રેલવે મંત્રાલય
ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ
ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ
રેલવેમાં આધુનિકીકરણની સાથે સમયસર અને સુવિધાયુક્ત રેલવેનો લાભ દેશના લોકોને મળી રહ્યો છે : ડૉ. મનસુખભાઈ માંડવીયા
ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેન ભાવનગરની ઉર્જા અને અયોધ્યાની આસ્થાને જોડનાર સેતુ સમાન છે : શ્રીમતી નિમુબેન બાંભણીયા
ભાવનગરમાં બે નવા રેલવે ટર્મિનલ તેમજ પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
Posted On:
03 AUG 2025 7:56PM by PIB Ahmedabad
માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે ગુજરાતના ભાવનગરથી 3 નવી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ ભાવનગર - અયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે (હડપસર) એક્સપ્રેસ અને જબલપુર -રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી ડૉ . મોહન યાદવ અને છત્તીસગઢના માનનીય મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાઈ (રાયપુર) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા.

અયોધ્યાની સાપ્તાહિક ટ્રેનના શુભારંભ કરાવવાના કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આ તકે જણાવ્યું કે આ ત્રણ ટ્રેનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે. ભાવનગરના વેપાર અને પર્યટનને વેગ મળશે. પુણે આજે એક ખૂબ મોટું ઔદ્યોગિક શહેર છે અને પુણે એક રીતે રેવા, જબલપુર, સતના, મૈહર, તે સમગ્ર પ્રદેશ સાથે જોડાયેલ છે. આ આદિવાસી પ્રદેશ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ટ્રેન હશે.
વધુમાં તેમણે જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો રેલવે સાથે ભાવનાત્મક સંબંધ છે. તેથી, તેમને રેલવે પ્રત્યે ખાસ લાગણી છે. તેઓ હંમેશા રેલવેનો વિકાસ કેવી રીતે કરવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી ટેકનોલોજી કેવી રીતે લાવવી. કેવી રીતે વિસ્તરણ કરવું તે દિશામાં સરકાર હંમેશા કાર્યરત રહે છે. પાછલા 11 વર્ષમાં રેલવેમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આ 11 વર્ષમાં 34000 કિલોમીટરના નવા રેલવે ટ્રેક બનાવ્યા છે. દરરોજ લગભગ 12 કિમી નવા ટ્રેક બનાવવામાં આવે છે, જે ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. 1300 સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જે આજે વિશ્વનું સૌથી મોટું સ્ટેશન નવીનીકરણ કાર્ય છે. વિદેશમાં, જ્યારે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવે છે, ત્યારે કામ ચાલુ રાખવા માટે સમગ્ર સ્ટેશન અને ટ્રેનો બંધ કરી દેવામાં આવે છે જ્યારે ભારતમાં આ કાર્ય તેજ ગતિએ અને સુપેરે આગળ વધી રહ્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ જાહેરાત કરતા જણાવ્યું કે પોરબંદર-રાજકોટ નવી ટ્રેન ટૂંક સમયમાં દરરોજ દોડવા લાગશે. રાણાવાવ સ્ટેશન પર નવી કોચ જાળવણી સુવિધા, સરડિયા-વાસજલિયા નવી લાઇન, ત્યારબાદ ભદ્રકાળી ગેટ, પોરબંદર શહેરમાં નવો ફ્લાયઓવર, ભાવનગરમાં 2 નવા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ અને એક નવું બંદર બનવા જઈ રહ્યું છે. મુંબઈથી અમદાવાદની પહેલી ટ્રેન બુલેટ ટ્રેન પણ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. કામ ઝડપથી ચાલી રહ્યું છે અને જ્યારે આ ટ્રેન શરૂ થશે, ત્યારે મુંબઈથી અમદાવાદની સફર ફક્ત 2 કલાક અને 7 મિનિટની થઈ જશે. રેલવેના આધુનિકરણની સાથે વધી રહેલી સુવિધાઓ અંગે જાણકારી આપતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે એક નવી અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવી લગભગ 8 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. અમૃત ભારત ટ્રેનમાં વંદે ભારત જેવી સુવિધાઓ છે, પરંતુ તે ખૂબ જ ઓછા ભાડાવાળી ટ્રેન છે. તેમાં વંદે ભારત જેવી બધી સુવિધાઓ છે.
WZMN.jpeg)
યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે મોદીજીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે. દેશ આગળ વધી રહ્યો છે અને નવા ભારતનું નિર્માણ થઈ ગયું છે. બદલાવ અને પરિવર્તનની રાહ પર આગળ વધી રહ્યો છે ત્યારે રેલવેમાં પણ આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. રેલવેમાં આધુનિકીકરણની સાથે સમયસર અને સુવિધા યુક્ત રેલવેનો લાભ દેશના લોકોને મળી રહ્યો છે. રેલવે સેક્ટરમાં બદલાવ એ વિકસિત ભારતની રાહ છે. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે સૌરાષ્ટ્રની ભૂમિ એ સંતો, મહંતો અને શ્રદ્ધાની ભૂમિ છે ત્યારે અયોધ્યા ટ્રેન થકી રામલલ્લાના દર્શન કરવાનું સૌભાગ્ય આ ક્ષેત્રના લોકોને પ્રાપ્ત થશે જે બદલ રેલવે મંત્રીશ્રીનો આભાર વ્યકત કરું છું.

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા એ રેલવે મંત્રીશ્રીનું સ્વાગત કરવાની સાથે ભાવનગરને આ ટ્રેન સ્વરૂપે મળેલી મહામૂલી ભેટ બદલ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે આ ટ્રેન ભાવનગરની ઉર્જા અને અયોધ્યાની આસ્થાને જોડનાર સેતુ છે અને આ ટ્રેનનો લાભ માત્ર ભાવનગરવાસીઓને જ એની પરંતુ તેની આસપાસના જિલ્લાના લોકોને પણ મળવા જઈ રહ્યો છે જે આનંદની વાત છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી ભીખાભાઈ બારૈયા, મહંત શ્રી શંભુનાથજી ટુંડીયા, શ્રી શીવાભાઈ ગોહિલ, મેયરશ્રી ભરતભાઈ બારડ, જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનિષ કુમાર બંસલ, કમિશનરશ્રી એન.કે.મીણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, પ્રાદેશિક કમિશનરશ્રી ધવલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ પટેલ, રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સંતો-મહંતો, જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત ભાવેણાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
AP/DT/GP/JD
(Release ID: 2151996)