પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું


આસામનું ગતિશીલ કાર્યબળ અને ઝડપી વૃદ્ધિ તેને એક મુખ્ય રોકાણ ગંતવ્યસ્થાનમાં પરિવર્તિત કરી રહી છેઃ પ્રધાનમંત્રી

વૈશ્વિક અનિશ્ચિતતામાં પણ એક વાત ચોક્કસ છે – ભારતનો ઝડપી વિકાસ: પ્રધાનમંત્રી

અમે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, નવીનતા-સંચાલિત સંસ્કૃતિ અને વેપાર-વાણિજ્યની સરળતા માટે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે: પ્રધાનમંત્રી

ભારત મિશન મોડમાં તેના ઉત્પાદન ક્ષેત્રનો વિસ્તાર કરી રહ્યું છે, અમે મેક ઇન ઇન્ડિયા હેઠળ ઓછા ખર્ચે ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ: પ્રધાનમંત્રી

વૈશ્વિક પ્રગતિ ડિજિટલ ક્રાંતિ, નવીનતા અને ટેકનોલોજી-સંચાલિત પ્રગતિ પર નિર્ભર છેઃ પ્રધાનમંત્રી

આસામ ભારતમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છેઃ પ્રધાનમંત્રી

વિશ્વ આપણાં પુનઃપ્રાપ્ય ઊર્જા અભિયાનને એક મોડલ પ્રેક્ટિસ તરીકે જુએ છે અને તેને અનુસરે છે; છેલ્લાં 10 વર્ષમાં ભારતે પોતાની પર્યાવરણીય જવાબદારીઓ સમજીને નીતિગત નિર્ણયો લીધા છેઃ પ્રધાનમંત્રી

Posted On: 25 FEB 2025 1:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારત આજે ભવિષ્યની નવી યાત્રાએ નીકળી રહ્યું છે અને એડવાન્ટેજ આસામ અતુલ્ય સંભવિતતા અને દુનિયા સાથેની પ્રગતિને એકબીજા સાથે જોડવા માટેની એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. ભારતની સમૃદ્ધિમાં પૂર્વ ભારત દ્વારા ભજવવામાં આવેલી મુખ્ય ભૂમિકાનો ઇતિહાસ સાક્ષી છે." પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "આજે જ્યારે આપણે વિકસિત ભારતની દિશામાં પ્રગતિ કરી રહ્યાં છીએ, ત્યારે પૂર્વ ભારત અને પૂર્વોત્તર તેમની ખરી સંભવિતતા પ્રદર્શિત કરશે." તેમણે કહ્યું હતું કે, એડવાન્ટેજ આસામ પણ આ જ ભાવનાનું પ્રતિનિધિત્વ છે તથા તેમણે આસામની સરકાર અને મુખ્યમંત્રીને આ પ્રકારનાં ભવ્ય સમારંભનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે 2013ના તેમના શબ્દોને યાદ કર્યા હતા, જ્યારે તેમણે કહ્યું હતું કે તે સમય દૂર નથી કે જ્યારે 'એ ફોર આસામ' આદર્શ બની જશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં નિષ્ણાતો એક નિશ્ચિતતા પર સર્વાનુમતે સંમત થાય છેભારતનો ઝડપી વિકાસ. આજનું ભારત આ સદીનાં આગામી 25 વર્ષ માટે લાંબા ગાળાનાં વિઝન સાથે કામ કરી રહ્યું છે. ભારતની યુવા પેઢી પર દુનિયાને અપાર વિશ્વાસ છે, જે ઝડપથી કુશળ અને નવીનતાસભર બની રહી છે."  તેમણે નવી આકાંક્ષાઓ સાથે ગરીબીમાંથી બહાર આવીને ભારતના નવ-મધ્યમ વર્ગમાં વધી રહેલા વિશ્વાસની પણ નોંધ લીધી હતી. રાજકીય સ્થિરતા અને નીતિગત સાતત્યને ટેકો આપતા ભારતના 140 કરોડ લોકો પર વિશ્વ દ્વારા મૂકેલા વિશ્વાસને રેખાંકિત કરીને શ્રી મોદીએ ભારતના શાસન પર પ્રકાશ પાડ્યો હતો. જે સતત સુધારાઓનો અમલ કરી રહ્યું છે. વધુમાં, તેમણે ધ્યાન દોર્યું હતું કે ભારત તેની સ્થાનિક સપ્લાય ચેઇનને મજબૂત કરી રહ્યું છે અને વિવિધ વૈશ્વિક પ્રદેશો સાથે મુક્ત વેપાર કરાર કરી રહ્યું છે. તેમણે પૂર્વ એશિયા અને નવા ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર સાથે મજબૂત કનેક્ટિવિટીનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેનાથી નવી તકો ઊભી થઈ છે.

આસામમાં એકત્ર થયેલી જનમેદનીનાં સાક્ષી સ્વરૂપે ભારતમાં વૈશ્વિક સ્તરે વધી રહેલા વિશ્વાસ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું હતું કે, "ભારતનાં વિકાસમાં આસામનું પ્રદાન સતત વધી રહ્યું છે." તેમણે નોંધ્યું હતું કે, એડવાન્ટેજ આસામ સમિટની પ્રથમ આવૃત્તિ વર્ષ 2018માં યોજાઈ હતી, જે સમયે આસામની અર્થવ્યવસ્થાનું મૂલ્ય રૂ. 2.75 લાખ કરોડ હતું. અત્યારે આસામ અંદાજે રૂ. 6 લાખ કરોડનું અર્થતંત્ર ધરાવતું રાજ્ય બની ગયું છે. તેમની સરકારનાં શાસનમાં આસામનું અર્થતંત્ર માત્ર છ વર્ષમાં બમણું થઈ ગયું છે. આ કેન્દ્ર અને રાજ્યમાં તેમની સરકારની ડબલ અસર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આસામમાં અસંખ્ય રોકાણોએ તેને અમર્યાદિત શક્યતાઓની સ્થિતિમાં પરિવર્તિત કરી દીધી છે. આસામ સરકાર શિક્ષણ, કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને રોકાણ માટે શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરી રહી છે. તેમની સરકારે તાજેતરનાં વર્ષોમાં જોડાણ સાથે સંબંધિત માળખાગત સુવિધાઓ પર વિસ્તૃતપણે કામ કર્યું છે. તેમણે એક ઉદાહરણ પૂરું પાડતાં જણાવ્યું હતું કે, વર્ષ 2014 અગાઉ બ્રહ્મપુત્રા નદી પર 70 વર્ષ દરમિયાન ફક્ત ત્રણ પુલોનું નિર્માણ થયું હતું. જો કે છેલ્લા 10 વર્ષમાં ચાર નવા પુલ બનાવવામાં આવ્યા છે. આમાંથી એક પુલનું નામ ભારત રત્ન ભૂપેન હઝારિકાના નામ પરથી રાખવામાં આવ્યું છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, વર્ષ 2009 અને 2014 વચ્ચે આસામને સરેરાશ રૂ. 2,100 કરોડનું રેલવે બજેટ મળ્યું હતું પણ તેમની સરકારે આસામનું રેલવે બજેટ ચાર ગણું વધારીને રૂ. 10,000 કરોડ કર્યું હતું. આસામમાં 60થી વધારે રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ થઈ રહ્યું છે. પૂર્વોત્તરમાં પ્રથમ સેમી હાઈ-સ્પીડ ટ્રેન હવે ગુવાહાટી અને ન્યૂ જલપાઈગુડી વચ્ચે કાર્યરત છે.

આસામમાં હવાઈ જોડાણના ઝડપી વિસ્તરણનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014 સુધી ફ્લાઇટ્સ ફક્ત સાત રૂટ પર જ ચાલતી હતી પણ અત્યારે લગભગ 30 રૂટ પર ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે. આ વિસ્તરણથી સ્થાનિક અર્થતંત્રને નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું છે અને યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન થયું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ફેરફારો માત્ર માળખાગત સુવિધાઓ સુધી જ મર્યાદિત નથી, પણ કાયદો અને વ્યવસ્થામાં અભૂતપૂર્વ સુધારો થયો છે, જેમાં છેલ્લાં એક દાયકામાં અનેક શાંતિ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયાં છે અને લાંબા સમયથી વિલંબિત સરહદી સમસ્યાઓનું સમાધાન થયું છે. આસામનો દરેક વિસ્તાર, દરેક નાગરિક અને દરેક યુવાન રાજ્યનાં વિકાસ માટે અવિરતપણે કામ કરી રહ્યો છે.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ભારત અર્થતંત્રનાં તમામ ક્ષેત્રો અને સ્તરોમાં નોંધપાત્ર સુધારામાંથી પસાર થઈ રહ્યું છે તથા વેપાર-વાણિજ્યમાં સુગમતા વધારવા સતત પ્રયાસો થઈ રહ્યાં છે તથા ઉદ્યોગ અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક ઇકોસિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે. સ્ટાર્ટ અપ, પીએલઆઇ યોજનાઓ મારફતે ઉત્પાદન અને નવી ઉત્પાદન કંપનીઓ અને એમએસએમઇ માટે કરમુક્તિ માટે ઉત્કૃષ્ટ નીતિઓ ઘડવામાં આવી છે." તેમણે એ બાબતની નોંધ પણ લીધી હતી કે, સરકાર દેશનાં માળખાગત ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કરી રહી છે. સંસ્થાગત સુધારા, ઉદ્યોગ, માળખાગત સુવિધા અને નવીનતાનો સમન્વય ભારતની પ્રગતિનો પાયો છે. આ પ્રગતિ આસામમાં પણ જોવા મળી રહી છે, જે ડબલ એન્જિન સ્પીડે આગેકૂચ કરી રહ્યું છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, આસામમાં 2030 સુધીમાં 150 અબજ ડોલરનું અર્થતંત્ર હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આસામ આ લક્ષ્યાંક હાંસલ કરી શકે છે, જેનો શ્રેય આસામનાં સક્ષમ અને પ્રતિભાશાળી લોકોને તથા તેમની સરકારની કટિબદ્ધતાને આભારી છે. આસામ દક્ષિણ પૂર્વ એશિયા અને ભારત વચ્ચે પ્રવેશદ્વાર તરીકે વિકસી રહ્યું છે એ વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, આ સંભવિતતાને આગળ વધારવા માટે સરકારે નોર્થ ઇસ્ટ ટ્રાન્સફોર્મેટિવ ઔદ્યોગિકરણ યોજના ' ઉન્નતિ' શરૂ કરી છે. 'ઉન્નતિ' યોજનાથી આસામ સહિત સંપૂર્ણ પૂર્વોત્તર ક્ષેત્રમાં ઉદ્યોગ, રોકાણ અને પ્રવાસનને વેગ મળશે. તેમણે ઔદ્યોગિક ભાગીદારોને આ યોજના અને આસામની અમર્યાદિત સંભવિતતાનો સંપૂર્ણ લાભ લેવાનો આગ્રહ કર્યો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આસામનાં કુદરતી સંસાધનો અને વ્યૂહાત્મક સ્થાન તેને રોકાણ માટે પસંદગીનું સ્થળ બનાવે છે. તેમણે આસામની ચાને આસામની સંભવિતતાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, છેલ્લાં 200 વર્ષમાં તે વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ છે, જેણે અન્ય ક્ષેત્રોમાં પણ પ્રગતિની પ્રેરણા આપી છે.

વિશ્વભરમાં સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇનની વધતી જતી માગ સાથે વૈશ્વિક અર્થતંત્રમાં થઈ રહેલા નોંધપાત્ર ફેરફારો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતે તેના ઉત્પાદન ક્ષેત્રને આગળ વધારવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કર્યા છે. મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ્સ જેવા ક્ષેત્રોમાં ઓછા ખર્ચે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભારતનો ઉદ્યોગ માત્ર સ્થાનિક માંગને જ પૂર્ણ કરી રહ્યો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં શ્રેષ્ઠતા ઉત્પાદન માટે નવા બેંચમાર્ક સ્થાપિત કરી રહ્યો છે." તેમણે ધ્યાન દોર્યું હતું કે, આસામ આ ઉત્પાદન ક્રાંતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

વૈશ્વિક વેપારમાં આસામનો હંમેશાથી જ હિસ્સો રહ્યો છે એ વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારતનાં દરિયાકિનારા પરનાં કુદરતી ગેસનાં ઉત્પાદનમાં 50 ટકાથી વધારે હિસ્સો આસામમાંથી આવે છે અને તાજેતરનાં વર્ષોમાં આસામની રિફાઇનરીઓની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર્સ અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં આસામ ઝડપથી ઉભરી રહ્યું છે. સરકારની નીતિઓને કારણે આસામ અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતાં ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સનું કેન્દ્ર બની રહ્યું છે.

તાજેતરના બજેટમાં કેન્દ્ર સરકારે નામરૂપ-4 પ્લાન્ટને મંજૂરી આપી છે એ બાબતનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ યુરિયા ઉત્પાદન પ્લાન્ટ ભવિષ્યમાં સંપૂર્ણ પૂર્વોત્તર અને દેશની માગને પૂર્ણ કરશે. તેમણે કહ્યું હતું કે, "એ દિવસ દૂર નથી, જ્યારે આસામ પૂર્વ ભારતમાં મુખ્ય ઉત્પાદન કેન્દ્ર બની જશે. કેન્દ્ર સરકાર આ લક્ષ્યાંક હાંસલ કરવામાં આસામની રાજ્ય સરકારને સંપૂર્ણ સાથ-સહકાર આપી રહી છે."

21મી સદીની દુનિયાની પ્રગતિનો આધાર ડિજિટલ ક્રાંતિ, નવીનતા અને ટેકનોલોજીકલ પ્રગતિ પર રહેલો છે એ વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "આપણે જેટલી વધુ સારી રીતે સજ્જ છીએ, તેટલી જ વૈશ્વિક સ્તરે આપણે વધુ મજબૂત બનીશું." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર 21મી સદીની નીતિઓ અને વ્યૂહરચનાઓ સાથે આગેકૂચ કરી રહી છે. તેમણે છેલ્લા એક દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ઉત્પાદનમાં ભારતની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો અને સેમીકન્ડક્ટર ઉત્પાદનમાં આ સફળતાની ગાથાનું પુનરાવર્તન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ગર્વભેર નોંધ્યું હતું કે, આસામ ભારતમાં સેમીકન્ડક્ટર ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. તેમણે તાજેતરમાં આસામના જગીરોડમાં ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાનાં ઉદઘાટનનો ઉલ્લેખ કર્યો હતો, જે ઉત્તરપૂર્વમાં ટેકનોલોજીકલ વિકાસને પ્રોત્સાહન આપશે. તેમણે સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં નવીનતા માટે આઇઆઇટી સાથે જોડાણ અને દેશમાં સેમિકન્ડક્ટર રિસર્ચ સેન્ટર પર ચાલી રહેલા કામ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ અનુમાન લગાવ્યું હતું કે, આ દાયકાના અંત સુધીમાં ઇલેક્ટ્રોનિક સેક્ટરનું મૂલ્ય 500 અબજ ડોલર સુધી પહોંચી જશે. તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, "ભારતની ઝડપ અને વ્યાપ સાથે, દેશ સેમીકન્ડક્ટર ઉત્પાદનમાં એક મોટી તાકાત તરીકે ઉભરી આવશે, જેનાથી લાખો લોકો માટે રોજગારીનું સર્જન થશે અને આસામના અર્થતંત્રને લાભ થશે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતે તેની પર્યાવરણીય જવાબદારીઓ સમજીને છેલ્લા એક દાયકામાં નીતિગત નિર્ણયો લીધા છે અને દુનિયા ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જા અભિયાનને એક આદર્શ પ્રથા તરીકે ગણે છે. ભારતે છેલ્લાં 10 વર્ષમાં સૌર, પવન અને સ્થાયી ઊર્જા સંસાધનોમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. તેનાથી ન માત્ર ઇકોલોજિકલ પ્રતિબદ્ધતાઓ પૂર્ણ થઈ છે, પણ દેશની પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે." શ્રી મોદીએ નોંધ્યું હતું કે, દેશે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા ઉમેરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. સરકાર વર્ષ 2030 સુધીમાં 5 મિલિયન મેટ્રિક ટનનું વાર્ષિક ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન હાંસલ કરવાનાં અભિયાન પર કામ કરી રહી છે. દેશમાં ગેસની માળખાગત સુવિધાઓમાં વૃદ્ધિને કારણે માગમાં વધારો થયો છે અને ગેસ આધારિત સંપૂર્ણ અર્થતંત્રનું ક્ષેત્ર ઝડપથી વિસ્તરી રહ્યું છે એ બાબત તરફ ધ્યાન દોરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ સફરમાં આસામને નોંધપાત્ર લાભ થયો છે. સરકારે ઉદ્યોગો માટે ઘણાં માર્ગો ઊભા કર્યા છે, જેમાં પીએલઆઈ યોજનાઓ અને હરિયાળી પહેલો માટેની નીતિઓ સામેલ છે. તેમણે પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ક્ષેત્રમાં આસામને અગ્રણી રાજ્ય તરીકે ઊભરી આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તથા ઔદ્યોગિક આગેવાનોને આસામની સંભવિતતાને મહત્તમ બનાવવા અપીલ કરી હતી.

વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પૂર્વીય ભારત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એ બાબત પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, "અત્યારે પૂર્વોત્તર અને પૂર્વ ભારત માળખાગત સુવિધા, લોજિસ્ટિક્સ, કૃષિ, પ્રવાસન અને ઉદ્યોગોમાં ઝડપથી આગેકૂચ કરી રહ્યું છે. એ દિવસ દૂર નથી, જ્યારે દુનિયા આ વિસ્તારને ભારતની વિકાસયાત્રામાં અગ્રેસર જોશે."  તેમણે આસામ સાથેની આ સફરમાં દરેકને ભાગીદાર અને સાથીદાર બનવા આમંત્રણ આપ્યું હતું તથા આસામને વૈશ્વિક દક્ષિણમાં ભારતની ક્ષમતાઓને નવી ઊંચાઈએ લઈ જતું રાજ્ય બનાવવા સહિયારા પ્રયાસો માટે આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ એમ કહીને રોકાણકારો અને ઔદ્યોગિક અગ્રણીઓનો વિશ્વાસ વધાર્યો હતો કે, તેઓ વિકસિત ભારતની સફરમાં તેમનાં પ્રદાનને સંપૂર્ણ સાથસહકાર આપીને તેમની સાથે ઊભા છે.

આ પ્રસંગે આસામના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, આસામનાં મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રી ડૉ. એસ. જયશંકર, શ્રી સર્વાનંદ સોનોવાલ, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ત્રિપુરાનાં મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા,  કેન્દ્રીય  રાજ્ય મંત્રી શ્રી પબીત્રા માર્ગેરિટા સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.

પાશ્વભાગ

ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું આયોજન 25થી 26 ફેબ્રુઆરી દરમિયાન થઈ રહ્યું છે. તેમાં ઉદ્ઘાટન સત્ર, સાત મંત્રીસ્તરીય સત્ર અને 14 વિષયના સત્ર સામેલ છે. તેમાં રાજ્યના આર્થિક પરિદ્રશ્યને દર્શાવતા એક વ્યાપક પ્રદર્શનનો પણ સમાવેશ થાય છે. જેમાં તેના ઔદ્યોગિક વિકાસ, વૈશ્વિક વેપાર ભાગીદારી, તેજીવાળા ઉદ્યોગો અને વાઇબ્રન્ટ એમએસએમઇ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં 240થી વધુ પ્રદર્શકો દર્શાવવામાં આવ્યા છે.

આ સમિટમાં વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વૈશ્વિક નેતાઓ અને રોકાણકારો, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ સહિત અન્ય સંસ્થાઓ ભાગ લેશે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2106071) Visitor Counter : 45