પ્રધાનમંત્રીનું કાર્યાલય
આસામમાં કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટના ભૂમિ પૂજન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
प्रविष्टि तिथि:
18 JAN 2026 1:40PM by PIB Ahmedabad
ઓખોમોર પ્રોકૃતિ પ્રેમી રાઈજોલોઈ આંતોરિક પ્રોણામ
આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાજી, કેન્દ્રમાં મારા સહયોગી સર્બાનંદ સોનોવાલજી, પવિત્રા માર્ગરીટા જી, આસામના મંત્રી અતુલ બોરાજી, ચરણ બોરોજી, કૃષ્ણેન્દુ પોલજી, કેશવ મહંતાજી, અન્ય મહાનુભાવો અને આસામના મારા વહાલા ભાઈઓ અને બહેનો.
હવામાન ઠંડુ છે, ગામડાઓ દૂર-દૂર છે, તેમ છતાં પણ જ્યાં-જ્યાં મારી નજર પહોંચી રહી છે, લોકો જ લોકો દેખાઈ રહ્યા છે. તમે આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવ્યા છો, હું તમારો ખૂબ-ખૂબ આભારી છું.
આજે ફરી કાઝીરંગા આવવાનું સૌભાગ્ય મળ્યું છે. સ્વાભાવિક છે મને મારી પાછલી યાત્રા યાદ આવવી, બહુ સ્વાભાવિક છે. બે વર્ષ પહેલા કાઝીરંગામાં વિતાવેલી ક્ષણો, મારા જીવનના બહુ ખાસ અનુભવોમાં સામેલ છે. મને કાઝીરંગા નેશનલ પાર્કમાં રાત્રિ વિશ્રામ કરવાનો અવસર મળ્યો હતો અને પછીની સવારે એલિફન્ટ સફારી દરમિયાન મેં આ ક્ષેત્રની સુંદરતાને બહુ નજીકથી અનુભવી હતી.
સાથીઓ, મને હંમેશા આસામ આવીને એક અલગ જ ખુશી મળે છે. આ ધરતી વીરોની ધરતી છે. દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવનારા દીકરા-દીકરીઓની ધરતી છે. કાલે જ હું ગુવાહાટીમાં 'બાગુરુમ્બા દહોઉ' ના કાર્યક્રમમાં સામેલ થયો હતો. ત્યાં આપણી બોડો સમુદાયની દીકરીઓએ બાગુરુમ્બાની પ્રસ્તુતિ આપીને નવો રેકોર્ડ બનાવ્યો. બાગુરુમ્બાની એવી અદ્ભુત પ્રસ્તુતિ, દસ હજારથી વધુ કલાકારોની ઊર્જા, ખામની થાપ, સિફુન્ગની ધૂન, તે મનોરમ ક્ષણોએ દરેકને મંત્રમુગ્ધ કરી દીધા. બાગુરુમ્બાની અનુભૂતિ આંખોથી થઈને દિલમાં ઉતરતી રહી. આસામના આપણા કલાકારોએ ખરેખર કમાલ કરી દીધી. તેમનો પરિશ્રમ, તેમની તૈયારી, તેમનું તાલમેલ, બધું જ બહુ અદ્ભુત રહ્યું. હું બાગુરુમ્બા દહોઉમાં સામેલ તમામ કલાકારોને આજે ફરીથી એકવાર ખૂબ-ખૂબ અભિનંદન આપીશ, અને હું દેશભરના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પણ અભિનંદન આપું છું, હું કાલથી જોઈ રહ્યો છું કે આ બોડો પરંપરાનું ઉત્તમ નૃત્ય સોશિયલ મીડિયા પર છવાયેલું છે. મને પૂરો વિશ્વાસ છે દેશ અને દુનિયાના લોકો, કલા અને સંસ્કૃતિના આ ભારતના દ્રષ્ટિકોણને, તેની તાકાતને ઓળખશે અને આ કામને વધારનારા તમામ સોશિયલ ઇન્ફ્લુએન્સર પણ અભિનંદનને પાત્ર છે. મીડિયાના મિત્રો માટે તે કાલનો સાંજનો સમય જરા બહુ પેક રહે છે, પરંતુ આજે સવારથી કેટલાય ટીવી મીડિયાવાળાઓએ પણ આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ શરૂ કરી દીધું છે. તમે કલ્પના કરી શકો છો, આ કાર્યક્રમ કેટલો ભવ્ય રહ્યો હશે.
સાથીઓ, ગયા વર્ષે હું ઝૂમર મહોત્સવમાં પણ સામેલ થયો હતો. આ વખતે મને માઘ બિહુના અવસર પર આવવાની તક મળી છે. એક મહિના પહેલા હું વિકાસ પરિયોજનાઓ માટે અહીં આવ્યો હતો. ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું વિસ્તરણ થયું છે. મેં તેની નવી ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ નામરૂપમાં એમોનિયા યુરિયા કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કર્યો હતો. આવા તમામ અવસરોએ, ભાજપ સરકારના ‘વિકાસ પણ, વિરાસત પણ’ આ મંત્રને વધુ મજબૂત કર્યો છે. અહીં કેટલાક બંધુઓ ચિત્રો લઈને આવ્યા છે અને એવી રીતે ઉભા છે કે થાકી જશે, તમે મોકલી આપો હું લઈ લઈશ, તમે આગળ કલેક્ટ કરાવી લો, એસપીજીના લોકો એવા જે લોકો ચિત્ર લઈને આવ્યા છે તેમની પાસેથી લઈ લે, જો પાછળ તમારું સરનામું લખ્યું હશે, તો મારો પત્ર જરૂર આવશે. અહીં પણ આ તરફ પણ કોઈ નવયુવાન લાંબા સમયથી ખભે ખભા મિલાવીને ઉભો છે. હું આપ સૌ કલાકારોનો ધન્યવાદ કરું છું, તમારા પ્રેમ માટે, તમારી આ ભાવના માટે હું તમારો આદર કરું છું. આપ સૌ બેસી જાઓ, જે અહીં પણ છે તે લઈ લો ભાઈ, તેમને પરેશાન કરશો નહીં.
સાથીઓ, આસામના ઇતિહાસમાં કલિયાબોરનું મહત્વનું સ્થાન છે. આસામના વર્તમાન અને ભવિષ્ય માટે પણ આ સ્થાન બહુ મહત્વપૂર્ણ છે. આ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનનું પ્રવેશદ્વાર પણ છે, અને ઉપલા આસામની કનેક્ટિવિટીનું કેન્દ્ર પણ છે. અહીંથી જ મહાયોદ્ધા લસિત બોરફુકન જીએ, મુગલ હુમલાખોરોને બહાર કાઢવાની રણનીતિ બનાવી હતી. તેમના નેતૃત્વમાં આસામના લોકોએ સાહસ, એકજુટતા અને દ્રઢ સંકલ્પની સાથે, મુગલ સેનાને પરાજિત કરી હતી. આ માત્ર એક સૈન્ય વિજય નહોતો, આ આસામના સ્વાભિમાન અને આત્મવિશ્વાસનો જયઘોષ હતો. ભૂતકાળમાં અહીંથી આખા પશ્ચિમ આસામની જવાબદારીઓ સંભાળવામાં આવતી હતી. અહોમ શાસનના સમયથી કલિયાબોરનું વ્યૂહાત્મક મહત્વ રહ્યું છે. મને ખુશી છે કે ભાજપ સરકારમાં હવે આ ક્ષેત્ર, કનેક્ટિવિટી અને વિકાસનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.
સાથીઓ, આજે બીજેપી, આખા દેશમાં લોકોની પહેલી પસંદ બની ગઈ છે. વીતેલા દોઢ-બે વર્ષથી, બીજેપી પર દેશનો ભરોસો સતત વધતો જઈ રહ્યો છે. હાલમાં જ, બિહારમાં ચૂંટણી થઈ, ત્યાં 20 વર્ષ પછી પણ, જનતાએ બીજેપીને રેકોર્ડ વોટ આપ્યા છે, રેકોર્ડ બેઠકો જીતાડી છે. બે દિવસ પહેલા જ, મહારાષ્ટ્રના મોટા શહેરોમાં મેયર અને કાઉન્સિલરોના ચૂંટણી પરિણામો આવ્યા છે. મુંબઈ, જે દુનિયાના સૌથી મોટા નિગમોમાંથી એક છે, ત્યાંની જનતાએ પહેલીવાર બીજેપીને રેકોર્ડ જનાદેશ આપ્યો. જુઓ જીત મુંબઈમાં થઈ રહી છે, જશ્ન કાઝીરંગામાં મનાવવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના મોટાભાગના શહેરોની જનતાએ, બીજેપીને સેવાની તક આપી છે.
સાથીઓ, આ ચૂંટણીઓનો એક બીજો સંદેશ છે, કોંગ્રેસની નેગેટિવ પોલિટિક્સને દેશ સતત નકારી રહ્યો છે. જે મુંબઈ શહેરમાં કોંગ્રેસનો જન્મ થયો હતો, ત્યાં તે આજે ચોથા કે પાંચમા નંબરની પાર્ટી બની ગઈ છે. જે મહારાષ્ટ્ર પર કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું, ત્યાં કોંગ્રેસ પૂરી રીતે સમેટાઈ ગઈ છે. કોંગ્રેસ દેશનો ભરોસો ગુમાવી ચૂકી છે, કારણ કે કોંગ્રેસ પાસે વિકાસનો કોઈ એજન્ડા નથી. એવી કોંગ્રેસ ક્યારેય આસામનું, કાઝીરંગાનું પણ ભલું કરી શકતી નથી.
સાથીઓ, કાઝીરંગાની સુંદરતા વિશે ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકા જીએ કહ્યું હતું, આમાર કાઝિરોંગા ધોન્યો, પ્રોકૃતિર ધુનિયા કુલાત ખેલિ, આમાર મોન હોલ પુણ્યો. આ શબ્દોમાં કાઝીરંગા પ્રત્યે પ્રેમની ભાવના છે, સાથે જ તેમાં આસામી લોકોના પ્રકૃતિ પ્રત્યેના સ્નેહની અભિવ્યક્તિ પણ છે. કાઝીરંગા માત્ર એક નેશનલ પાર્ક નથી, કાઝીરંગા તો આસામનો આત્મા છે આત્મા, આ ભારતની બાયો-ડાયવર્સિટીનો એક અનમોલ રત્ન પણ છે. યુનેસ્કોએ આને વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો આપ્યો છે.
સાથીઓ, કાઝીરંગા અને અહીંના વન્યજીવોને બચાવવા માત્ર પર્યાવરણની રક્ષા નથી, આ આસામના ભવિષ્ય અને આવનારી પેઢીઓ પ્રત્યેની આપણી જવાબદારી પણ છે. અને માત્ર મોદીની નહીં, તમારી પણ જવાબદારી છે, અને આને જ ધ્યાનમાં રાખતા, આજે આસામની ધરતી પરથી નવા પ્રોજેક્ટ્સની શરૂઆત થઈ રહી છે, આની બહુ વ્યાપક અસર થશે. હું આ પ્રોજેક્ટ્સ માટે તમને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, કાઝીરંગા એક-શિંગડાવાળા ગેંડાનું ઘર છે. દર વર્ષે પૂરના સમયે જ્યારે બ્રહ્મપુત્રાનું જળસ્તર વધે છે, ત્યારે અહીં જ સૌથી મોટો પડકાર સામે આવે છે. ત્યારે વન્યજીવો ઉંચા વિસ્તારોની શોધમાં નીકળે છે. આ જ રસ્તામાં તેમણે નેશનલ હાઈવે પસાર કરવો પડે છે. આવા સમયે ગેંડા, હાથી અને હરણ રસ્તાના કિનારે ફસાઈ જાય છે. અમારો પ્રયાસ છે કે રસ્તો પણ ચાલતો રહે અને જંગલ પણ સુરક્ષિત રહે. આ જ વિઝન હેઠળ, કલિયાબોરથી નુમાલીગઢ સુધી લગભગ 90 કિલોમીટર લાંબો કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આના પર લગભગ 7 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આમાં લગભગ 35 કિલોમીટર લાંબો એલિવેટેડ વન્યજીવ કોરિડોર પણ બનાવવામાં આવશે. અહીં ગાડીઓ ઉપરથી પસાર થશે અને નીચે વન્યજીવોની અવરજવર કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે. એક-શિંગડાવાળો ગેંડો હોય, હાથી હોય કે વાઘ, તેમના પરંપરાગત મૂવમેન્ટ રૂટ્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
સાથીઓ, આ કોરિડોર ઉપલા આસામ અને અરુણાચલ પ્રદેશની કનેક્ટિવિટીને પણ બહેતર બનાવશે. કાઝીરંગા એલિવેટેડ કોરિડોર અને નવી રેલવે સેવાઓથી, આસામના લોકો માટે નવી સંભાવનાઓ તૈયાર થશે. હું આસામની જનતા અને દેશવાસીઓને આ મહત્વપૂર્ણ પરિયોજનાઓ માટે અભિનંદન આપું છું.
સાથીઓ, જ્યારે પ્રકૃતિ સુરક્ષિત હોય છે, તો તેની સાથે અવસરો પણ પેદા થાય છે. પાછલા કેટલાક વર્ષોમાં કાઝીરંગામાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. હોમસ્ટે, ગાઈડ સેવાઓ, પરિવહન, હસ્તશિલ્પ, અને નાના વ્યવસાયોના માધ્યમથી, સ્થાનિક યુવાનોને આવકના નવા સાધનો મળ્યા છે.
સાથીઓ, આજે હું આસામના આપ લોકોની, અહીંની સરકારની, એક બીજી વાત માટે ખાસ કરીને પ્રશંસા કરીશ. એક સમય હતો, જ્યારે કાઝીરંગામાં ગેંડાના શિકારની ઘટનાઓ આસામની સૌથી મોટી ચિંતા બની ચૂકી હતી. 2013 અને 2014 માં એક-શિંગડાવાળા ડઝનબંધ ગેંડા માર્યા ગયા. ભાજપ સરકારે નક્કી કર્યું હતું કે અમે આ નહીં ચાલવા દઈએ, હવે આવું નહીં ચાલે. અમે આના પછી સુરક્ષા વ્યવસ્થાને નવેસરથી મજબૂત કરી. વન વિભાગને આધુનિક સંસાધનો મળ્યા, દેખરેખ તંત્ર સશક્ત થયું, ‘વન દુર્ગા’ તરીકે મહિલાઓની ભાગીદારી વધારવામાં આવી. આનું સુખદ પરિણામ પણ સામે આવ્યું. 2025 માં ગેંડાના શિકારની એક પણ ઘટના સામે આવી નથી. અને તેથી તમે સૌ અને સરકાર, દરેક જણ અભિનંદનને પાત્ર છે. આ ભાજપ સરકારની રાજકીય ઈચ્છાશક્તિ, અને આસામના લોકોના પ્રયાસથી શક્ય બન્યું છે.
સાથીઓ, લાંબા સમય સુધી, એક વિચાર એવો બની રહ્યો કે પ્રકૃતિ અને પ્રગતિ એકબીજાના વિરોધી છે, કહેવામાં આવતું હતું કે આ બંને સાથે ન ચાલી શકે. પરંતુ આજે ભારત દુનિયાને બતાવી રહ્યું છે કે આ બંને સાથે-સાથે આગળ વધી શકે છે - ઇકોનોમી પણ, ઇકોલોજી પણ. પાછલા એક દાયકામાં દેશમાં જંગલો અને વૃક્ષોનું કવરેજ વધ્યું છે. લોકોએ 'એક પેડ મા કે નામ' અભિયાનમાં વધી-ચઢીને ભાગ લીધો. આ અભિયાન હેઠળ અત્યાર સુધી 260 કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવી ચૂક્યા છે. 2014 પછી દેશમાં ટાઈગર અને એલિફન્ટ રિઝર્વની સંખ્યા વધી છે. પ્રોટેક્ટેડ એરિયા અને કોમ્યુનિટી એરિયામાં પણ મોટો વિસ્તાર થયો છે. જે ચિત્તાઓ ભારતમાંથી લાંબા સમય પહેલા લુપ્ત થઈ ગયા હતા, તેમને હવે પાછા લાવવામાં આવ્યા છે. આજે ચિત્તા લોકો માટે એક નવું આકર્ષણ બની ગયા છે. આપણે વેટલેન્ડ કન્ઝર્વેશન પર પણ સતત કામ કરી રહ્યા છીએ. આજે ભારત એશિયાનું સૌથી મોટું રામસર નેટવર્ક બની ચૂક્યું છે. રામસર સાઈટ્સની સંખ્યામાં, તે મુજબ ભારત દુનિયામાં ત્રીજા સ્થાન પર છે. હવે આપણું આસામ પણ દુનિયાને બતાવી રહ્યું છે, કે કેવી રીતે વિકાસની સાથે-સાથે આપણે આપણી વિરાસતને પણ સંભાળી શકીએ છીએ, પ્રકૃતિની પણ રક્ષા કરી શકીએ છીએ.
સાથીઓ, નોર્થ ઈસ્ટની સૌથી મોટી પીડા હંમેશા અંતરની રહી છે. અંતર દિલોનું, અંતર સ્થળોનું, દાયકાઓ સુધી, અહીંના લોકોને એવું અનુભવાતું રહ્યું, કે દેશનો વિકાસ ક્યાંક બીજે થઈ રહ્યો છે અને તેઓ પાછળ છૂટી રહ્યા છે. આની અસર માત્ર અર્થતંત્ર પર નથી પડી, પરંતુ ભરોસા પર પણ પડી. આ ભાવનાને બદલવાનું કામ ભાજપે કર્યું, ડબલ એન્જિનની સરકારે નોર્થ ઈસ્ટના વિકાસને પ્રાથમિકતા બનાવી. રોડવેઝ, રેલવેઝ, એરવેઝ, વોટરવેઝના માધ્યમથી, આસામને જોડવા પર એક સાથે કામ શરૂ થયું.
સાથીઓ, જ્યારે આપણે રેલવે કનેક્ટિવિટી વધારીએ છીએ, તો તેનો ફાયદો સામાજિક અને આર્થિક, બંને સ્તરો પર થાય છે. તેથી, નોર્થ ઈસ્ટ માટે કનેક્ટિવિટીનું વિસ્તરણ બહુ મહત્વપૂર્ણ છે. પરંતુ કોંગ્રેસે ક્યારેય આની પરવા નથી કરી. હું તમને એક આંકડો આપું છું. જ્યારે કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર હતી, તો આસામને બહુ ઓછું રેલવે બજેટ મળતું હતું. લગભગ 2 હજાર કરોડ રૂપિયા, હવે ભાજપ સરકારમાં આને વધારીને લગભગ 10 હજાર કરોડ રૂપિયા વાર્ષિક કરી દેવામાં આવ્યું છે. હવે હું તમને પૂછું છું આ આંકડો તમને યાદ રહ્યો કે? આ આંકડો તમને યાદ રહ્યો કે? કે ભૂલી ગયા, હું ફરીથી યાદ કરાવું છું, કોંગ્રેસના જમાનામાં આસામને રેલવે માટે બે હજાર કરોડ રૂપિયા મળતા હતા, કેટલા? બધાના બધા બોલો કેટલા મળતા હતા? કેટલા મળતા હતા? કેટલા મળતા હતા? ભાજપ સરકાર આવ્યા પછી આસામને કેટલા મળે છે- 10 હજાર કરોડ રૂપિયા. કેટલા? કેટલા? કેટલા? 10 હજાર કરોડ રૂપિયા. એટલે કે કોંગ્રેસ જેટલા પૈસા આસામને રેલવે માટે આપતી હતી, ભાજપ તેનાથી પાંચ ગણા વધારે પૈસા આસામને આપી રહ્યું છે.
સાથીઓ, આ વધેલા રોકાણથી મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ થયું છે. નવી રેલવે લાઈનો નાખવાથી, ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન થવાથી, રેલવેની ક્ષમતા વધી છે, લોકો માટે સુવિધાઓ વધી છે. આજે કલિયાબોરથી જે ત્રણ નવી ટ્રેન સેવાઓનો શુભારંભ થઈ રહ્યો છે, તે પણ આસામની રેલવે કનેક્ટિવિટીમાં એક મહત્વપૂર્ણ વિસ્તરણ છે. વંદે ભારત સ્લીપર ટ્રેન, ગુવાહાટીને કોલકાતા સાથે જોડશે. આ આધુનિક સ્લીપર ટ્રેન લાંબા અંતરની યાત્રાને વધુ આરામદાયક બનાવશે. આની સાથે જ બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોની શરૂઆત કરવામાં આવી રહી છે. આ ટ્રેનોના રસ્તામાં આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાય મહત્વપૂર્ણ સ્ટેશનો સામેલ છે, જેનાથી લાખો મુસાફરોને સીધો લાભ મળશે. આ ટ્રેનો આસામના વેપારીઓને નવા બજારો સાથે જોડશે, વિદ્યાર્થીઓ શિક્ષણના નવા અવસરો સુધી સરળતાથી પહોંચી શકશે. અને આસામના લોકો માટે દેશના અલગ-અલગ ભાગોમાં આવવા-જવાનું સરળ થઈ જશે. કનેક્ટિવિટીનું આ વિસ્તરણ ભરોસો પેદા કરે છે, કે નોર્થ ઈસ્ટ હવે વિકાસના હાંસિયા પર નથી. નોર્થ ઈસ્ટ હવે દૂર નથી રહ્યું, નોર્થ ઈસ્ટ હવે દિલની પણ પાસે છે, દિલ્હીની પણ પાસે છે.
સાથીઓ, આજે તમારી વચ્ચે, આસામની સામે રહેલા એક મોટા પડકારની પણ ચર્ચા આવશ્યક છે. આ પડકાર છે, આસામની ઓળખ બચાવવાનો, આસામની સંસ્કૃતિ બચાવવાનો. તમે મને જણાવો, આસામની ઓળખ બચવી જોઈએ કે નહીં બચવી જોઈએ? એવું નહીં, બધાના બધા જવાબ આપો, આસામની ઓળખ બચવી જોઈએ કે નહીં બચવી જોઈએ? આપ સૌની ઓળખ બનવી જોઈએ કે નહીં બનવી જોઈએ? તમારા પૂર્વજોની વિરાસત બચવી જોઈએ કે નહીં બચવી જોઈએ? આજે આસામમાં બીજેપી સરકાર જે પ્રકારે ઘૂસણખોરી સામે કામ કરી રહી છે, જે પ્રકારે, આપણા જંગલોને, ઐતિહાસિક સાંસ્કૃતિક સ્થળોને, આપ લોકોની જમીનોને, ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરી રહી છે, તેની આજે બહુ પ્રશંસા થઈ રહી છે. આ સાચું થઈ રહ્યું છે કે નહીં થઈ રહ્યું? આ થવું જોઈએ કે નહીં થવું જોઈએ? આ તમારા ભલા માટે છે કે નહીં? પરંતુ તમે જરા એ પણ વિચારો સાથીઓ, કે કોંગ્રેસે આસામની સાથે શું કર્યું? માત્ર સરકારો બનાવવા માટે, કેટલાક વોટ મેળવવા માટે, આસામની માટીને, ઘૂસણખોરોને સોંપી દીધી. કોંગ્રેસે દાયકાઓ સુધી આસામમાં સરકારો બનાવી. આ દરમિયાન, સતત ઘૂસણખોરી વધતી જ ગઈ, વધતી જ ગઈ, અને આ લોકોએ ઘૂસણખોરોએ શું કર્યું? તેમને આસામના ઇતિહાસ, અહીંની સંસ્કૃતિ, આપણી આસ્થા સાથે કોઈ લેવાદેવા નહોતા, તેથી, તેમણે ઠેર-ઠેર કબજા કર્યા. ઘૂસણખોરીના કારણે, એનિમલ કોરિડોરમાં કબજા થયા, ગેરકાયદેસર શિકારને પ્રોત્સાહન મળ્યું, તસ્કરી અને અન્ય ગુનાઓ પણ વધ્યા.
સાથીઓ, કોંગ્રેસથી તમારે બહુ સાવધાન રહેવાનું છે. કોંગ્રેસની એક જ નીતિ છે, ઘૂસણખોરોને બચાવો, ઘૂસણખોરોની મદદથી સત્તા મેળવો! આખા દેશમાં કોંગ્રેસ અને તેના સાથીઓ આ જ કરી રહ્યા છે. બિહારમાં પણ તેમણે ઘૂસણખોરોને બચાવવા માટે યાત્રાઓ કાઢી, રેલીઓ કાઢી. પરંતુ બિહારની જનતાએ કોંગ્રેસનો સફાયો કરી દીધો.
સાથીઓ, આસામનો વિકાસ આખા નોર્થ ઈસ્ટના વિકાસ માટે નવા દરવાજા ખોલી રહ્યો છે. આસામ એક્ટ ઈસ્ટ (Act East) પોલિસીને દિશા આપી રહ્યું છે. જ્યારે આસામ આગળ વધે છે, તો નોર્થ ઈસ્ટ આગળ વધે છે. જ્યારે નોર્થ ઈસ્ટ આગળ વધે છે, તો હિન્દુસ્તાન આગળ વધે છે. અમારા પ્રયાસ અને આસામના લોકોનો ભરોસો, આખા નોર્થ ઈસ્ટને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. આ જ વિશ્વાસ સાથે, હું એક વાર ફરી આપ સૌને આજની પરિયોજનાઓ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. મારી સાથે બોલો- ભારત માતા કી જય. ભારત માતા કી જય.
આ વર્ષ વંદે માતરમના 150 વર્ષ, આ પુણ્ય સ્મરણ કરવાનો સમય છે. મારી સાથે બોલો-
વંદે માતરમ.
વંદે માતરમ.
વંદે માતરમ.
વંદે માતરમ.
વંદે માતરમ.
વંદે માતરમ.
વંદે માતરમ.
વંદે માતરમ.
વંદે માતરમ.
વંદે માતરમ.
SM/GP/JD
(रिलीज़ आईडी: 2215825)
आगंतुक पटल : 6