પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ના દાયકાની ઉજવણી નિમિત્તે આપેલા સંબોધનનો મૂળપાઠ
प्रविष्टि तिथि:
16 JAN 2026 4:11PM by PIB Ahmedabad
મંત્રીમંડળના મારા સાથી પીયૂષ ગોયલજી, દેશભરમાંથી આવેલા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના મારા મિત્રો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!
આજે આપણે સૌ એક ખૂબ જ ખાસ અવસર પર અહીં એકત્રિત થયા છીએ. ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’નો આ અવસર, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સનો આ સમૂહ, હું મારી સામે નવા અને વિકસિત ભારતનું ભવિષ્ય જોઈ રહ્યો છું. હમણાં મને સ્ટાર્ટઅપની દુનિયાના કેટલાક લોકો સાથે, તેમની જે કેટલીક સિદ્ધિઓ હતી, તેમના જે પ્રયોગો હતા, તે જોવાની તક મળી, કેટલાક સાથીઓને સાંભળવાની તક મળી. એગ્રીકલ્ચરમાં કામ કરી રહેલા સ્ટાર્ટઅપ, ફિનટેક (Fintech), મોબિલિટીનું સેક્ટર, હેલ્થ અને સસ્ટેનેબિલિટીનું ફિલ્ડ, તમારા જે આઈડિયાઝ છે, તે માત્ર મને જ નહીં, દરેકને પ્રભાવિત કરનારા છે. પરંતુ મારા માટે જે મહત્વની વાત છે, તે તમારો આત્મવિશ્વાસ અને તમારી મહત્વાકાંક્ષાઓ (Ambitions), આ મને વધુ પ્રભાવશાળી લાગ્યા. આજથી 10 વર્ષ પહેલા, વિજ્ઞાન ભવનમાં, એક 500-700 નવયુવાનોની વચ્ચે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, રિતેશ અહીં બેઠા છે, ત્યારે તેમની શરૂઆત હતી. અને તે સમયે સ્ટાર્ટઅપની દુનિયામાં જે નવા-નવા લોકો આવી રહ્યા હતા, તેમના અનુભવો હું સાંભળી રહ્યો હતો, અને મને યાદ છે કે એક દીકરી જે કોર્પોરેટ વર્લ્ડમાં પોતાની નોકરી છોડીને, સ્ટાર્ટઅપ તરફ જઈ રહી હતી. તો નોકરી છોડીને તે કોલકાતા પોતાની માતાને મળવા ગઈ અને માતાને કહ્યું કે મેં નોકરી છોડી દીધી છે, તો માતાએ કહ્યું, કેમ? આ બધું તેણે તે દિવસે વિજ્ઞાન ભવનમાં સંભળાવ્યું હતું, તો તેણે કહ્યું ના બસ હવે તો હું સ્ટાર્ટઅપ કરવા માંગુ છું, તો તેની માતાએ જે તેને કહ્યું, તે તેણે સંભળાવ્યું હતું, તેણે કહ્યું- સર્વનાશ, આ તું બરબાદીના રસ્તે કેમ જઈ રહી છે. સ્ટાર્ટઅપના સંબંધમાં આ વિચાર આપણા દેશમાં હતો અને આજે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, વિજ્ઞાન ભવનથી આજે ભારત મંડપમમાં જગ્યા નથી, અને મારું સૌભાગ્ય છે કે મને આ એક અઠવાડિયામાં જ દેશના નવયુવાનોને બીજી વાર મળવાની તક મળી રહી છે. હમણાં 12 જાન્યુઆરીએ યુવા દિવસ પર હું દેશભરમાંથી આવેલા લગભગ 3000 યુવકોને બે-અઢી કલાક સુધી સાંભળતો રહ્યો હતો અને તેમની સાથે બેઠો હતો. અને આજે મને આપ સૌને સાંભળવાનો અને મારા દેશના નવયુવાનોને, તેમની શક્તિના દર્શન કરવાનો મને અવસર મળ્યો છે.
સાથીઓ,
સૌથી મહત્વની વાત એ છે કે ભારતના યુવાનોનું ફોકસ વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા (real problems solve) પર છે. અમારા તે યુવા ઇનોવેટર્સ, જેમણે નવા સપના જોવાનું સાહસ બતાવ્યું, હું તે સૌની ખૂબ-ખૂબ પ્રશંસા કરું છું.
સાથીઓ,
આજે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા (Startup India) ના દસ વર્ષ પૂર્ણ થવાનો માઇલસ્ટોન સેલિબ્રેટ કરી રહ્યા છીએ. 10 વર્ષની આ યાત્રા, માત્ર એક સરકારી સ્કીમની સક્સેસ સ્ટોરી નથી. આ તમારા જેવા હજારો-લાખો સપનાઓની યાત્રા છે. આ કેટલીય કલ્પનાઓના સાકાર થવાની યાત્રા છે. તમે યાદ કરો, 10 વર્ષ પહેલા પરિસ્થિતિ શું હતી? વ્યક્તિગત પ્રયાસો (Individual efforts) અને ઇનોવેશન માટે બહુ અવકાશ જ નહોતો. અમે તે પરિસ્થિતિઓને ચેલેન્જ કરી, અમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ લોન્ચ કર્યો. અમે યુવાનોને એક ખુલ્લું આકાશ આપ્યું, અને આજે પરિણામ આપણી સામે છે. માત્ર 10 વર્ષમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન એક ક્રાંતિ (Revolution) બની ચૂક્યું છે. ભારત આજે દુનિયાનું ત્રીજું સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ (third-largest startup ecosystem) છે. દસ વર્ષ પહેલા દેશમાં 500 થી પણ ઓછા સ્ટાર્ટઅપ્સ હતા, આજે આ સંખ્યા વધીને 2 લાખથી વધુ છે. 2014 માં ભારતમાં માત્ર ચાર યુનિકોર્ન હતા, આજે ભારતમાં લગભગ સવા સો એક્ટિવ યુનિકોર્ન છે. દુનિયા પણ આજે આ સક્સેસ સ્ટોરીને આશ્ચર્યથી જોઈ રહી છે. આવનારા સમયમાં જ્યારે ભારતની સ્ટાર્ટઅપ જર્નીની વાત થશે, તો અહીં આ હોલમાં બેઠેલા કેટલાય યુવાનો પોતે જ એક ઉજ્જવળ કેસ સ્ટડી બનવાના છે.
અને સાથીઓ,
મને આ જોઈને વધુ સારું લાગે છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું મોમેન્ટમ સતત તેજ થઈ રહ્યું છે. આજના સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બની રહ્યા છે, યુનિકોર્ન પોતાના IPOs લોન્ચ કરી રહ્યા છે, વધુમાં વધુ નોકરીઓ (Jobs) ઉભી કરી રહ્યા છે. ગયા વર્ષે જ, એટલે કે 2025 માં લગભગ 44 હજાર વધુ નવા સ્ટાર્ટઅપ્સ રજિસ્ટર થયા છે. આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત પછી કોઈ એક વર્ષનો સૌથી મોટો ઉછાળો (Jump) છે. આ આંકડા એ વાતના સાક્ષી છે કે આપણી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ઇનોવેશન અને ગ્રોથને કઈ રીતે ડ્રાઇવ કરી રહી છે.
સાથીઓ,
મને બહુ ખુશી છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ દેશમાં એક નવા કલ્ચરને જન્મ આપ્યો છે. પહેલા નવો બિઝનેસ અને નવુ સાહસ માત્ર મોટા-મોટા ઘરોના બાળકો જ લઈને આવતા હતા. કારણ કે, તેમને જ સરળતાથી ફંડિંગ મળતું હતું, સપોર્ટ મળતો હતો. મધ્યમ વર્ગ અને ગરીબના મોટાભાગના બાળકો માત્ર નોકરીનું સપનું જ જોઈ શકતા હતા. પરંતુ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામએ આ વિચારને બદલી દીધો છે. હવે ટિયર-2 અને ટિયર-3 શહેરોના, અહીં સુધી કે ગામડાઓના યુવાનો પોતાના સ્ટાર્ટઅપ ખોલી રહ્યા છે. અને આ જ યુવાનો આજે સૌથી વધુ જમીનસ્તરીય સમસ્યાઓનું સમાધાન આપવાની સતત કોશિશ કરી રહ્યા છે. સમાજ અને દેશ માટે કંઈક કરવાનો આ જુસ્સો મારા માટે આ ભાવનાનો, આ સ્પિરિટનો બહુ મહત્વ છે.
સાથીઓ,
આ બદલાવમાં એક મોટી ભૂમિકા દેશની દીકરીઓની રહી છે. આજે 45 ટકા, 45 percent થી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછી એક મહિલા ડાયરેક્ટર કે પાર્ટનર છે. મહિલા સંચાલિત (Women-led) સ્ટાર્ટઅપ ફંડિંગના મામલામાં ભારત દુનિયાનું બીજું સૌથી મોટું ઇકોસિસ્ટમ બની ચૂક્યું છે. સ્ટાર્ટઅપ્સનું આ સર્વસમાવેશી મોમેન્ટમ ભારતની ક્ષમતાને વધુ વધારી રહ્યું છે.
સાથીઓ,
આજે દેશ સ્ટાર્ટઅપ ક્રાંતિમાં પોતાનું ભવિષ્ય જોઈ રહ્યો છે. જો હું તમને પૂછું કે સ્ટાર્ટઅપ્સ આટલા કેમ મહત્વ ધરાવે છે? તો કદાચ આપ સૌના અલગ-અલગ જવાબ હશે. કોઈ કહેશે ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે, તેથી સ્ટાર્ટઅપ્સ માટે તકો છે, કોઈનો ઉત્તર હશે, ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા (major economy) છે, તેથી સ્ટાર્ટઅપ્સ માટે નવા અવસરો છે. કોઈ કહેશે, આજે દેશ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યો છે, ભારતમાં નવા-નવા ક્ષેત્રો ઉભરી રહ્યા છે, તેથી સ્ટાર્ટઅપ સિસ્ટમ પણ આગળ વધી રહી છે. આ બધા જવાબો, આ બધા તથ્યો સાચા છે. પરંતુ, એક વાત જે મારા દિલને સ્પર્શે છે, તે છે- સ્ટાર્ટઅપ સ્પિરિટ. મારા દેશનો નવયુવાન આજે કમ્ફર્ટ ઝોનમાં પોતાની જિંદગી વિતાવવા માટે તૈયાર નથી, તેને ઘસી-પીટી લકીર પર ચાલવું મંજૂર નથી. તે પોતાના માટે નવા રસ્તા પોતે બનાવવા માંગે છે, કારણ કે તેને નવી મંઝિલો જોઈએ છે, નવા મુકામ જોઈએ છે.
અને સાથીઓ,
નવી મંઝિલો મળે છે કઈ રીતે? તેના માટે આપણે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને બતાવવી પડે છે. અને તેથી, આપણા ત્યાં કહેવાય છે- ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ, કાર્યાણિ ન મનોરથૈઃ. અર્થાત્, કાર્ય ઉદ્યમથી સિદ્ધ થાય છે, માત્ર મનોરથ કરવાથી થતું નથી. અને ઉદ્યમ માટે પહેલી શરત છે- સાહસ. આપ સૌએ અહીં સુધી પહોંચવા માટે કેટલું સાહસ કર્યું હશે, કેટલું બધું દાવ પર લગાવ્યું હશે. પહેલા દેશમાં જોખમ લેવાને (Risk taking) નિરુત્સાહિત કરવામાં આવતું હતું, પરંતુ આજે જોખમ લેવું એ મેઈન-સ્ટ્રીમ બની ગયું છે. મંથલી સેલરીથી આગળ વિચારનારાને હવે માત્ર સ્વીકારવામાં જ નહીં, પણ હવે તેને સન્માન (Respect) આપવામાં આવે છે. જે જોખમ લેવાના વિચારોને પહેલા લોકો ફ્રિન્જ માનતા હતા, તે હવે ફેશન બની રહ્યું છે.
સાથીઓ,
જોખમ લેવા પર હું ખાસ કરીને ભાર મૂકતો રહ્યો છું, કારણ કે આ મારી પણ જૂની આદત છે, જે કામ કોઈ કરવા માટે તૈયાર હોતું નથી, એવા કામ જે દાયકાઓથી પહેલાની સરકારોએ અડક્યા નહોતા, કારણ કે તેમાં ચૂંટણી હારવાનો, ખુરશી જવાનો ડર હતો. જે કામો માટે લોકો આવીને કહેતા હતા, આમાં બહુ પોલિટિકલ રિસ્ક છે, હું તે કાર્યોને મારી જવાબદારી સમજીને જરૂર કરું છું. તમારી જેમ જ મારું પણ માનવું છે, જે કામ દેશ માટે જરૂરી છે, તે કોઈકે તો કરવું જ પડશે, કોઈકે તો જોખમ લેવું જ પડશે. નુકસાન થશે તો મારું થશે, પણ જો ફાયદો થશે, તો મારા દેશના કરોડો પરિવારોને ફાયદો થશે.
સાથીઓ,
પાછલા 10 વર્ષોમાં દેશમાં એક એવી ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે, જે ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે. અમે શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ્સ બનાવી, જેથી ત્યાં બાળકોમાં ઇનોવેશનની પ્રવૃત્તિ બને. અમે હેકેથોન્સ શરૂ કર્યા, જેથી આપણા યુવાનો દેશની સમસ્યાઓના સમાધાન આપી શકે. અમે ઇન્ક્યુબેશન સેન્ટર્સ બનાવ્યા, જેથી સંસાધનોની અછતથી આઈડિયાઝનું મૃત્યુ ન થાય.
સાથીઓ,
એક સમયમાં જટિલ અનુપાલન (Complex compliances), લાંબી મંજૂરી પ્રક્રિયાઓ (approval cycles), અને ઇન્સ્પેક્ટર રાજનો ડર, આ ઇનોવેશનના સૌથી મોટા અવરોધ હતા. તેથી અમે વિશ્વાસ અને પારદર્શકતા (trust and transparency) નું વાતાવરણ બનાવ્યું. જન વિશ્વાસ એક્ટ હેઠળ 180 થી વધુ જોગવાઈઓને ડિક્રિમિનલાઈઝ (બિન-ગુનાહિત) કરવામાં આવી છે. અમે તમારો સમય બચાવ્યો, જેથી તમે ઇનોવેશન પર ફોકસ કરી શકો. તમારો સમય મુકદ્દમાબાજી (litigation) માં બરબાદ ન થાય. ખાસ કરીને, સ્ટાર્ટઅપ્સ માટે ઘણા કાયદાઓમાં સેલ્ફ-સર્ટિફિકેશનની સુવિધા આપવામાં આવી. મર્જર અને એક્ઝિટને સરળ બનાવવામાં આવ્યા.
સાથીઓ,
સ્ટાર્ટઅપ ઇન્ડિયા માત્ર એક સ્કીમ નથી, પણ એક ‘રેઈન્બો વિઝન’ છે. આ અલગ-અલગ સેક્ટર્સને નવી તકો (opportunities) સાથે જોડવાનું માધ્યમ છે. તમે જુઓ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, પહેલા શું સ્ટાર્ટઅપ્સ સ્થાપિત ખેલાડીઓ (established players) સાથે સ્પર્ધાની કલ્પના પણ કરી શકતા હતા શું? iDEX દ્વારા અમે વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ માટે પ્રાપ્તિ (procurement) ના નવા રસ્તા ખોલ્યા. સ્પેસ સેક્ટર, જે પહેલા પૂરી રીતે ખાનગી ભાગીદારી માટે બંધ હતું, તેને પણ હવે ઓપન કરી દેવામાં આવ્યું છે. આજે લગભગ 200 સ્ટાર્ટઅપ્સ સ્પેસ સેક્ટરમાં કામ કરી રહ્યા છે. આમને વૈશ્વિક માન્યતા પણ મળી રહી છે. આ જ રીતે, ડ્રોન સેક્ટરને જુઓ, વર્ષો સુધી સક્ષમ માળખાના (enabling framework) અભાવે ભારત ઘણું પાછળ રહી ગયું. અમે આઉટ-ડેટેડ નિયમો હટાવ્યા, ઇનોવેટર્સ પર ભરોસો કર્યો.
સાથીઓ,
જાહેર પ્રાપ્તિ (Public procurement) માં અમે GeM એટલે કે ગવર્મેન્ટ ઈ-માર્કેટ પ્લેસ દ્વારા માર્કેટ એક્સેસને વધાર્યું છે. આજે લગભગ 35 હજાર સ્ટાર્ટઅપ્સ અને નાના વ્યવસાયો GeM પર ઓન-બોર્ડ છે. આમને લગભગ 50 હજાર કરોડના આશરે 5 લાખ ઓર્ડર મળ્યા છે. એક રીતે, સ્ટાર્ટઅપ્સ પોતાની સફળતાથી દરેક સેક્ટર માટે નવા ગ્રોથ એવન્યુઝ (growth avenues) ખોલી રહ્યા છે.
સાથીઓ,
આપણે સૌ જાણીએ છીએ મૂડી (Capital) વગર, સૌથી સારા આઈડિયાઝ પણ માર્કેટ સુધી પહોંચી શકતા નથી. એટલા માટે જ, અમે ઇનોવેટર્સ માટે ફાઈનાન્સ સુધી પહોંચ સુનિશ્ચિત કરી, તેના પર પણ ફોકસ કર્યું છે. ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ દ્વારા 25 હજાર કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ, IN-SPACe સીડ ફંડ, NIDHI સીડ સપોર્ટ પ્રોગ્રામ, આવી સ્કીમ્સ દ્વારા સ્ટાર્ટઅપ્સને સીડ ફંડિંગ આપવામાં આવી રહ્યું છે. ક્રેડિટ એક્સેસ બહેતર બને, તે માટે અમે ક્રેડિટ ગેરંટી સ્કીમ પણ શરૂ કરી. જેથી, તારણની (collateral) અછત સર્જનાત્મકતાના રસ્તામાં અવરોધ ન બને.
સાથીઓ,
આજની રિસર્ચ જ આવતીકાલની બૌદ્ધિક સંપદા (intellectual property) બને છે. આને પ્રોત્સાહન આપવા માટે અમે એક લાખ કરોડ રૂપિયાની રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન સ્કીમ શરૂ કરી છે. જે સનરાઈઝ સેક્ટર્સ છે, તેમાં લાંબા ગાળાના રોકાણને સપોર્ટ કરવા માટે ડીપ ટેક ફંડ ઓફ ફંડ્સ પણ બનાવવામાં આવ્યું છે.
સાથીઓ,
હવે આપણે ભવિષ્ય માટે તૈયાર થવું પડશે. આપણે નવા આઈડિયાઝ પર કામ કરવાની જરૂર છે. આજે ઘણા એવા ડોમેન્સ ઉભરી રહ્યા છે, જે કાલે દેશમાં આર્થિક સુરક્ષા અને વ્યૂહાત્મક સ્વાયત્તતા (strategic autonomy) માં મહત્વનો રોલ નિભાવશે. AI નું ઉદાહરણ આપણી સામે છે. જે રાષ્ટ્ર AI ક્રાંતિમાં જેટલું આગળ હશે, તેની પાસે તેટલો જ ફાયદો (advantage) હશે. ભારત માટે આ કામ આપણા સ્ટાર્ટઅપ્સે કરવાનું છે. અને આપ સૌને ખબર હશે, ફેબ્રુઆરીમાં AI ની ગ્લોબલ કોન્ફરન્સ આપણા ત્યાં થઈ રહી છે, AI ઇમ્પેક્ટ સમિટ થઈ રહી છે, તે આપ સૌના માટે પણ મોટો અવસર છે. અને હું જાણું છું, આ કામમાં હાઈ કમ્પ્યુટિંગ કોસ્ટ જેવા કેટલા પડકારો છે. ઇન્ડિયા AI મિશન દ્વારા અમે આના સોલ્યુશન્સ આપી રહ્યા છીએ. અમે 38,000 થી વધુ GPUs ઓન-બોર્ડ કર્યા છે. અમારો પ્રયાસ છે કે મોટી ટેકનોલોજી, નાના સ્ટાર્ટઅપ્સ માટે પણ સરળતાથી ઉપલબ્ધ હોય. અમે એ પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે સ્વદેશી AI, ભારતીય પ્રતિભાઓ દ્વારા, ભારતીય સર્વર્સ પર જ તૈયાર થાય. આ જ પ્રકારના પ્રયાસો સેમિકન્ડક્ટર્સ, ડેટા સેન્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન અને અન્ય ઘણા સેક્ટર્સમાં પણ કરવામાં આવી રહ્યા છે.
સાથીઓ,
જેમ-જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, આપણી મહત્વાકાંક્ષા (ambition) માત્ર ભાગીદારીની જ ન રહેવી જોઈએ. આપણે ગ્લોબલ લીડરશિપનું લક્ષ્ય રાખવું પડશે. તમે નવા આઈડિયાઝ પર કામ કરો, સમસ્યાઓને ઉકેલો. વિતેલા દાયકાઓમાં અમે ડિજિટલ સ્ટાર્ટઅપ્સમાં, સર્વિસ સેક્ટરમાં ઘણું શાનદાર કામ કર્યું છે. હવે સમય છે કે આપણા સ્ટાર્ટઅપ્સ મેન્યુફેક્ચરિંગ પર વધુ ધ્યાન આપે. આપણે નવા પ્રોડક્ટ્સ બનાવવા પડશે. આપણે દુનિયાના બેસ્ટ ક્વોલિટીના પ્રોડક્ટ્સ બનાવવા પડશે. ટેકનોલોજીમાં પણ અજોડ આઈડિયાઝ પર કામ કરીને લીડ લેવી પડશે. ભવિષ્ય આનું જ છે. હું તમને ભરોસો આપું છું, તમારા દરેક પ્રયાસમાં સરકાર તમારી સાથે ઉભી છે. મને તમારી ક્ષમતા પર ઊંડો વિશ્વાસ છે, તમારા સાહસ, આત્મવિશ્વાસ અને ઇનોવેશનથી ભારતનું ભવિષ્ય આકાર લઈ રહ્યું છે. પાછલા દસ વર્ષોએ દેશની ક્ષમતાઓને સાબિત કરી છે. આપણું લક્ષ્ય હોવું જોઈએ, આવનારા દસ વર્ષોમાં ભારત નવા સ્ટાર્ટઅપ ટ્રેન્ડ્સ અને ટેકનોલોજીમાં દુનિયાનું નેતૃત્વ કરે. હું એક વાર ફરી આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ.
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2215348)
आगंतुक पटल : 9