પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

‘મન કી બાત’ના 121મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (27.04.2025)

Posted On: 27 APR 2025 11:47AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.

આજે દુનિયા જોઈ રહી છે, આ આતંકવાદી આક્રમણ પછી આખો દેશ એક સ્વરમાં બોલી રહ્યો છે.

સાથીઓ, ભારતના આપણા લોકોમાં જે આક્રોશ છે, તે આક્રોશ સમગ્ર દુનિયામાં છે. આ આતંકવાદી આક્રમણ પછી લગાતાર દુનિયાભરથી સંવેદનાઓ આવી રહી છે. મને પણ વૈશ્વિક નેતાઓએ ફૉન કર્યા છે, પત્રો લખ્યા છે, સંદેશાઓ મોકલ્યા છે.     આ જઘન્ય રીતે કરાયેલા આતંકવાદી આક્રમણની બધાએ કઠોર નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાઓ પ્રગટ કરી છે. સમગ્ર વિશ્વ, આતંકવાદની વિરુદ્ધ આપણી લડાઈમાં, 140 કરોડ ભારતીયોની સાથે ઊભું છે. હું પીડિત પરિવારોને ફરી વિશ્વાસ અપાવું છું કે તેમને ન્યાય મળશે, ન્યાય મળીને રહેશે. આ આક્રમણના દોષીઓ અને ષડયંત્ર રચનારાઓને કઠોરતમ ઉત્તર આપવામાં આવશે.

સાથીઓ, બે દિવસ પહેલાં આપણે દેશના મહાન વૈજ્ઞાનિક ડૉ. કે. કસ્તૂરીરંગનજીને ગુમાવ્યા છે. જ્યારે પણ કસ્તૂરીરંગનજી સાથે મુલાકાત થઈ, અમે ભારતના યુવાઓની પ્રતિભા, આધુનિક શિક્ષણ, અંતરિક્ષ વિજ્ઞાન એવા વિષયો પર ઘણી ચર્ચા કરતા હતા. વિજ્ઞાન, શિક્ષણ અને ભારતના અંતરિક્ષ કાર્યક્રમને નવી ઊંચાઈ આપવામાં તેમના યોગદાનને સદૈવ યાદ કરવામાં આવશે. તેમના નેતૃત્વમાં ઇસરોને એક નવી ઓળખ મળી. તેમના માર્ગદર્શનમાં જે અંતરિક્ષ કાર્યક્રમ આગળ વધ્યા, તેનાથી ભારતના પ્રયાસોને વૈશ્વિક માન્યતા મળી. આજે ભારત જે ઉપગ્રહોનો ઉપયોગ કરે છે તેમાંથી અનેક ડૉ. કસ્તૂરીરંગનની દેખરેખમાં જ છોડવામાં આવ્યા હતા. તેમના વ્યક્તિત્વની એક બીજી વાત બહુ વિશેષ હતી, જેનાથી યુવાન પેઢી તેમનામાંથી શીખી શકે છે. તેમણે સદાય નવાચારને મહત્ત્વ આપ્યું. કંઈક નવું શીખવા, જાણવા અને નવું કરવાનું વિઝન ખૂબ જ પ્રેરિત કરનારું છે. ડૉ. કે. કસ્તૂરીરંગનજીએ દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં પણ બહુ મોટી ભૂમિકા ભજવી હતી.

ડૉ. કે. કસ્તૂરીરંગન, 21મી સદીની આધુનિક આવશ્યકતાઓ મુજબ, દૂરંદેશી શિક્ષણનો વિચાર લઈને આવ્યા હતા. દેશની નિઃસ્વાર્થ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને હમેશ માટે યાદ કરવામાં આવશે. હું ડૉ. કે. કસ્તૂરીરંગનજીને વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલી અર્પિત કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ, આ મહિને એપ્રિલમાં આર્યભટ્ટ ઉપગ્રહના પ્રક્ષેપણને ૫૦ વર્ષ પૂરાં થયાં છે. આજે જ્યારે આપણે પાછળ વળીને જોઈએ છીએ, 50 વર્ષની આ યાત્રાને યાદ કરીએ છીએ, તો લાગે છે કે આપણે કેટલું લાંબું અંતર કાપ્યું છે. અંતરિક્ષમાં ભારતનાં સપનાંઓની આ ઉડાન એક સમયે માત્ર જોશ સાથે શરૂ થઈ હતી. રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની લાગણી ધરાવતા કેટલાક યુવાન વૈજ્ઞાનિકો- તેમની પાસે ન તો આજ જેવા આધુનિક સંસાધનો હતાં, ન તો દુનિયાની ટૅક્નૉલૉજી સુધી એવી કોઈ પહોંચ હતી - જો કંઈ હતું તો તે હતી- પ્રતિભા, લગન, મહેનત અને દેશ માટે કંઈક કરી છૂટવાની ધગશ. બળદગાડાં અને સાઇકલો પર મહત્ત્વનાં નાજુક સાધનોને પોતે લઈને જતા આપણા વૈજ્ઞાનિકોની છબિઓને તમે પણ જોઈ હશે. તે લગન અને રાષ્ટ્રસેવાની ભાવનાનું પરિણામ છે કે આજે આટલું બધું બદલાઈ ગયું છે. આજે ભારત એક વૈશ્વિક અંતરિક્ષ મહાસત્તા બની ચૂક્યું છે. આપણે એક સાથે 104 ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવાનો એક વિક્રમ બનાવ્યો છે. આપણે ચંદ્રમાના દક્ષિણ ધ્રૂવ પર પહોંચનારા પહેલા દેશ બન્યા છીએ. ભારતે માર્સ ઑર્બિટર મિશન છોડ્યું છે અને આપણે આદિત્ય - L1 મિશન દ્વારા સૂર્યના ઘણા નજીક પહોંચ્યા છીએ. આજે ભારત પૂરી દુનિયામાં સૌથી ઓછા ખર્ચે પરંતુ સફળ અંતરિક્ષ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યું છે. દુનિયાના અનેક દેશો પોતાના ઉપગ્રહો અને અંતરિક્ષ મિશન માટે ઇસરોની સહાય લે છે.

સાથીઓ, જ્યારે આપણે ઇસરો દ્વારા કોઈ પણ ઉપગ્રહનું પ્રક્ષેપણ જોઈએ છીએ તો આપણે ગર્વ અનુભવીએ છીએ. આવી જ અનુભૂતિ મને ત્યારે થઈ જ્યારે હું 2014માં PSLV-C-23ના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો હતો. 2019માં ચંદ્રયાન-2ના ઉતરાણ વખતે પણ હું બૅંગ્લુરુના ઇસરો કેન્દ્રમાં હાજર હતો. તે સમયે ચંદ્રયાનને એ અપેક્ષિત સફળતા નહોતી મળી, ત્યારે વૈજ્ઞાનિકો માટે, તે ખૂબ જ મુશ્કેલ ઘડી હતી. પરંતુ હું મારી આંખોથી વૈજ્ઞાનિકોના ધૈર્ય અને કંઈક કરી છૂટવાની ધગશ પણ જોઈ રહ્યો હતો અને કેટલાંક વર્ષો પછી પૂરી દુનિયાએ પણ જોયું કે કેવી રીતે તે જ વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-૩ને સફળ કરીને દેખાડ્યું.

સાથીઓ, હવે ભારતે પોતાના અંતરિક્ષ ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખોલી નાખ્યું છે. આજે ઘણા બધા યુવાનો અંતરિક્ષ સ્ટાર્ટ અપમાં નવા ઝંડા લહેરાવી રહ્યા છે. 10 વર્ષ પહેલાં આ ક્ષેત્રમાં માત્ર એક જ કંપની હતી, પરંતુ આજે દેશમાં, સવા ત્રણસો થી વધુ સ્પેસ સ્ટાર્ટ અપ કામ કરી રહ્યાં છે. આવનારો સમય અંતરિક્ષમાં ઘણી બધી નવી સંભાવનાઓ લઈને આવી રહ્યો છે. ભારત નવી ઊંચાઈઓને સ્પર્શવાનું છે. દેશ ગગનયાન, સ્પેડેક્સ અને ચંદ્રયાન-4 જેવા અનેક મહત્ત્વપૂર્ણ મિશનની તૈયારીઓમાં લાગેલો છે. આપણે વિનસ ઑર્બિટર મિશન અને માર્સ લેન્ડર મિશન પર પણ કામ કરી રહ્યા છીએ. આપણા અંતરિક્ષ વૈજ્ઞાનિકો પોતાનાં ઇન્નૉવેશનથી દેશવાસીઓને નવો ગર્વ આપવાના છે.

સાથીઓ, ગત મહિને મ્યાનમારમાં આવેલા ભૂકંપની ભયાવહ છબિઓ તમે અવશ્ય જોઈ હશે. ભૂકંપથી ત્યાં બહુ મોટો વિનાશ સર્જાયો, કાટમાળમાં ફસાયેલા લોકો માટે એક-એક શ્વાસ, એક-એક પળ કિંમતી હતી. આથી ભારતે મ્યાનમારના આપણા ભાઈઓ-બહેનો માટે તરત જ ઑપરેશન બ્રહ્મા શરૂ કર્યું. વાયુ સેનાનાં વિમાનોથી લઈને નૌ સેનાનાં જહાજો પણ મ્યાનમારની મદદ માટે રવાના થઈ ગયાં. ત્યાં ભારતીય ટીમે એક ફીલ્ડ હૉસ્પિટલ તૈયાર કરી. એન્જિનિયરોની એક ટીમે મહત્ત્વપૂર્ણ ઈમારતો અને ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી. ભારતીય ટીમે ત્યાં ધાબળા, તંબુ, સ્લીપિંગ બેગ્સ, દવાઓ, ખાણીપીણીના સામાન સાથે જ બીજી ઘણી બધી ચીજો પૂરી પાડી. આ દરમિયાન ભારતીય ટીમને ત્યાંના લોકો તરફથી ઘણી પ્રશંસા પણ મળી.

સાથીઓ, આ સંકટમાં, સાહસ, ધૈર્ય અને સૂજબૂજનાં અનેક હૃદયસ્પર્શી ઉદાહરણ જોવાં મળ્યાં. ભારતીય ટીમે 70 વર્ષથી વધુ વયનાં એક વૃદ્ધાને બચાવ્યાં જે કાટમાળમાં 18 કલાકથી દબાયેલાં હતાં. જે લોકો અત્યારે ટીવી પર 'મન કી બાત' જોઈ રહ્યા છે, તેમને આ વૃદ્ધાનો ચહેરો પણ દેખાઈ રહ્યો હશે. ભારતથી ગયેલી ટીમે તેમના ઑક્સિજન લેવલને સ્થિર કરવાથી લઈને ફ્રૅક્ચરની સારવાર સુધી, ઉપચારની દરેક સુવિધા ઉપલબ્ધ કરાવી. જ્યારે આ વૃદ્ધાને હૉસ્પિટલમાંથી રજા મળી તો તેમણે આપણી ટીમનો ખૂબ આભાર માન્યો. તેઓ બોલ્યાં કે ભારતીય બચાવ દળના કારણે તેમને નવું જીવન મળ્યું છે. ઘણા લોકોએ આપણી ટીમને જણાવ્યું કે તેમના કારણે તેઓ પોતાના મિત્રો અને સગા-સંબંધીઓને શોધી શક્યા.

સાથીઓ, ભૂકંપ પછી મ્યાનમારમાં માંડલેના એક મઠમાં અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા હતી. આપણા સાથીઓએ ત્યાં પણ રાહત અને બચાવ અભિયાન ચલાવ્યું, તેના કારણે તેમને બૌદ્ધ ભિક્ષુઓના ખૂબ જ આશીર્વાદ મળ્યા. આપણને ઑપરેશન બ્રહ્મામાં ભાગ લેનારા બધા લોકો પર ઘણો ગર્વ છે. આપણી પરંપરા છે, આપણા સંસ્કારો છે, વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના- પૂરી દુનિયા એક પરિવાર છે.

સંકટના સમયે વિશ્વમિત્રના રૂપમાં ભારતની તત્પરતા અને માનવતા માટે ભારતની પ્રતિબદ્ધતા આપણી ઓળખ બની રહી છે.

સાથીઓ, મને આફ્રિકાના ઇથિયોપિયામાં પ્રવાસી ભારતીયોના એક અભિનવ પ્રયાસની જાણકારી મળી છે. ઇથિયોપિયામાં રહેનારા ભારતીયોએ એવાં બાળકોને ઉપચાર માટે ભારત મોકલવાની પહેલ કરી છે જે જન્મથી જ હૃદયની બીમારીથી પીડિત છે. આવા ઘણાં બાળકોની ભારતીય પરિવારો દ્વારા આર્થિક મદદ પણ કરવામાં આવી રહી છે. જો કોઈ બાળકનો પરિવાર પૈસાના કારણે ભારત આવવામાં અસમર્થ હોય તો તેમની પણ વ્યવસ્થા આપણાં ભારતીય ભાઈઓ-બહેનો કરી રહ્યાં છે. પ્રયત્ન એ છે કે ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા ઇથિયોપિયાના દરેક જરૂરિયાતવાળાં બાળકોને શ્રેષ્ઠ ઉપચાર મળે. પ્રવાસી ભારતીયોના આ ભલાઈના કાર્યને ઇથિયોપિયામાં ભરપૂર પ્રશંસા મળી રહી છે. તમે જાણો છો કે ભારતમાં મેડિકલ સુવિધાઓ વધુ સારી થઈ રહી છે. તેનો લાભ બીજા દેશના નાગરિકો પણ ઉઠાવી રહ્યા છે.

સાથીઓ, કેટલાક જ દિવસ પહેલાં, ભારતે અફઘાનિસ્તાનના લોકો માટે મોટી સંખ્યામાં રસીઓ મોકલી છે. આ રસી રેબિઝ, ટિટેનસ, હિપેટાઇટિસ બી અને ઇન્ફ્લુએન્ઝા જેવી ભયાવહ બીમારીઓથી બચાવમાં કામ આવશે. ભારતે આ જ સપ્તાહમાં નેપાળના અનુરોધ પર ત્યાં દવાઓ અને રસીઓની મોટી ખેપ મોકલી છે. તેનાથી થેલેસેમિયા અને સિકલ સેલ રોગના દર્દીઓ માટે વધુ સારો ઉપચાર સુનિશ્ચિત થશે. જ્યારે પણ માનવતાની સેવાની વાત આવે છે તો ભારત સદા તેમાં આગળ રહે છે અને ભવિષ્યમાં પણ આવી દરેક જરૂરિયાતમાં સદા આગળ જ રહેશે.

સાથીઓ,  હમણાં આપણે આપદા પ્રબંધનની વાત કરી રહ્યા હતા અને કોઈ પણ પ્રાકૃતિક આપત્તિને પહોંચી વળવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે - આપણી ઍલર્ટનેસ, આપણું સચેત રહેવું. આ ઍલર્ટનેસમાં હવે આપણને આપણા મોબાઇલની એક સ્પેશિયલ ઍપથી મદદ મળી શકે છે. આ ઍપ આપણને કોઈ પ્રાકૃતિક આપત્તિમાં ફંસવાથી બચાવી શકે છે અને તેનું નામ પણ છે 'સચેત'. 'સચેત ઍપ' ભારતના રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ (એનડીએમએ)એ તૈયાર કરી છે. પૂર, ચક્રાવાત, ભૂસ્ખલન, સુનામી, દાવાનળ, હિમસ્ખલન, વાવાઝોડું, તોફાન કે પછી વીજપ્રપાત જેવી આપત્તિઓ હોય, 'સચેત ઍપ' તમને દરેક રીતે માહિતગાર અને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે. આ ઍપના માધ્યમથી તમે હવામાન વિભાગ સાથે જોડાયેલી નવીન જાણકારી પ્રાપ્ત કરી શકો છો. વિશેષ વાત એ છે કે 'સચેત ઍપ' ક્ષેત્રીય ભાષાઓમાં પણ ઘણી બધી જાણકારીઓ ઉપલબ્ધ કરાવે છે. આ ઍપનો તમે પણ ફાયદો ઉઠાવો અને પોતાનો અનુભવ અમને જરૂર જણાવો.

મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે સમગ્ર દુનિયામાં ભારતની પ્રશંસા થતા જોઈએ છીએ. ભારતના યુવાનોએ ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે અને કોઈ પણ દેશના યુવાનોની રુચિ કઈ તરફ છે, ક્યાં છે, તેનાથી ખબર પડે છે કે દેશનું ભવિષ્ય કેવું હશે. આજે ભારતનો યુવાન, વિજ્ઞાન, ટૅક્નૉલૉજી અને ઇન્નૉવેશનની તરફ આગળ વધી રહ્યો છે. એવાં ક્ષેત્ર, જેની ઓળખ પહેલાં પછાતપણા અને બીજાં કારણોથી થતી હતી, ત્યાં પણ યુવાનોએ એવાં ઉદાહરણ પ્રસ્તુત કર્યાં છે, જે આપણને નવો વિશ્વાસ અપાવે છે. છત્તીસગઢના દંતેવાડાનું વિજ્ઞાન કેન્દ્ર આજકાલ બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે. કેટલાક સમય પહેલાં સુધી, દંતેવાડાનું નામ માત્ર હિંસા અને અશાંતિ માટે જાણીતું હતું પરંતુ હવે ત્યાં એક વિજ્ઞાન કેન્દ્ર, બાળકો અને તેમનાં માતાપિતા માટે આશાનું નવું કિરણ બની ગયું છે. આ વિજ્ઞાન કેન્દ્રમાં જવાનું બાળકોને ખૂબ જ ગમે છે.  તેઓ હવે નવાં-નવાં મશીનો બનાવવાથી માંડીને ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને નવી પ્રૉડક્ટ્સ બનાવવાનું શીખી રહ્યાં છે. તેમને 3-ડી પ્રિન્ટર્સ અને રૉબૉટિક કારોની સાથે જ બીજી ઇન્નોવેટિવ ચીજો વિશે જાણવાની તક મળી છે. હમણાં કેટલાક સમય પહેલાં મેં ગુજરાત સાયન્સ સિટીમાં પણ સાયન્સ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગેલેરીઝમાંથી એ ઝલક મળે છે કે આધુનિક વિજ્ઞાનની ક્ષમતા શું છે, વિજ્ઞાન આપણા માટે કેટલું બધું કરી શકે છે. મને જાણકારી મળી છે કે આ ગેલેરીઝ અંગે ત્યાં બાળકોમાં ખૂબ જ ઉત્સાહ છે. વિજ્ઞાન અને ઇન્નૉવેશન પ્રત્યે આ વધતું આકર્ષણ, જરૂર ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે.

મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશની સૌથી મોટી શક્તિ આપણા 140 કરોડ નાગરિકો છે, તેમનું સામર્થ્ય છે, તેમની ઇચ્છાશક્તિ છે. અને જ્યારે કરોડો લોકો, એક સાથે કોઈ અભિયાન સાથે જોડાઈ જાય છે, તો તેનો પ્રભાવ ખૂબ જ મોટો હોય છે. તેનું એક ઉદાહરણ છે- 'એક પેડ માં કે નામ'- આ અભિયાન તે માતાના નામે છે જેણે આપણને જન્મ આપ્યો અને તે એ ધરતી માતા માટે પણ છે, જે આપણને તેના ખોળામાં ધારણ કરેલી રહે છે. સાથીઓ, પાંચ જૂને 'વિશ્વ પર્યાવરણ દિવસ' પર આ અભિયાનને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. આ એક વર્ષમાં આ અભિયાન હેઠળ દેશભરમાં માતાના નામ પર 140 કરોડથી વધુ વૃક્ષ લગાવાયાં છે. ભારતની આ પહેલને જોતાં, દેશની બહાર પણ લોકોએ પોતાની માતાના નામે વૃક્ષ લગાવેલાં છે. તમે પણ આ અભિયાનનો હિસ્સો બનો, જેથી એક વર્ષ પૂરું થાય ત્યારે પોતાની ભાગીદારી પર તમે ગર્વ કરી શકો.

સાથીઓ, વૃક્ષોથી આપણને ઠંડક મળે છે, વૃક્ષના છાંયડામાં ગરમીથી રાહત મળે છે, તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ ગત દિવસોમાં તેની સાથે જોડાયેલા એક સમાચાર જોયા જેણે મારું ધ્યાન ખેંચ્યું. ગુજરાતના અમદાવાદ શહેરમાં ગત કેટલાંક વર્ષોમાં 70 લાખથી વધુ વૃક્ષો લગાવાયાં છે. આ વૃક્ષોએ અમદાવાદમાં હરિયાળો વિસ્તાર ઘણો વધારી દીધો છે. તેની સાથોસાથ સાબરમતી નદી પર રિવર ફ્રન્ટ બનવાથી અને કાંકરિયા તળાવ જેવાં કેટલાંક તળાવનાં પુનર્નિર્માણથી ત્યાં જળાશયોની સંખ્યા પણ વધી ગઈ છે. હવે સમાચાર અહેવાલો કહે છે કે ગત કેટલાંક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લડાઈ લડનારાં પ્રમુખ શહેરોમાંનું એક બની ગયું છે. આ પરિવર્તનને, વાતાવરણમાં આવેલી શીતળતાને, ત્યાંના લોકો પણ અનુભવી રહ્યા છે. અમદાવાદમાં લગાવાયેલાં વૃક્ષો ત્યાં નવી પ્રસન્ન્તા લાવવાનું કારણ બની રહ્યાં છે. મારો આપ સહુને ફરી અનુરોધ છે કે ધરતીનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે, આબોહવા પરિવર્તનના પડકારોનો હલ લાવવા માટે, અને પોતાનાં બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે, વૃક્ષ જરૂર લગાવો- 'એક પેડ માં કે નામ'.

સાથીઓ, એક જૂની કહેવત છે- મન હોય તો માળવે જવાય. જ્યારે આપણે કંઈક નવું કરવાનું નક્કી કરી લઈએ છીએ તો ગંતવ્ય સ્થાન જરૂર મળી જાય છે. તમે પહાડો પર ઉગતાં સફરજન તો ઘણાં ખાધાં હશે. પરંતુ જો હું તમને પૂછું કે શું તમે કર્ણાટકના સફરજનનો સ્વાદ ચાખ્યો છે? તો તમને નવાઈ લાગશે. સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે સફરજનનું ઉત્પાદન પહાડ પર જ થાય છે. પરંતુ કર્ણાટકના બાગલકોટમાં રહેતા શ્રી શૈલ તેલીજીએ મેદાનમાં સફરજન ઉગાડ્યાં છે. તેમના કુલાલી ગામમાં 35 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ સફરજનનાં વૃક્ષ ફળ આપવા લાગ્યાં છે. વાસ્તવમાં, શ્રી શૈલ તેલીને ખેતીનો શોખ હતો તો તેમણે સફરજનની ખેતીને પણ કરી જોવાનો પ્રયાસ કર્યો અને તેમને તેમાં સફળતા મળી પણ ગઈ. આજે તેમના લગાવેલાં સફરજનનાં વૃક્ષો પર ઘણી સંખ્યામાં સફરજન ઊગે છે જેને વેચીને તેમને સારી કમાણી પણ થઈ રહી છે.

સાથીઓ, હવે જ્યારે સફરજનની ચર્ચા થઈ રહી છે તો તમે કિન્નૌરી સફરજનનું નામ અવશ્ય સાંભળ્યું હશે. સફરજન માટે જાણીતા કિન્નૌરમાં કેસરનું ઉત્પાદન થવા લાગ્યું છે. સામાન્ય રીતે, હિમાચલમાં કેસરની ખેતી ઓછી થતી હતી પરંતુ હવે કિન્નૌરની સુંદર સાંગલા ખીણમાં પણ કેસરની ખેતી થવા લાગી. આવું જ એક ઉદાહરણ કેરળના વાયનાડનું છે. ત્યાં પણ કેસર ઉગાડવામાં સફળતા મળી છે. અને વાયનાડમાં આ કેસર કોઈ ખેતર કે માટીમાં નહીં, પરંતુ ઍરોપૉનિક્સ ટૅક્નિકથી ઉગાડવામાં આવે છે. આવું જ આશ્ચર્યજનક કામ લીચીના ઉત્પાદન સાથે થયું છે. આપણે તો સાંભળતા હતા કે લીચી બિહાર, પશ્ચિમ બંગાળ કે ઝારખંડમાં ઊગે છે. પરંતુ હવે લીચીનું ઉત્પાદન દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં પણ થઈ રહ્યું છે. તમિલનાડુના થિરુ વીરા અરાસુ, કોફીની ખેતી કરતા હતા. કોડઈકેનાલમાં તેમણે લીચીનાં વૃક્ષ લગાવ્યાં અને તેમની સાત વર્ષની મહેનત પછી હવે તે વૃક્ષો પર ફળ આવવાં લાગ્યાં. લીચી ઉગાડવામાં મળેલી સફળતાએ આસપાસના બીજા ખેડૂતોને પણ પ્રેરિત કર્યા છે. રાજસ્થાનમાં જિતેન્દ્રસિંહ રાણાવતને લીચી ઉગાડવામાં સફળતા મળી છે. આ બધાં ઉદાહરણો ખૂબ જ પ્રેરિત કરનારાં છે. જો આપણે કંઈક નવું કરવાનો સંકલ્પ કરી લઈએ અને મુશ્કેલીઓ છતાં અડગ રહીએ તો અસંભવને પણ સંભવ કરી શકાય છે.

મારા પ્રિય દેશવાસીઓ, આજે એપ્રિલનો અંતિમ રવિવાર છે. થોડા જ દિવસોમાં મે મહિનો શરૂ થવાનો છે. હું તમને આજથી 108 વર્ષ પાછળ લઈ જઉં છું.

વર્ષ 1917 એપ્રિલ અને મે - આ બે મહિનામાં- દેશની સ્વતંત્રતાની એક અનોખી લડાઈ થઈ રહી હતી. અંગ્રેજોના અત્યાચાર ચરમસીમાએ હતા. ગરીબો, વંચિતો અને ખેડૂતોનું શોષણ અમાનવીય સ્તરને પણ પાર કરી ચૂક્યું હતું. બિહારની ઉપજાવ ધરતી પર આ અંગ્રેજો ખેડૂતોને ગળીની ખેતી માટે મજબૂર કરી રહ્યા હતા. ગળીની ખેતીના કારણે ખેડૂતોનાં ખેતર ઉજ્જડ થઈ રહ્યાં હતાં. પરંતુ અંગ્રેજી શાસનને તેની કોઈ પડી નહોતી. આવી સ્થિતિમાં 1917માં ગાંધીજી બિહારના ચંપારણ પહોંચે છે. ખેડૂતોએ ગાંધીજીને જણાવ્યું - અમારી જમીન ખરાબ થઈ રહી છે, ખાવા માટે અનાજ નથી મળી રહ્યું. લાખો ખેડૂતોની આ પીડાથી ગાંધીજીના મનમાં એક સંકલ્પ ઉઠ્યો. ત્યાંથી ચંપારણનો ઐતિહાસિક સત્યાગ્રહ શરૂ થયો. 'ચંપારણ સત્યાગ્રહ' એ બાપુનો ભારતમાં પહેલો મોટો પ્રયોગ હતો. બાપુના સત્યાગ્રહથી સમગ્ર અંગ્રેજી શાસન હચમચી ગયું. અંગ્રેજોને ગળીની ખેતી માટે ખેડૂતોને મજબૂર કરનારો કાયદો સ્થગિત કરવો પડ્યો. આ એક એવી જીત હતી જેનાથી સ્વતંત્રતાની લડાઈમાં નવો વિશ્વાસ ફૂંકાયો. તમે બધા જાણતા હશો કે આ સત્યાગ્રહમાં મોટું યોગદાન બિહારના એક બીજા સપૂતનું પણ હતું, જે સ્વતંત્રતા પછી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. તે મહાન વિભૂતિ હતા - ડૉ. રાજેન્દ્રપ્રસાદ. તેમણે 'ચંપારણ સત્યાગ્રહ' પર એક પુસ્તક પણ લખ્યું - 'Satyagraha in Champaran'. આ પુસ્તક દરેક યુવાને વાંચવું જોઈએ. ભાઈઓ-બહેનો, એપ્રિલમાં જ સ્વતંત્રતા સંગ્રામની લડાઈનાં અનેક બીજા અમિટ અધ્યાયો જોડાયેલા છે. એપ્રિલની છ તારીખે જ ગાંધીજીની 'દાંડી યાત્રા' સંપન્ન થઈ હતી. 12 માર્ચથી શરૂ થઈને 24 દિવસ સુધી ચાલેલી આ યાત્રાએ અંગ્રેજોને હચમચાવી મૂક્યા હતા. એપ્રિલમાં જ જલિયાંવાલા બાગ નરસંહાર થયો હતો. પંજાબની ધરતી પર આ રક્તરંજિત ઇતિહાસનાં નિશાનો આજે પણ પ્રવર્તમાન છે.

સાથીઓ, થોડા જ દિવસોમાં, 10 મેએ, પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની વર્ષગાંઠ પણ આવનાર છે. સ્વતંત્રતાની આ પહેલી લડાઈમાં જે તણખો પ્રગટ્યો હતો, તે આગળ વધીને લાખો સેનાનીઓ માટે મશાલ બની ગયો. હમણાં 26 એપ્રિલે આપણે 1857ની ક્રાંતિના મહાન નાયક બાબુ વીરકુંવરસિંહજીની પુણ્યતિથિ પણ મનાવી છે. બિહારના મહાન સેનાનીથી સમગ્ર દેશને પ્રેરણા મળે છે. આપણે આવા જ લાખો સ્વતંત્રતા સેનાનીઓની અમર પ્રેરણાને જીવિત રાખવાની છે. આપણને તેમનામાથી જે ઊર્જા મળે છે, તે અમૃતકાળના આપણા સંકલ્પોને નવી મજબૂતી આપે છે.

સાથીઓ, 'મન કી બાત'ની આ લાંબી યાત્રામાં તમે આ કાર્યક્રમની સાથે એક આત્મીય સંબંધ બનાવી લીધો છે. દેશવાસી જે ઉપલબ્ધિ બીજા સાથે વહેંચવા માગતા હોય તેને 'મન કી બાત'ના માધ્યમથી લોકો સુધી પહોંચાડાય છે. આગામી મહિને આપણે ફરી મળીને દેશની વિવિધતાઓ, ગૌરવશાળી પરંપરાઓ અને નવી ઉપલબ્ધિઓ પર વાત કરીશું. આપણે એવા લોકો વિશે જાણીશું જે પોતાના સમર્પણ અને સેવા ભાવનાથી સમાજમાં પરિવર્તન લાવી રહ્યા છે. સદાની જેમ, તમે અમને તમારા વિચાર અને સૂચનો મોકલતા રહેજો. ધન્યવાદ, નમસ્કાર.

 

AP/IJ//GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2124695) Visitor Counter : 62