પ્રધાનમંત્રીનું કાર્યાલય

વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 10 FEB 2024 5:25PM by PIB Ahmedabad

નમસ્તે....

ગુજરાતનાં મારા પ્રિય ભાઈઓ અને બહેનો,

કેમ છો... મજા મા! આજે વિકસિત ભારત – વિકસિત ગુજરાત નામનું એક બહુ મોટું અભિયાન શરૂ થઈ રહ્યું છે. અને મને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતની તમામ 182 વિધાનસભાઓની બેઠકો પર એકસાથે, ગુજરાતનાં દરેક ખૂણામાં લાખો લોકો ટેકનોલોજીનાં માધ્યમથી જોડાયેલા છે. વિકસિત ગુજરાતની સફરમાં તમે તમામ લોકોને આટલા ઉત્સાહ સાથે સામેલ થયા છો..આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.

હજુ ગયા મહિને જ મને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવવાની તક મળી હતી. વાઇબ્રન્ટ ગુજરાતનાં 20 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ વખતનું આયોજન પણ તમે બહુ શાનદાર રીતે કર્યું છે. એ ગુજરાત માટે, દેશ માટે પણ રોકાણની દ્રષ્ટિએ બહુ શ્રેષ્ઠ કાર્યક્રમ હતો. વળી હું વિચારી રહ્યો હતો કે, જ્યારે હું મુખ્યમંત્રી હતો, ત્યારે આવા કોઈ કાર્યક્મનું આયોજન કરી શક્યો નહોતો, જે તમે લોકોએ આ વર્ષે કર્યું છે. એટલે તમે મારાંથી પણ વધારે સારી કામગીરી કરી છે. સ્વાભાવિક છે કે, એટલે મારો આનંદ વધી ગયો છે. તો મારાં તરફથી આ આયોજન માટે, એની સફળતા માટે હું ગુજરાતનાં તમામ લોકોને, ગુજરાત સરકારમાંથી બધાને અને મુખ્યમંત્રીજીની સંપૂર્ણ ટીમને હૃદયપૂવક શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું.

સાથીદારો,

કોઈ પણ ગરીબ માટે તેમનું પોતાનું ઘર, ઘરનું ઘર હોવું એનાં ઉજ્જવળ ભવિષ્યની ગેરેન્ટી હોય છે, ખાતરી આપે છે. પણ સમયની સાથે પરિવારમાં સભ્યોની સંખ્યા વધે છે એટલે નવા ઘરોની જરૂર પણ વધતી જાય છે અમારી સરકારનો પ્રયાસ છે કે, દરેક પાસે પોતાની પાકી છત હોય, પોતાનું ઘર હોય, પોતાનાં સ્વપ્નો સાકાર કરવા એક ઉત્તમ ઘર હોય. આ જ વિચાર સાથે આજે ગુજરાતના સવા લાખથી વધારે, કોઈ કલ્પના કરી શકે છે, આખા દેશમાં પણ આટલાં આકડાનું કામ થયું નથી. આજે સવા લાખ મકાનો, એનાથી પણ વધારે એ મકાનોમાં દિવાળી આવી ગઈ છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામને જેમ ઘર મળ્યું તેમ ગામડેગામડે લોકોને ઘર મળી રહ્યું છે. આજે જે કુટુંબોને ઘર મળ્યું છે, એ તમામ કુટુંબીજનોને મારાં તરફથી બહુ શુભેચ્છા અને શુભકામનાઓ. જ્યારે આ પ્રકારનાં કામ થાય છે, ત્યારે દેશ એકઅવાજે કહે છે – મોદી કી ગેરન્ટી એટલે ગેરન્ટી પૂરી થવાની ગેરન્ટી, મોદીની ખાતરી એટલે ખાતરી પૂર્ણ થવાની ખાતરી.

ભાઈઓ અને બહેનો,

આજે આ કાર્યક્રમમાં બનાસકાંઠાનાં લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. અને સાથે સાથે મને જણાવવામાં આવ્યું છે કે, 182 વિધાનસભા બેઠકોમાં, દરેક વિધાનસભાની બેઠકોમાં હજારો લોકો એકત્ર થયા છે. હું ગુજરાત ભાજપના લોકોને, ગુજરાતની જનતાને, ગુજરાત સરકારને આટલું ભવ્ય આયોજન કરવા માટે અભિનંદન આપું છું. અને હું અહીં ટીવી પર અલગ-અલગ સ્થાનનાં લોકોને જોઈ રહ્યો છું, જુદાં જુદાં સ્થાનનાં અલગ-અલગ લોકોનાં બહુ જૂનાં ચેહરા મને આજે અહીં દૂરથી જોવા મળવાની તક મળી છે. દૂર-દૂર, અંતરિયાળનાં તમામ વિસ્તારો મને જોવા મળે છે. કેટલો મોટો અને ભવ્ય કાર્યક્રમ, મેં વર્ષો સુધી સંગઠનનું કામ કર્યું છે, એટલે મને ખબર છે કે, એકસાથે આટલાં બધાં સ્થાનો પર લાખો લોકોને એકત્ર કરવા કોઈ મામૂલી કે સાધારણ કામ નથી. અને તમે બધા આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપી રહ્યાં છો, ત્યારે અમારી સંકલ્પશક્તિ વધારે મજબૂત થઈ છે. અને તમારી સંકલ્પશક્તિને અમે અનુભવી રહ્યાં છીએ. આપણો બનાસકાંઠા જિલ્લો એટલે આપણું સંપૂર્ણ ઉત્તર ગુજરાત...આપણે ત્યાં તો પાણીનાં ઘડાં લઈને બે-બે કિલોમીટર દૂર જવું પડતું હતું. પણ આપણાં ઉત્તર ગુજરાતનાં ખેડૂતોને પાણીની દરેક બૂંદ, વધારે પાક, ટપક સિંચાઈ, આધુનિક સિંચાઈ એટલે કે એવી નવી પહેલો પ્રસ્તુત કરી છે કે એનાં કારણે આજે ખેતીનાં ક્ષેત્રમાં આપણું મહેસાણા હોય, અંબાજી હોય, પાટણ હોય – આ આખો વિસ્તાર નવી ઊંચાઈ પર પહોંચી ગયો છે. મને અંબાજી ધામમાં ચાલી રહેલાં વિકાસકાર્યો જોઈને બહુ આનંદ થયો છે. આગામી સમયમાં અહીં ભક્તો અને પર્યટકોની સંખ્યામાં મોટો વધારો થશે. હવે જુઓ તારંગાહિલમાં પ્રગતિ થઈ રહી છે, અંબાજી બહુ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને ખાસ બાત એ છે કે, જે નવી રેલવે લાઇન પાથરવામાં આવી રહી છે એનાં કારણે આબૂ રો સુધી એટલે કે અમદાવાદથી આબૂ રોડ સુધી એક નવી બ્રોડગેજ લાઇન મળશે. અને આ કામ તો તમને યાદ છે ને, અંગ્રેજોનાં જમાનામાં 100 વર્ષ અગાઉ એની યોજના બની હતી. પણ 100 વર્ષ સુધી એને ડબ્બામાં મૂકી દીધી, કામ ન કર્યું, પણ આજે 100 વર્ષ પછી આ કામ થઈ રહ્યું છે. આ યોજનાથી મોટી સંખ્યામાં રોજગારીની નવી તકો ઊભી થશે. આ યોજનાનાં નિર્માણથી અજિતનાથ જૈન મંદિર સુધી પહોંચવું સરળ થઈ જશે. અંબાજી માતાના મંદિર સુધી સુગમ રેલ જોડાણ મળશે. અને હમણાં મેં અખબારમાં વાંચ્યું, હું જ્યારે ત્યાં હતો ત્યારે, મને પણ એની જાણકારી નહોતી. મારું ગામ વડનગર હવે તમામ લોકોએ શોધી કાઢ્યું છે. લગભગ 3 હજાર વર્ષથી જીવંત ગામ દુનિયાનાં લોકો માટે એક અજાયબી છે, અને કહેવાય છે કે, બહુ મોટી સંખ્યા પ્રવાસીઓ અગાઉ હાટકેશ્વર આવતાં હતાં. હવે આ પ્રાચીન ચીજવસ્તુઓ જોવા આવે છે. બીજી તરફ, અંબાજી, પાટણ, તારંગાજી એટલે કે એક પ્રકારે સંપૂર્ણ એક વિસ્તાર આકાર લઈ રહ્યો છે. જેમ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર્યટકો માટે આકર્ષણનું એક કેન્દ્ર બની ગયું છે, તેમ પ્રવાસીઓ આપણાં ઉત્તર ગુજરાતમાં પણ નડાબેટ જવા માટે આજકાલ આવી રહ્યાં છે. ચોતરફ વિકાસ જ વિકાસ થઈ રહ્યો છે, નજરે પડ્યો છે. ઉત્તર ગુજરાતને આ કારણે બહુ લાભ થવાનો છે, વિકાસની નવી ઊંચાઈઓને સર કરશે.

સાથીદારો,

આપણે નવેમ્બર-ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાઓમાં સંપૂર્ણ દેશમાં વિકસિત ભારતની સંકલ્પયાત્રાનું સફળ આયોજન જોયું છે. ગામડેગામડે મોદીની ગેરન્ટની ગાડી જતી હતી અને ગામડામાં જે કોઈ લાભાર્થી રહી ગયો હોય તે એને પણ શોધતી હતી. આ રીતે આખા દેશમાં લાખો ગામડાઓમાં ભારત સરકાર સીધી તેમની પાસે પહોંચી ગઈ હોય, એવું આઝાદીનાં 75 વર્ષમાં પહેલી વાર થયું છે. અને આપણાં ગુજરાતમાં પણ કરોડો-કરોડો લોકો આ કાર્યક્રમો સાથે જોડાઈ ગયા છે. વળી સરકારના આ પ્રકારનાં પ્રયાસોથી છેલ્લાં 10 વર્ષમાં દેશમાં જે સૌથી મોટું કામ થયું છે એવું હું માનું છું એ છે – 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર નીકળ્યાં છે. તમને પણ આ જાણીને સંતોષ થયો હશે. સરકાર આ 25 કરોડ લોકોની સાથે દરેક પગલે સાથે છે અને આ 25 કરોડ સાથીદારોએ સરકારની યોજનાઓનો લાભ લીધો છે, ઉચિત રીતે રૂપિયાનો ઉપયોગ કર્યો છે, યોજના માટે એને અનુરૂપ પોતાનું જીવન ઢાળી દીધું છે અને 25 કરોડ લોકો ગરીબને પરાસ્ત કરવામાં સફળ થયા છે. તમને વિચાર છે કે મને કેટલો આનંદ થતો હશે, મારો વિશ્વાસ કેટલો વધી ગયો છે કે હા... આ યોજનાઓ આપણને ગરીબીની રેખામાંથી બહાર કાઢી શકે છે. અને આ માટે આગામી દિવસોમાં પણ મને ભારતમાં ગરીબીનો અંત લાવવા માટે તમારી મદદ જોઈએ છે. જો તમે જે રીતે ગરીબીને પરાસ્ત કરી છે, એ જ રીતે અન્ય ગરીબો પણ ગરીબીને પરાસ્ત કરે એ માટે મારા સાથી બનીને તમે તેને તાકાત આપજો. અને મને ખાતરી છ કે, તમે મારા એક સિપાહી બનીને, મારા સાથીદાર બનીને, ગરીબીને પરાસ્ત કરવાની લડાઈમાં મારો સાથ આપશો. તમને જે તાકાત મળી છે એ અન્ય ગરીબોને પણ મળે, આ કામ તમે જરૂર કરશો. હમણાં જે બહેનો સાથે મને સંવાદ કરવાની તક મળી, તેમનો મેં જે આત્મવિશ્વાસ જોયો, ઘર મળ્યાં પછી તેમના જીવનમાં જે એક વિશ્વાસ પેદા થયો છે, અને ઘર પણ હું જોઈ રહ્યો હતો, આ સુંદર ઘર દેખાઈ રહ્યું છે, મનને લાગતું હતું કે, વાહ...ખરેખ મારાં ગુજરાતની જેમ મારાં દેશના લોકો પણ સુખીસંપન્નતા તરફ અગ્રેસર થઈ રહ્યાં છે.

સાથીદારો,

હાલ સમય ઇતિહાસનું સર્જન કરવાનો સમય છે, ઇતિહાસ રચવાનો સમય છે. આ એ જ સમય છે, જે આપણે આઝાદીના સમયગાળામાં જોયો હતો. આઝાદીની લડાઈ દરમિયાન સ્વદેશી આંદોલન હોય, ભારત છોડો આંદોલન હોય, દાંડીકૂચ હોય, જન-જન સંકલ્પ બની ગયો હતો. દેશ માટે આજે એવા જ સંકલ્પની જરૂર વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે છે. વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ બહુ મોટો બની ગયો છે. દેશનું દરેક બાળક ઇચ્છે છે કે આગામી 25 વર્ષમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની જાય. આ માટે દરેક પોતાનું શક્ય પ્રદાન કરી રહ્યાં છે. અને ગુજરાતની તો હંમેશા આ વિચારસરણી રહી છે. જ્યારે હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો, ત્યારે પણ ગુજરાતનો આ જ સંકલ્પ રહ્યો છે, રાજ્યનાં વિકાસ થકી દેશના વિકાસની વિચારસરણી રહી છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત – આ કાર્યક્રમ એ જ કડીનો એક ભાગ છે.

ભાઈઓ અને બહેનો,

મને ખુશી છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાને લાગુ કરવામાં ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે. આ અંતર્ગત શહેરી વિસ્તારોમાં 8 લાખથી વધારે ઘરનું નિર્માણ થઈ ગયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 5 લાખથી વધારે ઘરનું નિર્માણ થયું છે. નવી ટેકનિક અને ઝડપથી ઘર બનાવવા માટે આપણે આપણી આવાસ યોજનાઓમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છીએ. ગુજરાતનાં રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટથી 1100થી વધારે ઘર બનાવવામાં આવ્યાં છે.

સાથીદારો,

ગરીબોના ઘર માટે મોદીએ સરકારી તિજોરી ખોલી દીધી છે. અને અગાઉ શું હાલત હતી એ મને યાદ છે. વલસાડ તરફ આપણાં હળપતિ સમુદાય કે સમાજ માટે મકાન બન્યાં હતાં. કોઈ એક દિવસ એ ઘરોમાં રહેવા ગયું નહોતું. હળપતિ પણ રહેવા ન જાય – બોલો એ ઘરોની સ્થિતિ કેવી હશે. અને ધીમે ધીમે આ ઘર પોતાની રીતે બેસી ગયા. એ જ રીતે આપણે ભાવનગર જઈએ તો માર્ગમાં અનેક મકાનો જોવા મળે છે. કોઈ મનુષ્ય દેખાતો નથી. ધીમે ધીમે એ મકાનનાં બારીબારણાં બધાની ચોરી થઈ ગઈ, લોકો લઈ ગયા. આ બધી 40 વર્ષ અગાઉની વાત તમને જણાવી રહ્યો છું. બધું બરબાદ થઈ ગયું હતું, કારણ કે કોઈ રહેવા જ જતું નહોતુ, આવું નિર્માણ કર્યું હતું. વર્ષ 2014 અગાઉ 10 વર્ષમાં જેટલો રૂપિયો ગરીબોનાં ઘર માટે આપવામાં આવતો હતો, એનાથી લગભગ 10 ગણું ભંડોળ છેલ્લાં 10 વર્ષમાં આપવામાં આવ્યું છે, ફાળવવામાં આવ્યું છે. આ વર્ષના બજેટમાં પણ અમે 2 કરોડ નવા ઘરોનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે, જેથી દરેક ગરીબ પાસે પોતાનું પાકું મકાન હોય.

સાથીદારો,

વર્ષ 2014 અગાઉ જે ઝડપથી ગરીબોનાં ઘર બનતાં હતાં, એનાથી વધારે ઝડપથી અત્યારે ગરીબોનાં ઘર બની રહ્યાં છે. અગાઉ ગરીબોનાં ઘર માટે રૂપિયા મળતા જ, પણ બહુ ઓછી રકમ મળતી હતી, અને વચ્ચે કટકી, ભ્રષ્ટાચાર, કંપની, વચેટિયા, 15 હજાર રૂપિયા ગુપચાવી લેતાં, કોઈ 20 હજાર રૂપિયાની દલાલી કરતો. અત્યારે સવા બે લાખથી વધારે રૂપિયા લાભાર્થીને મળે છે અને સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. હાલ ગરીબને પોતાનું ઘર પોતાની રીતે બનાવવાની છૂટ મળી છે, એટલે ઘર પણ ઝડપથી બની રહ્યાં છે, સારાં બની રહ્યાં છે. અગાઉ ઘર નાનાં હતાં. ઘર કેવું હશે એ સરકાર નક્કી કરતી હતી. જો ઘર બની જાય તો શૌચાલય, વીજળી, પાણી, ગેસનું જોડાણ એવી સુવિધાઓ ગરીબ પરિવારોને ઘણાં વર્ષો સુધી મળતી નહોતી. એનાં માટે પણ ગરીબોને હજારો રૂપિયાનો ખર્ચ થતો હતો. એટલે અગાઉનાં અનેક ઘરોમાં ગૃહપ્રવેશ જ થયો નહોતો. અત્યારે ઘરની સાથે આ તમામ સુવિધાઓ મળી જાય છે. એટલે આજે દરેક લાભાર્થી રાજીખુશીથી પોતાનાં પાકાં ઘરમાં ગૃહપ્રવેશ કરે છે. આ જે ઘર મળ્યું છે, એનાથી કરોડો બહેનોનાં નામ પર પહેલી વાર કોઈ સંપત્તિની નોંધણી થઈ છે. અગાઉ તો ઘર પુરુષનાં નામ પર, અગાઉ પતિનાં નામ પર અને પછી દિકરાઓનાં નામ પર, દુકાન હોય તો પણ પુરુષનાં નામ પર, ખેતર હોય તો એ પણ પુરુષનાં નામ પર, ઘરમાં વાહન હોય તો એ પણ પુરુષનાં નામ પર. પછી અમે નિર્ણય લીધો કે આ ગરીબોને જે ઘર આપીશું એ ઘરની સૌથી મોટી બહેનનાં નામે, માતાનાં નામે આપીશું. માતા અને બહેનો હવે ઘરની માલિક બની ગઈ.

ભાઈઓ અને બહેનો,

ગરીબો, યુવાનો, આપણાં દેશનાં અન્નદાતા એટલે કે આપણાં ખેડૂતો, આપણી માતૃશક્તિ, આપણી નારી, બહેનો આ વિકસિત ભારતનાં આધારસ્તંભો છે. એટલે તેમનું સશક્તિકરણ કરવું આપણી પ્રતિબદ્ધતા છે, આપણી પ્રાથમિકતા છે. અને જ્યારે હું ગરીબોની વાત કરું છું, ત્યારે તેમાં દરેક સમાજનાં પરિવાર આવી જાય છે. આ ઘર મળે છે, તો તેમાં દરેક જાતિનાં ગરીબ કુટુંબો સામેલ છે. મફત અનાજ મળે છે, તો તેમાં દરેક જાતિના ગરીબ લાભાર્થીને એનો લાભ મળે છે. મફત સારવાર મળે છે, તો તેમાં પણ દરેક જાતિના ગરીબ લાભાર્થીને એનો લાભ મળે છે. સસ્તું ખાતર મળે છે, તો દરેક જાતિનાં ખેડૂતોને મળી રહ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ, દરેક જાતિના ખેડૂતોને મળી રહી છે. ગરીબ કુટુંબ, પછી એ કોઈ પણ સમાજનો હોય, તેનાં દિકરાં-દિકરીઓ માટે અગાઉ બેંકોનાં દરવાજાં બંધ હતા. તેમની પાસે બેંકને ગેરન્ટી આપવા માટે કશું નહોતું. જેમની પાસે કોઈ ગેરન્ટી નહોતી, તેમની ગેરન્ટી મોદીએ લીધી છે. મુદ્રા યોજના આવી જ એક ગેરન્ટી છે. આ અંતર્ગત આપણા સમાજનાં ગરીબ યુવાનો ગેરન્ટી વિના લોન લઈ રહ્યાં છે અને પોતાનો નાનોમોટો વેપાર કરી રહ્યાં છે. આપણાં વિશ્વકર્મા સાથીદારો, આપણા ફૂટપાથ પર વેચાણ કરતાં સાથીદારો, આ લોકોની ગેરન્ટી પણ મોદીએ લીધી છે. એટલે આજે એમનું જીવન પણ બદલાઈ રહ્યું છે. ગરીબ કલ્યાણ માટે દરેક યોજનાનાં સૌથી મોટા લાભાર્થીઓ મારાં દલિત ભાઈબહેનો છે, અન્ય પછાત વર્ગ (ઓબીસી)નાં મારાં ભાઈબહેનો છે, બક્ષીપંચનાં લોકો છે, આપણાં આદિવાસી પરિવારનાં સભ્યો છે. મોદીની ગેરેન્ટીનો સૌથી વધુ લાભ જો કોઈને મળ્યો હોય, તો આ પરિવારોનો મળ્યો છે.

ભાઈઓ અને બહેનો,

મોદીએ બહેનોને લખપતિ દીદી બનાવવાની બહુ મોટી ગેરન્ટી આપી છે. તમે સાંભળ્યું હશે કે મોદીસાહેબ આ શું કરી રહ્યાં છે. મેં નક્કી કર્યું છે કે, ગામડે-ગામડે લખપતિ દીદી બનાવવી છે. અત્યાર સુધી દેશમાં 1 કરોડ લખપતિ દીદી બની ગઈ છે. તેમાં મોટી સંખ્યામાં ગુજરાતમાં પણ મારી માતાઓ અને બહેનો સામેલ છે. હવે અમારો પ્રયાસ છે કે, આગામી થોડાં વર્ષોમાં 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવી છે. આનાથી ગુજરાતની હજારો બહેનોને પણ લાભ થશે. આ જે નવી લખપતિ દીદી બનાવવા જઈ રહ્યાં છે, એનાથી ગરીબ પરિવારોને એક નવી તાકાત મળી છે. આપણી આશા કાર્યકર્તાઓ, આપણી આંગણવાડીની બહેનો તેમના માટે પણ આ બજેટમાં બહુ મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે આ બહેનોને પોતાની સારવારની ચિંતા નહીં કરવી પડે. તેમનાં અને તેમના પરિવારની સારવારની ચિંતા મોદી કરશે. તમામ આશા અને આંગણવાડી કાર્યકર્તાઓને પણ હવે આયુષ્માન યોજના અંતર્ગત મફત સારવારની સુવિધા મળશે.

સાથીદારો,

પસાર થયેલા વર્ષોમાં અમે સતત પ્રયાસ કર્યો છે કે, ગરીબ અને મધ્યમ વર્ગનો ખર્ચ કેવી રીતે ઓછો કરવામાં આવે. મફત અનાજ હોય, સસ્તી સારવાર હોય, સસ્તી દવાઓ હોય, સસ્તું મોબાઇલ બિલ હોય, એનાથી બહુ મોટી બચત થઈ રહી છે. ઉજ્જવલાની લાભાર્થી બહેનોને ગેસ સિલિન્ડર પણ બહુ સસ્તા દરે આપવામાં આવે છે. LED બલ્બની જે ક્રાંતિ અમે કરી છે, તેનાથી ઘરે-ઘરે વીજળીનું બિલ ઓછું થયું છે. હવે અમારો પ્રયાસ એવો છે કે, સામાન્ય પરિવારોની વીજળીનું બિલ પણ ઝીરો થાય અને વીજળીમાંથી કમાણી પણ થાય. એટલે હવે કેન્દ્ર સરકારે એક બહુ મોટી યોજના બનાવી છે. આ અંતર્ગત શરૂઆતમાં 1 કરોડ પરિવારોનાં ઘરો પર સોલર રુફટોપ સ્થાપિત કરવામાં આવશે. જેમ આપણાં રાધનપુર પાસે સોલરનું વિશાળ ફાર્મ બનાવવામાં આવ્યું છે, કચ્છમાં પણ છે અને હવે દરેક ઘરની ઉપર રુફટોપ હશે. આ કારણે ઘરમાં વીજળી મફતમાં મળશે. એનાથી લગભગ 300 યુનિટ વીજળી મફત મળે એવી વ્યવસ્થા થઈ જશે અને હજારો રૂપિયાની બચત પણ તમને થશે. જો તમે વધારે વીજળી પેદા કરો છો, તો સરકાર ખરીદશે અને તમને વીજળીનું વેચાણ કરવાથી કમાણી થશે. ગુજરાતમાં તો મોઢેરામાં અમે સૌર ગામ બનાવી દીધું છે. હવે આખાં દેશમાં આ પ્રકારની ક્રાંતિ થવાની છે. અમારી સરકાર ખેડૂતોને ઊર્જાદાતા બનાવવા પણ કામ કરી રહી છે. ખેડૂતો માટે સોલર પમ્પ અને વેરાન જમીન પર નાનાં-નાનાં સોલર પ્લાન્ટ લગાવવામાં પણ સરકાર મદદ કરી રહી છે. ગુજરાતમાં ખેડૂતો માટે પણ સૌર ઊર્જાનાં માધ્યમથી એક અલગ ફીડર આપવાની કામગીરી ચાલી રહી છે, જેનાથી ખેડૂતોને દિવસે પણ સિંચાઈ માટે વીજળીની સુવિધા મળશે.

સાથીદારો,

ગુજરાતની ઓળખ એક ટ્રેડિંગ રાજ્ય તરીકેની રહી છે, વેપારવાણિજ્યથી સંપન્ન રાજ્યની રહી છે. પોતાની વિકાસ યાત્રામાં ગુજરાતે ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ પર પહોંચાડ્યો છે. ઉદ્યોગનું પાવરહાઉસ હોવાથી ગુજરાતનાં યુવાનોને અભૂતપૂર્વ તકો મળી છે. અત્યારે ગુજરાતનાં યુવાનો, દરેક ક્ષેત્રમાં ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યાં છે. આ તમામ અભિયાન ગુજરાતનાં યુવાનોને નવી તકો આપશે, તેનાથી આવક વધશે અને વિકસિત ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જશે. ડબલ એન્જિનની સરકાર દરેક જગ્યાએ તમારી સાથે છે, દરેક પગલે તમારી સાથે છે. તમને બધાને આજે મળીને બહુ આનંદ થયો, ફરી એકવાર આજે જેમને ઘર મળ્યાં છે, તે બધાને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા આપું છું. તમે ખાતરી રાખો અને તમારાં બાળકોને કહેજો કે મોદીસાહેબ, તમે જે મુસીબતોમાં જીવ્યાં છે એ મુશ્કેલીઓમાં તમારાં બાળકોને જીવવું નહીં પડે, આવું ચાલવા દેવાનું નથી. તમે જે તકલીફો સહન કરી છે, તમારાં બાળકોને એ તકલીફો સહન ન કરવી પડે એવાં ગુજરાતનું નિર્માણ આપણે કરવાનું છે. અને આવો જ દેશ બનાવવાનો છે.

તમને બધાને મારી શુભેચ્છાઓ.

ધન્યવાદ.

AP/GP/JD



(Release ID: 2004897) Visitor Counter : 127