કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

‘ખેડૂતો માટે ઐતિહાસિક સુધારા’: કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે નવા સીડ એક્ટની વિગતો શેર કરી


‘નકલી બિયારણ સામે કડક કાર્યવાહી; પરંપરાગત બિયારણ પ્રણાલીઓ સુરક્ષિત રહેશે’: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

‘ખેડૂતોની રાહત માટે નકલી બિયારણના જોખમને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે’: કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

‘નિમ્ન સ્તરના બિયારણ વેચવા બદલ ₹30 લાખ સુધીનો દંડ અને કડક સજાની દરખાસ્ત’: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

‘ટ્રેસેબિલિટી નકલી અથવા નબળી ગુણવત્તાવાળા બિયારણની તાત્કાલિક ઓળખ સુનિશ્ચિત કરશે, વધુ પારદર્શિતા લાવશે’: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

‘બિયારણ કંપનીઓનું ફરજિયાત રજીસ્ટ્રેશન; અનધિકૃત વેચાણકર્તાઓ પર બિયારણ વેચાણ માટે પ્રતિબંધ’: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

प्रविष्टि तिथि: 16 JAN 2026 5:17PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, અને ગ્રામીણ વિકાસ મંત્રી, શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે મીડિયાને નવા સીડ એક્ટ (સીડ એક્ટ 2026) ની વિશેષતાઓ અને ખેડૂતો પર તેની અસર વિશે વિગતવાર માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત કાયદો એ ખેડૂતોનું રક્ષણ, બિયારણની ગુણવત્તા અને સમગ્ર પ્રણાલીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથેનું એક ઐતિહાસિક પગલું છે.

હવે દરેક બીજની સંપૂર્ણ માહિતી ખેડૂતો સુધી પહોંચશે

મીડિયાના પ્રશ્નોના જવાબમાં શ્રી ચૌહાણે કહ્યું કે હવે દેશવ્યાપી સીડ ટ્રેસેબિલિટી સિસ્ટમ (બિયારણ માર્ગરેખન પ્રણાલી) સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું, "અમે એક એવી સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કર્યો છે જેના દ્વારા જાણી શકાય કે બિયારણ ક્યાં ઉત્પાદિત થયું હતું, કયા ડીલરે તેનો પુરવઠો આપ્યો હતો અને કોણે તેનું વેચાણ કર્યું હતું." બિયારણના દરેક પેકેટ પર એક QR કોડ હશે, જેને સ્કેન કરવાથી ખેડૂતો તેના મૂળ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકશે. આનાથી માત્ર નકલી અથવા નિમ્ન સ્તરના બિયારણનું વેચાણ અટકશે એટલું જ નહીં, પરંતુ જો આવા બિયારણ બજારમાં પ્રવેશે તો જવાબદારો સામે ઝડપી કાર્યવાહી પણ થઈ શકશે.

નિમ્ન સ્તરના બિયારણ સિસ્ટમમાં પ્રવેશશે જ નહીં

કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે એકવાર ટ્રેસેબિલિટી લાગુ થઈ ગયા પછી, નકલી અથવા નબળી ગુણવત્તાવાળા બિયારણની તાત્કાલિક ઓળખ થઈ જશે. તેમણે કહ્યું, "નિમ્ન કક્ષાના બિયારણ સિસ્ટમમાં આવશે નહીં, અને જો આવશે તો પણ પકડાઈ જશે. જેઓ આવા બિયારણ પૂરા પાડે છે તેમને દંડ કરવામાં આવશે." આનાથી ખેડૂતોને ગેરમાર્ગે દોરતી કંપનીઓ અને ડીલરોની મનસ્વી પ્રથાઓનો અંત આવશે.

બિયારણ કંપનીઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે

શ્રી ચૌહાણે કહ્યું કે હવે દરેક બિયારણ કંપનીએ નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવી પડશે, જેનાથી એ સ્પષ્ટ થશે કે કઈ કંપનીઓ કામ કરવા માટે અધિકૃત છે. તેમણે કહ્યું, "નોંધાયેલ કંપનીઓની વિગતો ઉપલબ્ધ હશે, અને કોઈપણ અનધિકૃત વેચાણકર્તાને બિયારણ વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં." આનાથી બજારમાંથી નકલી કંપનીઓ દૂર થશે અને ખેડૂતોને માત્ર વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જ બિયારણ મળે તે સુનિશ્ચિત થશે.

પરંપરાગત બિયારણ પર કોઈ પ્રતિબંધ નહીં

કેન્દ્રીય મંત્રીએ એવી ચિંતાઓ પણ દૂર કરી હતી કે નવો કાયદો ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા પરંપરાગત બિયારણ પર પ્રતિબંધ લાદશે. તેમણે કહ્યું, "ખેડૂતો પોતાના બિયારણ વાવી શકે છે અને અન્ય ખેડૂતો સાથે બિયારણ વહેંચી શકે છે. સ્થાનિક સ્તરે બિયારણના વિનિમયની પરંપરાગત પદ્ધતિ કોઈપણ સમસ્યા વિના ચાલુ રહેશે." તેમણે ગ્રામીણ વિસ્તારોનું ઉદાહરણ આપ્યું જ્યાં ખેડૂતો વાવણી દરમિયાન બિયારણની આપ-લે કરે છે અને પછીથી વધારાના જથ્થા સાથે પરત કરે છે, અને ઉમેર્યું કે આવી પ્રથાઓ અપ્રભાવિત રહેશે.

નિમ્ન સ્તરના બિયારણ વેચવા બદલ ₹30 લાખ સુધીનો દંડ અને સજા

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે બિયારણની ગુણવત્તામાં બેદરકારી સામે ઝીરો ટોલરન્સ (શૂન્ય સહિષ્ણુતા) રહેશે. તેમણે કહ્યું, "અગાઉ દંડ ₹500 સુધીનો હતો. હવે, ₹30 લાખ સુધીનો દંડ ફટકારવાની દરખાસ્ત છે, અને જો કોઈ જાણીજોઈને ગુનો કરે છે, તો સજાની જોગવાઈ પણ હશે." તમામ કંપનીઓનો વાંક નથી હોતો તે સ્વીકારતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જેઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

“ICAR અને ભારતીય કંપનીઓ મજબૂત ખેલાડીઓ રહેશે

મંત્રીએ કહ્યું કે સીડ એક્ટમાં ત્રણ સ્તરે જોગવાઈઓ છે: જાહેર ક્ષેત્ર (ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ - ICAR, કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો), સ્થાનિક કંપનીઓ કે જે ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણનું ઉત્પાદન કરે છે, અને વિદેશી બિયારણ માટે યોગ્ય મૂલ્યાંકન પદ્ધતિ. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, "વિદેશથી આયાત કરાયેલા બિયારણને સંપૂર્ણ પરીક્ષણ અને મૂલ્યાંકન પછી જ મંજૂરી આપવામાં આવશે. આપણી જાહેર સંસ્થાઓ અને સ્થાનિક ખાનગી ક્ષેત્રને મજબૂત બનાવવામાં આવશે જેથી ગુણવત્તાયુક્ત બિયારણ ખેડૂતો સુધી પહોંચે."

ખેડૂતો માટે વ્યાપક જાગૃતિ અભિયાન

ખેડૂતોમાં જાગૃતિના અભાવના મુદ્દે શ્રી ચૌહાણે કહ્યું કે વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો જાગૃતિ ફેલાવવા ગામડાઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ જેવી પહેલ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દેશભરના તમામ 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) ખેડૂતોને બિયારણની ગુણવત્તા, બિયારણની પસંદગી અને ફરિયાદ નિવારણ પદ્ધતિઓ વિશે શિક્ષિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

નકલી બિયારણ વેચનારાઓ સામે સખત સજા

સરકારના વલણનો પુનરોચ્ચાર કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે કોઈ જાણીજોઈને નિમ્ન સ્તરના બિયારણનું ઉત્પાદન કે વેચાણ કરશે તેને ત્રણ વર્ષ સુધીની જેલ અને ₹30 લાખ સુધીનો દંડ થઈ શકે છે. તેમણે કહ્યું, "અગાઉ કાયદો નબળો હતો. હવે અમે તેને અસરકારક બનાવી રહ્યા છીએ જેથી ખેડૂતોને ન્યાય મળે."

જૂના 1966 ના કાયદાનું આધુનિકીકરણ કરવામાં આવશે

શ્રી ચૌહાણે કહ્યું કે 1966નો વર્તમાન સીડ એક્ટ એવા યુગનો હતો જેમાં અદ્યતન ટેકનોલોજી કે ડેટા સિસ્ટમ નહોતી. તેમણે કહ્યું, "અમે હવે ટ્રેસેબિલિટી, ડિજિટલ રેકોર્ડ્સ અને જવાબદારી પર આધારિત આધુનિક કાયદો લાવી રહ્યા છીએ, જેથી ભવિષ્યમાં કોઈ ખેડૂત છેતરાય નહીં."

રાજ્યોના અધિકારો અકબંધ રહેશે

નવો કાયદો રાજ્યોની સત્તાઓને નબળી પાડી શકે છે તેવી ચિંતાઓ અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "કૃષિ એ રાજ્યનો વિષય છે. રાજ્ય સરકારોના અધિકારો અકબંધ રહેશે. કેન્દ્ર માત્ર સમન્વય કરશે, અને કાયદાનો અમલ રાજ્યોના સહકારથી કરવામાં આવશે."

અમારો ધ્યેય દરેક ખેડૂત માટે યોગ્ય બિયારણ સુનિશ્ચિત કરવાનો છે

શ્રી ચૌહાણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય દરેક ખેડૂતને ગુણવત્તાયુક્ત બિયારણ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. તેમણે કહ્યું, "સારી કંપનીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે, અને જેઓ ખોટું કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તે જ આ કાયદાનો સાર છે." તેમણે ઉમેર્યું હતું કે સીડ એક્ટ 2026 દ્વારા, સરકાર ખેડૂતોને સુરક્ષિત, વિશ્વસનીય અને ઉત્પાદક બિયારણ પ્રદાન કરવા, વિશ્વાસ મજબૂત કરવા અને દેશભરમાં કૃષિ ઉત્પાદકતા વધારવા તરફ નિર્ણાયક પગલું ભરી રહી છે.

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2215383) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Punjabi , Kannada , Urdu , हिन्दी , Marathi , Odia , Tamil , Telugu