મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

મંત્રીમંડળને રાષ્ટ્રીય આરોગ્ય મિશન (2021-24) હેઠળની સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી: ભારતના જાહેર આરોગ્ય પરિણામોને સુધારવામાં એક સીમાચિહ્ન

એનએચએમએ નાણાકીય વર્ષ 2021-24 ની વચ્ચે 12 લાખથી વધુ વધારાનાં હેલ્થકેર વર્કર્સની નિમણૂંક કરી

એનએચએમ હેઠળ દેશભરમાં 220 કરોડ કોવિડ -19 રસીનાં ડોઝ આપવામાં આવ્યા

1990થી અત્યાર સુધીમાં એમએમઆરમાં 83 ટકાનો ઘટાડો થયો છે, જે વૈશ્વિક સ્તરે 45 ટકાનાં ઘટાડા કરતા વધારે છે

ભારતમાં 5 વર્ષથી ઓછી વયનાં બાળકોનાં મૃત્યુદરમાં 75 ટકાનો ઊંચો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે 1990થી અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે 60 ટકાનો ઘટાડો થયો છે

વર્ષ 2015માં ટીબીનું પ્રમાણ 1,00,000ની વસતિદીઠ 237થી ઘટીને વર્ષ 2023માં 195 થયું હતું. આ જ સમયગાળામાં ટીબીનો મૃત્યુ દર 28થી ઘટીને 22 થયો છે

1.56 લાખ નિ-ક્ષય મિત્ર સ્વયંસેવકો પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબીનાં 9.4 લાખથી વધુ દર્દીઓને સહાય કરી રહ્યા છે

આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્રો નાણાકીય વર્ષ 2023-24 સુધીમાં 1.72 લાખનાં આંકને આંબી ગયા

નેશનલ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન દ્વારા 2.61 કરોડથી વધુ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી

મીઝલ્સ-રૂબેલા રસીકરણ અભિયાનમાં ભારતે 97.98% કવરેજ હાંસલ કર્યું

મેલેરિયા નિયંત્રણનાં પ્રયત્નોથી મૃત્યુદર અને કેસોમાં ઘટાડો થાય છે

કાલા અઝાર નાબૂદી લક્ષ્યો સફળતાપૂર્વક પૂર્ણ થયા

સમગ્ર ભારતમાં રસીકરણની ઘટનાઓને ટ્રેક કરવા માટે યુ-વિન પાયલોટની શરૂઆત કરવામાં આવી

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમથી નાણાકીય વર્ષ 2023-24માં 4.53 લાખથી વધુ ડાયાલિસિસ દર્દીઓને લાભ થયો છે

Posted On: 22 JAN 2025 2:37PM by PIB Ahmedabad

નેશનલ હેલ્થ મિશન (એનએચએમ)એ માનવ સંસાધનોનાં વિસ્તરણ, આરોગ્યને લગતી ગંભીર સમસ્યાઓનું સમાધાન કરવા અને આરોગ્ય કટોકટી સામે સંકલિત પ્રતિભાવને પ્રોત્સાહન આપવાનાં તેના અવિરત પ્રયાસો દ્વારા ભારતનાં જાહેર આરોગ્ય પરિણામોને સુધારવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન એનએચએમએ માતૃત્વ અને બાળકનાં સ્વાસ્થ્ય, રોગ નાબૂદી અને હેલ્થકેર માળખાગત સુવિધા સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. મિશનનાં પ્રયાસો ભારતનાં સ્વાસ્થ્ય સુધારાઓ, ખાસ કરીને કોવિડ-19 રોગચાળા દરમિયાન અભિન્ન રહ્યા છે અને સમગ્ર દેશમાં વધુ સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

એનએચએમની મુખ્ય સિદ્ધિ એ આરોગ્યસંભાળ ક્ષેત્રમાં માનવ સંસાધનોમાં નોંધપાત્ર વધારો છે. નાણાકીય વર્ષ 2021-22માં એનએચએમએ જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર્સ (જીડીએમઓ), નિષ્ણાતો, સ્ટાફ નર્સો, એએનએમ, આયુષ ડૉક્ટર્સ, આનુષંગિક હેલ્થકેર વર્કર્સ અને પબ્લિક હેલ્થ મેનેજર્સ સહિત 2.69 લાખ વધારાનાં હેલ્થકેર વર્કર્સને સામેલ કરવાની સુવિધા આપી હતી. આ ઉપરાંત 90,740 સામુદાયિક આરોગ્ય અધિકારીઓ (સીએચઓ)ને પણ કામે લગાડવામાં આવ્યા હતા. તે પછીનાં વર્ષોમાં આ સંખ્યામાં વધારો થયો છે.  નાણાકીય વર્ષ 2022-23માં 4.21 લાખ વધારાનાં હેલ્થકેર વ્યાવસાયિકો રોકાયેલા છે. જેમાં નાણાકીય વર્ષ 2023-24માં 1.29 લાખ સીએચઓ અને 5.23 લાખ કામદારો સામેલ છે. જેમાં 1.38 લાખ સીએચઓ સામેલ છે. આ પ્રયાસોએ ખાસ કરીને તળિયાના સ્તરે હેલ્થકેર ડિલિવરીમાં સુધારો કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

એનએચએમ માળખાએ જાહેર આરોગ્ય પ્રણાલીને મજબૂત બનાવવામાં, ખાસ કરીને કોવિડ -19 રોગચાળાનાં પ્રતિસાદમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આરોગ્ય સુવિધાઓ અને કામદારોનાં હાલનાં નેટવર્કનો ઉપયોગ કરીને એનએચએમએ જાન્યુઆરી 2021 થી માર્ચ 2024ની વચ્ચે 220 કરોડથી વધુ કોવિડ -19 રસી ડોઝ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, એનએચએમ હેઠળ બે તબક્કામાં અમલમાં મૂકવામાં આવેલા ઇન્ડિયા કોવિડ -19 ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ્સ પ્રિપેર્ડનેસ પેકેજ (ઇસીઆરપી) એ રોગચાળાને અસરકારક રીતે સંચાલિત કરવા માટે હેલ્થકેર સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી હતી.

ભારતે એનએચએમ હેઠળનાં મુખ્ય આરોગ્ય સૂચકાંકોમાં પણ પ્રભાવશાળી પ્રગતિ કરી છે. મેટરનલ મોર્ટાલિટી રેશિયો (એમએમઆર) વર્ષ 2014-16માં દર લાખ જીવિત જન્મદીઠ 130થી નોંધપાત્ર રીતે ઘટીને વર્ષ 2018-20માં 97 ટકા પ્રતિ લાખ થયો છે. જે 25 ટકાનો ઘટાડો દર્શાવે છે. 1990થી અત્યાર સુધીમાં તેમાં 83 ટકાનો ઘટાડો થયો છે, જે વૈશ્વિક સ્તરે 45 ટકાનાં ઘટાડા કરતાં વધારે છે. એ જ રીતે 5 વર્ષથી ઓછી ઉમરનાં બાળકોમાં  મૃત્યુદર (યુ5એમઆર) વર્ષ 2014માં 1,000 જીવંત જન્મ દીઠ 45થી ઘટીને વર્ષ 2020માં 32 થયો છે.  જે 1990થી અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે 60 ટકાનાં ઘટાડાની સરખામણીમાં મૃત્યુદરમાં 75 ટકાનો ઊંચો ઘટાડો દર્શાવે છે. શિશુ મૃત્યુ દર (આઇએમઆર) વર્ષ 2014માં 1,000 જીવંત જન્મ દીઠ 39થી ઘટીને વર્ષ 2020માં 28 થયો છે. આ ઉપરાંત, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ -5) અનુસાર કુલ પ્રજનન દર (ટીએફઆર) 2015માં 2.3 થી ઘટીને 2020 માં 2.0 થઈ ગયો છે. આ સુધારાઓ સૂચવે છે કે ભારત વર્ષ 2030 અગાઉ માતૃત્વ, બાળ અને શિશુ મૃત્યુદર માટેનાં એસડીજી લક્ષ્યાંકો હાંસલ કરવાનાં માર્ગે અગ્રેસર છે.

એન.એચ.એમ. વિવિધ રોગોને નાબૂદ કરવા અને નિયંત્રણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે, રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ (એનટીઇપી) હેઠળ ક્ષય (ટીબી)નું પ્રમાણ 2015માં 1,00,000ની વસતિએ 237થી ઘટીને 2023માં 195 થયું હતું અને સમયગાળામાં મૃત્યુદર 28થી ઘટીને 22 થયો છે. મેલેરિયાનાં  મામલે વર્ષ 2021માં મેલેરિયાનાં કેસ અને મૃત્યુમાં 2020ની સરખામણીએ અનુક્રમે 13.28 ટકા અને 3.22 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2022 માં મેલેરિયા સર્વેલન્સ અને કેસોમાં અનુક્રમે 32.92% અને 9.13% નો વધારો થયો છે.  જ્યારે મેલેરિયાનાં મૃત્યુમાં 2021 ની તુલનામાં 7.77% નો ઘટાડો થયો છે. વર્ષ 2023માં મેલેરિયા સર્વેલન્સ અને કેસોમાં 2022ની તુલનામાં અનુક્રમે 8.34% અને 28.91%નો વધારો થયો છે. વધુમાં, કાલા-અઝાર નાબૂદીનાં  પ્રયાસો સફળ રહ્યા છે. જેમાં 2023નાં અંત સુધીમાં 10,000ની વસતિ દીઠ 100 ટકા સ્થાનિક બ્લોકસે એકથી ઓછા કેસનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. સઘન મિશન ઇન્દ્રધનુષ (આઇએમઆઇ) 5.0 હેઠળ મીઝલ્સ-રૂબેલા નાબૂદી અભિયાને 34.77 કરોડથી વધુ બાળકોને રસી આપી હતી અને 97.98 ટકા કવરેજ હાંસલ કર્યું હતું.

વિશેષ સ્વાસ્થ્ય પહેલનાં સંદર્ભમાં સપ્ટેમ્બર 2022માં શરૂ કરવામાં આવેલા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનમાં 1,56,572 લાખ નિ-ક્ષય મિત્ર સ્વયંસેવકોની નોંધણી કરવામાં આવી છે. જેઓ 9.40 લાખથી વધુ ટીબી દર્દીઓને ટેકો આપી રહ્યા છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમ (પીએમએનડીપી)નું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં નાણાકીય વર્ષ 2023-24માં 62.35 લાખથી વધારે હિમોડાયાલિસિસ સત્રો પ્રદાન કરવામાં આવ્યાં છે. જેનાથી 4.53 લાખથી વધારે ડાયાલિસિસ દર્દીઓને લાભ થશે. આ ઉપરાંત, 2023માં શરૂ કરવામાં આવેલા નેશનલ સિકલ સેલ એનિમિયા નાબૂદી અભિયાને આદિવાસી વિસ્તારોમાં 2.61 કરોડથી વધુ લોકોની તપાસ કરી છે. જે 2047 સુધીમાં સિકલ સેલ રોગને નાબૂદ કરવાનાં લક્ષ્ય તરફ કામ કરી રહ્યું છે.

ડિજિટલ આરોગ્ય પહેલ પર પણ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જાન્યુઆરી 2023માં યુ-વિન પ્લેટફોર્મનો પ્રારંભ એ સુનિશ્ચિત કરે છે કે, ભારતભરમાં સગર્ભા સ્ત્રીઓ, શિશુઓ અને બાળકોને સમયસર રસી આપવામાં આવે. નાણાકીય વર્ષ 2023-24નાં અંત સુધીમાં આ પ્લેટફોર્મનું વિસ્તરણ 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં 65 જિલ્લાઓમાં થયું હતું. જે વાસ્તવિક સમયનાં રસીકરણ ટ્રેકિંગને સુનિશ્ચિત કરે છે અને રસીકરણ કવરેજમાં સુધારો કરે છે.

એનએચએમએ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ (એનક્યુએએસ) હેઠળ જાહેર આરોગ્ય સુવિધાઓનાં પ્રમાણપત્રનો પણ સમાવેશ થાય છે. માર્ચ 2024 સુધીમાં, 7,998 જાહેર આરોગ્ય સુવિધાઓને પ્રમાણિત કરવામાં આવી છે. જેમાંથી 4,200 થી વધુને રાષ્ટ્રીય પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત કાર્યરત આયુષ્માન આરોગ્ય મંદિર (એએએમ) કેન્દ્રોની સંખ્યા, જે વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ પ્રદાન કરે છે, નાણાકીય વર્ષ 2023-24નાં અંત સુધીમાં વધીને 1,72,148 થઈ ગઈ છે. જેમાંથી 1,34,650 કેન્દ્રો 12 મુખ્ય હેલ્થકેર સેવાઓ પ્રદાન કરે છે.

એનએચએમનાં પ્રયાસો 24×7 પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો (પીએચસી) અને ફર્સ્ટ રેફરલ યુનિટ્સ (એફઆરઆઇ)ની સ્થાપના સાથે ઇમરજન્સી સેવાઓમાં સુધારો કરવા સુધી વિસ્તૃત થયા છે. માર્ચ 2024 સુધીમાં 12,348 પીએચસીને 24x7 સેવાઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા અને દેશભરમાં 3,133 એફ.આર.યુ. કાર્યરત હતા. આ ઉપરાંત મોબાઇલ મેડિકલ યુનિટ્સ (એમએમયુ)નો કાફલો પણ વિસ્તર્યો છે.  જેમાં અત્યારે 1,424 એમએમયુ કાર્યરત છે. જેથી અંતરિયાળ અને વંચિત વિસ્તારોમાં હેલ્થકેર સુલભતા સુનિશ્ચિત કરી શકાય. 2023માં એમએમયુ પોર્ટલની રજૂઆતથી નબળા આદિજાતિ જૂથો માટે આરોગ્ય સૂચકાંકો પર દેખરેખ અને ડેટા સંગ્રહને વધુ મજબૂત બનાવવામાં આવ્યા હતા.

NHM એ તમાકુનાં ઉપયોગ અને સર્પદંશથી ચડતા ઝેર જેવા જાહેર આરોગ્યનાં મુદ્દાઓને પણ સંબોધિત કર્યા છે. સતત જનજાગૃતિ ઝુંબેશ અને તમાકુ નિયંત્રણ કાયદાઓનાં અમલીકરણ દ્વારા એનએચએમએ છેલ્લા એક દાયકામાં તમાકુનાં વપરાશમાં 17.3 ટકાનો ઘટાડો કરવામાં ફાળો આપ્યો છે. વધુમાં, નાણાકીય વર્ષ 2022-23માં સર્પદંશથી થતા ઝેરનાં નિવારણ, શિક્ષણ અને વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરીને રાષ્ટ્રીય કાર્ય યોજના (NAPSE) શરૂ કરવામાં આવી હતી.

એનએચએમનાં ચાલી રહેલા પ્રયાસોથી ભારતનાં હેલ્થકેર લેન્ડસ્કેપમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું છે. માનવ સંસાધનોનું વિસ્તરણ કરીને, આરોગ્ય પરિણામોમાં સુધારો કરીને અને આરોગ્યને લગતી ગંભીર સમસ્યાઓનું સમાધાન કરીને, એનએચએમ દેશભરમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને સુલભતામાં વધારો કરવાનું ચાલુ રાખે છે. સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો (એસડીજી)ને હાંસલ કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાથે ભારત વર્ષ 2030ની સમયમર્યાદા અગાઉ જ તેનાં સ્વાસ્થ્યલક્ષી લક્ષ્યાંકો હાંસલ કરવાનાં માર્ગે અગ્રેસર છે.

પાશ્વભાગ:

રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશનની શરૂઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ જાહેર સ્વાસ્થ્ય વ્યવસ્થાનું નિર્માણ કરવાનો હતો.  જેનો ઉદ્દેશ ગ્રામીણ વસતિ, ખાસ કરીને વંચિત જૂથોને જિલ્લા હોસ્પિટલો (ડીએચ) સ્તર સુધી સુલભ, વાજબી અને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરવાનો છે. વર્ષ 2012માં નેશનલ અર્બન હેલ્થ મિશન (એનયુએચએમ)ની કલ્પના કરવામાં આવી હતી અને એનઆરએચએમને બે પેટા મિશન એટલે કે એનઆરએચએમ અને એનયુએચએમ સાથે નેશનલ હેલ્થ મિશન (એનએચએમ) નામ આપવામાં આવ્યું હતું.

મંત્રીમંડળે 21 માર્ચ, 2018નાં રોજ યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાનને 1 એપ્રિલ, 2017થી 31 માર્ચ, 2020 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.

નાણાં મંત્રાલય, ખર્ચ વિભાગ, 10 જાન્યુઆરી, 2020નાં રોજ તેના ઓફિસ મેમોરેન્ડમ નંબર 42 (02 /પીએફ-II.2.2014) દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશનને 31 માર્ચ 2021 સુધીનાં સમયગાળા માટે અથવા 15માં નાણાં પંચની ભલામણ અમલમાં આવે ત્યાં સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી વચગાળાનું વિસ્તરણ પણ કર્યું છે.

ખર્ચ વિભાગનાં નાણાં મંત્રાલયે 01 ફેબ્રુઆરી, 2022નાં રોજ પોતાનાં ઓએમ નંબર 01(01)/પીએફસી-આઇ/2022 મારફતે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાનને 01.04.2021થી 31.03.2026 સુધી અથવા તો આગળની સમીક્ષા સુધી ચાલુ રાખવા માટે મંજૂરી આપી દીધી છે. જે બેમાંથી જે પણ અગાઉ હોય, ખર્ચ નાણાં સમિતિ (ઇએફસી)ની ભલામણો અને નાણાકીય ટોચમર્યાદા વગેરેનાં પાલનને આધિન છે.

એનએચએમ ફ્રેમવર્ક માટે મંત્રીમંડળની મંજૂરીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સોંપાયેલી સત્તાઓનો ઉપયોગ શરતને આધિન રહેશે કે એન(આર) એચએમ સાથે સંબંધિત પ્રગતિ અહેવાલ, નાણાકીય ધારાધોરણોમાં વિચલન, ચાલુ યોજનાઓમાં સુધારા અને નવી યોજનાઓની વિગતો વાર્ષિક ધોરણે માહિતી માટે મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવે.

અમલીકરણ વ્યૂહરચના: એનએચએમ હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની અમલીકરણ વ્યૂહરચના રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો (કેન્દ્રશાસિત પ્રદેશો)ને નાણાકીય અને ટેકનિકલ સહાય પ્રદાન કરવાની છે, જે તેમને જિલ્લા હોસ્પિટલો (ડીએચ) સુધી સુલભ, વાજબી, જવાબદાર અને અસરકારક હેલ્થકેર ખાસ કરીને ગરીબ અને નબળા વર્ગોને પ્રદાન કરવા સક્ષમ બનાવશે. તેનો ઉદ્દેશ સુધારેલા આરોગ્ય માળખા, માનવ સંસાધનમાં વધારો અને ગ્રામીણ વિસ્તારોમાં સેવાની વધુ સારી ડિલિવરી મારફતે ગ્રામીણ આરોગ્ય સેવાઓમાં રહેલી ખામીને દૂર કરવાનો પણ છે તથા જરૂરિયાત-આધારિત હસ્તક્ષેપોને સરળ બનાવવા, આંતર અને આંતર-ક્ષેત્રીય સમન્વયમાં સુધારો કરવા અને સંસાધનોનાં અસરકારક ઉપયોગ માટે જિલ્લા સ્તરે કાર્યક્રમનાં વિકેન્દ્રીકરણની કલ્પના પણ કરી છે.

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2095059) Visitor Counter : 58