પ્રધાનમંત્રીનું કાર્યાલય
‘મન કી બાત’ના 131મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (22.02.2026)
પોસ્ટેડ ઓન:
22 FEB 2026 11:38AM by PIB Ahmedabad
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. “મન કી બાત”માં આપનું સ્વાગત છે, અભિનંદન છે. મન કી બાત દેશ અને દેશવાસીઓની સિધ્ધિઓને સામે લાવવાનો એક મજબૂત મંચ છે. દેશે આવી જ ઉપલબ્ધિ તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમ્યાન જોઇ. કેટલાય દેશોના નેતા, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સંશોધકો અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા ભારત મંડપમમાં એકત્રિત થયા. આગામી સમયમાં એઆઇની શક્તિનો ઉપયોગ દુનિયા કેવી રીતે કરશે તે દિશામાં આ શિખર પરિષદ એક નવા વળાંકરૂપ સાબિત થઇ છે.
સાથીઓ,
આ શિખર પરિષદમાં મને વિશ્વના નેતાઓ અને ટેકનોલોજીના મુખ્ય અધિકારીઓને મળવાની તક પણ મળી. એઆઇ શિખર પરિષદના પ્રદર્શનમાં મે વિશ્વના નેતાઓને ઘણીબધી બાબતો બતાવી. અહીં હું બે વાતનો વિશેષરૂપે ઉલ્લેખ કરવા માંગું છું. શિખર પરિષદમાં આ બે ઉત્પાદને દુનિયાભરના નેતાઓને ખૂબ પ્રભાવિત કર્યા. પહેલું ઉત્પાદન અમૂલના બુથ પર હતું. તેમાં બતાવવામાં આવ્યું હતું કે, એઆઇ પશુઓનો ઇલાજ કરવામાં કેવી રીતે મદદ કરી રહી છે અને કેવી રીતે 24 કલાક, રાતદિવસ એઆઇ સહાયની મદદથી ખેડૂત પોતાની ડેરી અને પશુઓનો હિસાબ રાખે છે.
સાથીઓ,
બીજું નિર્માણ આપણી સંસ્કૃતિને લગતું હતું. દુનિયાભરના નેતાઓ તે જોઇને નવાઇ પામી ગયા કે કેવી રીતે એઆઇની મદદથી આપણે આપણા પ્રાચીન ગ્રંથોને, આપણા પ્રાચીન જ્ઞાનને આપણી પાંડુલીપીઓને સંરક્ષિત કરી રહ્યા છીએ, આજની પેઢીને અનુરૂપ ઢાળી રહ્યા છીએ.
સાથીઓ,
પ્રદર્શન દરમિયાન નિદર્શન માટે સુશ્રુત સંહિતાની પસંદગી કરવામાં આવી હતી. પહેલા પગલામાં બતાવવામાં આવ્યું હતું કે, ટેકનોલોજીની મદદથી આપણે પાંડુલિપીઓની છાપની ગુણવત્તા સુધારીને તેને વાંચવાલાયક બનાવી રહ્યા છીએ. બીજા કદમમાં આ છાપને મશીનથી વાંચવાલાયક લખાણમાં બદલવામાં આવ્યું. અને પછી આગળના પગલામાં આપણે એ પણ બતાવ્યું કે, કેવી રીતે ટેકનોલોજીની મદદથી આ અણમોલ ભારતીય જ્ઞાન, ભારતીય ભાષાઓ અને વિદેશી ભાષાઓમાં અનુવાદ કરી શકાય છે. ભારતના પ્રાચીન જ્ઞાનને આધુનિક અવતારના માધ્યમથી જાણવામાં વિશ્વના નેતાઓએ બહુ રસ રૂચી દાખવ્યા હતા.
સાથીઓ,
આ શિખર પરિષદમાં દુનિયાને એઆઇના ક્ષેત્રમાં ભારતની અદભૂત ક્ષમતાઓ જોવા મળી છે. આ દરમિયાન ભારતે ત્રણ મેડ ઇન ઇન્ડિયા એઆઈ મોડેલ પણ જારી કર્યા. આજ સુધીની વિશ્વની સૌથી મોટી એઆઇ શિખર પરિષદ રહી છે. આ શિખર પરિષદ માટે યુવાઓનો જુસ્સો અને ઉત્સાહ જોવાલાયક હતો. આ શિખર પરિષદની સફળતા માટે હું તમામ દેશવાસીઓને ધન્યવાદ આપું છું.
સાથીઓ,
હું ઘણીવાર કહું છું કે, જે “રમે – તે ખીલે” રમતગમત આપણને જોડે પણ છે. આજકાલ તમે ટી20 વર્લ્ડ કપની મેચો જોતા હશો. અને મને પૂરો વિશ્વાસ છે કે, મેચ જોતાંજોતાં આંખો કોઇ ખાસ ખેલાડી પર જડાઇ જતી હશે. જર્સી કોઇ બીજા દેશની હોય છે, પરંતુ નામ સાંભળીને લાગે છે કે, અરે આ તો આપણા દેશનો છે. ત્યારે હૃદયના કોઇ ખૂણામાં એક હળવી ખુશી છવાઇ જાય છે. કેમ કે, તે ખેલાડી ભારતીય મૂળનો હોય છે. અને તે બીજા દેશ માટે રમી રહ્યો હોય છે, જયાં તેનો પરિવાર વસી ગયો છે. આ ખેલાડીઓ પોતપોતાના દેશની જર્સી પહેરીને મેદાનમાં ઉતરે છે, પૂરા મનથી તે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. કેનેડાની ટીમમાં સૌથી વધુ ભારતીય મૂળના ખેલાડીઓ છે. ટીમના સૂકાની દિલપ્રીત બાજવાનો જન્મ પંજાબના ગુરદાસપૂરમાં થયો હતો. નવનીત ધાલીવાલ ચંદીગઢના છે. આ યાદીમાં હર્ષ ઠાકર, શ્રેયસ મોવા કેટલાય નામ છે, જે કેનેડાની સાથેસાથે ભારતનું પણ ગૌરવ વધારી રહ્યા છે. અમેરિકાની ટીમમાં કેટલાય ચહેરા ભારતના ઘરેલું ક્રિકેટમાંથી આવી રહ્યા છે. અમેરિકી ટીમના સૂકાની મૌનાક પટેલ ગુજરાતની અંડર-16 અને અંડર-18 ટીમમાં પણ રહી ચૂક્યા છે. મુંબઇના સૌરભ, હરમીતસિંહ, દિલ્હીના મિલિંદકુમાર આ બધા અમેરિકાની ટીમની શાન છે. ઓમાનની ટીમમાં આજે કેટલાય એવા ખેલાડીઓ છે જે પહેલાં ભારતના જુદાજુદા રાજ્યોમાં રમી ચૂક્યા છે. જતિંદરસિંહ, વિનાયક શુકલા, કરણ, જય, આશીષ જેવા ખેલાડીઓ ઓમાન ક્રિકેટની મજબૂત કડી છે. ન્યૂઝિલેન્ડ, યુએઇ અને ઇટાલીની ટીમોમાં પણ ભારતીય મૂળના ખેલાડીઓ પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આવા કેટલાય ભારતીય મૂળના ખેલાડીઓ છે જે, પોતાના દેશનું ગૌરવ વધારી રહ્યા છે. ત્યાંના યુવાનો માટે પ્રેરણા બની રહ્યા છે. ભારતીયતાની આ જ તો ખાસિયત છે. ભારતીયો જ્યાં પણ જાય છે પોતાની માતૃભૂમિના મૂળ સાથે જોડાયેલા રહે છે. અને પોતાની કર્મભૂમિ એટલે કે, જે દેશમાં રહે છે તેના વિકાસમાં પણ સહયોગ કરે છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
કોઇ પણ માતાપિતા માટે પોતાના સંતાનને ખોવાથી મોટું દુઃખ બીજું કોઇ હોઇ જ નથી શકતું. તેમાં પણ નાના એવા બાળકને ખોવાનું દુઃખ તો ખૂબ ઉંડું હોય છે. થોડા દિવસ પહેલાં આપણે કેરળની એક નાનકડી માસૂમ આલિન શેરિન અબ્રાહમને ખોઇ બેઠા છીએ. માત્ર 10 મહિનામાં તેણે આ દુનિયામાંથી વિદાય લીધી છે. કલ્પના તો કરો, તેની સામે આખી જીંદગી હતી, જે અચાનક પૂરી થઇ ગઇ. કેટલાય સપના અને ખુશીઓ અધૂરી રહી ગઇ. તેના માતાપિતા જે દુઃખમાંથી પસાર થઇ રહ્યા છે તેને શબ્દોથી વ્યક્ત કરી શકાય તેમ નથી. પરંતુ આટલા ઉંડા દુઃખ વચ્ચે પણ આલિનના પિતા અરૂણ અબ્રાહમ અને મા શેરીને એક એવો નિર્ણય કર્યો, જેનાથી દરેક દેશવાસીનું દિલ તેમના પ્રત્યે સન્માનથી ભરાઇ ગયું છે. તેમણે આલિનના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. આ એક નિર્ણયથી ખ્યાલ આવે છે કે, તેમની વિચારસરણી કેટલી મહાન છે અને વ્યક્તિત્વ કેટલું વિશાળ છે. એકબાજુ તેઓ પોતાની દિકરીને ગુમાવવાના શોકમાં ડૂબેલા હતા તો, બીજી તરફ મદદનો ભાવ પણ તેમનામાં ભરેલો હતો. તેઓ ઇચ્છતા હતા કે, કોઇપણ પરિવારને આવો દિવસ જોવો ન પડે. આલિન શેરીન અબ્રાહમ આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેનું નામ દેશના કુમળી વયના અંગદાતાની યાદીમાં જોડાઇ ગયું છે. સાથીઓ આજકાલ ભારતમાં અંગદાનને લઇને જાગૃતિ સતત વધી રહી છે. તેનાથી એવા લોકોને મદદ મળી રહી છે જેમને તે અંગની જરૂર છે. તેની સાથે જ તબીબી સંશોધનને પણ બળ મળી રહ્યું છે. આ દિશામાં કેટલીયે સંસ્થાઓ અને લોકો અસાધારણ કાર્ય કરી રહ્યા છે.
સાથીઓ,
કેરળની આલિનની જેમ જ એવા ઘણા લોકો છે, જેમણે અંગદાન દ્વારા કોઇને બીજું જીવન આપ્યું છે. જેમ કે, દિલ્હીના લક્ષ્મી દેવીજી છે. તેમણે ગયા વર્ષે કેદાનનાથની યાત્રા કરી. તે માટે તેમને 14 કિલોમીટરની પગપાળા યાત્રા કરવી પડી. તમે એ જાણીને નવાઇ લાગશે કે, લક્ષ્મી દેવીએ આ યાત્રા નવા હૃદય પ્રત્યારોપણ પછી કરી હતી. તેમનું હૃદય માત્ર 15 ટકા જ કામ કરી રહ્યું હતું. એવામાં તેમને એક દાતાનું હૃદય મળ્યું, જેનું મૃત્યું થઇ ગયું હતું. ત્યારપછી તો તેમનું જીવન જ બદલાઇ ગયું. પશ્ચિમ બંગાળના ગૌરાંગ બેનરજી બે વાર નાથૂ-લા ગયા છે. આ સ્થળ સમુદ્રની સપાટીથી 14 હજાર ફૂટની ઉંચાઇ પર છે. અને ખાસ બાબત એ છે કે, તેમણે આ સિદ્ધિ ફેફસાંના પ્રત્યારોપણ પછી હાંસલ કરી છે. રાજસ્થાનમાં સીકરના રામદેવસિંહજીને કિડનીનું પ્રત્યારોપણ કરાવવું પડ્યું હતું. આજે તેઓ રમતગમતની પ્રવૃત્તિઓમાં કમાલ કરી રહ્યા છે.
સાથીઓ,
તમને આવા તો અનેક પ્રેરણાદાયક ઉદાહરણ જોવા મળી જશે. તેનાથી એ વાત ફરી સાબિત થાય છે કે, કોઇ એકની નેક પહેલ, ન જાણે કેટલા લોકોની જીંદગી બદલી શકે છે. હું તે તમામ લોકોની દિલથી પ્રશંસા કરૂં છું, જેમણે આવા નેક કાર્યો કર્યા છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
આઝાદીની અમૃત મહોસ્તવ દરમિયાન મે લાલ કિલ્લા પરથી પંચપ્રાણની વાત કહી હતી. તેમાંથી એક છે, ગુલામીની માનસિકતાથી મુક્તિ. આજે દેશ ગુલામીના પ્રતિકોને પાછળ છોડીને ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલી ચીજોને મહત્વ આપવા લાગ્યો છે. આ દિશામાં આપણા રાષ્ટ્રપતિભવને પણ એક મહત્વનું પગલું ભર્યું છે. આવતીકાલે એટલે કે, 23 ફેબ્રુઆરી એ રાષ્ટ્રપતિભવનમાં “રાજાજી ઉત્સવ” ઉજવવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિભવનના કેન્દ્રિય પ્રાંગણમાં સી.રાજગોપાલાચારીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. તેઓ સ્વતંત્ર ભારતના પહેલા ભારતીય ગવર્નર જનરલ હતા. તેઓ એવા લોકોમાંના હતા, જેમણે સત્તાને પદ તરીકે નહીં, પરંતુ સેવાની રીતે જોઇ. સાર્વજનિક જીવનમાં તેમનું આચરણ, આત્મસંયમ અને સ્વતંત્રચિંતન આજે પણ આપણને પ્રેરણા આપે છે. કમભાગ્યે, આઝાદી પછી પણ રાષ્ટ્રપતિભવનમાં બ્રિટીશ શાસકોની પ્રતિમાઓ મૂકાયેલી રહેવા દેવાઇ, પરંતુ દેશના મહાન સપૂતોને સ્થાન આપવામાં ન આવ્યું. બ્રિટીશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સની પ્રતિમા પણ રાષ્ટ્રપતિભવનમાં મૂકેલી હતી. હવે આ પ્રતિમાના સ્થાને રાજાજીની પ્રતિમા મૂકવામાં આવશે. રાજાજી ઉત્સવ દરમિયાન રાજાગોપાલાચારીજી પર આધારીત પ્રદર્શન પણ યોજાશે. આ પ્રદર્શન 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ખુલ્લું રહેશે. સમય કાઢીને તમે પણ તેને જોવા જરૂર જજો.
મારા વ્હાલા દેશવાસીઓ,
મન કી બાતમાં, મે આપને ડિજિટલ એરેસ્ટ વિશે વિસ્તારપૂર્વક વાત કરી છે. ત્યારપછી દેશમાં ડિજિટલ એરેસ્ટ અને ડિજિટલ ફ્રોડ અંગે આપણા સમાજમાં સારી એવી જાગૃતિ આવી છે. પરંતુ આજે પણ આપણી આસપાસ એવી ઘટનાઓ બની રહી છે, જે અક્ષમ્ય છે. નિર્દોષ લોકોને ડિજિટલ એરેસ્ટ અને ફાયનાન્સિયલ ફ્રોડનું નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કેટલીયવાર જાણવા મળે છે કે, કોઇ વરિષ્ઠ નાગરિકની જીવનભરની કમાણી ઠગી લેવામાં આવી. ક્યારેક પોતાના બાળકોની ફી ભરવા માટે બચાવેલા પૈસા ઠગી લેવામાં આવે છે. તો ધંધાર્થીઓ સાથે છેતરપીંડીના સમાચાર પણ આપણને જોવા મળે છે. કોઇ ફોન કરે છે અને કહે છે, હું એક મોટો અધિકારી છું. તમારે કેટલીક વિગતો આપવી પડશે. ત્યારપછી ભલાભોળા લોકો એવું જ કરી બેસે છે. એટલા માટે, તમારે સતર્ક રહેવું, જાગૃત રહેવું, ખૂબ જરૂરી છે.
સાથીઓ,
તમે બધા KYC – નો યોર કસ્ટમર એટલે કે, પોતાના ગ્રાહકને ઓળખો. તે પ્રક્રિયા વિશે જાણતા જ હશો. કોઇકોઇ વાર જ્યારે તમને તમારી બેંક તરફથી કેવાયસી અપડેટ અથવા રી-કેવાયસી કરાવવાના સંદેશા આવે છે, તો મનમાં સવાલ થાય છે કે, મે તો પહેલાં જ કેવાયસી કરાવી રાખ્યું છે તો આ ફરીવાર કેમ ? તો મારો આપને અનુરોધ છે, ધુંધવાશો નહિં, આ તમારા પૈસાની સલામતી માટે જ છે. આપણે બધા જાણીએ છીએ કે, આજકાલ પેન્શન, સબસીડી, વીમો, યુપીઆઇ, વગેરે બધું બેંક ખાતા સાથે જોડાયેલું છે. તેને લીધે બેંક વારેવારે રી-કેવાયસી કરે છે. જેથી તમારૂં બેંક ખાતું સલામત રહે. હા, તેમાં પણ તમારે એકવાત યાદ રાખવાની છે. જે અપરાધી છે તે, નકલી ફોન કરે છે, એસએમએસ અને લીંક મોકલે છે એટલા માટે આપણે સતર્ક રહેવાનું છે અને આવા દગાખોરોની જાળમાં ફસાવાનું નથી. કેવાયસી કે રી-કેવાયસી માત્ર તમારી બેંકની શાખા અથવા અધિકૃત એપ અને અને અધિકૃત માધ્મયથી જ કરાવો. ઓટીપી, આધારનંબર અથવા બેંક ખાતાને લગતી જાણકારી કોઇને પણ ન આપો. અને સૌથી મહત્વની વાત તમારો પાસવર્ડ થોડા થોડા સમયે અચૂક બદલતા રહો. જેમ દરેક ઋતુ સાથે ખાણીપીણી બદલાય છે, કપડા પણ બદલાઇ જાય છે, તેવી જ રીતે નિયમ બનાવી નાંખો કે, દર થોડા દિવસ પછી તમારે તમારો પાસવર્ડ પણ બદલી નાંખવાનો છે.
સાથીઓ,
તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ બાબતે નાણાંકીય સાક્ષરતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાંકીય સાક્ષરતાનું આ અભિયાન હવે આખું વર્ષ ચાલુ રહેશે. એટલા માટે ભારતીય રીઝર્વ બેંકના સંદેશનું ધ્યાન રાખો, અને તમારૂં કેવાયસી અપડેટેડ રાખો.
યાદ રાખો –
ખરૂં કેવાયસી, સમયાંતરે રી-કેવાયસી કરે ખાતું સલામત,
બનો સશક્ત નાગરીક,
કારણ કે, સશક્ત નાગરીકોથી જ બને છે, મજબૂત અને આત્મનિર્ભર ભારત.
મારા વ્હાલા દેશવાસીઓ,
આપણા ખેડૂતો કેવળ અન્નદાતા જ નથી. તેઓ ધરતીના સાચા સાધક છે. માટીને સોનું બનાવવા શું કરવું પડે તે, કોઇ આપણા ખેડૂતો પાસેથી શીખે અને આપણો આજનો ખેડૂત તો પરંપરા અને ટેકનોલોજી બંનેનો સાથ લઇને ચાલી રહ્યો છે. અને મને એ જોઇને આનંદ થાય છે કે, આપણા ખેડૂતો હવે માત્ર ઉત્પાદન નહિં, બલ્કિ ગુણવત્તા, મૂલ્યવર્ધન અને નવા બજારો પર પણ ધ્યાન આપી રહ્યા છે. ઓડિશામાં હિરોદ પટેલ નામના એક યુવાન ખેડૂત વિશેની જાણકારી ખરેખર બહુ પ્રેરક છે. લગભગ આઠ વર્ષ પહેલા સુધી તેઓ તેમના પિતા શિવ શંકર પટેલની સાથે પરંપરાગત રીતે ડાંગરની ખેતી કરતા હતા. પરંતુ તેમણે ખેતીને નવી નજરે જોવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ખેતરની તલાવડી ઉપર એક મજબૂત જાળીવાળું માળખું બનાવ્યું. તેના ઉપર વેલાવાળા શાકભાજી ઉગાડ્યા, તલાવડીની ચારે તરફ કેળ, જમરૂખ અને નારિયેળ વાવ્યાં અને તલાવડીમાં મત્સ્યપાલન પણ શરૂ કર્યું. એટલે કે, એક જગ્યાએ પરંપરાગત ખેતી પણ થઇ રહી છે, શાકભાજી પણ ઉગી રહ્યા છે, ફળો પણ ઉતરી રહ્યા છે, અને માછલી પણ મળી રહી છે. તેનાથી જમીનનો બહેતર ઉપયોગ થયો, પાણીની બચત થઇ અને વધારાની આવક પણ મળી. આજે દૂરદૂરથી ખેડૂતો તેમની આ ખેતી પદ્ધતિ જોવા આવે છે.
સાથીઓ,
કેરળના ત્રિસૂર જિલ્લામાં એક ગામ એવું છે જ્યાં એક જ ખેતરમાં 570 જાતની ડાંગર પકવવામાં આવે છે. તેમાં સ્થાનિક જાતો પણ છે, હર્બલ જાતો પણ છે અને બીજા રાજ્યોમાંથી લાવવામાં આવેલી જાતો પણ છે. આ માત્ર ખેતી નથી, વારસાગત બીયારણને બચાવવાનું મહાઅભિયાન છે. આપણા ખેડૂતોની મહેનતની અસર આંકડામાં પણ જોવા મળી રહી છે. ભારત આજે દુનિયાના સૌથી વધુ ચોખા પકવતો દેશ બની ચૂક્યો છે. 15 કરોડ ટનથી પણ વધુ ચોખાનું ઉત્પાદન ! આ નાનીસૂની સિદ્ધિ નથી. આપણે પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છીએ, અને દુનિયાની થાળીમાં પણ યોગદાન આપી રહ્યા છીએ.
સાથીઓ,
હવે તો ખેત પેદાશો વિમાન માર્ગે પણ ખૂબ સહેલાઇથી વિદેશમાં પહોંચી રહી છે. કર્ણાટકના નંજનગુડ કેળા, મૈસૂરના પાન અને ઇંડી લીંબુ માલદીવ મોકલાઇ રહ્યા છે. આ ચીજવસ્તુઓ પોતાના સ્વાદ અને ગુણવત્તા માટે જાણીતી છે. અને તેમને GI ટેગ પણ મળેલું છે. આજનો ખેડૂત ગુણવત્તા પણ ઇચ્છે છે, ઉત્પાદન પણ વધારી રહ્યો છે, અને પોતાની ઓળખ પણ બનાવી રહ્યો છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
ગયા વર્ષે આ જ સમયની મહાકુંભની અદભૂત તસ્વીરો તમને ચોક્કસ યાદ હશે. સંગમના કિનારે ઉમડતો માનવમહેરામણ, શ્રદ્ધાનો અથાગ પ્રવાહ અને સ્નાનની એ પાવન ક્ષણે જ્યારે ભારત પોતાની સનાતન ચેતનાનો સાક્ષાતકાર કરી રહ્યો હતો.
સાથીઓ,
મહાકુંભનો એ જ પ્રવાહ, તે જ મહા મહિનો, તે જ શ્રદ્ધાનો નાદ, જ્યારે ઉત્તરથી દક્ષિણ તરફ આગળ વધે છે તો એક નવી ઓળખાણ મેળવે છે.
સાથીઓ,
કેરળની ધરતી પર ભારતપ્પુઝા નદીના કિનારે તિરૂનાવાયામાં સદિયો પુરાણી એક પરંપરા ચાલી રહી છે – મામંગમ. તેને ઘણા લોકો મહામાઘ મહોત્સવ એટલે કે, કેરળકુંભ પણ કહે છે. મહા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન અને તે ક્ષણને જીવનનો અવિસ્મરણીય પ્રસંગ બનાવી લેવો એ જ તેનો આત્મા છે. સમયની સાથે આ પરંપરા જાણે લુપ્ત થઇ ગઇ હતી. લગભગ અઢીસો વર્ષ સુધી પહેલા જે રીતે થતું હતું તે રીતે આ આયોજન તેની જૂની ભવ્યતામાં નહોતું થયું. પરંતુ આજે પોતાના વારસાને ફરીથી ઓળખી રહેલા આપણા દેશમાં ઇતિહાસે ફરી પાસું બદલ્યું છે. આ વખતે કોઇ મોટી જાહેરાત વિના જ કેરળકુંભનું સફળ આયોજન થયું. લોકોએ તેના વિશે એકબીજાને જણાવ્યું, કાનોકાન વાત પહોંચતી ગઇ અને જોતજોતામાં શ્રદ્ધાળુઓ તિરૂનાવાયા પહોંચવા લાગ્યા.
સાથીઓ,
મહાકુંભ હોય કે કેરળકુંભ, આ માત્ર સ્નાનનું પર્વ નથી. આ તો સ્મૃતિઓનું જાગરણ છે. આ સંસ્કૃતિનું પુનઃસ્મરણ છે. ઉત્તરથી દક્ષિણ સુધી, નદીઓ ભલે અલગ હોય, કિનારા ભલે અલગ હોય, પણ આસ્થાનો પ્રવાહ એક જ છે – અને આ જ ભારત છે.
સાથીઓ,
આપણા દેશમાં એવા લોકો હંમેશા જનતાના દિલમાં વસેલા રહે છે. જેમણે સમાજના કલ્યાણ માટે કામ કર્યું હોય છે. જેમણે પોતાના નેક કાર્યોમાં જનતાને પ્રાથમિકતા આપી હોય છે. અમ્મા જયલલિલાતજી, એવા જ એક લોકપ્રિય નેતા હતાં. 24 ફેબ્રુઆરીએ તેમનો જન્મદિવસ ઉજવાય છે. તમિલનાડુના લોકોનો તેમની સાથે લગાવ કેટલો ગાઢ હતો, એ મને આજે પણ રાજયના પ્રવાસ દરમિયાન જોવા મળે છે. અમ્મા જયલલિતાજીનો ઉલ્લેખ થતાં જ તમિલનાડુના લોકોના ચહેરા ખીલી ઉઠે છે. આપણી નારી શક્તિનો લગાવ તો તેમની સાથે ખાસ રહ્યો છે. એવું એટલા માટે પણ છે, કેમ કે સરકારમાં રહીને તેમણે માતાઓ બહેનો અને દીકરીઓ માટે અનેક પ્રસંશનીય પ્રયાસો કર્યા. રાજયમાં કાનૂનવ્યવસ્થાને મજબૂત રાખવા માટે પણ તેમણે બહુ નક્કર પગલાં લીધાં હતાં. દેશભક્તિની ભાવના તેમનામાં ઠાંસીઠાંસીને ભરી હતી. તેની સાથે જ ભારતની સાંસ્કૃતિક વિરાસત ઉપર તેમને બહુ ગર્વ હતો. અમ્મા જયલલિતાજીની સાથેની દરેક મુલાકાત, દરેક પ્રકારની વાતચીત મારા મનમાં જે પર તાજી છે. તેઓ ગુજરાતમાં 2002 અને 2012માં યોજાયેલા મારા બે શપથગ્રહણ સમારોહમાં પણ સામેલ થયાં હતાં. અમે બંને જ્યારે પોતપોતાના રાજ્યમાં મુખ્યમંત્રી હતાં ત્યારે સુશાસન જેવા વિષયો ઉપર અનેકવાર અમારા વચ્ચે વાતચીત થતી રહેતી હતી. તેમની વિચારસરણી બિલકુલ સ્પષ્ટ હતી, અને વિચારો એકદમ સમજણભર્યા. આ તેમની એક મોટી ખાસિયત હતી. ઘણા વર્ષો પહેલાં તેમણે પોંગલના પાવન અવસરે મને ભોજન માટે ચેન્નઇ આમંત્રિત કર્યો હતો. સ્નેહથી સભર તેમનો એ ભાવ મારા માટે અવિસ્મરણીય રહેશે. એકવાર ફરી હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરૂં છું.
जयललिता अवरगलक्क,
येन निनैवाजंलि-गल,
समुदायत्तिर्क्कु,
अवर आट्रिय सेवै येंड्रूम निनैविल इरुक्कुम |
મારા વ્હાલા દેશવાસીઓ,
હવે હું આપણા વ્હાલા, નાનકડા તેજસ્વી બાળકો સાથે વાત કરીશે, એવા બાળકો સાથે જેમની આ સમયે પરીક્ષાઓ ચાલી રહી છે. અને આશા છે, તમે આ મહિનાની શરૂઆતમાં “પરીક્ષા પે ચર્ચા” જોઇ હશે. અને તમને તેમાંથી કંઇક શીખવાનું પણ મળ્યું હશે. પરંતુ હું ફરીથી પૂછવા માંગું છું કે, તમે અભ્યાસનું વધુ ટેન્શન તો નથી લઇ રહ્યા ને ?
મારા વ્હાલા બાળકો,
તમે તો પરીક્ષાના યોદ્ધાઓ છો. મને વિશ્વાસ છે, તમે બધા ખરા દિલથી પરીક્ષાની તૈયારીઓમાં લાગેલા હશો. હા, એવા સમયે મનમાં થોડી શંકા જાગવાનું સ્વાભાવિક છે. ક્યારેક લાગે છે, બધું યાદ રહેશે કે નહીં રહે. તો, ક્યારેક લાગે છે સમય ઓછો તો નહીં પડે ને. આ ભાવ દરેક પેઢીના બાળકોએ અનુભવ્યો હોય છે, તમે એકલા નથી. તમે યાદ રાખો, તમારૂં મૂલ્ય તમારી માર્કશીટથી નક્કી નથી થતું, એટલા માટે પોતાની જાત પર ભરોસો રાખો. જે ભણ્યા છો તેને પૂરા મનથી લખો. અને જે નથી આવડ્યું તે, એક સવાલને તમારા મન પર સવાર થવા ન દો. અને એક વાત તમારા માતાપિતા અને શિક્ષકો સાથે વાત કરતા રહો. તે તમારા માર્ક કે ગુણથી નહિં તમારા પ્રયત્નોથી તમને ઓળખે છે. તેઓ તમારી મહેનતથી ખુશ રહે છે. મને પૂરો ભરોસો છે કે, તમે પરીક્ષામાં પણ સફળ થશો અને તમારા જીવનમાં પણ સફળતાના નવા શિખરો સર કરશો.
સાથીઓ,
હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. હું આ પવિત્ર મહિનાની સૌને શુભેચ્છાઓ પાઠવું છું. થોડા દિવસો પછી હોળીનું પર્વ પણ આવી રહ્યું છે, એટલે કે, રંગ, ગુલાલ અને હંસી ખુશીથી ભર્યો સમય બારણે ટકોરા મારશે. તમે બધા પોતાના પરિવાર અને સ્વજનોની સાથે બધા તહેવારો ઉજવો. અને હા, કેટલાક જીવનમંત્ર હંમેશા યાદ રાખજો. જેમ કે, વોકલ ફોર લોકલ. આપણા હોળીના તહેવારોમાં કે, બીજા કોઇપણ તહેવારમાં અનેક એવી ચીજવસ્તુઓ ઘુસી ગઇ છે, જ વિદેશી છે. તેમને તહેવારોથી દૂર રાખો. હોળીથી પણ દૂર રાખો, સ્વદેશી અપનાવો. જ્યારે તમે સ્વદેશી ખરીદો છો તો, દેશને સ્વનિર્ભર બનાવવાના અભિયાનમાં પણ મદદ કરો છો.
સાથીઓ,
મને દર મહિને મન કી બાત માટે તમારા સંખ્યાબંધ સૂચનો મળે છે. તમે મોકલેલા સંદેશાથી અમને દેશના ખૂણેખૂણામાં છુપાયેલી અદભૂત પ્રતિભાઓ વિશે જાણકારી મળે છે. અંગત સ્વાર્થથી ઉપર ઉઠીને સમાજ માટે કંઇક કરવાની અનેક પ્રેરણાદાયક કહાણીઓ તમારા દ્વારા દેશભરના લોકો સુધી પહોંચી છે. તમે તેવા જ તમારા પ્રયાસો ચાલુ રાખજો. હું તમારા સંદેશાની રાહ જોઇશ. હું ફરી એકવાર આપને અને આપના પરિવારને આગામી તહેવારોની અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ.. નમસ્કાર...
SM/IJ/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2231433)
મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો:
Malayalam
,
Assamese
,
Odia
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada