રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ વર્ષ 2024 માટે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કર્યા
Posted On:
03 DEC 2024 1:36PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (3 ડિસેમ્બર, 2024) આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ વ્યક્તિઓના દિવસના અવસર પર નવી દિલ્હીમાં વર્ષ 2024 માટે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કર્યા.
આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ પુરસ્કારો દૂરગામી સામાજિક મહત્વ ધરાવે છે. તેમનું અનુકરણ કરીને અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણની દિશામાં આગળ વધી શકે છે.
આ વર્ષના આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ વ્યક્તિઓના દિવસની થીમ 'સમાવેશક અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને પ્રોત્સાહન આપવા'નો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું, તેમના કૌશલ્યોનો વિકાસ કરવો, રોજગારી પૂરી પાડવી, તેમના ઉત્પાદનોની ખરીદી કરવી, અને માર્કેટિંગ સુવિધાઓ પ્રદાન કરીને તેમની નેતૃત્વ ક્ષમતામાં વધારો કરવો જોઈએ.
રાષ્ટ્રપતિએ કહ્યું કે સમગ્ર માનવતાએ દિવ્યાંગજનોને સહજ અને સમાન અનુભવ કરાવવો જોઈએ. તેમને દરેક રીતે અવરોધ મુક્ત વાતાવરણ પૂરું પાડવું એ સમાજની પ્રાથમિકતા હોવી જોઈએ. ખરા અર્થમાં તે સમાજ જ સંવેદનશીલ કહી શકાય જેમાં દિવ્યાંગજનોને સમાન સુવિધાઓ અને તકો મળે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે દિવ્યાંગ હોવું એ કોઈ પણ પ્રકારની ખોટ નથી. તે એક ખાસ સ્થિતિ છે. દિવ્યાંગજનોને સહાનુભૂતિની નહીં, તાદાત્મ્યની જરૂર છે, તેમને દયાની નહીં, સંવેદનશીલતાની જરૂર છે, તેમને વિશેષ ધ્યાનની નહીં, સ્વભાવિક સ્નેહની જરૂર છે. સમાજે તે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ સમાજના અન્ય સભ્યો સાથે સમાનતા, પ્રતિષ્ઠા અને આદર અનુભવે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે અન્ય વ્યક્તિની જેમ કામ કરવાની તક દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ અને અર્થપૂર્ણ જીવન જીવવાની ભાવના જગાડે છે. આમ, રોજગાર, સાહસ અને આર્થિક સશક્તિકરણ દ્વારા તેમના જીવનને ઉમદા બનાવી શકાય છે.
રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો –
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2080040)
Visitor Counter : 74
Read this release in:
Telugu
,
Tamil
,
English
,
Khasi
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Kannada
,
Malayalam