પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

માલદીવના રાષ્ટ્રપતિ મહામહિમ મોહમ્મદ મુઇઝુ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંયુક્ત પ્રેસ નિવેદનનો મૂળપાઠ

Posted On: 07 OCT 2024 2:25PM by PIB Ahmedabad

મહામહિમ, પ્રમુખ મુઇઝુ,

બંને દેશોના પ્રતિનિધિઓ,

આપણા મીડિયા મિત્રો,

દરેકને શુભેચ્છાઓ!

સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિ મુઇઝુ અને તેમના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું.

ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સદીઓ જૂના છે.

અને ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી અને ગાઢ મિત્ર છે.

અમારી "નેબરહુડ ફર્સ્ટ" નીતિ અને "સાગર" વિઝન બંનેમાં માલદીવ્સનું મહત્વનું સ્થાન છે.

ભારતે હંમેશા માલદીવ માટે પ્રથમ પ્રતિભાવકર્તાની ભૂમિકા ભજવી છે.

પછી તે  માલદીવના લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટેની હોય,

કુદરતી આપત્તિ વખતે પીવાનું પાણી પૂરું પાડવા માટેની હોય,

કે પછી કોવિડના સમયે રસી આપવાની વાત હોય,

ભારતે હંમેશા તેના પાડોશી તરીકેની જવાબદારી નિભાવી છે.

અને આજે, અમે આપણા પરસ્પર સહકારને વ્યૂહાત્મક દિશા પ્રદાન કરવા માટે "વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી"નું વિઝન અપનાવ્યું છે.

મિત્રો,

વિકાસની ભાગીદારી આપણા સંબંધોનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.

અને આપણે હંમેશા માલદીવના લોકોની પ્રાથમિકતાઓને પ્રાથમિકતા આપી છે.

આ વર્ષે SBIએ માલદીવના 100 મિલિયન ડોલરથી વધુ "ટ્રેઝરી બિલ્સ" લાવ્યાં છે.

 

આજે, માલદીવની જરૂરિયાત મુજબ, 400 મિલિયન ડોલર અને 3 હજાર કરોડ રૂપિયાનો કરન્સી સ્વેપ કરાર પણ પૂર્ણ થયો છે.

અમે માલદીવમાં આંતરમાળખાના વિકાસ માટે વ્યાપક સહયોગની વાત કરી છે.

આજે, અમે પુનઃવિકાસિત હનીમધુ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે.

હવે, ગ્રેટર ‘માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ’ને પણ ઝડપી કરવામાં આવશે.

થિલાફુશીમાં નવા કોમર્શિયલ પોર્ટના વિકાસમાં પણ સપોર્ટ આપવામાં આવશે.

આજે ભારતના સહયોગથી બનેલા 700થી વધુ સામાજિક આવાસ એકમોને સોંપવામાં આવ્યા છે.

માલદીવના 28 ટાપુઓ પર પાણી અને ગટર યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે.

અન્ય છ ટાપુઓનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ્સ ત્રીસ હજાર લોકોને શુદ્ધ પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરશે.

"હા ડાલુ" માં કૃષિ આર્થિક ક્ષેત્ર અને "હા અલીફુ"માં માછલી પ્રક્રિયાની સુવિધા સ્થાપવામાં પણ સમર્થન આપવામાં આવશે.

અમે સમુદ્રશાસ્ત્ર અને બ્લ્યુ ઈકોનોમીમાં પણ સાથે મળીને કામ કરીશું.

મિત્રો,

આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે, અમે મુક્ત વેપાર કરાર પર ચર્ચા શરૂ કરવાનું નક્કી કર્યું.

સ્થાનિક ચલણમાં ટ્રેડ સેટલમેન્ટ પર પણ કામ કરવામાં આવશે.

અમે ડિજિટલ કનેક્ટિવિટી પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

તાજેતરમાં જ માલદીવમાં RuPay કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે.

આવનારા સમયમાં ભારત અને માલદીવને પણ UPI સાથે જોડવાનું કામ કરવામાં આવશે.

અમે અડ્ડુમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ અને બેંગલુરુમાં માલદીવના નવા વાણિજ્ય દૂતાવાસની શરૂઆત વિશે પણ ચર્ચા કરી.

આ તમામ પહેલો આપણા લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે.

મિત્રો,

અમે સંરક્ષણ અને સુરક્ષા સહયોગના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી.

એકતા હાર્બર પ્રોજેક્ટમાં ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે.

અમે માલદીવના રાષ્ટ્રીય સંરક્ષણ દળોની તાલીમ અને ક્ષમતા નિર્માણમાં અમારું સમર્થન ચાલુ રાખીશું.

અમે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીશું.

હાઇડ્રોગ્રાફી અને ડિઝાસ્ટર રિસ્પોન્સમાં સહકાર વધારવામાં આવશે.

કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવમાં સ્થાપક સભ્ય તરીકે જોડાવા માટે માલદીવનું સ્વાગત છે.

આબોહવા પરિવર્તન આપણા બંને દેશો માટે મોટો પડકાર છે.

આ સંદર્ભમાં, ભારત માલદીવ સાથે સૌર અને ઉર્જા કાર્યક્ષમતામાં તેનો અનુભવ શેર કરવા તૈયાર છે.

મહામહિમ,

ફરી એકવાર તમારું અને તમારા પ્રતિનિધિમંડળનું ભારતમાં ખૂબ સ્વાગત છે.

તમારી મુલાકાત આપણા સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરી રહી છે.

અમે માલદીવના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે તમામ શક્ય સહયોગ આપવાનું ચાલુ રાખીશું.

તમારો ખૂબ ખૂબ આભાર.

AP/GP/JD


(Release ID: 2062806) Visitor Counter : 56