પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 23 JAN 2025 2:25PM by PIB Ahmedabad

મોર પ્રિય ભાઈ ઓ, ભઉણીમાને પરાક્રમ દિવસ અબસર રે શુભેચ્છા!

આજે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીનાં આ શુભ પ્રસંગે, આખો દેશ તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરી રહ્યો છે. હું નેતાજી સુભાષ બાબુને મારી આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ વર્ષે નેતાજીનાં જન્મસ્થળ પર પરાક્રમ દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ માટે હું ઓડિશાનાં લોકો અને ઓડિશા સરકારને અભિનંદન આપું છું. કટકમાં નેતાજીનાં જીવન સાથે સંબંધિત એક વિશાળ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં નેતાજીનાં જીવન સાથે સંબંધિત અનેક વારસાઓને એકસાથે સાચવવામાં આવ્યા છે. ઘણા ચિત્રકારોએ નેતાજીનાં જીવનની ઘટનાઓનાં ચિત્રો કેનવાસ પર દોર્યા છે. આ બધાની સાથે, નેતાજી પર આધારિત ઘણા પુસ્તકો પણ એકત્રિત કરવામાં આવ્યા છે. નેતાજીની જીવનયાત્રાનો આ સંપૂર્ણ વારસો મારા યુવા ભારત, મારા ભારતને એક નવી ઊર્જા આપશે.

મિત્રો,

આજે, જ્યારે આપણો દેશ વિકસિત ભારતનાં સંકલ્પને પ્રાપ્ત કરવામાં રોકાયેલ છે, ત્યારે આપણને નેતાજી સુભાષના જીવનમાંથી સતત પ્રેરણા મળે છે. નેતાજીના જીવનનું સૌથી મોટું લક્ષ્ય આઝાદ હિંદ હતું. પોતાના સંકલ્પને પ્રાપ્ત કરવા માટે, તેમણે ફક્ત એક જ માપદંડ પર પોતાના નિર્ણયની ચકાસણી કરી - આઝાદ હિંદ. નેતાજીનો જન્મ એક શ્રીમંત પરિવારમાં થયો હતો, તેમણે સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી. જો તેઓ ઇચ્છતા હોત તો બ્રિટિશ શાસનમાં વરિષ્ઠ અધિકારી બનીને આરામદાયક જીવન જીવી શક્યા હોત, પરંતુ તેમણે સ્વતંત્રતા માટે કષ્ટો પસંદ કરી, પડકારો પસંદ કર્યા, દેશ-વિદેશમાં ભટકવાનું પસંદ કર્યું, નેતાજી સુભાષ કમ્ફર્ટ ઝોનથી બંધાયેલા નહોતા. તેવી જ રીતે, આજે આપણે બધાએ વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. આપણે પોતાને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ બનાવવું પડશે, આપણે શ્રેષ્ઠતા પસંદ કરવી પડશે, આપણે કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

મિત્રો,

નેતાજીએ દેશની આઝાદી માટે આઝાદ હિંદ ફોજની રચના કરી; તેમાં દેશના દરેક ક્ષેત્ર અને દરેક વર્ગના નાયકો અને નાયકાઓનો સમાવેશ થતો હતો. દરેકની ભાષાઓ અલગ અલગ હતી, પણ લાગણી એક જ હતી - દેશની સ્વતંત્રતા. આ એકતા આજે વિકસિત ભારત માટે એક મોટો પાઠ છે. ત્યારે આપણે સ્વરાજ માટે એક થવું પડ્યું, આજે આપણે વિકસિત ભારત માટે એક થવું પડશે. આજે દેશમાં અને દુનિયામાં દરેક જગ્યાએ ભારતની પ્રગતિ માટે અનુકૂળ વાતાવરણ છે. આ 21મી સદીને ભારતની સદી કેવી રીતે બનાવીએ તે જોવા માટે દુનિયા ભારત તરફ જોઈ રહી છે અને આવા મહત્વપૂર્ણ સમયમાં, આપણે નેતાજી સુભાષની પ્રેરણાથી ભારતની એકતા પર ભાર મૂકવો પડશે. આપણે એવા લોકોથી પણ સાવધ રહેવું પડશે જેઓ દેશને નબળો પાડવા માંગે છે, જેઓ દેશની એકતાને તોડવા માંગે છે.

મિત્રો,

નેતાજી સુભાષને ભારતનાં વારસા પર ખૂબ ગર્વ હતો. તેઓ ઘણીવાર ભારતનાં સમૃદ્ધ લોકશાહી ઇતિહાસ વિશે વાત કરતા અને તેમાંથી પ્રેરણા લેવાની હિમાયત કરતા. આજે ભારત ગુલામીની માનસિકતામાંથી બહાર આવી રહ્યું છે. તે પોતાના વારસા પર ગર્વ અનુભવતી વખતે વિકાસ પામી રહ્યું છે. આઝાદ હિંદ સરકારનાં 75 વર્ષ પૂર્ણ થવા પર મને લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવાની તક મળી તે મારું સૌભાગ્ય છે. હું તે ઐતિહાસિક પ્રસંગ ક્યારેય ભૂલી શકતો નથી. નેતાજીનાં વારસામાંથી પ્રેરણા લઈને, અમારી સરકારે 2019માં દિલ્હીના લાલ કિલ્લામાં નેતાજી સુભાષને સમર્પિત એક સંગ્રહાલય બનાવ્યું. સુભાષ ચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ્સની સ્થાપના તે જ વર્ષે કરવામાં આવી હતી. 2021માં, સરકારે નિર્ણય લીધો કે નેતાજીની જન્મજયંતિ હવે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે. ઇન્ડિયા ગેટ પાસે નેતાજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવી, આંદામાનમાં એક ટાપુનું નામ નેતાજીનાં નામ પર રાખવું, પ્રજાસત્તાક દિવસની પરેડમાં INA સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવી એ સરકારની આ ભાવનાનાં પ્રતીકો છે.

મિત્રો,

છેલ્લા 10 વર્ષોમાં, દેશે એ પણ બતાવ્યું છે કે ઝડપી વિકાસ સામાન્ય લોકોનું જીવન સરળ બનાવે છે અને લશ્કરી શક્તિમાં પણ વધારો કરે છે. છેલ્લા દાયકામાં, 25 કરોડ ભારતીયોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે; આ એક મોટી સફળતા છે. આજે, ગામ હોય કે શહેર, દરેક જગ્યાએ આધુનિક માળખાગત સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે, આ સાથે, ભારતીય સેનાની તાકાતમાં પણ અભૂતપૂર્વ વધારો થયો છે. આજે વિશ્વ મંચ પર ભારતની ભૂમિકા વધી રહી છે, ભારતનો અવાજ બુલંદ થઈ રહ્યો છે, તે દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે. નેતાજી સુભાષથી પ્રેરિત થઈને, આપણે વિકસિત ભારત માટે એક ધ્યેય અને એક ઉદ્દેશ્ય સાથે કામ કરતા રહેવું પડશે અને આ જ નેતાજીને આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે. ફરી એકવાર, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આભાર!

AP/IJ/GP/JD


(Release ID: 2095454) Visitor Counter : 30