માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025માં ભાગ લેશે


શ્રી અશ્વિની વૈષ્ણવ દાવોસમાં ભારતના વિકાસ મોડેલને ઉજાગર કરશે; ડબલ્યુઇએફ 2025માં સર્વસમાવેશક વિકાસ અને ડિજિટલ પરિવર્તન માટે ભારતનું વિઝન મુખ્ય હાઇલાઇટ્સ બનશે

Posted On: 19 JAN 2025 7:54AM by PIB Ahmedabad

કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઇએફ) 2025માં ભાગ લેશે. તેમની આ મુલાકાત સર્વસમાવેશક વિકાસ અને પરિવર્તનકારી વિકાસને આગળ ધપાવવાની ભારતની કટિબદ્ધતા પર પ્રકાશ ફેંકે છે, જેની કલ્પના ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.

સર્વસમાવેશક વિકાસનું ભારતનું મોડલ

દાવોસ જવા રવાના થતાં અગાઉ શ્રી વૈષ્ણવે સમાજનાં તમામ વર્ગો, ખાસ કરીને ઐતિહાસિક રીતે પ્રગતિથી વંચિત રહી ગયેલા લોકો માટે વિકાસ સુનિશ્ચિત કરવામાં ભારતની મહત્ત્વપૂર્ણ હરણફાળ પર ભાર મૂક્યો હતો. "ભારતના પ્રધાનમંત્રીએ સર્વસમાવેશક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે પિરામિડના તળિયે રહેલા લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવે છે. તેમણે જણાવ્યું હતું કે, બેંક ખાતાઓ મારફતે નાણાકીય સર્વસમાવેશકતાથી માંડીને શૌચાલયો, ગેસ કનેક્શન, નળનાં પાણી અને ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોમાં માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા સુધી, આ બાબતને વિશ્વ સમજવા ઇચ્છે છે."

કેન્દ્રીય મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સર્વસમાવેશક વૃદ્ધિ, સામાજિક, ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વિશે તથા ટેકનોલોજીનું લોકશાહીકરણ કરવા વિશે વિસ્તૃત ચર્ચા થશે.

સ્પોટલાઇટમાં ભારતની ડિજિટલ ક્રાંતિ          

કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025માં તેમની વિદાય અગાઉ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની પરિવર્તનશીલ ડિજિટલ સફરમાં વૈશ્વિક રસ પર ભાર મૂક્યો હતો. "વિશ્વ ભારતની આર્થિક નીતિઓ, ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ દ્વારા લાવવામાં આવેલા ડિજિટલ પરિવર્તન અને સમાજના તમામ સ્તરોનાં નાગરિકોને સશક્ત બનાવવા માટે ટેકનોલોજીનું જે રીતે લોકશાહીકરણ કરવામાં આવ્યું છે તે સમજવા માટે ઉત્સુક છે," એમ મંત્રીએ જણાવ્યું હતું.

ડિજિટલ ઇન્ડિયા પહેલના ભાગરૂપે વિકસાવવામાં આવેલા ભારતનાં નવીન ડિજિટલ આર્કિટેક્ચરે સર્વસમાવેશક વિકાસને વેગ આપવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે, જે મંચ પર ચર્ચાનું મુખ્ય કેન્દ્ર છે.

ડબલ્યુઇએફ 2025માં ભારતની ભાગીદારીનો ઉદ્દેશ ભાગીદારીને મજબૂત કરવાનો, રોકાણ આકર્ષવાનો અને દેશને સ્થાયી વિકાસ અને ટેકનોલોજીકલ નવીનતામાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2094240) Visitor Counter : 50