પ્રધાનમંત્રીનું કાર્યાલય

'મન કી બાત'ના 111મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.06.2024)

Posted On: 30 JUN 2024 11:45AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.

સાથીઓ, ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધી, જ્યારે પણ, મહિનાનો અંતિમ રવિવાર આવવાનો થતો, ત્યારે મને તમારી સાથે આ સંવાદની ખૂબ જ ખોટ સાલતી હતી. પરંતુ મને એ જોઈને ઘણું સારું પણ લાગ્યું કે આ મહિનાઓમાં તમે લોકોએ મને લાખો સંદેશાઓ મોકલ્યા. 'મન કી બાત' રેડિયો કાર્યક્રમ ભલે કેટલાક મહિના બંધ રહ્યો હોય, પરંતુ 'મન કી બાત'ની જે સ્પિરિટ છે દેશમાં, સમાજમાં, પ્રત્યેક દિવસ સારું કામ, નિઃસ્વાર્થ ભાવનાથી કરાયેલાં કામો, સમાજ પર પૉઝિટિવ અસર નાખનારાં કામો- નિરંતર ચાલતાં રહે. ચૂંટણીના સમાચારોની વચ્ચે નિશ્ચિત રૂપે મનને સ્પર્શી જનારા આવા સમાચારો પર તમારું ધ્યાન ગયું હશે.

સાથીઓ, હું આજે દેશવાસીઓનો ધન્યવાદ પણ કરું છું કે તેમણે આપણા બંધારણ અને દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓ પર પોતાનો અતૂટ વિશ્વાસ અકબંધ રાખ્યો છે. ૨૪ની ચૂંટણી, દુનિયાની સૌથી મોટી ચૂંટણી હતી. દુનિયાના કોઈ પણ દેશમાં આટલી મોટી ચૂંટણી ક્યારેય નથી થઈ, જેમાં ૬૫ કરોડ લોકોએ મત આપ્યા હોય. હું ચૂંટણી પંચ અને મતદાનની પ્રક્રિયા સાથે જોડાયેલી દરેક વ્યક્તિને આ માટે અભિનંદન આપું છું.

મારા પ્રિય દેશવાસીઓ, આજે ૩૦ જૂનનો આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે આપણા આદિવાસી ભાઈઓ-બહેનો 'હૂલ દિવસ'ના રૂપમાં મનાવે છે. આ દિવસ વીર સિદ્ધો-કાન્હૂના અદમ્ય સાહસ સાથે જોડાયેલો છે, જેમણે વિદેશી શાસકોના અત્યાચારનો પૂરી તાકાતથી વિરોધ કર્યો હતો. વીર સિદ્ધો-કાન્હૂએ હજારો સંથાલી સાથીઓને એકત્ર લાવીને અંગ્રેજોની સામે પૂરી શક્તિથી લડત આપી અને જાણો છો, આ ક્યારે થયું હતું? આ થયું હતું ઈ. સ. ૧૮૫૫માં, અર્થાત તે ૧૮૫૭ના ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામથી પણ બે વર્ષ પહેલાં થયું હતું, ત્યારે ઝારખંડના સંથાલ પરગણામાં આપણા આદિવાસી ભાઈઓ-બહેનોએ વિદેશી શાસકો વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવી લીધાં હતાં. આપણા સંથાલી ભાઈઓ-બહેનો પર અંગ્રેજોએ ઘણા બધા અત્યાચારો કર્યા હતા, તેમના પર અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા હતા. આ સંઘર્ષમાં અદ્ભુત વીરતા દેખાડતા વીર સિદ્ધો અને કાન્હૂ શહીદ થઈ ગયા. ઝારખંડની ભૂમિના આ અમર સપૂતોનું બલિદાન આજે પણ દેશવાસીઓને  પ્રેરિત કરે છે. આવો સાંભળીએ સંથાલી ભાષામાં તેમને સમર્પિત એક ગીતનો અંશ–

#Audio Clip#

મારા પ્રિય સાથીઓ, જો હું તમને પૂછું કે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ કયો છે, તો તમે અવશ્ય કહેશો - 'મા'. આપણા બધાંનાં જીવનમાં 'મા'નો દરજ્જો સૌથી ઊંચો હોય છે. મા, બધાં દુઃખો સહન કરીને પણ પોતાના બાળકોનું પાલનપોષણ કરે છે. દરેક માતા, પોતાના બાળકો પર બધો સ્નેહ આપી દે છે. જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણા બધા પર એક ઋણની જેમ હોય છે, જેને કોઈ ચુકાવી ન શકે. હું વિચારી રહ્યો હતો, આપણે માતાને કંઈ આપી તો ન શકીએ, પરંતુ બીજું કંઈ કરી શકીએ, શું? આ વિચારથી આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, આ અભિયાનનું નામ છે - 'એક પેડ માં કે નામ'. મેં પણ એક વૃક્ષ મારી માતાના નામે લગાવ્યું છે. મેં બધા દેશવાસીઓને, દુનિયાના બધા દેશોના લોકોને પણ અપીલ કરી છે કે પોતાની માતાની સાથે, અથવા તેમના નામ પર, એક વૃક્ષ જરૂર લગાવો. અને મને એ જોઈને ઘણી ખુશી છે કે માતાની સ્મૃતિમાં અથવા તેમના સન્માનમાં વૃક્ષ વાવવાનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. લોકો પોતાની માતાની સાથે અથવા તો તેમના ફૉટો સાથે ઝાડ લગાવવાની તસવીરોને સૉશિયલ મીડિયા પર વહેંચી રહ્યા છે. પ્રત્યેક જણ પોતાની માતા માટે ઝાડ વાવી રહ્યું છે - ચાહે તે ધનિક હોય કે ગરીબ, ચાહે તે કામકાજી મહિલા હોય કે ગૃહિણી. આ અભિયાને બધાને માતા પ્રત્યે પોતાનો સ્નેહ વ્યક્ત કરવાનો સમાન અવસર આપ્યો છે. તેઓ પોતાની તસવીરોને #Plant4Mother અને #एक_पेड़_मां_के_नाम સાથે શૅર કરીને બીજાને પ્રેરિત કરી રહ્યા છે.

સાથીઓ, આ અભિયાનનો એક વધુ લાભ થશે. ધરતી પણ માતા સમાન ધ્યાન રાખે છે. ધરતી મા જ આપણા બધાના જીવનનો આધાર છે, આથી આપણું જ કર્તવ્ય છે કે આપણે ધરતી માતાનો પણ ખ્યાલ રાખીએ.

માતાના નામે ઝાડ લગાવવાના અભિયાનથી પોતાની માતાનું સન્માન તો થશે જ, સાથે ધરતી માતાની પણ રક્ષા થશે. છેલ્લા એક દાયકામાં ભારતમાં સહુના પ્રયાસથી વન ક્ષેત્રનો અભૂતપૂર્વ વિસ્તાર થયો છે. અમૃત મહોત્સવ દરમિયાન, દેશભરમાં ૬૦ હજારથી વધુ અમૃત સરોવર પણ બનાવવામાં આવ્યાં છે. હવે આપણે આ જ રીતે માતાના નામે ઝાડ લગાવવાના અભિયાનને ગતિ આપવાની છે.

મારા પ્રિય દેશવાસીઓ, દેશના અલગ-અલગ ભાગમાં ચોમાસુ ઝડપથી પોતાના રંગ વેરી રહ્યું છે. અને વરસાદની આ ઋતુમાં બધાના ઘરમાં એક વસ્તુની શોધ શરૂ થઈ ગઈ છે, તે છે 'છત્રી'. 'મન કી બાત'માં આજે હું તમને એક વિશેષ પ્રકારની છત્રીઓ વિશે જણાવવા માગું છું. આ છત્રી તૈયાર થાય છે આપણા કેરળમાં. આમ તો કેરળની સંસ્કૃતિમાં છત્રીઓનું વિશેષ મહત્ત્વ છે. છત્રી, ત્યાં અનેક પરંપરાઓ અને વિધિ-વિધાનનો મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે. પરંતુ હું જે છત્રીની વાત કરી રહ્યો છું, તે છે 'કાર્થુમ્બી છત્રી' અને તેને તૈયાર કરવામાં આવે છે કેરળના અટ્ટાપડીમાં. તે રંગબેરંગી છત્રીઓ ખૂબ જ શાનદાર હોય છે. તેની વિશેષતા એ છે કે આ છત્રીઓને કેરળની આપણી આદિવાસી બહેનો તૈયાર કરે છે. આજે દેશભરમાં આ છત્રીઓની માગ વધી રહી છે. તેનું ઑનલાઇન વેચાણ પણ વધી રહ્યું છે. આ છત્રીઓને 'વટ્ટાલક્કી સહકારી કૃષિ સૉસાયટી'ની દેખરેખમાં બનાવવામાં આવે છે. આ સૉસાયટીનું નેતૃત્વ આપણી નારીશક્તિ પાસે છે. મહિલાઓના નેતૃત્વમાં અટ્ટાપડીના આદિવાસી સમુદાયે ઍન્ટરપ્રિન્યૉરશિપનું અદ્ભુત ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આ સૉસાયટીએ બાંબુ-હેન્ડીક્રાફ્ટ યૂનિટની પણ સ્થાપના કરી છે. હવે તે લોકો એક રિટેઇલ આઉટલેટ અને એક પારંપરિક કાફે ખોલવાની તૈયારીમાં પણ છે.

તેમનો હેતુ કેવળ પોતાની છત્રી અને અન્ય ઉત્પાદન વેચવાનો જ નહીં, પરંતુ તે પોતાની પરંપરા, પોતાની સંસ્કૃતિથી પણ દુનિયાને પરિચિત કરાવી રહ્યા છે. આજે કાર્થુમ્બી છત્રી કેરળના એક નાનકડા ગામથી લઈને બહુરાષ્ટ્રીય કંપની સુધીની સફર પૂરી કરી રહી છે. લૉકલ માટે વૉકલ થવાનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું કયું હોઈ શકે?

મારા પ્રિય દેશવાસીઓ, આગામી મહિને આ સમય સુધીમાં પેરિસ ઑલિમ્પિક શરૂ થઈ ગઈ હશે. મને વિશ્વાસ છે કે તમે બધા પણ ઑલિમ્પિક રમતોમાં ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવાની રાહ જોઈ રહ્યા હશો. હું ભારતીય ટુકડીને ઑલિમ્પિક રમતોની ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. આપણા બધાંના મનમાં ટૉકિયો ઑલિમ્પિકની સ્મૃતિ હજુ તાજી છે. ટૉકિયોમાં આપણા ખેલાડીઓના પ્રદર્શને પ્રત્યેક ભારતીયનું હૃદય જીતી લીધું હતું. ટૉકિયો ઑલિમ્પિક પછી આપણા એથ્લેટ્સ પેરિસ ઑલિમ્પિકની તૈયારીઓમાં મન મૂકીને લાગી ગયા હતા. બધા ખેલાડીઓને જોડો તો તે બધાએ લગભગ નવસો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો છે. આ ઘણી મોટી સંખ્યા છે.

સાથીઓ, પેરિસ ઑલિમ્પિકમાં તમને કેટલીક ચીજો પહેલી વાર જોવા મળશે. શૂટિંગમાં આપણા ખેલાડીઓની પ્રતિભા નિખરીને સામે આવી રહી છે. ટેબલ ટેનિસમાં પુરુષ અને મહિલા બંને ટીમો ક્વૉલિફાઈ થઈ ચૂકી છે. ભારતીય શૉટગન ટીમમાં આપણી શૂટર દીકરીઓ પણ સમાવિષ્ટ છે. આ વખતે કુશ્તી અને ઘોડેસવારીમાં આપણી ટીમના ખેલાડીઓ તે શ્રેણીમાં પણ સ્પર્ધા કરશે, જેમાં તેઓ પહેલાં ક્યારેય સામેલ નહોતા રહ્યા. તેનાથી તમે અનુમાન કરી શકો છો કે આ વખતે આપણને રમતોમાં અલગ સ્તરનો રોમાંચ દેખાશે.

તમને ધ્યાનમાં હશે કે કેટલાક મહિનાઓ પહેલાં વર્લ્ડ પેરા ઑલિમ્પિક ચેમ્પિયનશિપમાં આપણું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. તો ચેસ અને બૅડમિન્ટનમાં પણ આપણા ખેલાડીઓએ ધ્વજ લહેરાવ્યો હતો. હવે સમગ્ર દેશ એવી આશા રાખી રહ્યો છે કે આપણા ખેલાડીઓ ઑલિમ્પિકમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ રમતોમાં મેડલો પણ જીતશે અને દેશવાસીઓનું મન પણ જીતશે. આવનારા દિવસોમાં, મને ભારતીય ટીમ સાથે મુલાકાતનો અવસર પણ મળવાનો છે. હું પોતાની તરફથી તેમનું ઉત્સાહવર્ધન કરીશ. અને હા...આ વખતે આપણો હૅશટેગ #Cheer4Bharat છે. આ હૅશટેગ દ્વારા આપણે આપણા ખેલાડીઓને ચીયર કરવાના છે...તેમનો ઉત્સાહ વધારતા રહેવાનો છે. તો મૉમેન્ટમ જાળવી રાખજો...તમારું આ મૉમેન્ટમ...ભારતનો મેજિક, દુનિયાને દેખાડવામાં મદદ કરશે.

મારા પ્રિય દેશવાસીઓ, હું તમારા બધાં માટે એક નાનકડી ઑડિયો ક્લિપ વગાડી રહ્યો છું.                  

#Audio Clip#

આ રેડિયો કાર્યક્રમને સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું ને? તો આવો, તમને આની પાછળની પૂરી વાત જણાવું. ખરેખર તો આ કુવૈત રેડિયોના એક પ્રસારણની ક્લિપ છે. હવે તમે વિચારશો કે વાત થઈ રહી છે કુવૈતની, તો ત્યાં, હિન્દી ક્યાંથી આવી ગઈ? ખરેખર તો કુવૈત સરકારે પોતાના નેશનલ રેડિયો પર એક વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો છે. અને તે પણ હિન્દીમાં. 'કુવૈત રેડિયો' પર પ્રત્યેક રવિવારે તેનું પ્રસારણ અડધો કલાક કરવામાં આવે છે. તેમાં ભારતીય સંસ્કૃતિના અલગ-અલગ રંગો સમાવિષ્ટ હોય છે. આપણી ફિલ્મો અને કળા જગત સાથે જોડાયેલી ચર્ચાઓ ત્યાં ભારતીય સમુદાયની વચ્ચે ઘણી લોકપ્રિય છે. મને તો ત્યાં સુધી જણાવવામાં આવ્યું છે કે કુવૈતના સ્થાનિક લોકો પણ તેમાં ઘણો રસ લઈ રહ્યા છે.

હું કુવૈતની સરકાર અને ત્યાંના લોકોનો હૃદયથી ધન્યવાદ કરું છું, જેમણે આ શાનદાર પહેલ કરી છે.

સાથીઓ, આજે દુનિયાભરમાં આપણી સંસ્કૃતિનું જે રીતે ગૌરવગાન થઈ રહ્યું છે, તેનાથી કયા ભારતીયને આનંદ ન થાય! હવે જેમ કે, તુર્કમેનિસ્તાનમાં આ વર્ષે મેમાં ત્યાંના રાષ્ટ્રીય કવિની ૩૦૦મી જયંતી મનાવવામાં આવી. આ અવસર પર તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખે દુનિયાના ૨૪ પ્રસિદ્ધ કવિઓની પ્રતિમાઓનું અનાવરણ કર્યું. તેમાંથી એક પ્રતિમા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરજીની પણ છે. તે ગુરુદેવનું સન્માન છે, ભારતનું સન્માન છે. આ જ રીતે જૂનના મહિનામાં બે કેરેબિયન દેશ સૂરીનામ અને સેન્ટ વિન્સેન્ટ ઍન્ડ ધ ગ્રેનેડિન્સે પોતાના ઇન્ડિયન હેરિટેજને પૂરા જોશ અને ઉત્સાહ સાથે સેલિબ્રેટ કર્યો. સૂરીનામમાં હિન્દુસ્તાની સમુદાય પ્રતિ વર્ષ પાંચ જૂનને ઇન્ડિયન એરાઇવલ ડે અને પ્રવાસી દિવસ તરીકે ઉજવે છે. અહીં તો હિન્દીની સાથે જ ભોજપુરી પણ ઘણી બોલાય છે. સેન્ટ વિન્સેન્ટ ઍન્ડ ધ ગ્રેનેડિન્સમાં રહેનારા આપણા ભારતીય મૂળનાં ભાઈબહેનોની સંખ્યા લગભગ છ હજાર છે. તે બધાને પોતાના વારસા પર ઘણો ગર્વ છે. એક જૂને આ બધાએ ઇન્ડિયન એરાઇવલ ડેને જે રીતે ધૂમધામથી ઉજવ્યો, તેનાથી તેમની આ ભાવના સ્પષ્ટ રીતે ઝળકે છે. દુનિયાભરમાં ભારતીય વારસો અને સંસ્કૃતિનો જ્યારે આવો વિસ્તાર જોવા મળે છે તો દરેક ભારતીયને ગર્વ થાય છે.

સાથીઓ, આ મહિને સમગ્ર દુનિયાએ ૧૦મા યોગ દિવસને ભરપૂર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો છે. હું પણ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં સહભાગી થયો હતો. કાશ્મીરમાં યુવાનોની સાથોસાથ બહેનો-દીકરીઓએ પણ યોગ દિવસમાં રંગેચંગે ભાગ લીધો.

જેમ-જેમ યોગ દિવસનું આયોજન વધી રહ્યું છે, નવા-નવા રેકૉર્ડ બની રહ્યા છે. દુનિયાભરમાં યોગ દિવસે અનેક શાનદાર ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. સાઉદી અરબમાં પહેલી વાર એક મહિલા અલ હનૌફ સાદજીએ કૉમન યોગ પ્રૉટૉકૉલનું નેતૃત્વ કર્યું. પહેલી વાર કોઈ સાઉદી મહિલાએ કોઈ મેઇન યૉગ સેશનને ઇન્સ્ટ્રક્ટ કર્યું હોય. ઇજિપ્તમાં આ વખતે યોગ દિવસ પર એક ફૉટો કમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. નીલ નદીના કિનારે રેડ સીના બીચીસ પર અને પિરામિડોના સામે- યોગ કરતા, લાખો લોકોની તસવીરો ઘણી લોકપ્રિય થઈ. પોતાના માર્બલ બુદ્ધ સ્ટેચ્યૂ માટે પ્રસિદ્ધ મ્યાનમારનો  મારાવિજયા પેગોડા કૉમ્પ્લેક્સ દુનિયામાં પ્રસિદ્ધ છે. ત્યાં પણ ૨૧ જૂને શાનદાર યોગ સત્રનું આયોજન થયું. બહરીનમાં દિવ્યાંગ બાળકો માટે એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શ્રીલંકામાં યુનેસ્કો હેરિટેજ સાઇટ માટે પ્રસિદ્ધ ગૉલ ફૉર્ટમાં પણ એક યાદગાર યોગ સત્ર થયું. અમેરિકાના    ન્યૂ  યૉર્કમાં ઑબ્ઝર્વેશન ડૅક પર પણ લોકોએ યોગ કર્યો. માર્શલ આઇલેન્ડ પર પણ પહેલી વાર મોટા સ્તર પર યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં અહીંના રાષ્ટ્રપ્રમુખે પણ હિસ્સો લીધો. ભૂતાનના થિંપૂમાં પણ એક મોટો યોગ દિવસનો કાર્યક્રમ થયો, જેમાં મારા મિત્ર વડા પ્રધાન ટોબગે પણ સહભાગી થયા. અર્થાત્ દુનિયાના ખૂણેખૂણામાં યોગ કરતા લોકોનું વિહંગમ્ દૃશ્ય આપણે બધાએ જોયું. હું યોગ દિવસમાં હિસ્સો લેનારા બધા સાથીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મારો આપને એક જૂનો અનુરોધ પણ રહ્યો છે. આપણે યોગને માત્ર એક દિવસનો અભ્યાસ નથી બનાવવાનો. તમે નિયમિત રૂપથી યોગ કરો. તેનાથી તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનોને અવશ્ય અનુભવશો.

સાથીઓ, ભારતનાં અનેક ઉત્પાદનો છે જેની દુનિયાભરમાં ઘણી માંગ છે અને જ્યારે આપણે ભારતના કોઈ સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક થતા જોઈએ છીએ તો  ગૌરવાન્વિત થઈ જવું સ્વાભાવિક છે. આવું જ એક ઉત્પાદન છે અરાકુ કૉફી. અરાકુ કૉફી આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતા રામ રાજુ જિલ્લામાં મોટી માત્રામાં ઉત્પન્ન થાય છે. તે પોતાના સમૃદ્ધ ફ્લેવર અને સુગંધ માટે જાણીતી છે. અરાકુ કૉફીની ખેતી સાથે લગભગ દોઢ લાખ આદિવાસી પરિવારો જોડાયેલા છે. અરાકુ કૉફીને નવી ઊંચાઈ આપવામાં ગિરિજન કૉઑપરેટિવની બહુ મોટી ભૂમિકા રહી છે. તેણે અહીંના ખેડૂત ભાઈઓ-બહેનોને એક સાથે લાવવાનું કામ કર્યું અને તેમને અરાકુ કૉફીની ખેતી માટે પ્રોત્સાહિત કર્યા. તેનાથી આ ખેડૂતોની કમાણી પણ બહુ વધી ગઈ છે. તેનો ખૂબ લાભ કોંડા ડોરા આદિવાસી સમુદાયને પણ મળ્યો છે. કમાણીની સાથોસાથ તેમને સન્માનનું જીવન પણ મળી રહ્યું છે. મને યાદ છે કે એક વાર વિશાખાપટનમ્ મા  આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ ગારુની સાથે મને આ કૉફીનો સ્વાદ માણવાનો અવસર મળ્યો છે. તેના ટેસ્ટની તો વાત જ ન પૂછો. ગજબની હોય છે આ કૉફી! અરાકુ કૉફીને અનેક ગ્લૉબલ એવૉર્ડ મળ્યા છે. દિલ્લીમાં થયેલી જી-૨૦ શિખર પરિષદમાં પણ કૉફી છવાયેલી હતી. તમને જ્યારે પણ અવસર મળે, ત્યારે તમે પણ અરાકુ કૉફીનો આનંદ અવશ્ય લેજો.

સાથીઓ, લૉકલ પ્રૉડક્ટ્સને ગ્લૉબલ બનાવવામાં આપણા જમ્મુ-કાશ્મીરના લોકો પણ પાછળ નથી. ગત મહિને જમ્મુ-કાશ્મીરે જે કરી દેખાડ્યું છે તે દેશભરના લોકો માટે પણ એક દૃષ્ટાંતરૂપ છે. અહીંના પુલવામાથી સ્નૉ પીઝનો પહેલો જથ્થો લંડન મોકલવામાં આવ્યો. કેટલાક લોકોને એવો વિચાર સૂજ્યો કે કાશ્મીરમાં ઉગનારાં ઍક્ઝૉટિક વેજિટેબલ્સ ને શા માટે દુનિયાના નકશા પર ન લાવવામાં આવે... બસ, પછી શું હતું...

ચકૂરા ગામના અબ્દુલ રાશીદ મીરજી તેના માટે સૌથી પહેલા આગળ આવ્યા. તેમણે ગામના અન્ય ખેડૂતોની જમીનને એક સાથે મેળવીને સ્નૉ પીઝ ઉગાડવાનું કામ શરૂ કર્યું અને જોતજોતામાં સ્નૉ પીઝ કાશ્મીરથી લંડન સુધી પહોંચવા લાગ્યા. આ સફળતાએ જમ્મુ-કાશ્મીરના લોકોની સમૃદ્ધિનાં નવાં દ્વાર ખોલ્યાં છે. આપણા દેશમાં આવાં યુનિક પ્રૉડક્ટ્સની ખોટ નથી. તમે આવાં ઉત્પાદનોને #myproductsmypride ની સાથે જરૂર શૅર કરજો. હું આ વિષય પર આવનારી 'મન કી બાત'માં પણ ચર્ચા કરીશ.

मम  प्रिया: देशवासिन:

अद्य अहं किञ्चित् चर्चा संस्कृत भाषायां आरभे |

તમે વિચારતા હશો કે 'મન કી બાત'માં અચાનક સંસ્કૃતમાં કેમ બોલી રહ્યો છું? તેનું કારણ છે, આજે સંસ્કૃત સાથે જોડાયેલો એક વિશેષ અવસર. આજે ૩૦ જૂને આકાશવાણીનું સંસ્કૃત બુલેટિન પોતાના પ્રસારણનાં ૫૦ વર્ષ પૂરું કરી રહ્યું છે. ૫૦ વર્ષથી સતત આ બુલેટિને કેટલાય લોકોને સંસ્કૃત સાથે જોડાયેલા રાખ્યા છે. હું ઑલ ઇન્ડિયા રેડિયો પરિવારને વધામણી આપું છું.

સાથીઓ, સંસ્કૃતની પ્રાચીન ભારતીય જ્ઞાન અને વિજ્ઞાનની પ્રગતિમાં મોટી ભૂમિકા રહી છે. આજના સમયની માગ છે કે આપણે સંસ્કૃતને સન્માન પણ આપીએ, અને તેને પોતાના દૈનિક જીવન સાથે પણ જોડીએ. આજકાલ એવો જ એક પ્રયાસ બેંગ્લુરુમાં બીજા અનેક લોકો કરી રહ્યા છે. બેંગ્લુરુમાં એક પાર્ક છે - કબ્બન પાર્ક. કબ્બન પાર્કમાં અહીંના લોકોએ એક નવી પરંપરા શરૂ કરી છે. અહીં સપ્તાહમાં એક દિવસ, દર રવિવારે બાળકો, યુવાનો અને વૃદ્ધો અરસપરસ સંસ્કૃતમાં વાત કરે છે. એટલું જ નહીં, અહીં વાદ-વિવાદમાં અનેક સત્ર પણ સંસ્કૃતમાં જ આયોજિત કરવામાં આવે છે. તેની આ પહેલનું નામ છે - સંસ્કૃત વીકએન્ડ. તેની શરૂઆત એક વેબસાઇટ દ્વારા સમષ્ટિ ગુબ્બીજીએ કરી છે. કેટલાક દિવસો પહેલાં જ શરૂ થયેલો આ પ્રયાસ બેંગ્લુરુવાસીઓ વચ્ચે જોતજોતામાં ઘણો લોકપ્રિય થયો છે. જો આપણે બધા આ પ્રકારના પ્રયાસ સાથે જોડાશું તો આપણને વિશ્વની આટલી પ્રાચીન અને વૈજ્ઞાનિક ભાષામાંથી ઘણું બધું શીખવા મળશે.

મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'ના આ એપિસૉડમાં તમારી સાથે જોડાવાનું ઘણું સારું રહ્યું. હવે આ ક્રમ પાછો પહેલાંની જેમ ચાલતો રહેશે. હવેથી એક સપ્તાહ પછી પવિત્ર રથ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. મારી કામના છે કે મહા પ્રભુ જગન્નાથજીની કૃપા બધા દેશવાસીઓ પર સદૈવ બની રહે. અમરનાથ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે અને આગામી કેટલાક દિવસોમાં પંઢરપુર વારી પણ શરૂ થવાની છે. હું આ યાત્રાઓમાં સહભાગી થનારા બધા શ્રદ્ધાળુઓને શુભકામનાઓ આપું છું. પછી કચ્છી નવ વર્ષ - અષાઢી બીજનો તહેવાર પણ છે. આ બધા પર્વ-તહેવારો માટે પણ તમને બધાને ઘણી બધી શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે પૉઝિટિવિટી સાથે જોડાયેલા જનભાગીદારીના આ પ્રયાસોને તમે મારી સાથે અવશ્ય શૅર કરતા રહેશો. હું આગામી મહિને તમારી સાથે ફરીથી જોડાવાની પ્રતીક્ષા કરી રહ્યો છું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

AP/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2029643) Visitor Counter : 106