પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 16-17 જાન્યુઆરીનાં રોજ આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાત લેશે
ભારતનાં બંદરો, શિપિંગ અને જળમાર્ગોનાં ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનાં એક પગલાં સ્વરૂપે પ્રધાનમંત્રી કોચીમાં રૂ. 4,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે
પ્રધાનમંત્રી કોચીન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ)માં 'ન્યૂ ડ્રાય ડોક' અને 'ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (આઇએસઆરએફ)'નું ઉદઘાટન કરશે
વિદેશી રાષ્ટ્રો પર દેશની નિર્ભરતાને દૂર કરતા, 'ન્યૂ ડ્રાય ડોક' સીએસએલ ખાતે મોટા વ્યાપારી જહાજોને ડોકિંગને સક્ષમ બનાવશે
પ્રધાનમંત્રી કોચીનાં પુથુવીપીનમાં આઇઓસીએલનાં એલપીજી આયાત ટર્મિનલનું ઉદઘાટન કરશે
પ્રધાનમંત્રી આંધ્ર પ્રદેશમાં વીરભદ્ર મંદિર; કેરળમાં ગુરુવાયુર મંદિર અને થ્રીપ્રયાર શ્રી રામસ્વામી મંદિરમાં પૂજા અને દર્શન કરશે
પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના પલાસમુદ્રમ ખાતે નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સના નવા કેમ્પસનું ઉદઘાટન કરશે
Posted On:
14 JAN 2024 8:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16-17મી જાન્યુઆરી, 2024ના રોજ આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી 16મી જાન્યુઆરીએ, બપોરે 1:30 વાગ્યે, આંધ્રપ્રદેશના લેપાક્ષી, વીરભદ્ર મંદિરમાં પૂજા અને દર્શન કરશે. બપોરે 3:30 વાગ્યે, પ્રધાનમંત્રી શ્રી સત્ય સાઈ જિલ્લાના પલાસમુદ્રમ પહોંચશે અને નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ (NACIN) ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ અને પરોક્ષ કર)ની 74મી અને 75મી બેચના અધિકારી તાલીમાર્થીઓ તેમજ ભૂટાનની રોયલ સિવિલ સર્વિસના અધિકારી તાલીમાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરશે.
પ્રધાનમંત્રી 17 જાન્યુઆરીનાં રોજ સવારે 07:30 વાગ્યે કેરળમાં ગુરુવાયુર મંદિરમાં પૂજા-અર્ચના અને દર્શન કરશે. તેઓ સવારે 10:30 વાગ્યે ત્રિપ્રયાર શ્રી રામાસ્વામી મંદિરમાં પૂજા અને દર્શન પણ કરશે. તે પછી બપોરે 12 વાગે પ્રધાનમંત્રી બંદરો, શિપિંગ અને જળમાર્ગ ક્ષેત્ર સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન
કોચીની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી કોચીન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ)માં રૂ. 4,000 કરોડથી વધારે મૂલ્યનાં ત્રણ મુખ્ય માળખાગત પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, જેમાં ન્યૂ ડ્રાય ડોક (એનડીડી) સામેલ છે. સીએસએલની ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (આઇએસઆરએફ) અને કોચીનાં પુથુવીપીન ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનું એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ સામેલ છે. આ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સ ભારતનાં બંદરો, શિપિંગ અને જળમાર્ગોનાં ક્ષેત્રમાં પરિવર્તન લાવવા તથા તેમાં ક્ષમતા અને સ્વનિર્ભરતાનું નિર્માણ કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ છે.
સીએસએલ, કોચીનાં હાલનાં પરિસરમાં આશરે રૂ. 1,800 કરોડનાં ખર્ચે નિર્મિત ન્યૂ ડ્રાય ડોક એક મુખ્ય પ્રોજેક્ટ છે, જે ન્યૂ ઇન્ડિયાનાં એન્જિનીયરિંગ કૌશલ્યને પ્રતિબિંબિત કરે છે. 75/60 મીટરની પહોળાઈ, 13 મીટરની ઊંડાઈ અને 9.5 મીટર સુધીના ડ્રાફ્ટ સાથેની આ એક પ્રકારની 310 મીટર લાંબી પગથિયાંવાળું ડ્રાય ડોક, આ ક્ષેત્રના સૌથી મોટા દરિયાઈ માળખાઓમાંનું એક છે. ન્યૂ ડ્રાય ડોક પ્રોજેક્ટમાં ભારે ગ્રાઉન્ડ લોડિંગની સુવિધા આપવામાં આવી છે, જે ભારતને 70,000ટી સુધીના ભવિષ્યના એરક્રાફ્ટ કેરિયર્સ તેમજ મોટા વાણિજ્યિક જહાજો જેવી વ્યૂહાત્મક અસ્કયામતોનું સંચાલન કરવાની અદ્યતન ક્ષમતા સાથે સ્થાપિત કરશે, જેથી કટોકટીની રાષ્ટ્રીય જરૂરિયાતો માટે વિદેશી રાષ્ટ્રો પર ભારતની નિર્ભરતા દૂર થશે.
લગભગ 970 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (ISRF) પ્રોજેક્ટ પોતાની એક અનોખી સુવિધા છે. તેમાં 6000ટીની ક્ષમતા ધરાવતી શિપ લિફ્ટ સિસ્ટમ, ટ્રાન્સફર સિસ્ટમ, છ વર્કસ્ટેશન અને અંદાજે 1,400 મીટરની બર્થ છે, જેમાં એક સાથે 130 મીટર લંબાઇના 7 જહાજોને સમાવી શકાય છે. આઈએસઆરએફ સીએસએલની હાલની જહાજ રિપેર ક્ષમતાઓનું આધુનિકીકરણ અને વિસ્તરણ કરશે તથા કોચીને વૈશ્વિક જહાજ રિપેર હબ તરીકે પરિવર્તિત કરવાની દિશામાં એક પગલું હશે.
કોચીના પુથુવીપીન ખાતે ઇન્ડિયન ઓઇલનું એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ આશરે રૂ. 1,236 કરોડના ખર્ચે તૈયાર થયું છે, જે અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે. 15400 એમટીની સંગ્રહ ક્ષમતા સાથે આ ટર્મિનલ આ વિસ્તારમાં લાખો પરિવારો અને વ્યવસાયો માટે એલપીજીનો સતત પુરવઠો સુનિશ્ચિત કરશે. આ પ્રોજેક્ટ તમામ માટે સુલભ અને વાજબી ઊર્જા સુનિશ્ચિત કરવાની દિશામાં ભારતનાં પ્રયાસોને વધારે મજબૂત કરશે.
આ 3 પ્રોજેક્ટ શરૂ થવાથી દેશના શિપ બિલ્ડિંગ અને રિપેરિંગની ક્ષમતા તેમજ આનુષાંગિક ઉદ્યોગો સહિત એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ મળશે. આ પ્રોજેક્ટ્સ એક્ઝિમ વેપારને પણ પ્રોત્સાહન આપશે, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે, આર્થિક વૃદ્ધિને વેગ આપશે, આત્મનિર્ભરતાનું નિર્માણ કરશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપારની અસંખ્ય તકોનું સર્જન કરશે.
કસ્ટમ્સ, પરોક્ષ કરવેરા અને નાર્કોટિક્સની રાષ્ટ્રીય એકેડમી (એનએસીઆઈએન)
સિવિલ સર્વિસ કેપેસિટી બિલ્ડિંગ મારફતે શાસન સુધારવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું ભરીને આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના પલાસમુદ્રમ ખાતે નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ (એનએસીઆઈએન)ના નવા અત્યાધુનિક કેમ્પસની કલ્પના કરવામાં આવી હતી અને તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 500 એકરમાં ફેલાયેલી આ એકેડમી અપ્રત્યક્ષ કરવેરા (કસ્ટમ્સ, સેન્ટ્રલ એક્સાઇઝ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) અને નાર્કોટિક્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ માટે ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા છે. રાષ્ટ્રીય સ્તરની વૈશ્વિક કક્ષાની તાલીમ સંસ્થા ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ અને પરોક્ષ કરવેરા)નાં અધિકારીઓ તેમજ કેન્દ્ર સરકાર સાથે સંબંધિત સેવાઓ, રાજ્ય સરકારો અને ભાગીદાર દેશોને તાલીમ આપશે.
આ નવા કેમ્પસના ઉમેરા સાથે એનએસીઆઈએન નવા યુગની ટેકનોલોજીઓ જેવી કે ઓગમેન્ટેડ એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી, બ્લોક-ચેઇન તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય ઉભરતી ટેકનોલોજીના તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
YP/JD
(Release ID: 1996088)
Visitor Counter : 175
Read this release in:
Tamil
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam