માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

આઇઆઇએમસીમાં 56મો પદવીદાન સમારંભ યોજાયો; શ્રી અશ્વિની વૈષ્ણવે તેને વર્લ્ડ-ક્લાસ મીડિયા યુનિવર્સિટી બનાવવાની યોજનાની જાહેરાત કરી


તમે જ્યાં પણ કામ કરો ત્યાં હંમેશા યાદ રાખો – રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ: કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

આઇઆઇએમસીએ ઉદ્યોગ સહયોગ અને સુરક્ષા ક્ષેત્રની તાલીમ સાથે મીડિયા શિક્ષણને મજબૂત બનાવ્યું: આઇઆઇએમસીના ડીજી, ડો.અનુપમા ભટનાગર

Posted On: 04 MAR 2025 7:40PM by PIB Ahmedabad

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન (આઇઆઇએમસી)એ આજે નવી દિલ્હીમાં આઇઆઇએમસીમાં મહાત્મા ગાંધી મંચમાં પોતાનાં 56માં પદવીદાન સમારંભનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ પ્રસંગે આઇઆઇએમસીના ચાન્સેલર અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017Q9O.jpg

આ સમારંભમાં 2023-24ની બેચની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આઇઆઇએમસી નવી દિલ્હી અને તેના પાંચ પ્રાદેશિક કેમ્પસ – ઢેંકનાલ, આઇઝોલ, અમરાવતી, કોટ્ટાયમ અને જમ્મુના 478 વિદ્યાર્થીઓને તેમના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 36 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે ચંદ્રકો અને રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેમની શૈક્ષણિક યાત્રામાં એક મહત્વપૂર્ણ પ્રસંગ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002XTXZ.jpg

આઇઆઇએમસીને વિશ્વ કક્ષાની મીડિયા યુનિવર્સિટી બનાવવામાં આવશે

નવી દિલ્હીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન (આઇઆઇએમસી)ના 56માં પદવીદાન સમારંભને સંબોધન કરતાં શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન (આઇઆઇએમસી)ને વિશ્વ કક્ષાની મીડિયા યુનિવર્સિટી બનાવવામાં આવશે.

સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં શ્રી વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આઇઆઇએમસીનાં આગામી સંસ્કરણમાં ઝડપથી બદલાતા સંચાર પરિદ્રશ્યની જરૂરિયાતો પૂર્ણ કરવા આંતરરાષ્ટ્રીય કક્ષાનાં અભ્યાસક્રમ અને મીડિયા ઉદ્યોગ સાથે મજબૂત જોડાણ સામેલ હશે.

 શ્રી વૈષ્ણવે મીડિયા ઉદ્યોગની ગતિશીલ પ્રકૃતિ અને અનુકૂલનક્ષમતાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "મીડિયાની સંપૂર્ણ દુનિયામાં પરિવર્તન થઈ રહ્યું છે અને પરિવર્તન સતત થઈ રહ્યું છે. આપણે આગળ રહેવા માટે આ ફેરફારોને સમજી લેવા જોઈએ અને તેને અનુકૂળ થવું જોઈએ."

સ્નાતકો જે પડકારોનો સામનો કરી શકે છે તેને સંબોધતા મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને આ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સુધી લઈ આવેલી ઊર્જાને આગળ ધપાવીને સમર્પણ અને ખંત સાથે તેમની સફર ચાલુ રાખવાની સલાહ આપી હતી. કેન્દ્રીય મંત્રી શ્રી વૈષ્ણવે કહ્યું હતું કે, "તમે જ્યાં પણ કામ કરો, હંમેશા યાદ રાખો – રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ. તમારા કામનું લક્ષ્ય દેશને મદદ કરવાનું હોવું જોઈએ, અને અન્ય બાબતો પણ આગળ વધશે."

આઇઆઇએમસી અભ્યાસક્રમનું આધુનિકીકરણ અને તાલીમ કાર્યક્રમોનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખશે

આઇઆઇએમસીના વાઇસ ચાન્સેલર ડો.અનુપમા ભટનાગરે જણાવ્યું હતું કે, "ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (આઇઆઇએમસી)એ આધુનિક પ્રગતિઓ અને વિકસતી જરૂરિયાતો સાથે તાલ મિલાવવા માટે તેના અભ્યાસક્રમમાં સતત સુધારો કર્યો છે." તેમણે તેમની આશા પર પણ પ્રકાશ પાડ્યો કે વિદ્યાર્થીઓ સામૂહિક સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરશે. આ ધ્યેયને ટેકો આપવા માટે પ્લેસમેન્ટ સેલે ગયા ડિસેમ્બરમાં ઇન્ડસ્ટ્રી કનેક્ટ ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. જે વિદ્યાર્થીઓને વિવિધ મીડિયા વર્ટિકલ્સમાં ઉદ્યોગના પ્રતિષ્ઠિત અગ્રણીઓ પાસેથી શીખવા માટે મૂલ્યવાન પ્લેટફોર્મ પૂરું પાડે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઈ.આઈ.એમ.સી. ભારતીય માહિતી સેવાના અધિકારીઓને તાલીમ આપવામાં પણ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. તાજેતરના વર્ષોમાં, સુરક્ષા ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, સશસ્ત્ર દળો, રાજ્ય પોલીસ વિભાગો, તટરક્ષક દળ, આસામ રાઇફલ્સ અને સીઆઈએસએફ માટે વિશેષ સામૂહિક સંચાર અભ્યાસક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના માહિતી અધિકારીઓ અને જનસંપર્ક અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે આઈઆઈએમસીના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડો. નિમિષ રૂસ્તગી તેમજ સંસ્થાના ફેકલ્ટી અને સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2108243) Visitor Counter : 31