પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઇન્ડિયા ચિપ લિમિટેડના ખાતમુહૂર્ત સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
21 FEB 2026 7:29PM by PIB Ahmedabad
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી, અશ્વિની વૈષ્ણવ જી, જિતિન પ્રસાદ જી, ઉત્તર પ્રદેશ સરકારના તમામ મંત્રીગણ, Foxconn ના સેમીકન્ડક્ટર બિઝનેસ ગ્રુપના પ્રેસિડેન્ટ બોબ ચેન, HCL Technologies ના ચેરપર્સન રોશની નાદરજી, કાર્યક્રમમાં ઉપસ્થિત ઇન્ડસ્ટ્રી લીડર્સ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!
આજે ભારત, વિકસિત થવાના લક્ષ્ય પર ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે. અને મેં લાલ કિલ્લા પરથી પણ કહ્યું છે- ભારત પાસે રોકાવાનો, થંભવાનો સમય નથી. વર્ષ 2026 ની શરૂઆતથી જ ભારતે પોતાની કદમતાલ વધુ તેજ કરી દીધી છે. 12 જાન્યુઆરીએ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગથી દેશના લાખો યુવાનો જોડાયા, 16 જાન્યુઆરીએ આપણે નેશનલ સ્ટાર્ટ અપ ડે મનાવ્યો, ભારતની સ્ટાર્ટ-અપ ક્રાંતિને નવી ઊર્જા આપી, જાન્યુઆરીમાં જ થયેલી ઈન્ડિયા એનર્જી સમિટમાં ભારતે પોતાના સામર્થ્યથી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. પછી વિકસિત ભારતને નવી ગતિ આપનારું બજેટ આવ્યું અને હવે આ સપ્તાહ પણ ભારત માટે ઐતિહાસિક સિદ્ધ થઈ રહ્યું છે. ગ્લોબલ AI Impact સમિટમાં, દુનિયાના અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, ટેકનોલોજી જગતના દિગ્ગજો, તમામ દિલ્હીમાં એકઠા થયા હતા. આ સમિટમાં દુનિયાએ, ભારતના AI સામર્થ્યને જોયું, અમારા વિઝનને સમજ્યું અને પ્રશંસા કરી.
સાથીઓ, આ સમિટ ગઈકાલે જ સમાપ્ત થઈ છે, અને હવે આપણે અહીં ભારતના સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા આટલા મોટા કાર્યક્રમનો ભાગ બની રહ્યા છીએ.
સાથીઓ, આધુનિક વિશ્વને ચલાવવા માટે જે પ્રોસેસિંગ પાવરની જરૂર છે, તેમાં પણ ભારત હવે દુનિયાના ટોપ દેશોની સાથે આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલે કે ભારત સોફ્ટવેર અને હાર્ડવેર, બંને પાસાઓ પર એકસાથે કામ કરી રહ્યું છે. અને આપણા સૌના માટે આ ગર્વની વાત છે કે ઉત્તર પ્રદેશ પણ, ભારતના સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમનું મોટું સેન્ટર બનવા જઈ રહ્યું છે. HCL અને Foxconn ની આ નવી ફેક્ટરી, ટેકનોલોજી પાવર-હાઉસ તરીકે યુપીની નવી ઓળખને વધુ સશક્ત કરશે. ઉત્તર પ્રદેશના સાંસદ તરીકે પણ, મારા માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. આ સેમીકન્ડક્ટર ફેક્ટરીના કારણે, ઉત્તર પ્રદેશના યુવાનોને, દેશના યુવાનોને મોટી સંખ્યામાં રોજગાર મળશે. કારણ કે જ્યાં semiconductor unit આવે છે, ત્યાં design houses આવે છે, R&D center આવે છે, startup ecosystems બને છે. અને આ બધું જ હવે યુપીમાં પણ થવા જઈ રહ્યું છે. હું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી અને તેમની પૂરી ટીમને, યુપીની જનતાને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, હું એક વાત વારંવાર કહું છું, કે આ Decade ભારતનો Techade છે. આ દાયકામાં ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં જે કંઈ કરી રહ્યું છે, તે એકવીસમી સદીના આપણા સામર્થ્યનો આધાર બનશે. ભલે ગ્રીન એનર્જી હોય, ભલે સ્પેસ ટેક હોય, ભલે ડિજિટલ ટેકનોલોજી હોય, ભલે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી હોય, કે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, માનવતાનું ભવિષ્ય નક્કી કરનારી દરેક ટેકનોલોજીમાં ભારત આજે અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યું છે. ભારતમાં સશક્ત સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમનો વિકાસ પણ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. સેમીકન્ડક્ટર સેક્ટરમાં ભારતે પોતાની સફર ભલે મોડેથી શરૂ કરી હોય, પરંતુ આજે આપણે ખૂબ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છીએ. ભારતે પોતાના સેમીકન્ડક્ટર મિશન હેઠળ, અત્યાર સુધીમાં 10 સેમીકન્ડક્ટર ફેબ્રિકેશન અને પેકેજિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. તેમાંથી ચાર યુનિટ્સ, ખૂબ જ ટૂંક સમયમાં પોતાનું પ્રોડક્શન શરૂ કરવાના છે.
સાથીઓ, આપ સૌ જાણો છો, વીસમી સદીમાં જે દેશ પાસે તેલ હતું, ત્યાં સમૃદ્ધિ અને સામર્થ્ય બંને આવ્યા. એકવીસમી સદીમાં આ જ સામર્થ્ય નાનકડી ચિપ પાસે છે, તેની સાથે જોડાયેલી સ્કિલ અને મટિરિયલમાં છે. કોરોના મહામારી દરમિયાન આપણે જોયું છે, કે નાનકડી ચિપની supply chain કેટલી નબળી રહી છે. તે દરમિયાન, ચિપના સપ્લાય પર બ્રેક શું લાગી, દુનિયામાં ફેક્ટરીઓ અટકી ગઈ, અર્થવ્યવસ્થાઓ ડગમગવા લાગી. ભારતે તે સંકટમાંથી પણ શીખ્યું, અને તેને અવસરમાં બદલવાનો પ્રયાસ શરૂ કર્યો. આપણે નક્કી કર્યું, ભારતને ચિપ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર બનાવવું છે. આ માટે, ભારતમાં સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નિર્માણ કરવું છે. આજનો આ કાર્યક્રમ, આ જ વિઝનનું પ્રતિબિંબ છે.
સાથીઓ, વિકસિત ભારતનું નિર્માણ ત્યારે જ થશે, જ્યારે ભારત આત્મનિર્ભર હશે. અને આ માટે મેડ ઇન ઇન્ડિયા ચિપ હોવી ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે ભારતની ચિપ મેડ ઇન ઇન્ડિયા હશે, તો આપણે આપણા આધુનિક સાધન-સામગ્રીના મેન્યુફેક્ચરિંગ માટે બીજાની સામે જોવું નહીં પડે. Digital India, AI, 5G-6G, ઇલેક્ટ્રિક વ્હીકલ, Defence, આજે જરૂરતના દરેક સામાનની આત્મા સેમીકન્ડક્ટર છે, ચિપ છે. આપણી પાસે પોતાની ચિપ હશે, તો દરેક સેક્ટરમાં ભારતની ગતિ કોઈપણ રોક-ટોક વિના ચાલુ રહેશે.
સાથીઓ, આજે ફોક્સકોન જેવી દિગ્ગજ કંપનીઓનું ભારત આવવું, ચિપ મેન્યુફેક્ચરિંગમાં સહયોગ કરવો, તેમાં એક વૈશ્વિક સંદેશ પણ છે. ભારત જેવો લોકતાંત્રિક દેશ, દુનિયાનો એક ભરોસાપાત્ર પાર્ટનર છે. કોઈ પણ Value Chain માં ભારતની વધતી ભાગીદારી, તે Value Chain ની રિઝિલિયન્સને પણ વધારશે. તેથી દુનિયાની ફેક્ટરી તરીકે ભારતની ઓળખ, ભારત અને વિશ્વના અન્ય દેશો, તમામ માટે win-win situation જેવી છે.
સાથીઓ, આજે દુનિયા ભારતને ટેક (tech) ફ્યુચરના સેન્ટર તરીકે જોઈ રહી છે. તેનું એક મોટું કારણ ભારતનું ટેલેન્ટ પણ છે. ભારત, પોતાના ચિપ ડિઝાઇનિંગ ટેલેન્ટના પૂલનો તો વિસ્તાર કરી જ રહ્યું છે, સાથે સાથે, સેમીકન્ડક્ટર સાથે જોડાયેલી અન્ય સ્કિલ્સ પર પણ ખૂબ ભાર આપી રહ્યું છે. ભારત સરકારે Chip to Startup કાર્યક્રમ શરૂ કર્યો છે. તેનો ઉદ્દેશ્ય, સેમીકન્ડક્ટર ડિઝાઇનમાં 85 હજારથી વધુ, ઇન્ડસ્ટ્રી રેડી પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો છે. આ વર્ષના બજેટમાં ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશનના બીજા તબક્કાની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલે કે દરેક પ્રકારના Fabs, એડવાન્સ પેકેજિંગ, R&D માટે, ભારતમાં જ એક કમ્પ્લીટ સપોર્ટ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે. સેમીકન્ડક્ટર અને બેટરી નિર્માણ માટે રેર અર્થ મિનરલ્સ પણ ખૂબ આવશ્યક છે. ભારત આમાં પણ આત્મનિર્ભરતા માટે મોટા કદમ ઉઠાવી રહ્યું છે. આ વર્ષના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે, કે દેશમાં Rare Earth Corridors બનાવવામાં આવશે. આ પણ સેમીકન્ડક્ટર સેક્ટર માટે પ્રોત્સાહન છે.
સાથીઓ, વીતેલા 11 વર્ષોમાં ભારતે વારંવાર બતાવ્યું છે કે આપણે જે નક્કી કરીએ છીએ, તે હાંસલ કરીને જ રહીએ છીએ. થોડા વર્ષો પહેલા જ્યારે દેશે મેક ઇન ઇન્ડિયાનો સંકલ્પ લીધો હતો, ત્યારે કેટલાક લોકોએ શંકા-કુશંકાઓ વ્યક્ત કરી હતી. પરંતુ આજે મેક ઇન ઇન્ડિયા, એક સશક્ત બ્રાન્ડ બનીને ઉભર્યું છે. છેલ્લા 11 વર્ષોમાં, ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ લગભગ છ ગણું વધ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પણ લગભગ આઠ ગણું પહોંચી ગયું છે. આમાં પણ, મોબાઇલ મેન્યુફેક્ચરિંગ, અઠ્ઠાવીસ ગણાથી વધુ વધી ગયું છે. અને આપણા મોબાઇલ ફોન એક્સપોર્ટમાં તો સો ગણાથી પણ વધુની વૃદ્ધિ થઈ છે.
સાથીઓ, મને આ વાતનો સંતોષ છે, કે ભારતની મેન્યુફેક્ચરિંગ સક્સેસમાં યુપી એક મજબૂત પિલર (સ્તંભ) તરીકે પણ ઉભરી રહ્યું છે. જો હું મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગની જ વાત કરું, તો દેશના અડધાથી વધુ મોબાઇલ ફોન આજે ઉત્તર પ્રદેશમાં જ બની રહ્યા છે. આવનારા સમયમાં યુપીનું આ સામર્થ્ય વધુ વધવા જઈ રહ્યું છે. કારણ કે અહીં સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમની સાથે સાથે, ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલા કોમ્પોનન્ટ્સ, એટલે કે નાના-નાના પાર્ટ્સ પણ અહીં જ બનવા જઈ રહ્યા છે. આનાથી પણ બહુ મોટી સંખ્યામાં અહીં રોજગારના નવા અવસરો બનશે.
સાથીઓ, આજે ઉત્તર પ્રદેશની ચર્ચા મેન્યુફેક્ચરિંગ માટે થઈ રહી છે. અહીં આવી રહેલા હજારો કરોડ રૂપિયાના રોકાણ માટે, અહીં લાગી રહેલી નવી ફેક્ટરીઓ માટે ઉત્તર પ્રદેશ ચર્ચામાં છે. પરંતુ આશરે એક દાયકા પહેલા સુધી, ઉત્તર પ્રદેશનું નામ ખોટી બાબતો માટે ઉછાળવામાં આવતું હતું. પલાયન અને અભાવ, અસુવિધા અને અપરાધ, એવું લાગતું હતું કે દેશના સૌથી મોટા રાજ્યનું આ જ દુર્ભાગ્ય બની ગયું છે. મને ખૂબ ગર્વ છે, કે યુપીની જનતાએ ડબલ એન્જિન સરકાર પર જે ભરોસો જતાવ્યો, વારંવાર આશીર્વાદ આપ્યા, તેના પરિણામો નિરંતર દેખાઈ રહ્યા છે. આજે ઉત્તર પ્રદેશ, Expressway વાળું રાજ્ય બની ચૂક્યું છે. યુપીની ચર્ચા Defence Corridor માટે થાય છે. દેશ અને દુનિયાના લોકો આજે ઉત્તર પ્રદેશને ટુરિઝમની પસંદગીની જગ્યા બનાવી રહ્યા છે.
સાથીઓ, દુનિયાભરના રોકાણકારો આજે એટલા માટે યુપી આવી રહ્યા છે, કારણ કે તેઓ જાણે છે કે યુપીમાં તેમના રોકાણનું શાનદાર રિટર્ન મળવું નક્કી છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી આધુનિક કનેક્ટિવિટી, આ આખા ક્ષેત્રને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જઈ રહી છે. અને કાલે જ, આવતીકાલે રવિવારે, હું દિલ્હી-મેરઠ નમો ભારત ટ્રેન કોરિડોરનું લોકાર્પણ કરવાનો છું. જ્યાં આવું ઉત્તમ કામ થઈ રહ્યું છે, તે ઉત્તર પ્રદેશ, વિકસિત થઈને જ રહેશે. હું એકવાર ફરીથી HCL અને ફોક્સકોનનો આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે આ સેમીકન્ડક્ટર યુનિટ, ઉત્તર પ્રદેશના વિકાસની ગતિને વધુ તેજ કરશે.
મારી આપ સૌને ફરીથી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.
SM/DK/GP/JD
(રીલીઝ આઈડી: 2231366)
મુલાકાતી સંખ્યા : 11