આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
azadi ka amrit mahotsav

કેબિનેટે કપાસના ખેડૂતોને સીધા ભાવ ટેકા માટે કપાસની સિઝન 2023-24 માટે CCI ને ₹1,718.56 કરોડના MSP ફંડિંગને મંજૂરી આપી


MSP કામગીરી દેશભરના કપાસના ખેડૂતોને કપાસની ખેતીમાં તેમનો રસ જાળવી રાખવા પ્રેરિત કરે છે અને ભારતને ગુણવત્તાયુક્ત કપાસમાં આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે

CCI પાસે 11 મુખ્ય કપાસ પકવતા રાજ્યોમાં 152 કપાસ પકવતા જિલ્લાઓમાં 508 પ્રાપ્તિ કેન્દ્રો દ્વારા માળખાગત સુવિધાઓ છે

પોસ્ટેડ ઓન: 18 MAR 2026 4:07PM by PIB Ahmedabad

ખેડૂત કલ્યાણને મજબૂત કરવા અને આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ કપાસની સિઝન 2023-24 માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) ને ₹1,718.56 કરોડ ના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ફંડિંગને મંજૂરી આપી છે. આ ફંડિંગનો ઉદ્દેશ્ય દેશભરના કપાસના ખેડૂતોને સીધો ભાવ ટેકો પૂરો પાડવાનો છે.

MSP કામગીરી કપાસના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે હાથ ધરવામાં આવે છે, ખાસ કરીને એવા સમયગાળા દરમિયાન જ્યારે બજારના ભાવ MSP થી નીચે જાય છે. આ હસ્તક્ષેપ કપાસના ભાવને સ્થિર કરવામાં, મજબૂરીમાં થતા વેચાણ (distress sales) ને રોકવામાં અને ખેડૂતોને વળતરદાયક વળતર સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કૃષિ બજારોમાં સર્વસમાવેશકતા વધારીને, MSP કામગીરી કપાસ પકવતા સમુદાયોની આર્થિક સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન આપે છે.

કપાસ ભારતનો સૌથી મહત્વપૂર્ણ રોકડિયો પાક છે, જે અંદાજે 60 લાખ ખેડૂતો ની આજીવીકા ટકાવી રાખે છે અને પ્રોસેસિંગ, વેપાર અને કાપડ સહિતની સંલગ્ન પ્રવૃત્તિઓમાં જોડાયેલા 400-500 લાખ લોકો ને ટેકો આપે છે.

2023-24 ની કપાસની સિઝન દરમિયાન, ખેતી હેઠળનો વિસ્તાર 114.47 લાખ હેક્ટર હોવાનો અંદાજ હતો, જેમાં ઉત્પાદન 325.22 લાખ ગાંસડી (bales) નોંધાયું હતું, જે વૈશ્વિક કપાસના ઉત્પાદનમાં લગભગ 25% હિસ્સો ધરાવે છે. ભારત સરકાર કૃષિ ખર્ચ અને કિંમત પંચ (CACP) ની ભલામણોના આધારે કપાસ (કપાસિયા) માટે MSP નક્કી કરે છે.

સરકારે કપાસમાં MSP કામગીરી હાથ ધરવા માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને કેન્દ્રીય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી છે. જ્યારે પણ બજારના ભાવ MSP સ્તરથી નીચે જાય છે, ત્યારે CCI ખેડૂતો પાસેથી કોઈપણ જથ્થાત્મક મર્યાદા વિના તમામ ફેર એવરેજ ક્વોલિટી (FAQ) કપાસની ખરીદી કરે છે, જેનાથી ખેડૂતોને ખાતરીપૂર્વકનું સુરક્ષા કવચ મળે છે.

તેની સજ્જતાના ભાગરૂપે, CCI એ તમામ 11 મુખ્ય કપાસ પકવતા રાજ્યો માં એક મજબૂત પ્રાપ્તિ નેટવર્ક સ્થાપિત કર્યું છે, જેમાં 152 જિલ્લાઓમાં 508 થી વધુ પ્રાપ્તિ કેન્દ્રો કાર્યરત છે, જે ખેડૂતો માટે સીમલેસ અને સુલભ ખરીદી સુનિશ્ચિત કરે છે.

વધુમાં, CCI MSP કામગીરીની કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવા માટે ટેકનોલોજી આધારિત અને ખેડૂત-કેન્દ્રીય અનેક પહેલો હાથ ધરી છે. આમાં MSP સંબંધિત માહિતીનો પ્રસાર, બેલ આઇડેન્ટિફિકેશન એન્ડ ટ્રેસેબિલિટી સિસ્ટમ (BITS) ની અમલવારી અને “Cott-Ally” મોબાઇલ એપ લોન્ચ કરવાનો સમાવેશ થાય છે, જે ખેડૂતો સુધી વધુ સારી પહોંચ અને સેવા વિતરણને સક્ષમ બનાવે છે.

SM/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2241818) મુલાકાતી સંખ્યા : 26