પ્રધાનમંત્રીનું કાર્યાલય
G20 ડિજિટલ અર્થતંત્ર મંત્રી સ્તરીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ આપેલા વીડિયો સંદેશનો મૂળપાઠ
Posted On:
19 AUG 2023 9:44AM by PIB Ahmedabad
મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!
“નમ્મા બેંગલુરુ”માં હું આપ સૌનું સ્વાગત કરું છું. આ એક એવું શહેર છે જે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિકતાની ભાવનાનું ઘર છે. ડિજિટલ અર્થતંત્ર પર ચર્ચા કરવા માટે બેંગલુરુથી વધુ સારી જગ્યા બીજી કોઇ નથી!
મિત્રો,
છેલ્લાં નવ વર્ષમાં ભારતનું ડિજિટલ પરિવર્તન અભૂતપૂર્વ રહ્યું છે. આ બધું જ 2015માં શરૂ કરવામાં આવેલી અમારી ડિજિટલ ઇન્ડિયા પહેલ સાથે શરૂ થયું હતું. આવિષ્કારમાં અમારા અડગ વિશ્વાસ દ્વારા તે સંચાલિત છે. તે ઝડપી અમલીકરણ માટેની અમારી પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત છે. અને, તે કોઇને પાછળ ન રાખીને સર્વસમાવેશીતાની અમારી ભાવનાથી પ્રેરિત છે. આ પરિવર્તનની વ્યાપકતા, ઝડપ અને અવકાશ કલ્પના બહારના છે. આજે, ભારતમાં 850 મિલિયન કરતાં વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે, જે વિશ્વમાં સૌથી સસ્તા ડેટા ખર્ચનો આનંદ માણી રહ્યાં છે. અમે શાસનને વધુ કાર્યક્ષમ, સમાવેશી, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેક્નોલોજીનો લાભ લીધો છે. અમારું અનન્ય ડિજિટલ ઓળખ પ્લેટફોર્મ, આધાર, અમારા 1.3 અબજ કરતાં વધુ લોકોને આવરી લે છે. અમે ભારતમાં નાણાકીય સમાવેશીતામાં ક્રાંતિ લાવવા માટે JAM ટ્રિનિટી - જન ધન બેંક ખાતા, આધાર અને મોબાઇલની શક્તિનો ઉપયોગ કર્યો છે. અમારી ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ, UPI પર દર મહિને, લગભગ 10 અબજ લેવડદેવડો થાય છે. વાસ્તવિક સમયમાં સમગ્ર વિશ્વમાં થતી કુલ ચુકવણીઓમાંથી 45%થી વધુ ચુકવણીઓ ભારતમાં જ થાય છે. સરકારી સહાય તરીકે આપવામાં આવતા ડાયરેક્ટ બેનિફિટ્સ ટ્રાન્સફરમાં રહેલા લિકેજને દૂર કરવામાં આવી રહ્યા છે, અને 33 બિલિયન ડૉલરથી વધુની બચત થઇ શકી છે. CoWIN (કો-વિન) પોર્ટલે ભારતના કોવિડ રસીકરણ અભિયાનને સમર્થન આપ્યું છે. ડિજિટલ રીતે ચકાસણી કરી શકાય તેવા પ્રમાણપત્રોની સાથે સાથે આ પોર્ટલે 2 અબજથી વધુ રસીના ડોઝની આપવામાં મદદ કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સનું મેપિંગ કરવા માટે ગતિ-શક્તિ પ્લેટફોર્મ દ્વારા ટેકનોલોજી અને સ્પેટિઅલ પ્લાનિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આનથી આયોજન, ખર્ચમાં ઘટાડો અને ડિલિવરીની ઝડપમાં વૃદ્ધિ કરવામાં મદદ મળે છે. અમારું ઑનલાઇન જાહેર ખરીદી પ્લેટફોર્મ- સરકારી ઇ-માર્કેટપ્લેસ- આવાથી પ્રક્રિયામાં પારદર્શિતા અને પ્રામાણિકતા આવી છે. ડિજિટલ કોમર્સ માટેના ઓપન નેટવર્કથી ઇ-કોમર્સનું લોકશાહીકરણ થઇ રહ્યું છે. સંપૂર્ણ ડિજિટાઇઝ્ડ કરવેરા વ્યવસ્થાતંત્ર પારદર્શિતા અને ઇ-ગવર્નન્સને પ્રોત્સાહન આપી રહ્યું છે. અમે AI-સંચાલિત ભાષા અનુવાદ પ્લેટફોર્મ ભાષિની બનાવી રહ્યા છીએ. તેનાથી ભારતની તમામ વિવિધ ભાષાઓમાં ડિજિટલ સમાવેશીતાને સમર્થન મળશે.
મહાનુભાવો,
ભારતનું ડિજિટલ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક પડકારો માટે વ્યાપક થઇ શકે તેવા, સુરક્ષિત અને સમાવેશી ઉકેલો પૂરા પાડે છે. ભારત અતુલ્ય રીતે વૈવિધ્યસભર દેશ છે. અમે ડઝનેક ભાષાઓ અને સેંકડો બોલીઓ ધરાવીએ છે. વિશ્વના દરેક ધર્મ અને અસંખ્ય સાંસ્કૃતિક પ્રથાઓનું આ ઘર છે. પ્રાચીન પરંપરાઓથી લઇને નવીનતમ ટેકનોલોજીઓ સુધી, ભારતમાં સૌના માટે કંઇકને કંઇક છે. આવી વિવિધતા સાથે, ભારત ઉકેલો માટે એક આદર્શ પરીક્ષણ પ્રયોગશાળા છે. જે ઉપાય ભારતમાં સફળ થઇ જાય છે, તેને વિશ્વમાં ગમે ત્યાં સરળતાથી લાગુ કરી શકાય છે. ભારત તેના અનુભવો વિશ્વ સાથે શેર કરવા માટે તૈયાર છે. અમે કોવિડ મહામારી દરમિયાન વૈશ્વિક કલ્યાણ માટે અમારું CoWIN પ્લેટફોર્મ પૂરું પાડવાની રજૂઆત કરી હતી. અમે હવે ધ ઇન્ડિયા સ્ટેક નામથી એક ઑનલાઇન વૈશ્વિક જાહેર ડિજિટલ વસ્તુ સંગ્રહ બનાવ્યો છે. કોઇપણ વ્યક્તિ પાછળ ન રહી જાય તેની ખાતરી કરવા માટે આનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગ્લોબલ સાઉથના અમારા ભાઇઓ અને બહેનો માટે.
મહાનુભાવો,
મને આનંદ છે કે, તમે G20 વર્ચ્યુઅલ વૈશ્વિક ડિજિટલ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંગ્રહ તૈયાર કરવા માટે કામ કરી રહ્યાં છો. ડિજિટલ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના સામાન્ય ફ્રેમવર્ક અંગે થયેલી પ્રગતિ સૌના માટે પારદર્શક, જવાબદાર અને ન્યાયી ડિજિટલ ઇકો-સિસ્ટમ તૈયાર કરવામાં મદદ કરશે. ડિજિટલ કૌશલ્યોને સરહદપાર તુલનાની સુવિધા પૂરી પાડવા માટે રોડમેપ તૈયાર કરવામાં તમે કરેલા પ્રયાસોને પણ હું આવકારું છું. અને, ડિજિટલ કૌશલ્ય પર વર્ચ્યુઅલ ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના માટેના પ્રયાસોને પણ આવકારું છું. ભવિષ્યમાં તૈયાર હોય તેવા કર્મચારીઓના દળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ પ્રયાસો મહત્વપૂર્ણ છે. જેમ જેમ ડિજિટલ અર્થતંત્ર વૈશ્વિક સ્તરે ફેલાઇ રહ્યું છે, તેમ તેમ તેને સુરક્ષાના જોખમો અને પડકારોનો સામનો કરવો પડશે. આ સંદર્ભમાં, સુરક્ષિત, વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક ડિજિટલ અર્થતંત્ર માટે G20 ઉચ્ચ-સ્તરીય સિદ્ધાંતો પર સર્વસંમતિ કેળવવી મહત્વપૂર્ણ છે.
મિત્રો,
ટેકનોલોજીએ આપણને સૌને અભૂતપૂર્વ રીતે એકબીજા સાથે જોડી દીધા છે. તે સૌના માટે સહિયારા અને દીર્ઘકાલિન વિકાસનું વચન ધરાવે છે. આપણી પાસે, G20માં, સમાવેશી, સમૃદ્ધ અને સુરક્ષિત વૈશ્વિક ડિજિટલ ભવિષ્યનો પાયો નાખવાની અનન્ય તક છે. આપણે ડિજિટલ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નાણાકીય સમાવેશીતા અને ઉત્પાદકતાને આગળ ધપાવી શકીએ છીએ. આપણે ખેડૂતો અને નાના ઉદ્યોગો દ્વારા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તે બાબતને પ્રોત્સાહન આપી શકીએ છીએ. આપણે વૈશ્વિક ડિજિટલ આરોગ્ય ઇકો-સિસ્ટમનું નિર્માણ કરવા માટે માળખું સ્થાપિત કરી શકીએ છીએ. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સુરક્ષિત અને જવાબદારીપૂર્ણ ઉપયોગ કરવા માટે પણ એક માળખું તૈયાર કરી શકીએ છીએ. ખરેખરમાં, આપણે માનવજાતને જે પડકારોનો સામનો કરવો પડે છે તેનો ઉકેલ લાવવા માટે ટેક્નોલોજી-આધારિત ઉકેલોની સમગ્ર ઇકો-સિસ્ટમનું નિર્માણ કરી શકીએ છીએ. તેને આપણી પાસેથી ચાર ‘C’ એટલે કે – કન્વિક્શન (પ્રતિતિ), કમિટમેન્ટ (પ્રતિબદ્ધતા), કોઓર્ડિનેશન (સંકલન) અને કોલૅબ્રેશન (સહયોગ)ની જરૂર છે. અને, મને એ વાતે કોઇ જ શંકા નથી કે, તમારું જૂથ આપણને તે દિશામાં આગળ લઇ જશે. આપ સૌની ચર્ચા ખૂબ જ ફળદાયી રહે તેવી હું શુભકામના કરું છું. આભાર! ખૂબ ખૂબ આભાર!
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1950356)
Visitor Counter : 175
Read this release in:
Assamese
,
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam