીજીનું દેશમાં જ ઉત્પાદન પણ વધારવામાં આવી રહ્યું છે. પેટ્રોલ ડીઝલનો સપ્લાય સમગ્ર દેશમાં સુચારૂ રીતે થતો રહે, તેના પર પણ સતત કામ કરવામાં આવ્યું છે.

અધ્યક્ષજી, આજની આ પરિસ્થિતિઓમાં એનર્જી સિક્યુરિટીને લઈને વીતેલા એક દાયકામાં ઉઠાવવામાં આવેલા પગલાં વધુ પ્રાસંગિક બની ગયા છે. ભારતે વીતેલા 11 વર્ષોમાં પોતાની ઉર્જા આયાતનું ડાયવર્સિફિકેશન કર્યું છે. પહેલા ક્રૂડ ઓઈલ, એલએનજી, એલપીજી, જેવી એનર્જી જરૂરિયાતો માટે 27 દેશોમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું, જ્યારે આજે ભારત 41 દેશોમાંથી એનર્જી ઈમ્પોર્ટ કરે છે.

અધ્યક્ષજી, વીતેલા દાયકામાં ભારતે સંકટના આવા જ સમય માટે કાચા તેલના સંગ્રહને પણ પ્રાથમિકતા આપી છે. આજે ભારત પાસે 53 લાખ મેટ્રિક ટનથી વધુનો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે અને 65 લાખ મેટ્રિક ટનથી વધુના રિઝર્વની વ્યવસ્થા પર દેશ કામ કરી રહ્યો છે. આપણી તેલ કંપનીઓ પાસે જે રિઝર્વ રહે છે, તે અલગ છે. વીતેલા 11 વર્ષોમાં આપણી રિફાઈનિંગ કેપેસિટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

અધ્યક્ષજી, સરકાર અલગ-અલગ દેશોના સપ્લાયર્સ સાથે પણ સતત સંપર્કમાં છે. પ્રયાસ એ છે કે જ્યાંથી શક્ય હોય, ત્યાંથી તેલ અને ગેસનો સપ્લાય થતો રહે. ભારત સરકાર ગલ્ફ અને આસપાસના શિપિંગ રૂટ્સ પર નિરંતર નજર રાખી રહી છે. અમારો પ્રયાસ છે કે તેલ હોય, ગેસ હોય, ફર્ટિલાઈઝર હોય, આવી દરેક જરૂરી સામાન સાથે જોડાયેલા જહાજો ભારત સુધી સુરક્ષિત પહોંચે. આપણે આપણા તમામ વૈશ્વિક સહયોગીઓ સાથે નિરંતર સંવાદ કરી રહ્યા છીએ, જેથી આપણા મેરિટાઇમ કોરિડોર સુરક્ષિત રહે. આવા પ્રયાસોને કારણે વીતેલા દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા આપણા અનેક જહાજો ભારત આવ્યા પણ છે.

અધ્યક્ષજી, સંકટના આ સમયમાં દેશની એક બીજી તૈયારી પણ બહુ કામ આવી રહી છે. છેલ્લા 10-11 વર્ષમાં એથેનોલના ઉત્પાદન અને તેના બ્લેન્ડિંગ પર અભૂતપૂર્વ કામ થયું છે. એક દાયકા પહેલા સુધી દેશમાં માત્ર એક દોઢ ટકા એથેનોલ બ્લેન્ડિંગ કેપેસિટી હતી. આજે આપણે પેટ્રોલમાં 20% એથેનોલ બ્લેન્ડિંગની નજીક પહોંચી ગયા છીએ. તેના કારણે પ્રતિ વર્ષ આશરે સાડા ચાર કરોડ બેરલ ઓછું ઓઈલ ઈમ્પોર્ટ કરવું પડી રહ્યું છે, તેવી જ રીતે રેલવેના વીજળીકરણથી પણ બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે. જો રેલવેનું આટલું વીજળીકરણ ના થયું હોત, તો દર વર્ષે આશરે 180 કરોડ લીટર ડીઝલ વધારાનું લાગત. તેવી જ રીતે આપણે મેટ્રોનું નેટવર્ક વધાર્યું છે, 2014માં જ્યાં દેશમાં મેટ્રો નેટવર્ક 250 કિલોમીટરથી પણ ઓછું હતું, આજે તે વધીને આશરે 1100 કિલોમીટર થઈ ગયું છે. આપણે ઇલેક્ટ્રિક મોબિલિટી પર બહુ વધુ ભાર આપ્યો. કેન્દ્ર સરકારે રાજ્યોને 15000 ઇલેક્ટ્રિક બસો ચલાવવા માટે આપી છે. આજે જે સ્કેલ પર વૈકલ્પિક ઇંધણ પર કામ થઈ રહ્યું છે, તેનાથી ભારતનું ભવિષ્ય વધુ સુરક્ષિત થશે.

આદરણીય અધ્યક્ષજી, આપણે જાણીએ છીએ કે એનર્જી આજે અર્થતંત્રની કરોડરજ્જુ છે અને વૈશ્વિક ઉર્જા જરૂરિયાતોને પૂરી કરનારું એક મોટો સ્ત્રોત વેસ્ટ એશિયા છે. સ્વાભાવિક છે કે દુનિયાભરની અર્થવ્યવસ્થા વર્તમાન સંકટથી પ્રભાવિત થઈ રહી છે અને ભારત પર આનો ઓછામાં ઓછો દુષ્પ્રભાવ પડે, તે માટે નિરંતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર આના શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોન્ગ ટર્મ એવા દરેક અસર માટે એક વ્યૂહરચના સાથે કામ કરી રહી છે. આજે ભારતની ઇકોનોમીના ફંડામેન્ટલ્સ મજબૂત છે, તેનાથી પણ દેશને બહુ મદદ મળી છે. અમે દરેક સેક્ટરના સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. જ્યાં પણ જરૂર છે, તે સેક્ટરને આવશ્યક સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. ભારત સરકારે એક ઇન્ટર મિનિસ્ટ્રીયલ ગ્રુપ પણ બનાવ્યું છે, આ ગ્રુપ દરરોજ મળે છે અને આપણા ઈમ્પોર્ટ એક્સપોર્ટમાં આવતી દરેક મુશ્કેલીનું આંકલન કરે છે, અને આ ગ્રુપ આવશ્યક સમાધાન પર પણ નિરંતર કામ કરે છે. મને પૂરો ભરોસો છે કે સરકાર અને ઇન્ડસ્ટ્રીના સહિયારા પ્રયાસોથી, આપણે પરિસ્થિતિઓનો બહેતર સામનો કરી શકીશું.

માનનીય અધ્યક્ષજી, એક મોટો સવાલ એ છે કે યુદ્ધની ખેતી પર શું અસર થશે? દેશના ખેડૂતોએ આપણા અન્નના ભંડાર ભરી રાખ્યા છે, તેથી ભારત પાસે પર્યાપ્ત ખાદ્યાન્ન છે. અમારો એ પણ પ્રયાસ છે કે ખરીફ સીઝનની યોગ્ય રીતે વાવણી થઈ શકે. સરકારે વીતેલા વર્ષોમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ખાતરની પર્યાપ્ત વ્યવસ્થા પણ કરી છે. ભૂતકાળમાં પણ અમારી સરકારે દુનિયાના સંકટોનો બોજ ખેડૂતો પર પડવા દીધો નહોતો. કોરોના અને તે સમયના યુદ્ધો દરમિયાન, તે સમયે પણ ગ્લોબલ સપ્લાય ચેઈનમાં વિક્ષેપ (disruption) આવી ગયો હતો. દુનિયાના બજારમાં યુરિયાની એક ગુણી 3000 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, પરંતુ ભારતના ખેડૂતોને એ જ ગુણી 300 રૂપિયાથી પણ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવી.

અધ્યક્ષજી, દેશના ખેડૂતોને આ પ્રકારના સંકટોથી બચાવવા માટે પણ, વીતેલા વર્ષોમાં અનેક પગલાં લેવામાં આવ્યા છે. છેલ્લા એક દાયકામાં દેશમાં 6 યુરિયા પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે, આનાથી વાર્ષિક 76 લાખ મેટ્રિક ટનથી વધુની યુરિયા પ્રોડક્શન કેપેસિટી જોડાઈ છે. આ દરમિયાન DAP અને NPKS જેવી ખાતરનું ઘરેલું ઉત્પાદન પણ આશરે 50 લાખ મેટ્રિક ટન વધારવામાં આવ્યું છે. એટલું જ નહીં તેલ અને ગેસની જેમ ખાતરની આયાતને પણ ડાયવર્સિફાઈ કરવામાં આવી છે. તેવી જ રીતે DAP અને NPKA ની આયાત માટે પણ, આપણે આપણા વિકલ્પોનો વિસ્તાર કર્યો છે.

અધ્યક્ષજી, સરકારે દેશના ખેડૂતોને મેડ ઇન ઇન્ડિયા નેનો યુરિયાનો વિકલ્પ પણ આપ્યો છે. સરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે. પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને 22 લાખથી વધુ સોલર પંપ આપવામાં આવ્યા છે, તેનાથી પણ ડીઝલ પર તેમની નિર્ભરતા ઓછી થઈ છે. હું આ સદનના માધ્યમથી દેશના ખેડૂતોને વિશ્વાસ અપાવું છું કે સરકાર ખેડૂતોને શક્ય તમામ મદદ કરતી રહેશે.

આદરણીય અધ્યક્ષજી, યુદ્ધનો એક બહુ મોટો ચેલેન્જ એ પણ છે કે ભારતમાં ગરમીની મોસમ શરૂ થઈ રહી છે. આવનારા સમયમાં વધતી ગરમીની સાથે વીજળીની માંગ વધતી જશે. હાલમાં દેશના તમામ પાવર પ્લાન્ટ્સ પાસે પર્યાપ્ત કોલ સ્ટોક્સ ઉપલબ્ધ છે. ભારતમાં સતત બીજા વર્ષે 100 કરોડ ટન કોલસા ઉત્પાદન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. પાવર જનરેશનથી લઈને પાવર સપ્લાય સુધીની અમારી તમામ સિસ્ટમનું નિરંતર મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે, અને સરકારની તૈયારીઓને રિન્યુએબલ એનર્જીથી પણ મદદ મળી છે. વીતેલા દાયકામાં રિન્યુએબલ એનર્જી તરફ દેશે મોટા પગલાં લીધા છે. આજે આપણી ટોટલ ઇન્સ્ટોલ પાવર જનરેશન કેપેસિટીનો અડધો હિસ્સો રિન્યુએબલ સોર્સમાંથી આવે છે. આપણી કુલ રિન્યુએબલ ક્ષમતા આજે 250 ગીગાવોટના ઐતિહાસિક આંકડાને પાર કરી ગઈ છે. વીતેલા 11 વર્ષોમાં દેશે પોતાની સોલર પાવર કેપેસિટી આશરે ત્રણ ગીગાવોટથી વધારીને 140 ગીગાવોટ સુધી પહોંચાડી છે. વીતેલા વર્ષોમાં દેશમાં આશરે 40 લાખ રૂફટોપ સોલર લાગ્યા છે, જેમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાથી પણ લોકોને ઘણી મદદ મળી છે. ગોબરધન યોજના હેઠળ દેશમાં આજે 200 કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ પણ કામ કરવાનું શરૂ કરી ચૂક્યા છે. આ તમામ પ્રયાસો આજે દેશના બહુ કામ આવી રહ્યા છે. સરકારે ભવિષ્યની તૈયારી અને વધતી શાંતિના માધ્યમથી દેશમાં ન્યુક્લિયર એનર્જીના ઉત્પાદનને પણ પ્રોત્સાહિત કર્યું છે. થોડા દિવસો પહેલા જ સ્મોલ હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ સ્કીમને પણ લીલી ઝંડી આપવામાં આવી છે, જેનાથી આગામી 5 વર્ષોમાં 1500 મેગાવોટ નવી હાઇડ્રો પાવર કેપેસિટી જોડવામાં આવશે.

આદરણીય અધ્યક્ષજી, જ્યાં સુધી ડિપ્લોમસીની વાત છે, ભારતની ભૂમિકા સ્પષ્ટ છે શરૂઆતથી જ આપણે આ સંઘર્ષને લઈને પોતાની ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. મેં પોતે પણ પશ્ચિમ એશિયાના તમામ સંબંધિત નેતાઓ સાથે વાતચીત કરી છે. મેં તમામને તણાવ ઓછો કરવા અને આ સંઘર્ષને ખતમ કરવા માટે આગ્રહ કર્યો છે. ભારતે નાગરિકો, એનર્જી અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓનો વિરોધ કર્યો છે. કોમર્શિયલ જહાજો પર હુમલો અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં રૂકાવટ અસ્વીકાર્ય છે. ભારત ડિપ્લોમસી દ્વારા યુદ્ધના માહોલમાં પણ, ભારતીય જહાજોની સુરક્ષિત અવર-જવર માટે નિરંતર પ્રયાસ કરી રહ્યું છે.

અધ્યક્ષ મહોદય, ભારત હંમેશાથી માનવતાના હિતમાં અને શાંતિના પક્ષમાં પોતાનો અવાજ ઉઠાવતું રહ્યું છે. હું ફરી કહીશ, કે વાતચીત અને કૂટનીતિ જ આ સમસ્યાનું સમાધાન છે. આપણા દરેક પ્રયાસ તણાવને ઓછો કરવા, આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે છે. આ યુદ્ધમાં કોઈના પણ જીવન પર સંકટ માનવતાના હિતમાં નથી, તેથી ભારતનો પ્રયાસ તમામ પક્ષોને વહેલામાં વહેલી તકે શાંતિપૂર્ણ સમાધાન માટે પ્રોત્સાહિત કરવાનો છે.

અધ્યક્ષજી, જ્યારે આવા સંકટ આવે છે, ત્યારે કેટલાક તત્વો આનો ખોટો ફાયદો ઉઠાવવાની કોશિશ પણ કરે છે. તેથી કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરનારી તમામ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. કોસ્ટલ સિક્યુરિટી હોય, બોર્ડર સિક્યુરિટી હોય, સાયબર સિક્યુરિટી હોય, સ્ટ્રેટેજિક ઇન્સ્ટાલેશન્સ હોય, બધાની સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવી રહી છે.

અધ્યક્ષજી, આ યુદ્ધને કારણે, દુનિયામાં જે કઠિન પરિસ્થિતિઓ બની છે, તેનો પ્રભાવ લાંબા સમય સુધી જળવાઈ રહેવાની આશંકા છે, તેથી આપણે તૈયાર રહેવું પડશે, આપણે એકજૂટ રહેવું પડશે. આપણે કોરોનાના સમયે પણ એકજૂટતાથી આવા પડકારોનો સામનો કરી ચૂક્યા છીએ. હવે આપણે ફરીથી તે જ રીતે તૈયાર રહેવાની આવશ્યકતા છે. ધીરજ સાથે, સંયમ સાથે, શાંત મનથી આપણે દરેક પડકારનો મુકાબલો કરવાનો છે, અને એ જ આપણી ઓળખ છે, એ જ આપણી તાકાત છે, અને હા આપણે બહુ સાવધાન અને સતર્ક પણ રહેવાનું છે, હાલતનો ફાયદો ઉઠાવનારા જૂઠ ફેલાવવાનો પ્રયાસ કરશે, આવા લોકોની કોશિશોને સફળ થવા દેવાની નથી. હું દેશની તમામ રાજ્ય સરકારોને પણ આ સદનના માધ્યમથી આગ્રહ કરીશ, આવા સમયે કાળાબજાર કરનારા, સંગ્રહખોરી કરનારા, એક્ટિવ થઈ જાય છે, આ માટે કડક મોનિટરિંગ જરૂરી છે, જ્યાંથી પણ આવી ફરિયાદો આવે છે, ત્યાં ત્વરિત કાર્યવાહી થવી જોઈએ. દેશની દરેક સરકાર અને દેશનો દરેક નાગરિક જ્યારે મળીને ચાલશે, તો આપણે દરેક પડકારને પડકાર આપી શકીએ છીએ. આ જ આગ્રહ સાથે હું મારું વક્તવ્ય સમાપ્ત કરું છું.

ખૂબ-ખૂબ ધન્યવાદ.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2243959) મુલાકાતી સંખ્યા : 20