પ્રધાનમંત્રીનું કાર્યાલય
પશ્ચિમ બંગાળના સિંગુરમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના લોન્ચિંગ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
प्रविष्टि तिथि:
18 JAN 2026 4:41PM by PIB Ahmedabad
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી સર્બાનંદ સોનોવાલજી, સુકાંત મજુમદારજી, શાંતનુ ઠાકુરજી, સંસદમાં મારા સાથી શૌમિક ભટ્ટાચાર્યજી, સૌમિત્ર ખાનજી, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીજી, અન્ય જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો!
ગઈકાલે હું માલદામાં હતો અને આજે અહીં હુગલીમાં આપ સૌની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. વિકસિત ભારત માટે, પૂર્વ ભારતનો વિકાસ, આ લક્ષ્ય સાથે કેન્દ્ર સરકાર નિરંતર કામ કરી રહી છે. ગઈકાલના અને આજના કાર્યક્રમ, આ સંકલ્પને વધુ મજબૂત કરનારા છે. આ દરમિયાન મને પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા વિકાસના સેંકડો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવાનો અવસર મળ્યો છે. ગઈકાલે પશ્ચિમ બંગાળથી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રારંભ થઈ છે. બંગાળને, આશરે અડધો ડઝન નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો પણ મળી છે. આજે ત્રણ વધુ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થઈ છે. આમાંની એક ટ્રેન તો, મારા સંસદીય ક્ષેત્ર કાશી બનારસની બંગાળ સાથે કનેક્ટિવિટીને વધુ મજબૂત કરશે. આ સિવાય, દિલ્હી અને તમિલનાડુ માટે પણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ છે. એટલે કે પશ્ચિમ બંગાળની રેલવે કનેક્ટિવિટી માટે, વીતેલા 24 કલાક અભૂતપૂર્વ રહ્યા છે. કદાચ ગયા 100 વર્ષમાં 24 કલાકમાં આટલું કામ નહીં થયું હોય.
સાથીઓ, બંગાળમાં વોટરવેઝ (જળમાર્ગો) માટે અનેક સંભાવનાઓ છે, કેન્દ્ર સરકાર આના પર પણ કામ કરી રહી છે. અહીં પોર્ટ લેડ ડેવલપમેન્ટ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પણ મદદ આપવામાં આવી રહી છે. થોડી વાર પહેલા, પોર્ટ અને નદી જળમાર્ગ સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સનું પણ શિલાન્યાસ અને ઉદ્ઘાટન થયું છે. આ પશ્ચિમ બંગાળના વિકાસ, ભારતના વિકાસ માટે બહુ મહત્વપૂર્ણ છે. આ તે પિલર (સ્તંભ) છે, જેના ઉપર પશ્ચિમ બંગાળને મેન્યુફેક્ચરિંગ, ટ્રેડ અને લોજિસ્ટિક્સનું એક મોટું હબ બનાવી શકાય છે. હું આપ સૌને આ પ્રોજેક્ટ્સ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, જેટલું આપણે પોર્ટ અને તેની સાથે જોડાયેલા ઇકોસિસ્ટમ પર ભાર આપીશું, તેટલી જ વધુ રોજગારી અહીં પેદા થશે. કેન્દ્ર સરકાર દ્વારા વીતેલા 11 વર્ષોમાં શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટની કેપેસિટી એક્સપાન્શન (ક્ષમતા વિસ્તરણ) પર બહુ મોટું રોકાણ કરવામાં આવ્યું છે. આ પોર્ટની કનેક્ટિવિટીને બહેતર બનાવવા માટે, સાગરમાલા સ્કીમ હેઠળ પણ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. આનું પરિણામ આજે આપણે સૌ જોઈ શકીએ છીએ. વીતેલા વર્ષે, કોલકાતા પોર્ટે કાર્ગો હેન્ડલિંગના નવા રેકોર્ડ બનાવ્યા છે.
સાથીઓ, બાલાગઢમાં બનનારી એક્સટેન્ડેડ પોર્ટ ગેટ સિસ્ટમ, હુગલી અને આસપાસના વિસ્તારો માટે નવા અવસરોનો દ્વાર ખોલશે. આનાથી કોલકાતા શહેરમાં ટ્રાફિક અને લોજિસ્ટિક્સનું દબાણ ઓછું થશે. ગંગા જી પર જે જળમાર્ગ બન્યો છે, તેના દ્વારા કાર્ગો મુવમેન્ટ વધુ વધશે. આ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હુગલીને વેરહાઉસિંગ અને ટ્રેડિંગ હબ બનાવવામાં મદદ કરશે. આનાથી અહીં સેંકડો કરોડ રૂપિયાનું નવું રોકાણ થશે, હજારો યુવાનોને રોજગારી મળશે, નાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકોને લાભ થશે અને ખેડૂતો અને ઉત્પાદકોને પણ નવા બજાર મળશે.
સાથીઓ, આજે ભારતમાં આપણે મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને ગ્રીન મોબિલિટી પર બહુ ભાર આપી રહ્યા છીએ. સીમલેસ ટ્રાન્સપોર્ટેશન (અવિરત પરિવહન) શક્ય બની શકે, તે માટે પોર્ટ, નદી જળમાર્ગ, હાઈવે અને એરપોર્ટ્સ, આ તમામને અંદરોઅંદર કનેક્ટ કરવામાં આવી રહ્યા છે. આનાથી લોજિસ્ટિક્સ કોસ્ટ (ખર્ચ) અને ટ્રાન્સપોર્ટેશનમાં લાગતો ટાઇમ (સમય), બંનેમાં ઘટાડો આવી રહ્યો છે.
સાથીઓ, અમારી કોશિશ એ પણ છે કે આપણા ટ્રાન્સપોર્ટના માધ્યમો, નેચર ફ્રેન્ડલી (પ્રકૃતિ અનુકૂળ) પણ હોય. હાઇબ્રિડ ઇલેક્ટ્રિક (Hybrid Electric) નાવથી, રિવર ટ્રાન્સપોર્ટ અને ગ્રીન મોબિલિટી, બંનેને બળ મળશે. આનાથી હુગલી નદી પર અવરજવર સરળ થશે, પ્રદૂષણની સમસ્યા ઓછી થશે અને નદી આધારિત ટુરિઝમને પણ બળ મળશે.
સાથીઓ, ભારત આજે ફિશરીઝ અને સી-ફૂડના પ્રોડક્શન અને એક્સપોર્ટમાં બહુ તેજીથી આગળ વધી રહ્યું છે. મારું સપનું છે કે પશ્ચિમ બંગાળ આમાં, દેશને લીડ કરે. કેન્દ્ર સરકાર નદી જળમાર્ગને લઈને પોતાના વિઝનમાં, બંગાળને પ્રમુખતાથી સપોર્ટ કરી રહી છે. આનો ફાયદો અહીંના ખેડૂતોની સાથે-સાથે, આપણા માછીમાર સાથીઓને પણ મળવા લાગ્યો છે.
સાથીઓ, કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહેલા આ બધા પ્રોજેક્ટ્સ, પશ્ચિમ બંગાળની વિકાસ યાત્રાને ગતિ આપશે. એક વાર ફરી આપ સૌને આ પ્રોજેક્ટ્સ માટે હું ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું. પાડોશમાં જ હજારો લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે, ત્યાં પણ મારે ઘણું બધું કહેવું છે, અને કદાચ લોકો તે સાંભળવા માટે વધુ ઉત્સુક છે, જરા ખુલીને વાતો ત્યાં કરીશ અને તેથી અહીં હું મારી વાણીને વિરામ આપું છું. અને હું આગામી સભા માટે આપ સૌની પરવાનગી લઈને નીકળી રહ્યો છું. ખૂબ-ખૂબ ધન્યવાદ.
SM/GP/JD
(रिलीज़ आईडी: 2215849)
आगंतुक पटल : 8