પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 30 નવેમ્બરનાં રોજ વિકાસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે


મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસ માટેનાં મહત્ત્વપૂર્ણ પગલાં સ્વરૂપે પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર લોંચ કરશે

આગામી ત્રણ વર્ષમાં મહિલા એસએચજીને 15,000 ડ્રોન પ્રદાન કરવામાં આવશે

પ્રધાનમંત્રી એઈમ્સ દેવઘરમાં 10,000માં જનઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000થી વધારીને 25,000 કરવાનાં કાર્યક્રમનો પણ શુભારંભ કરશે

બંને પહેલો આ વર્ષના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયેલા વચનોની પૂર્તિને ચિહ્નિત કરે છે

Posted On: 29 NOV 2023 11:59AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરનાં રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે હેતુથી સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાના હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે કે, મહિલાઓની આગેવાનીમાં વિકાસ સુનિશ્ચિત થાય. આ દિશામાં વધુ એક પગલું ભરતા પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્રનો શુભારંભ કરાવશે. તે મહિલા સ્વસહાય જૂથો (એસએચજી)ને ડ્રોન પ્રદાન કરશે, જેથી આ ટેકનોલોજીનો ઉપયોગ તેઓ આજીવિકા સહાય માટે કરી શકે. આગામી ત્રણ વર્ષ દરમિયાન મહિલા એસએચજીને 15,000 ડ્રોન આપવામાં આવશે. મહિલાઓને ડ્રોન ઉડાડવા અને ઉપયોગ કરવા માટે જરૂરી તાલીમ પણ આપવામાં આવશે. આ પહેલ કૃષિમાં તકનીકીના ઉપયોગને પ્રોત્સાહિત કરશે.

સ્વાસ્થ્ય સેવાઓને વાજબી અને સરળતાપૂર્વક સુલભ બનાવવી એ સ્વસ્થ ભારત માટે પ્રધાનમંત્રીનાં વિઝનનો પાયો છે. આ દિશામાં એક મોટી પહેલ જન ઔષધિ કેન્દ્રની સ્થાપના કરવાની છે, જેથી દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ થાય. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દેવઘરમાં એઈમ્સમાં સીમાચિહ્નરૂપ 10,000માં જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કરશે. વધુમાં પ્રધાનમંત્રી દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000થી વધારીને 25,000 કરવા માટેના કાર્યક્રમનો પણ શુભારંભ કરાવશે.

મહિલા એસએચજીને ડ્રોન પ્રદાન કરવા અને જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000થી વધારીને 25,000 કરવાની આ બંને પહેલોની જાહેરાત પ્રધાનમંત્રીએ આ વર્ષની શરૂઆતમાં તેમનાં સ્વતંત્રતા દિવસનાં ભાષણ દરમિયાન કરી હતી. આ કાર્યક્રમ આ વચનોની પૂર્તિને ચિહ્નિત કરે છે.

CB/GP/JD



(Release ID: 1980701) Visitor Counter : 344