56મા IFFIનું સમાપન, પરંતુ સિનેમાનો જાદુ હંમેશ માટે રહેશે!
56મા IFFI માં વિયેતનામી ફિલ્મ 'સ્કિન ઓફ યુથ' પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડ વિજેતા
ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત: ફિલ્મો જાહેર ચેતનાને આકાર આપે છે, સામાજિક પરિવર્તનને પ્રેરણા આપે છે, સાંસ્કૃતિક વારસાનું જતન કરે છે અને ભારતના વિવિધ સમાજમાં એકતા કેળવે છે
રાજ્યમંત્રી (માહિતી અને પ્રસારણ અને સંસદીય બાબતો) ડૉ. એલ. મુરુગન: WAVES ફિલ્મ બજાર દ્વારા ₹1,050 કરોડથી વધુનો વ્યવસાય થયો, મહિલાઓ દ્વારા દિગ્દર્શિત 50 ફિલ્મોનું પ્રદર્શન થયું, જે ફિલ્મોમાં નારી-શક્તિના ઉદયને પ્રતિબિંબિત કરે છે
રજનીકાંતે સિનેમામાં 50 વર્ષ પૂર્ણ કરવા બદલ સન્માનિત થતાં કહ્યું: "આ સન્માન ફિલ્મ ઉદ્યોગ માટે છે"
સંતોષ દાવાખરે મરાઠી ફિલ્મ 'ગોંધળ'માં તેમના દિગ્દર્શન કાર્ય માટે સિલ્વર પીકોક એવોર્ડ મેળવ્યો
ઉબેમાર રિયોસને શ્રેષ્ઠ પુરુષ અભિનેતા માટે સિલ્વર પીકોક, જારા સોફિજા ઓસ્તાનને શ્રેષ્ઠ મહિલા અભિનેત્રી માટે સિલ્વર પીકોક મળ્યો
ઇરાની ફિલ્મ નિર્માતા હેસામ ફરહામંદ અને એસ્ટોનિયન ફિલ્મ નિર્માતા ટોનિસ પિલ સંયુક્ત રીતે 'બેસ્ટ ડેબ્યૂ ફીચર ફિલ્મ ઓફ અ ડિરેક્ટર' એવોર્ડના વિજેતા બન્યા
#IFFIWood, 28 નવેમ્બર 2025
ભારતમાં ગોવાના ડૉ. શ્યામા પ્રસાદ મુકર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજે સાંજે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 2025ના પડદા પડતાં, આકર્ષક સાંસ્કૃતિક રજૂઆતો અને વિશ્વભરના ફિલ્મી હસ્તીઓની હાજરીથી ઝળહળતી રંગીન સમાપન સમારોહ સાથે આ પ્રખ્યાત ફિલ્મોત્સવનો એક વધુ યાદગાર અધ્યાય પૂર્ણ થયો. સાથે જ આગામી વર્ષના આ પ્રતિષ્ઠિત મહોત્સવની નવી કથાની આતુરતા હવે વધવા લાગી છે.
ગયા નવ દિવસોમાં, શક્તિશાળી કથાઓ અને જીવંત પ્રદર્શનોથી ભરેલા ફિલ્મો તથા કાર્યક્રમોએ ગોવાના વિવિધ સ્થળોએ આવેલી ફેસ્ટિવલની સ્ક્રીનો અને મંચોને પ્રકાશિત કર્યા, દર્શકોને મંત્રમુગ્ધ કર્યા અને સર્વવ્યાપી કલાત્મક ભાવનાનો પ્રતિક બની ઊભા રહ્યા.
ઉભરતા અને જાણીતા કલાકારોને દર્શાવતી રેડ-કાર્પેટ ક્ષણો, અદભૂત સાંસ્કૃતિક પ્રદર્શન અને વિશિષ્ટ તેમજ નવી શોધાયેલી સિનેમેટિક પ્રતિભાને સન્માનિત કરતા પુરસ્કારોએ સાથે મળીને સિને-ઉત્સાહીઓ અને ફિલ્મ પ્રેમીઓ માટે આ સાંજને યાદગાર બનાવી દીધી.
આ ફેસ્ટિવલનું સમાપન ફિલ્મ A Useful Ghostના સ્ક્રીનિંગ સાથે થયું, જે : રાચાપૂમ બૂનબૂંચાચોકે દ્વારા દિગ્દર્શિત એક અનોખી કૃતિ છે, જેણે અનેક જાણીતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ અને એવોર્ડ્સમાં પ્રશંસા મેળવી છે.
સાંજના આ ઉત્સવો વચ્ચે, કલાત્મક શ્રેષ્ઠતાથી દર્શકોને મંત્રમુગ્ધ કરનારા તેજસ્વી સર્જકો અને ઉત્કૃષ્ટ પ્રતિભાઓને સન્માનિત કરતા બહુપ્રતિક્ષિત પુરસ્કારોની જાહેરાત સાથે મુખ્ય ક્ષણ સામે આવી.
મુખ્ય પુરસ્કાર વિજેતાઓ:
'સ્કિન ઑફ યુથ'ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે પ્રતિષ્ઠિત 'ગોલ્ડન પીકોક' મળ્યો
એશ્લે મેફેર દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત વિયેતનામી ફિલ્મ 'સ્કિન ઓફ યુથ'ને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વિભાગમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ જાહેર કરવામાં આવી, જેનાથી તેણે 56મા IFFI માં પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક જીત્યો.

તેની આકર્ષક કથા સાથે, આ ફિલ્મ એક શક્તિશાળી સંદેશ આપે છે—માનવતાવાદી બનવા, પ્રકાશિત કરવા અને મૌનને પડકારવા. સારા સંગીત અને કુશળ સંપાદન સાથે ફિલ્મના તમામ તત્વો સુંદર રીતે એકસાથે આવ્યા. જ્યુરીએ આ ફિલ્મને "બોલ્ડ અને બહાદુર, અદભૂત અને સ્ટાઇલિશ" તરીકે વ્યાખ્યાયિત કરી. ફિલ્મમાં દર્શાવવામાં આવેલો પ્રેમ અને બલિદાન આપણને એવા જીવન વિશે માહિતગાર કરે છે જેના વિશે આપણામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે, અને તેથી આ ફિલ્મ આપણા મગજમાં લાંબા સમય સુધી જીવંત રહેશે.
મરાઠી ફિલ્મ 'ગુંધળ'ના દિગ્દર્શક સંતોષ દાવાખરને શ્રેષ્ઠ દિગ્દર્શક માટે સિલ્વર પીકોક મળ્યો
મરાઠી ફીચર ફિલ્મ 'ગોંધળ'ના દિગ્દર્શક સંતોષ દાવાખરને 56મા IFFI માં શ્રેષ્ઠ દિગ્દર્શક માટે સિલ્વર પીકોક મળ્યો.
સાંસ્કૃતિક પરંપરાના સમૃદ્ધ પટ સામે સેટ કરેલ, દિગ્દર્શક સંતોષ દાવાખરે એક સિનેમેટિક રત્નને જન્મ આપ્યો છે. એક આકર્ષક કથા જે આપણને જકડી રાખે છે, જે આપણી કલ્પનાથી પણ આગળ આશ્ચર્યચકિત કરે છે – આ રીતે જ્યુરીએ આ ફિલ્મના વખાણ કર્યા. જ્યુરીએ વધુમાં કહ્યું કે 'ગોંધળ' વાસ્તવિક દુનિયામાં રચાયેલી શેક્સપીયરની વાર્તા જેવી છે.

સ્પેનિશ ફિલ્મ 'અ પોએટ'ના મુખ્ય અભિનેતા ઉબેમાર રિયોસને શ્રેષ્ઠ અભિનેતા (મેલ)માટે સિલ્વર પીકોક મળ્યો
સ્પેનિશ ફિલ્મ A Poet ના મુખ્ય અભિનેતા ઉબેમાર રિયોસને 56મા IFFI માં શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ) પુરસ્કાર માટે સિલ્વર પીકોકથી સન્માનિત કરવામાં આવ્યા.
આ ફિલ્મ કળા અને અસ્તિત્વ વચ્ચેના જૂના સંઘર્ષને અનન્ય અને અનપેક્ષિત રીતે રજૂ છે. જ્યુરીએ જણાવ્યું કે આ ફિલ્મમાં અભિનેતા ઉબેમાર રિયોસ દ્વારા એક શાનદાર પ્રથમ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે, જે એક પીડિત, પરાજિત કવિને ગંભીર ભાવનાત્મક સંકટમાં દર્શાવે છે જ્યાં સુધી તે એક પ્રતિભાશાળી કિશોરીને મળે છે જે તેનું જીવન બદલી નાખે છે. જ્યુરીએ પ્રશંસાપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ અને ઉબેમારનું ચિત્રણ સર્વોચ્ચ ઉત્થાનકારી અને અંતે અદ્ભુત રીતે મુક્તિ આપનારું છે.

સ્લોવેનિયન ફિલ્મ 'લિટલ ટ્રબલ ગર્લ્સ'ની મુખ્ય અભિનેત્રી જારા સોફિજા ઓસ્તાનને શ્રેષ્ઠ મહિલા અભિનેત્રી માટે સિલ્વર પીકોક મળ્યો
સ્લોવેનિયન ફિલ્મ Little Trouble Girls ની મુખ્ય અભિનેત્રી જારા સોફિજા ઓસ્તાનને તેના નોંધપાત્ર સૂક્ષ્મ અને ઊંડા અભિવ્યક્ત પ્રદર્શન માટે 56મા IFFI માં સિલ્વર પીકોકથી સન્માનિત કરવામાં આવ્યા.
જ્યુરીએ તેના અભિનય કૌશલ્યની પ્રશંસા કરતા કહ્યું કે ખૂબ જ સરળ, સૌથી સાચા, નાનામાં નાના અભિવ્યક્તિઓ અને અત્યંત નાજુક હાવભાવ દ્વારા ઘણું કહેવામાં આવ્યું છે.

(સિલ્વર પીકોક ફોર બેસ્ટ ફીમેલ એક્ટર જારા સોફિજા ઓસ્તાનનો એવોર્ડ ફિલ્મ 'લિટલ ટ્રબલ ગર્લ્સ'ના નિર્માતા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો)
અકિનોલા ડેવિસ જુનિયર, ફિલ્મ 'માય ફાધર્સ શેડો'ના દિગ્દર્શકને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો
બ્રિટિશ-નાઇજીરિયન ફિલ્મ નિર્માતા અકિનોલા ડેવિસ જુનિયરને 56મા IFFI માં ફિલ્મ My Father’s Shadow માટે સ્પેશિયલ જ્યુરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
જ્યુરી દ્વારા દિગ્દર્શક અને પટકથા લેખકની પ્રશંસા કરવામાં આવી છે, જેમણે કહ્યું કે આ ફિલ્મના હૃદયના આલિંગનમાં ગાઢ ક્ષણો અને નાના હાવભાવો મુખ્ય છે.
હેસામ ફરહામંદ અને ટોનિસ પિલને સંયુક્ત રીતે 'બેસ્ટ ડેબ્યૂ ફીચર ફિલ્મ ઓફ અ ડિરેક્ટર' એવોર્ડ મળ્યો
પર્શિયન ફિલ્મ My Daughter’s Hair (Raha) માટે ઇરાની ફિલ્મ નિર્માતા હેસામ ફરહામંદ અને એસ્ટોનિયન ફિલ્મ Fränk માટે એસ્ટોનિયન ફિલ્મ નિર્માતા ટોનિસ પિલને 56મા IFFI માં શ્રેષ્ઠ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડિરેક્ટર એવોર્ડના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
જ્યુરીએ બંને ફિલ્મોની પ્રશંસા કરી, જેને તેઓએ ઊંચી ગણાવી, અને તેમની તેજસ્વીતાથી સમાનરૂપે પ્રભાવિત થયા.

હિન્દી ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2'ના દિગ્દર્શક કરણ સિંહ ત્યાગીને 'બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર ઓફ ઇન્ડિયન ફીચર ફિલ્મ એવોર્ડ' મળ્યો
Kesari Chapter 2 ના દિગ્દર્શક કરણ સિંહ ત્યાગીને 56મા IFFI માં તેમની પ્રથમ ફિલ્મ માટે પુરસ્કાર મળ્યો. ઇન્ડિયન પેનોરમા જ્યુરીએ આ ફિલ્મના દિગ્દર્શક, નિર્માતા, કલાકારો અને ટેકનિશિયનોને અભિનંદન આપ્યા.

'બંદિશ બેન્ડિટ્સ સિઝન 2' ને શ્રેષ્ઠ વેબ સિરીઝ (OTT) એવોર્ડ મળ્યો
56મા IFFI માં શ્રેષ્ઠ વેબ સિરીઝ (OTT) પુરસ્કાર Bandish Bandits Season 2ની ટીમને મળ્યો. જ્યુરીને લાગ્યું કે વેબ સિરીઝની વાર્તા સંગીત અને કલાને બધા માટે સુલભ બનાવે છે.

નોર્વેજીયન ફિલ્મ "સેફ હાઉસ" એ પ્રતિષ્ઠિત ICFT–UNESCO ગાંધી મેડલ જીત્યો
નોર્વેજીયન ફિલ્મ "સેફ હાઉસ", જેનું નિર્દેશન ઇરિક સ્વેન્સન દ્વારા કરવામાં આવ્યું છે, તેને 56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI 2025) માં શાંતિ, અહિંસા અને આંતરસાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપતા સિનેમામાં તેના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ICFT–UNESCO ગાંધી મેડલથી સન્માનિત કરવામાં આવી છે.

અન્ય મુખ્ય બાબતો:
ગોલ્ડન સાગા: રજનીકાંતના ભારતીય સિનેમામાં 50 વર્ષની ઉજવણી
સુપ્રસિદ્ધ અભિનેતા રજનીકાંત, જેમણે ભારતીય સિનેમામાં 50 વર્ષ પૂર્ણ કર્યા છે—એક સીમાચિહ્ન જે દેશની ફિલ્મ સંસ્કૃતિ પરના તેમના શાશ્વત પ્રભાવને પ્રતિબિંબિત કરે છે—તેમને આજે સમાપન સમારોહમાં વિશેષરૂપે સન્માનિત કરવામાં આવ્યા. આઇકોનિક સ્ટારે, જેમણે અડધી સદીથી ભારતીય દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે, તેમણે સન્માન બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો. સુપ્રસિદ્ધ અભિનેતાએ કહ્યું, “જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે એવું લાગે છે કે સમય ઘણો ઝડપી પસાર થઈ ગયો છે, કારણ કે મને સિનેમા અને અભિનય ગમે છે. હું અભિનેતા તરીકે—રજનીકાંત તરીકે—સો જન્મ લેવા માંગુ છું. તમારા પ્રેમ અને સ્નેહ માટે ખૂબ ખૂબ આભાર. આ સન્માન સમગ્ર ફિલ્મ ઉદ્યોગનું છે—નિર્માતાઓ, દિગ્દર્શકો, ટેકનિશિયનો, વિતરકો, પ્રદર્શકો અને અન્ય દરેકનું."

ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે સન્માનનીય પ્રધાનમંત્રીનો અભિનંદન સંદેશ તમામ પુરસ્કાર વિજેતાઓને પહોંચાડ્યો, જેઓ ગોવામાં શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તાગલી જીવોત્તમ મઠની 550મી વર્ષની ઉજવણી માટે હાજર હતા. ડૉ. પ્રમોદ સાવંતે જણાવ્યું કે 'વસુધૈવ કુટુંબકમ્' ની ભાવના સર્જનાત્મકતા, નવીનતા, ટેકનોલોજી, વાર્તા કહેવાની અને સિનેમાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ટિપ્પણી કરી, “આપણે અહીં ફિલ્મો અને વિશ્વને પ્રેરિત કરતી વાર્તાઓની ઉજવણી કરવા માટે છીએ.” તેમણે ઉમેર્યું કે આ સાંજ માત્ર ફેસ્ટિવલનું સમાપન નથી, પરંતુ સર્જનાત્મક દિમાગ, કલાત્મક પ્રતિભા અને વૈશ્વિક સહયોગના નોંધપાત્ર સંગમની પરાકાષ્ઠા છે. સિનેમાની પરિવર્તનશીલ શક્તિ પર ભાર મૂકતા, તેમણે કહ્યું કે ફિલ્મો મનોરંજન કરતાં ઘણી વધારે છે—તેઓ જાહેર ચેતનાને આકાર આપે છે, સામાજિક પરિવર્તનને પ્રેરણા આપે છે, સાંસ્કૃતિક વારસાનું જતન કરે છે અને ભારતની વિવિધ સમાજમાં એકતા કેળવે છે. ડૉ. સાવંતે નોંધ્યું કે આજના કન્ટેન્ટ સર્જકો નવીન કથાઓ બનાવી રહ્યા છે અને નવીન ફોર્મેટ સાથે પ્રયોગ કરી રહ્યા છે જે ભૌગોલિક સીમાઓથી પર છે. તેમણે જણાવ્યું કે ગોવા વર્ષોથી IFFIનું કાયમી સ્થળ છે અને ઉમેર્યું કે ગોવા સરકારે આ ફેસ્ટિવલને વૈશ્વિક સાંસ્કૃતિક સીમાચિહ્ન બનાવવામાં અથાક પ્રયાસો કર્યા છે.

IFFI 2025 ના સમાપન સમારોહને સંબોધતા, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી, ડૉ. એલ. મુરુગને ફેસ્ટિવલની 56મી આવૃત્તિની મુખ્ય નવીનતાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે નોંધ્યું કે આ વર્ષના IFFI એ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતા ગોવાભરમાં વિવિધ રાજ્યો અને પ્રોડક્શન હાઉસના ટેબ્લો અને સાંસ્કૃતિક પ્રદર્શનો રજૂ કર્યા. તેમણે કહ્યું, “દર વર્ષે, IFFI નવા સ્વાદ લાવે છે.” પ્રધાનમંત્રીના વિઝનને ટાંકીને, તેમણે શેર કર્યું કે WAVES સમિટ પ્રથમ વખત મુંબઈમાં યોજવામાં આવી હતી, જેમાં 77 રાષ્ટ્રો અને ફિલ્મ, મનોરંજન, મીડિયા અને સર્જનાત્મક ઉદ્યોગોના મુખ્ય હિતધારકોની ભાગીદારી હતી. રાજ્યમંત્રીએ એ પણ માહિતી આપી કે આ વર્ષના ફેસ્ટિવલે ગુરુ દત્ત, રાજ ખોસલા, ઋત્વિક ઘટક, ભૂપેન હજારિકા, પી. ભાનુમતી, સલિલ ચૌધરી અને કે. વૈકુંથ સહિત સુપ્રસિદ્ધ ફિલ્મ દિગ્ગજોની શતાબ્દીની ઉજવણી કરી અને સિનેમામાં 50 વર્ષ પૂર્ણ કરવા બદલ રજનીકાંતને પણ સન્માનિત કર્યા. ડૉ. એલ. મુરુગને ઉમેર્યું કે WAVES ફિલ્મ બજાર દ્વારા ઉભરતા ફિલ્મ નિર્માતાઓ માટે ₹1,050 કરોડથી વધુનો વ્યવસાય થયો, જ્યારે 125 યુવા પ્રતિભાઓએ CMOT પ્રોગ્રામમાં ભાગ લીધો, જે નવા સર્જકોને પોષવા માટે IFFIની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે નોંધ્યું, “IFFIના ઇતિહાસમાં પ્રથમ વખત, મહિલાઓ દ્વારા દિગ્દર્શિત 50 ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવ્યું, જે સિનેમામાં મહિલાઓને સશક્ત કરવા પરના અમારા ધ્યાન પર ભાર મૂકે છે.” ડૉ. મુરુગને સર્જનાત્મકતા અને ટેકનોલોજીના આંતરછેદ પર નવીનતાને વધુ આગળ વધારવા માટે મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્રિએટિવ ટેકનોલોજીની સ્થાપના પર પ્રકાશ પાડ્યો.

આ પ્રસંગે બોલતા, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ, શ્રી સંજય જાજુએ જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ WAVES સમિટમાં કહ્યું હતું કે આ નારંગી અર્થતંત્રના ઉદયનો સમય છે. I & B સચિવ શ્રી જાજુએ વધુમાં કહ્યું કે IFFI 2025 એ તે દિશામાં એક હિંમતવાન પગલું ભર્યું છે—સર્જકો માટે તકોનું નિર્માણ કરીને અને વૈશ્વિક મંચ પર ભારતીય પ્રતિભાને ગૌરવ સાથે પ્રદર્શિત કરીને. શ્રી જાજુએ એમ પણ કહ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્રિએટિવ ટેકનોલોજી (IICT) સર્જકોને માત્ર તેમની કુશળતા અને કલાને નિખારવામાં જ નહીં, પણ ટેકનોલોજી શીખવામાં પણ મદદ કરશે, જે કોઈપણ સર્જનાત્મક નિર્માણનો અભિન્ન ભાગ છે. તેમણે માહિતી આપી કે IICTનું NFDC કેમ્પસ કાર્યરત થઈ ગયું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે મુંબઈ ખાતેનું IICT હબ અને સ્પોક મોડેલ જેવું હશે, જે દેશભરના સર્જકોને લાભ આપશે.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના આઇકન્સે ધર્મેન્દ્ર, કામિની કૌશલ, સુલક્ષણા પંડિત, સતીશ શાહ, પીયૂષ પાંડે, ઋષભ ટંડન, ગોવર્ધન અસરાની, પંકજ ધીર, વરિન્દર સિંહ ઘુમન, ઝુબીન ગર્ગ, બાલ કરવા, જસવિન્દર ભલ્લા, જ્યોતિ ચાંદેકર, રતન થિયમ, બી. સરોજા દેવી, શેફાલી જરીવાલા, પાર્થો ઘોષ, વિભુ રાઘવે, શાજી એન. કરુણ, મનોજ કુમાર, આલોક ચેટર્જી, શ્યામ બેનેગલ અને ઝાકિર હુસૈન સહિત આ વર્ષે અવસાન પામેલા મહાન વ્યક્તિત્વોને ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ યાદ કર્યા.
આ પ્રસંગે આઇકોનિક ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ રમેશ સિપ્પી, નવાઝુદ્દીન સિદ્દીકી, અભય સિંહા, ઓમપ્રકાશ મેહરા, કિરણ શાંતારામને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોમાં ફેસ્ટિવલ ડિરેક્ટર શેખર કપૂર, NFDC MD શ્રી પ્રકાશ મગદુમ, ESG ગોવા અધ્યક્ષ દલીલા લોબો, રવિ કિશન, ઋષભ શેટ્ટી, રણવીર સિંહ, અમિત સાધ, નિહારિકા કોનિડેલા અને જી.વી.પ્રકાશ કુમાર હાજર હતા.
ગણેશ વંદના, પરંપરાગત નૃત્યો, દિવ્યાંગ કલાકારો દ્વારા નોંધપાત્ર પ્રદર્શન, ઉત્તર પૂર્વ ભારતના સાંસ્કૃતિક સમૃદ્ધિનું જીવંત પ્રદર્શન અને કર્ણાટકના પરંપરાગત લોક થિયેટર ફોર્મ યક્ષગાન અને રાજસ્થાનના માંગણિયારોના પ્રદર્શન દ્વારા આ કાર્યક્રમે ભારતીય વારસાની વિવિધતા અને જીવંતતા પર પ્રકાશ પાડ્યો.

સમાપન સમારોહમાં ભારતીય સાંકેતિક ભાષાના દુભાષિયાઓની હાજરીએ ફેસ્ટિવલની સર્વસમાવેશક ભાવના પર ભાર મૂક્યો, જે છેલ્લા નવ દિવસો દરમિયાન IFFI ગ્રાઉન્ડ્સ પર દિવ્યાંગ-મૈત્રીપૂર્ણ અસંખ્ય પગલાં દ્વારા પ્રતિબિંબિત થઈ હતી.
આ વર્ષે ફિલ્મ ફેસ્ટિવલમાં AI ફિલ્મ ફેસ્ટિવલ અને સિનેમAI હેકાથોન રજૂ કરવામાં આવ્યા, જેણે વિશ્વભરના સર્જકોને સ્ક્રિપ્ટ રાઇટિંગ, વિડિયો જનરેશન, એડિટિંગ અને પ્રોડક્શન માટે AI-સંચાલિત સાધનોનો ઉપયોગ કરીને વાર્તા કહેવાની સીમાઓને આગળ ધપાવવા માટે એક મંચ પૂરો પાડ્યો. 56મા IFFI એ જ્ઞાન વધારવાના પ્રવચનો—ઇન-કન્વર્સેશન્સ, માસ્ટરક્લાસ અને રાઉન્ડ ટેબલ્સ માટે સિનેમા અને સર્જનાત્મકતાના અનેક માસ્ટર્સને પણ સમક્ષ લાવ્યા.
56મા IFFI નું સિનેમા, વાર્તા કહેવાની અને સર્જનાત્મકતાની જીવંત ઉજવણી સાથે સમાપન થયું, જેમાં પ્રતિભાશાળી કલાકારો દ્વારા ઉત્તમ પ્રદર્શન અને લાયક ફિલ્મો અને વ્યક્તિત્વોનું સન્માન કરવામાં આવ્યું, જેણે સિનેફાઇલ્સ અને વૈશ્વિક ફિલ્મ સમુદાયના હૃદયમાં એક યાદગાર સ્થાન અંકિત કર્યું છે, જ્યારે નવીનતા, પ્રતિભા અને કલાત્મક સાહસને પ્રોત્સાહન આપવામાં ફેસ્ટિવલની ભૂમિકાને પ્રકાશિત કરીને સર્જનાત્મક અર્થતંત્રમાં પણ એક ઉજ્જવળ સ્થાન મેળવ્યું છે.
હવે IFFIની આગામી આવૃત્તિની રાહ શરૂ થાય છે, જે ફરી એકવાર સિનેમેટિક શ્રેષ્ઠતાની ઉજવણી કરવા, ઉત્કૃષ્ટ પ્રતિભાને ઓળખવા અને સર્જનાત્મક અર્થતંત્રને મજબૂત કરવા માટે વૈશ્વિક મંચ પ્રદાન કરશે.
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Post Link: https://x.com/PIB_Panaji/status/1991438887512850647?s=20
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
SM/DK/GP/JD
रिलीज़ आईडी:
2196413
| Visitor Counter:
10