સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતની G20ની અધ્યક્ષતા


ગુજરાતના ગાંધીનગરમાં G20 આરોગ્ય મંત્રીની બેઠકનું ઉદ્ઘાટન

आरोग्यं परमं भाग्यं स्वास्थ्यं सर्वार्थ साधनम् : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

"આજે વિશ્વ એકબીજા સાથે જોડાયેલું હોવાથી, ભવિષ્યની આરોગ્ય કટોકટીના પૂર્વાનુમાન, સજ્જતા અને પ્રતિસાદ આપવા માટે વૈશ્વિક આરોગ્ય પ્રણાલીઓને એકસાથે મજબૂત કરવાની જરૂર છે"

"સફળ સ્વાસ્થ્ય પહેલમાં જાહેર ભાગીદારી મહત્વપૂર્ણ છે, જેના પુરાવા ભારતના રક્તપિત્ત નાબૂદી અભિયાન અને ટીબી નાબૂદી કાર્યક્રમ દ્વારા મળે છે"

ગાંધીનગરમાં G20 આરોગ્ય મંત્રીઓની બેઠકમાં આરોગ્ય મંત્રીઓની બેઠકમાં પરિણામ દસ્તાવેજ અપનાવવામાં આવ્યો

તબીબી પ્રતિરોધ માટે સમાન પહોંચનો સિદ્ધાંત, મૂળભૂત અધિકાર છે: ડૉ. મનસુખ માંડવિયા

આરોગ્ય તંત્રને મજબૂત બનાવવા અને લોકોને સશક્ત બનાવવા માટે ડિજિટલ હેલ્થ પર વૈશ્વિક પહેલ: ડૉ. મનસુખ માંડવિયા

ડિજિટલ હેલ્થ પર વૈશ્વિક પહેલ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે આરોગ્ય સંભાળમાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે છે: ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ, વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિદેશક

Posted On: 18 AUG 2023 4:57PM by PIB Ahmedabad

 “ભારતના 1.4 અબજ લોકો વતી, હું આદરણીય વૈશ્વિક આરોગ્ય સંભાળ અગ્રણીઓ, પ્રતિનિધિઓ અને સહભાગીઓનું ભારતમાં અને ખાસ કરીને વાઇબ્રન્ટ રાજ્ય ગુજરાતમાં હાર્દિક સ્વાગત કરું છું. આમાં, હું 2.4 મિલિયન ડૉક્ટરો, 3.5 મિલિયન નર્સો, 1.3 મિલિયન પેરામેડિક્સ, 1.6 મિલિયન ફાર્માસિસ્ટ અને ભારતના ગતિશિલ આરોગ્ય સંભાળ ક્ષેત્રના અસંખ્ય અન્ય લોકો સહિત આરોગ્ય સંભાળ વ્યવસાયિકોના પ્રભાવશાળી સમૂહ સાથે જોડાયો છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલી G-20 ભારત આરોગ્ય મંત્રીઓની બેઠકમાં વીડિયો સંદેશમાં જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની વિચારધારાની વાત કરી હતી, જેમાં આરોગ્ય અને સુમેળપૂર્ણ જીવન વચ્ચેના આંતરિક જોડાણ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ભાવનાને પડઘો પાડતા, પ્રધાનમંત્રીએ એક પ્રાચીન સંસ્કૃત કહેવત, "आरोग्यं परमं भाग्यं स्वास्थ्यं सर्वार्थ साधनम्" (સ્વાસ્થ્ય એ અંતિમ સંપત્તિ છે અને સારા સ્વાસ્થ્ય સાથે દરેક કાર્ય પૂર્ણ કરી શકાય છે) ટાંકી હતી.

વૈશ્વિક કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રીએ વૈશ્વિક નિર્ણયો લેવાની પ્રક્રિયામાં આરોગ્યને કેન્દ્રમાં સ્થાન આપવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે રસી મૈત્રી પહેલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગની પ્રશંસા કરી, જેમાં 100 કરતાં પણ વધુ દેશોને 300 મિલિયન રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા હતા, જે સ્થિતિસ્થાપકતા અને સહયોગના મૂલ્યને રેખાંકિત કરે છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, "આજે વિશ્વ ઊંડે ઊંડે એકબીજા સાથે જોડાયેલું હોવાથી, ભવિષ્યની આરોગ્ય કટોકટીના પૂર્વાનુમાન, સજ્જતા અને પ્રતિસાદ આપવા માટે વૈશ્વિક આરોગ્ય તંત્રને એકસાથે મજબૂત બનાવવાની જરૂર છે."

પ્રધાનમંત્રીએ આરોગ્ય સંભાળ માટેના ભારતના બહોળા અભિગમ, પરંપરાગત દવા અપનાવવી, આરોગ્ય સંભાળ માળખાના વિસ્તરણ અને સૌના માટે પરવડે તેવી આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવાની વિગતવાર માહિતી આપી હતી. ગુજરાતમાં પરંપરાગત દવા માટે WHO વૈશ્વિક કેન્દ્રની સ્થાપના દ્વારા પૂરક, સર્વગ્રાહી આરોગ્ય અને સુખાકારીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે આંતરરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ આરોગ્ય અને પર્યાવરણ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને સ્વીકારીને, આબોહવા અને આરોગ્ય પહેલના પ્રારંભ અને એન્ટિ-માઇક્રોબાયલ પ્રતિકાર સામેના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઇકોસિસ્ટમ્સ, માણસો, પ્રાણીઓ અને છોડના સ્વાસ્થ્યને એક કરીને "એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય"ની દૂરંદેશીનું સમર્થન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આરોગ્ય સંભાળમાં જનભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, "સફળ સ્વાસ્થ્ય પહેલમાં જનભાગીદારીનું ખૂબ જ મહત્વ હોય છે, જેના પુરાવા ભારતમાં હાથ ધરવામાં આવેલા રક્તપિત્ત નાબૂદી અભિયાન અને ટીબી નાબૂદી કાર્યક્રમ દ્વારા મળે છે." પ્રધાનમંત્રીએ વૈશ્વિક આવિષ્કાર અને ડિજિટલ ઉકેલોને પ્રોત્સાહન આપ્યું હતું, અને ભારતના ઇ-સંજીવની પ્લેટફોર્મ અને ઐતિહાસિક રસીકરણ અભિયાનની સુવિધા પૂરી પાડનારા ગ્રાઉન્ડ બ્રેકિંગ COWIN (કો-વિન) સિસ્ટમ દ્વારા ઉદાહરણ સાથે તે સમજાવ્યું હતું. પ્રધાનમંત્રીએ માનવજાત માટેની પ્રાચીન ભારતીય આકાંક્ષા સાથે પોતાની વાતનું સમાપન કર્યું હતું, અને બધાને ખુશ તેમજ બીમારીથી મુક્ત રહેવાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે સંમેલનની ચર્ચાના પરિણામોમાં આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઉદ્ઘાટન કાર્યક્રમમાં, વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવાની અને આરોગ્ય મંત્રીની બેઠકના પરિણામ દસ્તાવેજને અપનાવવાની જાહેરાત કરી હતી. યુક્રેન પરના એક ભૌગોલિક રાજકીય ફકરાને બાદ કરતા તમામ ફકરાઓ પર સંમતિ પ્રાપ્ત થઇ હતી. તેમણે આ વાટાઘાટો દરમિયાન G20 દેશોએ આપેલા સહયોગ બદલ તેમનો સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને નવા ઉભરતા સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરીને આગામી ભવિષ્યમાં તેના અમલીકરણ પર ધ્યાન આપવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમની સાથે વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસ, જાપાનના આરોગ્ય મંત્રી શ્રી કાત્સુનોબુ કાટો અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીઓ ડૉ. ભારતી પ્રવિણ પવાર તેમજ પ્રો. એસ.પી. સિંહ બઘેલ જોડાયા હતા. 18-19 ઓગસ્ટ 2023 દરમિયાન બે દિવસીય કાર્યક્રમ તરીકે G20 આરોગ્ય મંત્રીઓની બેઠક યોજાશે જે ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ 3 આરોગ્ય સંબંધિત પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ત્રણ પ્રાથમિકતાઓમાં આરોગ્ય કટોકટી નિવારણ, તૈયારી અને પ્રતિભાવ (એક આરોગ્ય અને AMR પર ધ્યાન કેન્દ્રિત કરીને); સલામત, અસરકારક, ગુણવત્તાપૂર્ણ અને પરવડે તેવી તબીબી પ્રતિરોધકતા (રસીઓ, ઉપચારશાસ્ત્ર અને નિદાન)ની સુલભતા અને ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારનું મજબૂતીકરણ; અને સાર્વત્રિક આરોગ્ય કવરેજમાં મદદ કરવા અને આરોગ્ય સંભાળ સેવાની ડિલિવરીમાં સુધારો કરવા માટે ડિજિટલ હેલ્થ આવિષ્કાર અને ઉકેલ છે. આ એક દિવસ પહેલાં ઉદ્ઘાટન કરવામાં આવેલી G-20 ડેપ્યુટી આરોગ્ય મંત્રીઓની બેઠકને પગલે છે.

ડૉ. માંડવિયાએ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં મંત્રીઓ અને પ્રતિનિધિઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, “અત્યંત ગૌરવ અને સન્માન સાથે અમે દુનિયાભરના આદરણીય અગ્રણીઓનું વાઇબ્રન્ટ રાજ્યના ઐતિહાસિક શહેર ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુજરાત. આ સંમેલનનું વિશેષ મહત્વ છે કારણ કે આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અવિશ્વસનીય વારસા અને અહિંસા, સત્ય અને સાર્વત્રિક ઉત્કર્ષના તેમના સિદ્ધાંતોને યાદ કરવા માટે એકજૂથ થયા છીએ."

સલામત, ગુણવત્તાપૂર્ણ, પરવડે તેવી અને અસરકારક રસીઓ, ઉપચાર અને નિદાનની સમયસર પહોંચ સુનિશ્ચિત કરવા માટે, આરંભ-થી-અંત સુધી તબીબી પ્રતિરોધક સંકલન પદ્ધતિની સ્થાપના કરવાના સામૂહિક સંકલ્પ પર, મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, "તબીબી પ્રતિરોધ માટે સમાન પહોંચનો સિદ્ધાંત, એ મૂળભૂત અધિકાર છે જેના માટે અમે, G20 તરીકે, અતૂટપણે પ્રતિબદ્ધ છીએ. આ નિર્ણાયક મુદ્દા પર G7 અને G20 વચ્ચેનું સંરેખણ એ WHOના આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો અને આંતર-સરકારી વાટાઘાટો સંસ્થાના કાર્યકારી જૂથ દ્વારા દર્શાવેલ સિદ્ધાંતો દ્વારા વૈશ્વિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટેના અમારા સહિયારા સમર્પણનો પુરાવો છે."

આજે વિશ્વના વિવિધ આરોગ્યલક્ષી પડકારો અંગે, ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “કોવિડ-19 મહામારીએ ડિજિટલ આરોગ્ય અપનાવવા અને અમલીકરણની આવશ્યકતા પર ભાર મૂક્યો છે અને અમે આરોગ્ય તંત્રને મજબૂત બનાવવા માટે અને લોકોનું સશક્તિકરણ કરવાની તેમાં રહેલી ક્ષમતાને ઓળખીએ છીએ. વિશ્વ આરોગ્ય સંગઠન સાથે ભાગીદારીમાં, ડિજિટલ હેલ્થ પર વૈશ્વિક પહેલની સ્થાપના કરવામાં આવી છે, જે આ પરિવર્તનકારી દૂરંદેશીને સાકાર કરવા માટે દેશો અને સંસ્થાઓ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપે છે."

પોતાના સંબોધનના સમાપનમાં ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, "ચાલો આપણે આ ક્ષણને સામૂહિક રીતે સૌના માટે તંદુરસ્ત ભવિષ્યને આકાર આપવા માટે, સીમાઓ અને મતભેદોને ઓળંગીને એક એવી દુનિયાની રચના કરીએ કે જ્યાં દરેક વ્યક્તિની સુખાકારી જળવાઇ રહે."

આ કાર્યક્રમમાં, ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે G20 સંમેલનની યજમાનીમાં ભારતના ઉદાર આતિથ્ય અને સ્વપ્નદૃષ્ટા નેતૃત્વ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સાર્વત્રિક આરોગ્ય કવરેજને આગળ ધપાવવા બદલ અને વિશ્વની સૌથી મોટી આરોગ્યની સુનિશ્ચિતતા કરતી પહેલ એટલે કે આયુષ્માન ભારત યોજનાની સફળતા બદલ ભારતની પ્રશંસા કરી હતી છે.

તેમણે ગાંધીનગરમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર (HWC)ની મુલાકાત લેવાના તેમના અનુભવ વિશે વાત કરી હતી અને HWC દ્વારા 1000 ઘરોને પૂરી પાડવામાં આવતી પ્રાથમિક આરોગ્ય સંભાળ સેવાઓથી તેઓ કેવી રીતે પ્રભાવિત થયા તે વિશે વાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હું અહીં સ્થાનિક રીતે પ્રિસ્ક્રિપ્શન અને સારવાર પૂરી પાડતી ટેલિમેડિસિન સેવાઓની પ્રશંસા કરું છું. આજે ભારતમાં આરોગ્ય સંભાળની પરિવર્તનશીલ પ્રકૃતિનું તે ઉત્તમ ઉદાહરણ છે.ડિજિટલ હેલ્થ અંગે વૈશ્વિક પહેલના મહત્વ પર પ્રકાશ પાડતા, ડૉ. ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે, "ડિજિટલ ટેક્નોલોજી સ્થાનિક અને વૈશ્વિક સ્તરે આરોગ્યમાં પરિવર્તન લાવી શકે છે, અને ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ શરૂ થનારી ડિજિટલ હેલ્થ પર વૈશ્વિક પહેલ, ડિજિટલ હેલ્થ પર WHO વ્યૂહરચનાનું સમર્થન કરશે."

ટ્રોઇકા દેશો ઇન્ડોનેશિયા અને બ્રાઝિલના આરોગ્ય મંત્રીઓએ, તેમના આરોગ્ય મંત્રી શ્રી બુડી ગુનાદી સાદીકિન અને સુશ્રી નિસિયા ટ્રિન્ડાડેના નેતૃત્વ હેઠળ, આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેમની પ્રારંભિક ટિપ્પણીઓ શેર કરી હતી.

ભવિષ્યમાં કોઇપણ મહામારી માટે તૈયારી કરવા અને તેને રોકવા માટે સ્થિતિસ્થાપક આરોગ્ય તંત્રોનું નિર્માણ કરવાની પ્રથમ આરોગ્ય અગ્રતા અંગે દિવસ દરમિયાન એક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક સંમેલનના ભાગ રૂપે પરંપરાગત દવાઓ, તેમજ સરહદોથી આગળ ઓળંગીને મૂલ્ય આધારિત આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર બે ઇન્ટરફેસ સત્રો પણ યોજવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ટ્રોઇકા દેશોના ઇન્ડોનેશિયા અને બ્રાઝિલના મંત્રીઓ તેમજ G20 અને આમંત્રિત દેશોના મંત્રીઓ અને પ્રતિધિનિધીઓએ હાજરી આપી હતી. શ્રી વી.કે. પૌલ, સભ્ય (આરોગ્ય), નીતિ આયોગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ શ્રી સુધાંશ પંત, ભારતીય તબીબી સંશોધન પરિષદના મહાનિદેશક ડૉ. રાજીવ બહલ, વિદેશ મંત્રાલયના અધિક સચિવ શ્રી અભય ઠાકુર અને ભારતની G20ની અધ્યક્ષતાના સોસ શેરપા તેમજ આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

G20 આરોગ્ય મંત્રીની બેઠકમાં પ્રધાનમંત્રીનું સંબોધન અહીં જુઓ:

CB/GP/JD


(Release ID: 1950219) Visitor Counter : 228