પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કર્યું


મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ પ્રશંસનીય પહેલ છે, તે ઉદ્યોગ, નવીનીકરણ અને માળખાગત સુવિધામાં રાજ્યની પ્રચૂર સંભવિતતાને પ્રદર્શિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ મંચ તરીકે કામ કરે છેઃ પ્રધાનમંત્રી

વૈશ્વિક રોકાણકારોને આકર્ષીને તે આર્થિક વૃદ્ધિ અને રોજગારીના સર્જનનો માર્ગ મોકળો કરી રહ્યો છે, મધ્ય પ્રદેશને વેપાર અને ઉદ્યોગસાહસિકતા માટે મુખ્ય કેન્દ્ર તરીકે ઊભરી આવે એ જોઈને આનંદ થાય છેઃ પ્રધાનમંત્રી

વિશ્વનું ભવિષ્ય ભારતમાં છે! આવો, આપણા દેશમાં વિકાસની તકોનું અન્વેષણ કરોઃ પ્રધાનમંત્રી

એનડીએ સરકારના માળખાગત પ્રયાસોથી મધ્યપ્રદેશને નોંધપાત્ર ફાયદો થશેઃ પ્રધાનમંત્રી

અમારી સરકાર, કેન્દ્ર અને મધ્યપ્રદેશની સરકાર જળ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે વિકાસ માટે આવશ્યક છેઃ પ્રધાનમંત્રી

વર્ષ 2025ના પહેલા 50 દિવસમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છેઃ પ્રધાનમંત્રી

પાછલો દાયકો ભારતના ઊર્જા ક્ષેત્ર માટે અભૂતપૂર્વ વૃદ્ધિનો સમય રહ્યો છેઃ પ્રધાનમંત્રી

આ વર્ષના બજેટમાં અમે ભારતના વિકાસ માટે દરેક ઉત્પ્રેરકને ઊર્જાવાન બનાવ્યા છેઃ પ્રધાનમંત્રી

રાષ્ટ્રીય સ્તર બાદ હવે રાજ્ય અને સ્થાનિક સ્તરે સુધારાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છેઃ પ્રધાનમંત્રી

ટેક્સટાઇલ, ટૂરિઝમ અને ટેકનોલોજી ભારતનાં વિકસિત ભવિષ્યનાં મુખ્ય સંચાલક બનશેઃ પ્રધાનમંત્રી

Posted On: 24 FEB 2025 3:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (જીઆઇએસ) 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કાર્યક્રમમાં પહોંચવામાં વિલંબ થવા બદલ માફી માંગી હતી, કારણ કે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાઓ હતી અને કાર્યક્રમમાં તેમના સુરક્ષાના પગલાંથી વિદ્યાર્થીઓને અસુવિધા થઈ શકે તેમ હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, રાજા ભોજની ભૂમિમાં રોકાણકારો અને વ્યાવસાયિક આગેવાનોનું સ્વાગત કરવું તેમના માટે ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ વિકસિત મધ્યપ્રદેશ તરીકે મહત્ત્વપૂર્ણ છે. વિકસિત મધ્યપ્રદેશ વિકસિત ભારત તરફની યાત્રામાં જરૂરી છે. તેમણે શિખર સંમેલનનાં અદભૂત આયોજન માટે મધ્યપ્રદેશની સરકારને અભિનંદન આપ્યાં હતાં.

"સમગ્ર વિશ્વ ભારત માટે આશાવાદી છે." શ્રી મોદીએ કહ્યું હતું કે, "ભારતના ઇતિહાસમાં પ્રકારની તક સૌપ્રથમ વખત સામે આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય નાગરિકો હોય કે નીતિગત નિષ્ણાતો હોય, સંસ્થાઓ હોય કે દુનિયાનાં દેશો હોય, દરેકને ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેમણે પ્રકાશ પાડ્યો કે ભારત વિશે છેલ્લા કેટલાક અઠવાડિયામાં મળેલી ટિપ્પણીઓથી રોકાણકારોનો ઉત્સાહ વધશે. વિશ્વ બેંક દ્વારા તાજેતરમાં ભારત સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે તેવા નિવેદનને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઓઈસીડીના એક પ્રતિનિધિએ કહ્યું હતું કે, "વિશ્વનું ભવિષ્ય ભારતમાં છે." તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થાએ ભારતને સૌર ઊર્જાની મહાસત્તા જાહેર કરી છે. સંસ્થાએ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે ઘણા દેશો માત્ર વાતો કરે છે, પરંતુ ભારત પરિણામ આપે છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, એક નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ભારત વૈશ્વિક એરોસ્પેસ કંપનીઓ માટે ઉત્કૃષ્ટ સપ્લાય ચેઇન તરીકે ઉભરી રહ્યું છે. કંપનીઓ ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇન પડકારોના સમાધાન તરીકે જુએ છે. પ્રધાનમંત્રીએ ભારત પર દુનિયાનો વિશ્વાસ દર્શાવતા વિવિધ ઉદાહરણો ટાંક્યા હતા. જે દરેક ભારતીય રાજ્યનો આત્મવિશ્વાસ પણ વધારી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વાસ મધ્યપ્રદેશમાં ગ્લોબલ સમિટમાં જોવા મળે છે.

વસતિની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય છે તેની નોંધ લઈને શ્રી મોદીએ કહ્યું હતું કે, "મધ્યપ્રદેશ કૃષિ અને ખનીજો માટે ભારતનાં ટોચનાં રાજ્યોમાંનું એક છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશને જીવનદાતા નર્મદા નદીનું વરદાન મળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જીડીપીની દ્રષ્ટિએ એમપી ભારતનાં ટોચનાં પાંચ રાજ્યોમાં સ્થાન મેળવવાની ક્ષમતા ધરાવે છે.

છેલ્લાં બે દાયકામાં મધ્યપ્રદેશની પરિવર્તનકારી સફરનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક સમય હતો. જ્યારે રાજ્ય વીજળી અને પાણીની સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ પડકારોનો સામનો કરતું હતું તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે ખરાબ હતી. આ પરિસ્થિતિઓએ ઔદ્યોગિક વિકાસને મુશ્કેલ બનાવ્યો. શ્રી મોદીએ નોંધ્યું કે લોકોના સમર્થનથી, મધ્યપ્રદેશમાં તેમની સરકારે છેલ્લા બે દાયકામાં શાસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બે દાયકા પહેલા, લોકો મધ્યપ્રદેશમાં રોકાણ કરવામાં ખચકાટ અનુભવતા હતા. જ્યારે આજે મધ્યપ્રદેશ રોકાણ માટે દેશના ટોચના રાજ્યોમાંનું એક બની ગયું છે, એમ તેમણે ઉમેર્યું. તેમણે ભાર મૂક્યો કે રાજ્ય, જે એક સમયે ખરાબ રસ્તાઓ સાથે સંઘર્ષ કરતું હતું. તે હવે ભારતની EV ક્રાંતિમાં અગ્રણી રાજ્યોમાંનું એક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી 2025 સુધીમાં, એમપીમાં આશરે 2 લાખ ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા. જે આશરે 90 ટકાની વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે, જે દર્શાવે છે કે એમપી નવા ઉત્પાદન ક્ષેત્રો માટે એક ઉત્તમ સ્થળ બની રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "છેલ્લાં એક દાયકામાં ભારતમાં માળખાગત સુવિધાઓમાં તેજી જોવા મળી છે." અને ટિપ્પણી કરી હતી કે, વિકાસથી મધ્યપ્રદેશને ઘણો લાભ થયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, જે બે મુખ્ય શહેરોને જોડે છે, તે એમપીમાંથી નોંધપાત્ર રીતે પસાર થાય છે. જે મુંબઈનાં બંદરો અને ઉત્તર ભારતનાં બજારોને ઝડપથી કનેક્ટિવિટી પ્રદાન કરે છે. તેમણે બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, અત્યારે મધ્યપ્રદેશમાં પાંચ લાખ કિલોમીટરથી વધારેનું રોડ નેટવર્ક છે. તેમણે નોંધ્યું હતું કે, એમપીનો ઔદ્યોગિક કોરિડોર આધુનિક એક્સપ્રેસવે સાથે જોડાયેલો છે, જે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિ સુનિશ્ચિત કરે છે.

હવાઈ જોડાણ અંગે વાત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હવાઈ જોડાણ સુધારવા માટે ગ્વાલિયર અને જબલપુર એરપોર્ટ પર ટર્મિનલનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, મધ્યપ્રદેશનાં વિસ્તૃત રેલવે નેટવર્કનું આધુનિકીકરણ પણ થઈ રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, એમપીમાં રેલવે નેટવર્કે 100 ટકા વીજળીકરણ હાંસલ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભોપાલનાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશનની તસવીરો દરેકને આકર્ષિત કરી રહી છે. મોડલને અનુસરીને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ એમપીના 80 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.

"પાછલા દાયકામાં ભારતના ઊર્જા ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે." શ્રી મોદીએ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ભારતે હરિત ઊર્જામાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. જેની એક સમયે કલ્પના પણ કરી શકાતી નહોતી. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં 70 અબજ ડોલર (₹5 ટ્રિલિયનથી વધુ)નું રોકાણ થયું છે અને રોકાણે ગયા વર્ષે સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં 10 લાખથી વધારે રોજગારીનું સર્જન કર્યું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઊર્જા ક્ષેત્રમાં તેજીથી મધ્યપ્રદેશને ઘણો લાભ થયો છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે એમપી વીજળીનો સરપ્લસ છે. જેની વીજળીનું ઉત્પાદન ક્ષમતા આશરે 31,000 મેગાવોટ છે, જેમાંથી 30 ટકા સ્વચ્છ ઊર્જા છે. તેમણે જણાવ્યું હતું કે, રીવા સોલર પાર્ક દેશમાં સૌથી મોટો છે અને તાજેતરમાં ઓમકારેશ્વરમાં એક ફ્લોટિંગ સોલર પ્લાન્ટનું ઉદઘાટન થયું હતું. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, સરકારે બીના રિફાઇનરી પેટ્રોરસાયણ સંકુલમાં આશરે રૂ. 50,000 કરોડનું રોકાણ કર્યું છે. જે મધ્યપ્રદેશને પેટ્રોરસાયણનું કેન્દ્ર બનાવવામાં મદદરૂપ થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એમપી સરકાર આધુનિક નીતિઓ અને વિશેષ ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ સાથે માળખાગત સુવિધાને ટેકો આપે છે. એમપી 300થી વધુ ઔદ્યોગિક ઝોન ધરાવે છે અને પીથમપુર, રતલામ અને દેવાસમાં હજારો એકરમાં ફેલાયેલા ઇન્વેસ્ટમેન્ટ ઝોન વિકસાવવામાં આવી રહ્યા છે તેની નોંધ લઈને તેમણે મધ્યપ્રદેશમાં રોકાણકારો માટે વધુ સારા વળતરની પ્રચૂર સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો.

ઔદ્યોગિક વિકાસ માટે જળ સુરક્ષાનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, એક તરફ જળ સંરક્ષણની દિશામાં પ્રયાસો થઈ રહ્યાં છે અને બીજી તરફ નદીને એકબીજા સાથે જોડવા માટે એક મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પહેલોથી મધ્યપ્રદેશમાં કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રોને ઘણો લાભ થશે. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, તાજેતરમાં રૂ. 45,000 કરોડનો કેન-બેતવા રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ શરૂ થયો છે, જે આશરે 10 લાખ હેક્ટર ખેતીની જમીનની ઉત્પાદકતા વધારશે અને એમપીમાં જળ વ્યવસ્થાપનને મજબૂત કરશે. તેમણે જણાવ્યું હતું કે, સુવિધાઓથી ફૂડ પ્રોસેસિંગ, કૃષિ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ક્ષેત્રમાં નોંધપાત્ર સંભવિતતાને પ્રાપ્ત થશે.

મધ્યપ્રદેશમાં પોતાની સરકાર બન્યાં પછી વિકાસની ગતિ બમણી થઈ હોવાનું જણાવતાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્ય અને દેશનાં વિકાસ માટે એમપી સરકાર સાથે ખભેખભો મિલાવીને કામ કરી રહી છે. તેમણે ચૂંટણી દરમિયાન તેમના ત્રીજા કાર્યકાળમાં ત્રણ ગણી ઝડપથી કામ કરવાના પોતાના વચનને યાદ કર્યું હતું અને કહ્યું હતું કે, " ગતિ 2025 ના પ્રથમ 50 દિવસમાં સ્પષ્ટ થાય છે." શ્રી મોદીએ તાજેતરના બજેટ પર પ્રકાશ પાડ્યો હતો, જેણે ભારતના વિકાસ માટે દરેક ઉત્પ્રેરકને ઊર્જાવાન બનાવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગ સૌથી મોટો કરદાતા હોવાને કારણે સેવાઓ અને ઉત્પાદન માટે માગ ઊભી કરે છે. બજેટમાં મધ્યમ વર્ગને સશક્ત બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેમાં ₹12 લાખ સુધીની આવકને કરમુક્ત બનાવવા અને ટેક્સ સ્લેબનું પુનર્ગઠન કરવાનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આરબીઆઈએ બજેટને પગલે વ્યાજદરમાં ઘટાડો કર્યો છે.

અંદાજપત્રમાં ઉત્પાદનમાં સંપૂર્ણ સ્વાવલંબન હાંસલ કરવા માટે સ્થાનિક પુરવઠા શૃંખલાના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું જણાવતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, એક સમય હતો, જ્યારે અગાઉની સરકારો દ્વારા એમએસએમઈની સંભવિતતા મર્યાદિત હતી. જે ઇચ્છિત સ્તરે સ્થાનિક પુરવઠા શૃંખલામાં  વિકાસને અટકાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલની પ્રાથમિકતા એમએસએમઇની આગેવાની હેઠળની સ્થાનિક સપ્લાય ચેઇનનું નિર્માણ કરવાની છે. તેમણે ઉમેર્યું હતું કે, એમએસએમઇની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે અને ધિરાણ સાથે સંબંધિત પ્રોત્સાહનો પ્રદાન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ધિરાણની સુલભતા સરળ બનાવવામાં આવી છે તથા મૂલ્ય સંવર્ધન અને નિકાસ માટે ટેકો વધારવામાં આવ્યો છે.

"છેલ્લા એક દાયકામાં, રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સુધારાઓને વેગ આપવામાં આવ્યો છે.  હવે રાજ્ય અને સ્થાનિક સ્તરે પણ સુધારાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે," એમ પ્રધાનમંત્રીએ બજેટમાં ઉલ્લેખિત રાજ્ય ડી-રેગ્યુલેશન કમિશનની ચર્ચા કરતા જણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે, રાજ્યો સાથે સતત સંવાદ જાળવવામાં આવી રહ્યો છે અને રાજ્યો સાથે જોડાણમાં તાજેતરનાં વર્ષોમાં 40,000થી વધારે અનુપાલનમાં ઘટાડો થયો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઉપરાંત 1,500 અપ્રચલિત કાયદાઓને નાબૂદ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનો ઉદ્દેશ વેપાર-વાણિજ્ય કરવાની સરળતાને અવરોધતા નિયમનોને ઓળખવાનો છે અને ડિ-રેગ્યુલેશન કમિશન રાજ્યોમાં રોકાણને અનુકૂળ નિયમનકારી ઇકોસિસ્ટમ ઊભી કરવામાં મદદ કરશે.

અંદાજપત્રમાં મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટી માળખાને સરળ બનાવવા અને ઉદ્યોગ માટે કેટલાંક આવશ્યક ઇનપુટ્સ પર દરોમાં ઘટાડો કરવા પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, કસ્ટમનાં કેસોની આકારણી માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમણે ખાનગી ઉદ્યોગસાહસિકતા અને રોકાણ માટે નવા ક્ષેત્રો ખોલવાના ચાલી રહેલા પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે પરમાણુ ઊર્જા, જૈવ-ઉત્પાદન, મહત્ત્વપૂર્ણ ખનિજોની પ્રક્રિયા અને લિથિયમ બેટરીનાં ઉત્પાદન જેવા માર્ગો રોકાણ માટે ખોલવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, " પગલાં સરકારનાં ઉદ્દેશ અને કટિબદ્ધતાને દર્શાવે છે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ટેક્સટાઇલ, ટૂરિઝમ અને ટેકનોલોજીનાં ક્ષેત્રો ભારતનાં વિકસિત ભવિષ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને કરોડો નવી રોજગારીનું સર્જન કરશે." તેમણે જણાવ્યું હતું કે, ભારત કપાસ, રેશમ, પોલિએસ્ટર અને વિસ્કોઝનો બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. તેમણે નોંધ્યું હતું કે, ટેક્સટાઇલ ક્ષેત્ર કરોડો લોકોને રોજગારી પૂરી પાડે છે તથા ભારત ટેક્સટાઇલમાં સમૃદ્ધ પરંપરા, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતા ધરાવે છે. ઉપરાંત, મધ્યપ્રદેશ, ભારતની સુતરાઉ રાજધાની હોવાને કારણે, દેશના ઓર્ગેનિક કપાસના પુરવઠામાં આશરે 25 ટકા ફાળો આપે છે અને શેતૂર રેશમનો સૌથી મોટો ઉત્પાદક છે જ્યારે રાજ્યની ચંદેરી અને મહેશ્વરી સાડીઓની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે અને તેને જીઆઈ ટેગ મળ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ક્ષેત્રમાં રોકાણ કરવાથી મધ્ય પ્રદેશનાં ટેક્સટાઇલ્સને વૈશ્વિક સ્તરે અસર કરવામાં નોંધપાત્ર મદદ મળશે.

ભારત પરંપરાગત ટેક્સટાઇલ્સ ઉપરાંત નવા માર્ગો શોધી રહ્યું છે વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, એગ્રો ટેક્સટાઇલ્સ, મેડિકલ ટેક્સટાઇલ્સ અને જીઓટેક્સ ટાઇલ્સ જેવા ટેકનિકલ ટેક્સટાઇલ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ઉદ્દેશ માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને બજેટમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સરકારની પીએમ મિત્ર યોજના સુવિખ્યાત છે અને દેશભરમાં સાત મોટા ટેક્સટાઇલ પાર્ક વિકસાવવામાં આવી રહ્યાં છે, જેમાં મધ્યપ્રદેશનો એક પાર્ક સામેલ છે. પહેલ ટેક્સટાઇલ ક્ષેત્રના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે. પ્રધાનમંત્રીએ રોકાણકારોને ટેક્સટાઇલ ક્ષેત્ર માટે જાહેર થયેલી પીએલઆઇ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.

ભારત તેના ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવા આયામો ઉમેરી રહ્યું છે તે રીતે તે પ્રવાસન ક્ષેત્રને પણ વધારી રહ્યું છે બાબતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ એમપી પ્રવાસન અભિયાન "એમપી અજબ હૈ, સબસે ગજબ હૈ"ને યાદ કરીને નર્મદા નદીની આસપાસ અને મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારોમાં પ્રવાસન માળખાના નોંધપાત્ર વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્યમાં અસંખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે વાત કરી હતી તથા સ્વાસ્થ્ય અને પ્રવાસનની પ્રચૂર સંભવિતતા વિશે વાત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, "હીલ ઇન ઇન્ડિયા" મંત્રને વૈશ્વિક સ્તરે લોકપ્રિયતા મળી રહી છે તથા સ્વાસ્થ્ય અને સુખાકારીનાં ક્ષેત્રમાં રોકાણની તકો સતત વધી રહી છે. સરકાર ક્ષેત્રમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપને પ્રોત્સાહન આપી રહી છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની પરંપરાગત સારવારો અને આયુષને મોટા પાયે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તથા વિશેષ આયુષ વિઝા ઇશ્યૂ કરવામાં આવી રહ્યાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પહેલોથી મધ્યપ્રદેશને મોટો લાભ થશે. તેમણે મુલાકાતીઓને ઉજ્જૈનમાં મહાકાલ મહાલોક જોવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જ્યાં તેઓ મહાકાલ તરફથી આશીર્વાદ મેળવશે અને અનુભવ કરશે કે કેવી રીતે દેશ તેના પર્યટન અને હોસ્પિટાલિટી ક્ષેત્રને વિસ્તૃત કરી રહ્યો છે.

લાલ કિલ્લા પરથી પોતાનાં વક્તવ્યનો પુનરોચ્ચાર કરતાં પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું કે, અત્યારે મધ્યપ્રદેશમાં રોકાણ અને રોકાણ વધારવાનો યોગ્ય સમય છે.

કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ છગનભાઈ પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પાર્શ્વ ભાગ

ભોપાલમાં બે દિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (જીઆઇએસ) 2025 મધ્યપ્રદેશને વૈશ્વિક રોકાણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. જીઆઇએસમાં વિભાગીય સમિટનો સમાવેશ થાય છે. ફાર્મા અને મેડિકલ ડિવાઇસીસ, પરિવહન અને લોજિસ્ટિક્સ, ઉદ્યોગ, કૌશલ્ય વિકાસ, પ્રવાસન અને એમએસએમઇ વગેરે પર વિશેષ સત્રો. તેમાં ગ્લોબલ સાઉથ કન્ટ્રીઝ કોન્ફરન્સ, લેટિન અમેરિકા અને કેરેબિયન સત્ર જેવા આંતરરાષ્ટ્રીય સત્રો અને મુખ્ય ભાગીદાર દેશો માટે વિશેષ સત્રોનો પણ સમાવેશ થાય છે.

સમિટ દરમિયાન ત્રણ મોટા ઔદ્યોગિક પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. ઓટો શો મધ્યપ્રદેશની ઓટોમોટિવ ક્ષમતાઓ અને ભાવિ ગતિશીલતા ઉકેલોનું પ્રદર્શન કરે છે. ટેક્સટાઇલ અને ફેશન એક્સ્પો પરંપરાગત અને આધુનિક કાપડ ઉત્પાદન બંનેમાં રાજ્યની કુશળતાને પ્રકાશિત કરે છે. "વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ" (ઓડીઓપી) વિલેજ રાજ્યની વિશિષ્ટ કારીગરી અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે.

સમિટમાં 60થી વધુ દેશોના પ્રતિનિધિઓ, વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અધિકારીઓ, ભારતના 300થી વધુ અગ્રણી ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને નીતિ ઘડવૈયાઓ સામેલ થયા છે.

AP/IJ/GP/JD


(Release ID: 2105751) Visitor Counter : 36