પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ મધ્યપ્રદેશ રોજગાર મેળાને સંબોધન કર્યું


“નવી ભરતી થયેલા ઉમેદવારો રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં અમલમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે”

“વર્તમાન સરકાર પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસક્રમની પુસ્તકો પર ભાર મૂકે છે”

“જ્યારે સકારાત્મક અભિગમ, યોગ્ય ઇરાદા અને સંપૂર્ણ પ્રામાણિકતા સાથે નિર્ણયો લેવાય છે, ત્યારે સંપૂર્ણ વાતાવરણ સકારાત્મક બની જાય છે”

“સિસ્ટમમાંથી ભ્રષ્ટાચાર દૂર થવાથી સરકાર ગરીબોનાં કલ્યાણ પર વધારે ખર્ચ કરવા સક્ષમ બની છે”

“પીએમ વિશ્વકર્મા યોજના 21મી સદીની જરૂરિયાતો પૂર્ણ કરવા વિશ્વકર્માઓની પરંપરાગત કુશળતાઓ અપનાવવા અને ખીલવવા બનાવવામાં આવી છે”

Posted On: 21 AUG 2023 1:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો લિન્ક મારફતે મધ્યપ્રદેશ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે એકત્ર લોકોને સંબોધન કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જે લોકોને નિમણૂકપત્રો મળ્યાં છે તેઓ આ ઐતિહાસિક સમયગાળામાં શિક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી અદા કરવા સામેલ થયા છે. લાલ કિલ્લા પરથી દેશનાં વિકાસમાં રાષ્ટ્રીય ચરિત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિગતવાર જાણકારી આપતાં પોતાનાં સંબોધન પર પ્રકાશ ફેંકીને પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, આજે જે તમામ લોકોને રોજગારીઓ મળી છે તેઓ ભારતની ભવિષ્યની પેઢીઓને ઘડવાની, તેમની માનસિકતાને આધુનિક બનાવવાની અને તેમને એક નવી દિશા આપવાની જવાબદારી ધરાવશે. તેમણે આ રોજગાર મેલા દરમિયાન આજે મધ્યપ્રદેશની પ્રાથમિક શાળાઓમાં નિમણૂક થયેલા 5,500થી વધારે શિક્ષકોને તેમની શ્રેષ્ઠ શુભેચ્છા આપી હતી. પ્રધાનમંત્રીએ એવી જાણકારી પણ આપી હતી કે, છેલ્લાં 3 વર્ષ દરમિયાન મધ્યપ્રદેશમાં આશરે 50,000 શિક્ષકોની ભરતી થઈ છે અને હું આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ બદલ રાજ્ય સરકારને અભિનંદન આપું છું.

નવા ભરતી થયેલા શિક્ષકો વિકસિત ભારતનાં સંકલ્પને સિદ્ધ કરવામાં વિશાળ પ્રદાન ધરાવતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે એવો અભિપ્રાય વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આધુનિકતા બાબતો જેટલું જ મહત્વ પરંપરાગત જ્ઞાન અને ભવિષ્યની ટેકનોલોજીને આપવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારે પ્રાથમિક શિક્ષણનાં ક્ષેત્રમાં નવો અભ્યાસક્રમ તૈયાર પણ કરવામાં આવ્યો છે, ત્યારે સાથે સાથે માતૃભાષામાં શિક્ષણ આપવા સંબંધિત પ્રગતિ થઈ છે. અંગ્રેજી ભાષાની જાણકારી ન ધરાવતા વિદ્યાર્થીઓને માતૃભાષામાં શિક્ષણ ન મળવાથી થઈ રહેલા મોટા અન્યાય વિશે પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, હવે વર્તમાન સરકારે પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસક્રમનાં પુસ્તકો પર ભાર મૂક્યો છે, જે દેશની શૈક્ષણિક વ્યવસ્થામાં મોટું પરિવર્તન લાવવાનો પાયો બની જશે.

પ્રધાનમંત્રીએ અમૃતકાળનાં પ્રથમ વર્ષમાં બે સકારાત્મક સમાચારોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, જ્યારે નિર્ણયો સકારાત્મક અભિગમ, યોગ્ય ઇરાદા અને સંપૂર્ણ પ્રામાણિકતા સાથે લેવાઈ રહ્યાં છે, ત્યારે સંપૂર્ણ વાતાવરણ સકારાત્મક થઈ ગયું છે.આ બે સકારાત્મક સમાચારો છે – એક, ગરીબીમાં ઘટાડો અને બે, દેશમાં સમૃદ્ધિમાં વધારો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રથમ સકારાત્મક સમાચાર નીતિ આયોગના અહેવાલમાંથી પ્રાપ્ત થયા છે, જે મુજબ, ફક્ત 5 વર્ષમાં ભારતમાં 13.5 કરોડ ભારતીયો ગરીબીની રેખામાંથી બહાર આવી ગયા છે. પ્રધાનમંત્રી બીજા સકારાત્મક સમાચાર પર પ્રકાશ ફેંકવા અન્ય એક અહેવાલ વિશે વાત કરી હતી, જેમાં ચાલુ વર્ષમાં ફાઇલ થયેલા આવકવેરાનાં રિટર્નનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ વિશ્લેષણ મુજબ, છેલ્લાં 9 વર્ષ દરમિયાન લોકોની સરેરાશ આવકમાં વધારો થયો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આવકવેરા રિટર્ન (ITR)નાં આંકડા મુજબ, વર્ષ 2014માં સરેરાશ આવક આશરે રૂ. 4 લાખ હતી, જે વર્ષ 2023માં વધીને રૂ. 13 લાખ થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, ઓછી આવક ધરાવતા ગ્રૂપમાંથી ઉચ્ચ મધ્યમ વર્ગ (વધારે આવક ધરાવતો મધ્યમ વર્ગ)માં પ્રવેશ કરનાર લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ આંકડા રોજગારીની તકોમાં વધારો અને ઉત્સાહમાં વધારા સાથે દેશનાં દરેક ક્ષેત્રની ક્ષમતામાં વધારાની ખાતરી આપે છે.

આવકવેરાનાં રિટર્ન સાથે સંબંધિત નવા આંકડાંનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, તેમની સરકારમાં દેશનાં નાગરિકોને વિશ્વાસ સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ વિશ્વાસને બળે જ નાગરિકો પ્રામાણિકતા સાથે તેમનો કરવેરો અદા કરવા માટે મોટી સંખ્યામાં આગળ આવી રહ્યાં છે, કારણ કે તેઓ જાણે છે કે, તેમનાં કરવેરાનો એક-એક પૈસો દેશનાં વિકાસ માટે ખર્ચ થઈ રહ્યો છે અને તેમને આનો પુરાવો આ બાબતમાં પણ મળે છે કે, વર્ષ 2014માં દેશનું અર્થતંત્ર દુનિયામાં 10મું સૌથી મોટું હતું, જે અત્યારે પાંચમું સૌથી મોટું બની ગયું છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર ધ્યાન દોર્યું હતું કે, દેશનાં નાગરિકો વર્ષ 2014 અગાઉનાં યુગને ન ભૂલી શકે, જેમાં કૌભાંડો અને ભ્રષ્ટાચારોથી દેશની છબી આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડાઈ હતી તથા ગરીબોના અધિકારો પણ તેમને મળે એ અગાઉ છીનવાઈ જતાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ગરીબોને તેમના અધિકારોને દરેક રૂપિયો તેમનાં ખાતામાં સીધો જમા થઈ જાય છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સિસ્ટમમાંથી ભ્રષ્ટાચાર થતો અટકવાને પગલે સરકાર ગરીબોના કલ્યાણ પર ખર્ચ વધારવા સક્ષમ બની હતી. તેમણે એ બાબત પણ પર ભાર મૂક્યો હતો કે, આટલાં મોટાં પાયે રોકાણ થવાથી દેશનાં દરેક ખૂણે રોજગારીની તક ઊભી થઈ છે અને આ માટે તેમણે કોમન સર્વિસ સેન્ટર (સામાન્ય સેવા કેન્દ્ર)નું ઉદાહરણ ટાંક્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, વર્ષ 2014 પછી અત્યાર સુધી ગામડાંઓમાં 5 લાખ નવા કોમન સર્વિસ સેન્ટર્સ સ્થાપિત થયા છે અને આ પ્રકારનું દરેક સેન્ટર અત્યારે ઘણાં લોકોને રોજગારી પ્રદાન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કેન્દ્રો ગરીબો અને ગ્રામીણજનોનાં કલ્યાણ માટે છે તથા રોજગારીની તકોનું સર્જન પણ કરે છે.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, અત્યારે દૂરગામી નીતિઓ અને નિર્ણયો સાથે શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારીનાં ક્ષેત્રમાં કામગીરી થઈ રહી છે. સ્વતંત્રતા દિવસ પર પોતાનાં સંબોધન દરમિયાન લાલ કિલ્લા પરથી પીએમ વિશ્વકર્મા યોજનાની જાહેરાતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, યોજના આ વિઝનનું પ્રતિબિંબ છે. તેમણે જણાવ્યું હતું કે, પીએમ વિશ્વકર્મા યોજના 21મી સદીની જરૂરિયાતો પૂર્ણ કરવા વિશ્વકર્માઓની પરંપરાગત કુશળતાઓને અપનાવવા ઘડવામાં આવી છે. શ્રી મોદીએ જાણકારી આપી હતી કે, આ યોજના પર આશરે 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને એનાથી જુદી જુદી 18 પ્રકારની કુશળતાઓ સાથે સંકળાયેલા લોકોને ફાયદો થશે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, આ યોજનાથી સમાજનાં એ વર્ગને લાભ થશે, જેમનાં મહત્વની ચર્ચા થતી હતી, પણ તેમની સ્થિતિ સુધારવા અત્યાર સુધી કોઈ સંકલિત અને નક્કર પ્રયાસ થયો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમની સાથે આધુનિક સાધનસામગ્રીઓની ખરીદી કરવા લાભાર્થીઓને વાઉચર્સ પણ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, પીએમ વિશ્વકર્મા મારફતે યુવા પેઢીને તેમની કુશળતાઓ વધારવા વધારે તકો મળશે.

પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનનું સમાપન કરતાં જણાવ્યું હતું કે, આજે શિક્ષક બનેલા યુવાનો મહેનત કરીને અહીં સુધી પહોંચ્યા છે. તેમણે આ શિક્ષકોને પણ તેમની શીખવાની પ્રક્રિયા જાળવી રાખવાની અપીલ કરી હતી. તેમણે સરકારે તૈયાર કરેલાં ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ - IGoT કર્મયોગી વિશે વાત કરીને ભરતી થયેલા ઉમેદવારોને આ સુવિધા અજમાવવા અને એનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.

CB/GP/JD

%

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1950754) Visitor Counter : 209