પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સફળતાપૂર્વક અમલ દેશને સમર્પિત કર્યો
આ કાયદાઓ વસાહતી-યુગના કાયદાઓના અંતને સૂચવે છે: પ્રધાનમંત્રી
નવા ફોજદારી કાયદાઓ લોકશાહીનો પાયો રચે છે - "લોકોની, લોકો દ્વારા, લોકો માટે" ની ભાવનાને મજબૂત કરે છે: પ્રધાનમંત્રી
ન્યાય સંહિતા સમાનતા, સંવાદિતા અને સામાજિક ન્યાયના આદર્શો સાથે વણાયેલી છે: પ્રધાનમંત્રી
ભારતીય ન્યાય સંહિતાનો મંત્ર છે - નાગરિક પ્રથમ: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
03 DEC 2024 4:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદીગઢમાં ત્રણ પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમ – ના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ચંદીગઢની ઓળખ દેવી મા ચંડી સાથે સંકળાયેલી છે, જે સત્ય અને ન્યાયની સ્થાપના કરનારી સત્તાનું એક સ્વરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ જ ફિલસૂફી ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના સંપૂર્ણ બંધારણનો આધાર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય બંધારણની ભાવનાથી પ્રેરિત થઈને ભારતીય ન્યાય સંહિતાનું અમલીકરણ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી, કારણ કે દેશ વિકસિત ભારતનાં પ્રસ્તાવ સાથે આગળ વધવાનાં મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને સાથે-સાથે ભારતીય બંધારણનાં 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણા બંધારણમાં દેશના નાગરિકો માટે જે આદર્શોની કલ્પના કરવામાં આવી છે, તેને પરિપૂર્ણ કરવાની દિશામાં આ એક નક્કર પ્રયાસ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમને હમણાં જ એની એક ઝલક જોવા મળી હતી કે, આ કાયદાનું જીવંત પ્રદર્શન કરીને તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ લોકોને કાયદાનાં લાઇવ ડેમોની મુલાકાત લેવા અપીલ કરી હતી. તેમણે ત્રણ નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણ પ્રસંગે તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ચંદીગઢના વહીવટના તમામ હોદ્દેદારોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની નવી ન્યાય સંહિતા બનાવવાની પ્રક્રિયા દસ્તાવેજની જેમ જ વિસ્તૃત રહી છે. તેમણે ઉમેર્યું કે તેમાં દેશના ઘણા મહાન બંધારણ અને કાનૂની નિષ્ણાતોની સખત મહેનત શામેલ છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ગૃહ મંત્રાલયે જાન્યુઆરી, 2020માં સૂચનો માંગ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, દેશની અનેક ઉચ્ચ અદાલતોના મુખ્ય ન્યાયાધીશોના સમર્થન સાથે સુપ્રીમ કોર્ટના ઘણા મુખ્ય ન્યાયાધીશોના સૂચનો પણ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ, 16 હાઈકોર્ટ, જ્યુડિશિયલ એકેડેમીઝ, લો ઇન્સ્ટિટ્યૂશન્સ, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ અને ઘણાં બૌદ્ધિકો સહિત અનેક હિતધારકો ચર્ચા-વિચારણા અને ચર્ચાઓમાં સામેલ હતા તથા તેમણે વર્ષોથી તેમના બહોળા અનુભવનો ઉપયોગ કરીને નવા સંહિતાઓ માટે તેમનાં સૂચનો અને વિચારો આપ્યાં હતાં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજના આધુનિક વિશ્વમાં રાષ્ટ્રની જરૂરિયાતો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ન્યાયતંત્રે આઝાદીનાં સાત દાયકામાં જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો, તેના પર સઘન વિચારમંથન થયું હતું તેમજ દરેક કાયદાનાં વ્યવહારિક પાસા પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે ન્યાય સંહિતાના ભાવિ પાસા પર પણ કામ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આ તમામ સઘન પ્રયાસોએ અમને ન્યાય સંહિતાનું વર્તમાન સ્વરૂપ આપ્યું છે. શ્રી મોદીએ નવી ન્યાય સંહિતા માટેનાં સહિયારાં પ્રયાસો માટે સર્વોચ્ચ અદાલત, ઉચ્ચ ન્યાયાલયો – પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ અને ખાસ કરીને તમામ માનનીય ન્યાયાધિશોનો આભાર માન્યો હતો. તેમણે આગળ આવવા અને તેની માલિકી લેવા બદલ બારનો આભાર પણ માન્યો. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતનું આ ન્યાય સંહિતા, જે દરેકનાં સહકારથી બન્યું છે, તે ભારતની ન્યાયિક સફરમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
આઝાદી પૂર્વેના સમયમાં અંગ્રેજો દ્વારા દમન અને શોષણના સાધન તરીકે ફોજદારી કાયદાઓ ઘડવામાં આવ્યા હતા તેની નોંધ લઈને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 1857માં દેશની સૌપ્રથમ મોટી સ્વતંત્રતાની લડતના પરિણામે વર્ષ 1860માં ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની શરૂઆત કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, થોડાં વર્ષો પછી ભારતીય પુરાવા ધારો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સીઆરપીસીનું પ્રથમ માળખું અસ્તિત્વમાં આવ્યું હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આ કાયદાઓનો ઉદ્દેશ ભારતીયોને સજા કરવાનો અને તેમને ગુલામ બનાવવાનો છે. તેમણે વ્યક્ત કર્યું હતું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે આઝાદીના દાયકાઓ પછી પણ, આપણા કાયદાઓ સમાન દંડ સંહિતા અને દંડનીય માનસિકતાની આસપાસ ફરતા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમયાંતરે કાયદામાં ફેરફાર કરવા છતાં તેમનું ચારિત્ર્ય યથાવત્ રહ્યું હતું. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુલામીની આ માનસિકતાએ ભારતની પ્રગતિને ઘણી હદ સુધી અસર કરી છે.
દેશે હવે આ સંસ્થાનવાદી માનસિકતામાંથી બહાર આવવું જોઈએ એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી કે, રાષ્ટ્રની તાકાતનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણમાં થવો જોઈએ, જે માટે રાષ્ટ્રીય વિચારસરણીની જરૂર છે. તેમણે યાદ કર્યું કે આ વર્ષે સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન, તેમણે દેશને ગુલામીની માનસિકતાથી મુક્ત થવાનું વચન આપ્યું હતું. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવા ન્યાય સંહિતાઓના અમલીકરણ સાથે દેશે એ દિશામાં વધુ એક પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ન્યાય સંહિતા 'લોકોની, લોકો દ્વારા, લોકો માટે'ની ભાવનાને મજબૂત કરી રહી છે, જે લોકશાહીનો પાયો છે.
ન્યાય સંહિતા સમાનતા, સંવાદિતા અને સામાજિક ન્યાયના વિચારોથી વણાયેલી છે એમ જણાવતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, કાયદાની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ સમાન હોવા છતાં વ્યવહારિક વાસ્તવિકતા જુદી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગરીબ લોકો કાયદાથી ડરે છે, ત્યાં સુધી કે તેઓ કોર્ટ કે પોલીસ સ્ટેશનમાં પણ પગ મુકતા પણ ડરે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, નવી ન્યાય સંહિતા સમાજનાં મનોવિજ્ઞાનને બદલવાનું કામ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, દરેક ગરીબને વિશ્વાસ હશે કે દેશનો કાયદો સમાનતાની ગેરંટી છે. તેમણે કહ્યું હતું કે, આ બાબત આપણા બંધારણમાં આપવામાં આવેલા સાચા સામાજિક ન્યાયને મૂર્ત સ્વરૂપ આપે છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા દરેક પીડિત પ્રત્યે સંવેદનશીલતા ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશનાં નાગરિકોએ તેની વિગતો જાણવી અનિવાર્ય છે. શ્રી મોદીએ ઉપસ્થિત જનમેદનીને ત્યાં લાઇવ ડેમો જોવાની અપીલ કરતાં કહ્યું હતું કે, આજે ચંદીગઢમાં જે લાઇવ ડેમો પ્રદર્શિત થાય છે, તેને દરેક રાજ્યની પોલીસ દ્વારા પ્રમોટ અને પ્રસારિત કરવામાં આવે. કાયદામાં એવી જોગવાઈઓ સામેલ છે જેમ કે ફરિયાદના 90 દિવસની અંદર, પીડિતાને કેસની પ્રગતિ સંબંધિત માહિતી આપવી પડશે અને આ માહિતી એસએમએસ જેવી ડિજિટલ સેવાઓ દ્વારા સીધી તેના સુધી પહોંચશે. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને કામના સ્થળે, ઘર અને સમાજમાં મહિલાઓના અધિકારો અને સુરક્ષા સહિતની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક અલગ પ્રકરણ રજૂ કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ન્યાય સંહિતાએ એ બાબતની ખાતરી આપી હતી કે, કાયદો પીડિતાની સાથે ઊભો રહે. તેમણે ઉમેર્યું હતું કે, બળાત્કાર જેવા જઘન્ય અપરાધોમાં પ્રથમ સુનાવણીથી 60 દિવસની અંદર જ આરોપો ઘડવામાં આવશે અને સુનાવણી પૂર્ણ થયાના 45 દિવસની અંદર ચુકાદો જાહેર કરવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું તેમજ કોઈ પણ સંજોગોમાં બે વખતથી વધુ સમય માટે સુનવણી મુલતવી રાખવામાં આવશે નહિં.
"સિટીઝન ફર્સ્ટ એ ન્યાય સંહિતાનો મૂળ મંત્ર છે." શ્રી મોદીએ કહ્યું હતું કે, આ કાયદાઓ નાગરિક અધિકારોના રક્ષક બની રહ્યા છે અને 'ન્યાયમાં સરળતા'નો આધાર બની રહ્યા છે. અગાઉ એફઆઈઆર નોંધવી ખૂબ જ મુશ્કેલ હતી એ બાબતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હવે ઝીરો એફઆઈઆર કાયદેસર થઈ ગઈ છે અને હવેથી ગમે ત્યાંથી કેસ નોંધી શકાય છે. પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું હતું કે પીડિતાને એફઆઈઆરની નકલ આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો અને હવે આરોપી સામેનો કોઈપણ કેસ ત્યારે જ પાછો ખેંચવામાં આવશે જ્યારે પીડિતા સંમત થાય. તેમણે ઉમેર્યું હતું કે હવે પોલીસ કોઈ પણ વ્યક્તિની પોતાની રીતે અટકાયત કરી શકશે નહીં અને ન્યાય સંહિતામાં તેના પરિવારના સભ્યોને જાણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. માનવતા અને સંવેદનશીલતાને નવી ન્યાય સંહિતાનાં અન્ય મહત્ત્વપૂર્ણ પાસાં ગણાવતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, હવે આરોપીને સજા વિના લાંબા સમય સુધી જેલમાં રાખી શકાય તેમ નથી અને હવે 3 વર્ષથી ઓછી સજાને પાત્ર ગુનાનાં કિસ્સામાં ધરપકડ પણ ઉચ્ચ સત્તામંડળની સંમતિથી જ થઈ શકશે. તેમણે ઉમેર્યું હતું કે, નાના ગુનાઓ માટે ફરજિયાત જામીનની જોગવાઈ પણ કરવામાં આવી હતી. આ અંગે વધુ જણાવતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સામાન્ય ગુનાઓમાં સજાને બદલે સામુદાયિક સેવાનો વિકલ્પ પણ રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે, આનાથી આરોપીઓને સમાજના હિતમાં સકારાત્મક દિશામાં આગળ વધવાની નવી તકો મળશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી ન્યાય સંહિતા પ્રથમ વખત અપરાધી બનવાની બાબતમાં અતિ સંવેદનશીલ પણ છે અને ન્યાય સંહિતા લાગુ થયા પછી હજારો કેદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે, જેમને જૂનાં કાયદાને કારણે જેલમાંથી કેદ કરવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, નવી ન્યાય સંહિતાઓ નાગરિક અધિકારોના સશક્તિકરણને વધુ મજબૂત બનાવશે.
ન્યાયનો પ્રથમ માપદંડ સમયસર ન્યાય છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશે નવી ન્યાય સંહિતા પ્રસ્તુત કરીને ઝડપી ન્યાયની દિશામાં મોટી છલાંગ લગાવી છે. તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં દરેક તબક્કો પૂર્ણ કરવા માટે સમયમર્યાદા નક્કી કરીને ન્યાય સંહિતામાં ચાર્જશીટ દાખલ કરવા અને ઝડપથી ચૂકાદો આપવાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. નવા અમલીકરણ પામેલા ન્યાય સંહિતાને પરિપક્વ થવા માટે સમયની જરૂર છે એ બાબતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ એ બાબતનો આનંદ વ્યક્ત કર્યો હતો કે, આટલા ટૂંકા ગાળામાં દેશના વિવિધ ભાગોમાંથી પ્રાપ્ત થયેલાં પરિણામો અત્યંત સંતોષકારક રહ્યાં હતાં. તેમણે ચંદીગઢના ઉદાહરણો ટાંક્યા હતા જ્યાં વાહન ચોરીનો કેસ માત્ર 2 મહિના અને 11 દિવસમાં પૂર્ણ થયો હતો અને એક વિસ્તારમાં અશાંતિ ફેલાવવાના કેસમાં આરોપીને પણ કોર્ટે માત્ર 20 દિવસમાં સંપૂર્ણ સુનાવણી બાદ સજા ફટકારી હતી. તેમણે વધુમાં દિલ્હી અને બિહારમાં ઝડપી ન્યાયના ઉદાહરણો ટાંક્યા હતા અને ઉમેર્યું હતું કે આ ઝડપી ચુકાદાઓ ભારતીય ન્યાય સંહિતાની શક્તિ અને અસર દર્શાવે છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પરિવર્તન દર્શાવે છે કે, જ્યારે સામાન્ય નાગરિકોનાં હિતોને સમર્પિત અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા માટે સરકાર હતી, ત્યારે તેમાં ફેરફારો અને પરિણામો નક્કી કરવામાં આવ્યાં હતાં. તેમણે વધુમાં વિનંતી કરી હતી કે દેશમાં આ ચુકાદાઓની શક્ય તેટલી ચર્ચા થવી જોઈએ જેથી દરેક ભારતીયને ખબર પડે કે ન્યાય માટે તેમની શક્તિ કેવી રીતે વધી છે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી ગુનેગારો જૂની અને અસ્તિત્વમાં ન હોય તેવી વિલંબિત ન્યાય પ્રણાલીથી પણ સાવચેત થઈ જશે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "નિયમો અને કાયદાઓ ત્યારે જ અસરકારક બને છે જ્યારે તે સમય સાથે સુસંગત હોય." ઉમેર્યું હતું કે, આજે ગુના અને ગુનેગારોની પદ્ધતિઓ બદલાઈ ગઈ છે જેના કારણે આધુનિક એવા નવા કાયદાઓ દાખલ કરવાની જરૂર પડી છે. ડિજિટલ પુરાવાને મહત્ત્વપૂર્ણ પુરાવા તરીકે રાખી શકાય તેમ છે અને તપાસ દરમિયાન પુરાવા સાથે ચેડાં ન થાય તેની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી ફરજિયાત બનાવવામાં આવી છે એ બાબતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, નવા કાયદાઓનો અમલ કરવા માટે ઇ-સાક્ષા, ન્યાય શ્રુતિ, ન્યાય સેતુ, ઇ-સમન્સ પોર્ટલ જેવા ઉપયોગી સાધનો વિકસાવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા કોર્ટ અને પોલીસ દ્વારા સીધા ફોન પર સમન્સ આપી શકાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સાક્ષીઓના નિવેદનોનું ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ પણ થઈ શકે છે. ડિજિટલ પુરાવા પણ હવે કોર્ટમાં માન્ય ગણાશે એ બાબતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, તે ન્યાયનો આધાર બનશે અને જ્યાં સુધી ગુનેગાર ન પકડાય ત્યાં સુધી સમયનો બિનજરૂરી બગાડ અટકાવશે. તેમણે નોંધ્યું હતું કે, આ ફેરફારો દેશની સુરક્ષા માટે પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ છે અને ડિજિટલ પુરાવા અને ટેકનોલોજીનું સંકલન આપણને આતંકવાદ સામે લડવામાં પણ મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું હતું કે, નવા કાયદાઓ હેઠળ કાયદાની જટિલતાઓનો લાભ આતંકવાદીઓ કે ત્રાસવાદી સંગઠનો ઉઠાવી શકશે નહીં.
નવા ન્યાય સંહિતાથી દરેક વિભાગની ઉત્પાદકતામાં વધારો થશે અને દેશની પ્રગતિમાં ઝડપ આવશે એ બાબત પર ભાર મૂકીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનાથી કાયદાકીય અવરોધોને કારણે ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવામાં મદદ મળશે. તેમણે ઉમેર્યું કે, મોટાભાગના વિદેશી રોકાણકારો લાંબા અને વિલંબિત ન્યાયના ડરને કારણે અગાઉ ભારતમાં રોકાણ કરવા માંગતા ન હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે આ ભયનો અંત આવશે, ત્યારે રોકાણ વધશે, જેથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે.
દેશનો કાયદો નાગરિકો માટે છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એટલે કાયદાકીય પ્રક્રિયાઓ પણ લોકોની સુવિધા માટે જ હોવી જોઈએ. ભારતીય દંડ સંહિતામાં રહેલી ખામીઓ અને ગુનેગારો સામે પ્રામાણિક લોકો માટે કાયદાનાં ભયનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, નવા ન્યાય સંહિતાઓએ લોકોને આ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્ત કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે બ્રિટિશ શાસનનાં 1500થી વધારે જૂનાં કાયદાને નાબૂદ કર્યા છે.
શ્રી મોદીએ અનુરોધ કર્યો હતો કે, આપણા દ્રષ્ટિકોણને વિસ્તૃત કરવાની જરૂર છે, જેથી કાયદો આપણા દેશમાં નાગરિક સશક્તિકરણનું માધ્યમ બને. તેમણે ઉમેર્યું કે, એવા ઘણા કાયદાઓ છે જેમાં ચર્ચાઓ અને વિચાર-વિમર્શનો અભાવ છે. કલમ 370 નાબૂદ કરવા અને ત્રણ તલાકનું ઉદાહરણ ટાંકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, આ અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજકાલ વકફ બોર્ડ સાથે જોડાયેલા કાયદા પર પણ ચર્ચા ચાલી રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાગરિકોની ગરિમા અને સ્વાભિમાન વધારવા માટે બનાવવામાં આવેલાં એ કાયદાઓને પણ એટલું જ મહત્ત્વ આપવાની જરૂર છે. તેમણે દિવ્યાંગોનાં અધિકારોનાં કાયદા, 2016નાં અમલીકરણનું ઉદાહરણ ટાંક્યું હતું, જેણે દિવ્યાંગોને સશક્ત કરવાની સાથે સમાજને વધારે સર્વસમાવેશક અને સંવેદનશીલ બનાવવાનું અભિયાન પણ હાથ ધર્યું હતું. તેમણે ઉમેર્યું કે નારી શક્તિ વંદન અધિનિયમ સમાન પ્રકારના મોટા પરિવર્તન માટે પાયો નાખવા જઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, એ જ રીતે ટ્રાન્સજેન્ડર્સ સાથે સંબંધિત કાયદાઓ, મધ્યસ્થતા ધારો, જીએસટી કાયદો બનાવવામાં આવ્યો છે, જેના પર સકારાત્મક ચર્ચા જરૂરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કોઈ પણ દેશની તાકાત તેના નાગરિકો છે અને દેશનો કાયદો જ નાગરિકોની તાકાત છે." આનાથી લોકોને કાયદાનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને નાગરિકોની કાયદા પ્રત્યેની આ વફાદારી રાષ્ટ્રની એક મોટી સંપત્તિ છે, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, નાગરિકોનો વિશ્વાસ તૂટે નહીં તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણા સૌની છે. શ્રી મોદીએ દરેક વિભાગ, દરેક એજન્સી, દરેક અધિકારી અને દરેક પોલીસકર્મીને ન્યાય સંહિતાની નવી જોગવાઈઓ જાણવા અને તેમની ભાવનાને સમજવા વિનંતી કરી હતી. તેમણે રાજ્ય સરકારોને ન્યાય સંહિતાનો અસરકારક રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવા સક્રિયપણે કામ કરવા વિનંતી કરી હતી, જેથી તેની અસર જમીન પર દેખાય. તેમણે નાગરિકોને આ નવા અધિકારો પ્રત્યે શક્ય તેટલા જાગૃત રહેવા પણ વિનંતી કરી. આ માટે ખભેખભો મિલાવીને કામ કરવાની જરૂર હોવાનું જણાવતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ન્યાય સંહિતાનો જેટલો વધુ અસરકારક અમલ થશે, આપણે દેશને વધુ સારું અને ઉજ્જવળ ભવિષ્ય આપવા સક્ષમ બનીશું, જે આપણાં બાળકોનું જીવન નક્કી કરશે અને આપણી સેવાનો સંતોષ નક્કી કરશે. સંબોધનના સમાપનમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આપણે સૌ આ દિશામાં સાથે મળીને કામ કરીશું અને રાષ્ટ્રનિર્માણમાં આપણી ભૂમિકા વધારીશું.
આ કાર્યક્રમમાં પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક શ્રી ગુલાબચંદ કટારિયા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને રાજ્યસભાના સાંસદ શ્રી સતનામ સિંહ સંધુ સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
પાશ્વ ભાગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદીગઢ ખાતે ત્રણ પરિવર્તનશીલ નવા ફોજદારી કાયદાઓ - ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
આ ત્રણેય કાયદાઓની સંકલ્પના પ્રધાનમંત્રીની આઝાદી પછી પણ અસ્તિત્વમાં રહેલા સંસ્થાનવાદી યુગના કાયદાઓને દૂર કરવાના અને સજામાંથી ન્યાય તરફ ધ્યાન કેન્દ્રિત કરીને ન્યાયિક વ્યવસ્થામાં પરિવર્તન લાવવાના વિઝનથી પ્રેરિત હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનો વિષય 'સુરક્ષિત સમાજ, વિકસિત ભારત – શિક્ષાથી ન્યાય' છે.
1 જુલાઈ, 2024ના રોજ રાષ્ટ્રવ્યાપી અમલમાં મૂકવામાં આવેલા નવા ફોજદારી કાયદાઓનો હેતુ ભારતની કાનૂની પ્રણાલીને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને સમકાલીન સમાજની જરૂરિયાતોને અનુકૂળ બનાવવાનો છે. આ સીમાચિહ્નરૂપ સુધારાઓ ભારતની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં ઐતિહાસિક સુધારાનું પ્રતીક છે, જે સાયબર ક્રાઇમ, સંગઠિત અપરાધ અને વિવિધ અપરાધોનો ભોગ બનેલા લોકો માટે ન્યાય સુનિશ્ચિત કરવા જેવા આધુનિક પડકારોને પહોંચી વળવા માટે નવું માળખું ઊભું કરશે.
આ કાર્યક્રમમાં આ કાયદાઓના વ્યવહારિક અમલીકરણનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે તેઓ કેવી રીતે ફોજદારી ન્યાયના લેન્ડસ્કેપને પહેલેથી જ ફરીથી આકાર આપી રહ્યા છે. એક લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ યોજવામાં આવ્યું હતું, જેમાં ગુનાના દ્રશ્યની તપાસનું અનુકરણ કરવામાં આવ્યું હતું જ્યાં નવા કાયદાઓને અમલમાં મૂકવામાં આવ્યા હતા.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2080148)
आगंतुक पटल : 257
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Odia
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam