પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોનાં નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો


“અત્યારે આખી દુનિયા ભારત પર મીટ માંડી રહી છે. દુનિયાનો ભારત પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો છે”

“આટલી મોટી સંખ્યામાં સ્ટેશનોનું આધુનિકીકરણ દેશમાં વિકાસ માટે એક નવું વાતાવરણ ઊભું કરશે”

“આ અમૃત રેલવે સ્ટેશનો વ્યક્તિનાં સાંસ્કૃતિક વારસામાં ગર્વ લેવાનું પ્રતીક બનશે અને દરેક નાગરિકનાં હૃદયમાં ગર્વની લાગણી પ્રકટાવશે”

“અમે ભારતીય રેલવેને આધુનિક અને પર્યાવરણને અનુકૂળ બનાવવા ભાર મૂક્યો છે”

“અત્યારે શ્રેષ્ઠ ઓળખ અને આધુનિક ભવિષ્ય સાથે રેલવેને જોડવાની આપણી જવાબદારી છે”

“નવા ભારતમાં વિકાસથી યુવા પેઢી માટે નવી તકોનું સર્જન થઈ રહ્યું છે અને યુવાનો દેશના વિકાસને નવી પાંખો આપે છે”

“ઑગસ્ટ મહિનો ક્રાંતિ, કૃતજ્ઞતા અને ફરજનો છે. આ મહિનામાં અનેક ઐતિહાસિક પ્રસંગો આવી રહ્યાં છે, જેણે ભારતનાં ઇતિહાસને નવી દિશા આપી હતી”

“આપણો સ્વતંત્રતા દિવસ આપણાં તિરંગા અને આપણાં દેશની પ્રગતિ તરફ આપણી કટિબદ્ધતાને પુનઃવ્યક્ત કરવાનો સમય છે. ગયા વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આપણે દરેક ઘરમાં તિરંગો લહેરાવીશું.”

Posted On: 06 AUG 2023 12:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક પગલાં સ્વરૂપે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો હતો. રૂ. 24,470 કરોડથી વધારે ખર્ચે નવીનીકરણ થનારાં આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.

પ્રધાનમંત્રીએ એકત્રિત લોકોને સંબોધન કરતાં ટીપ્પણી કરી હતી કે, અમૃત કાળની શરૂઆતમાં વિકસિત ભારતનાં લક્ષ્યાંક સાથે નવું ભારત અગ્રેસર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ નવી ઊર્જા, નવી આકાંક્ષાઓ અને નવા સંકલ્પો છે.તેમણે ભાર મૂક્યો હતો કે, આ ભારતીય રેલવેનાં ઇતિહાસમાં એક નવા પ્રકરણની શરૂઆત છે. તેમણે જાણકારી આપી હતી કે, દેશમાં લગભગ 1300 મુખ્ય રેલવે સ્ટેશનો અમૃત ભારત સ્ટેશનો તરીકે હવે આધુનિક સુવિધાઓ સાથે નવીનીકરણ પામશે અને નવું જીવન મેળવશે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આજે 1300 રેલવે સ્ટેશનોમાંથી 508 અમૃત ભારત સ્ટેશનો માટે શિલાન્યાસ થયો છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 25,000 કરોડ થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવીનીકરણ પ્રોજેક્ટ રેલવે અને સામાન્ય નાગરિકો સાથે દેશમાં માળખાગત સુવિધાઓનાં વિકાસ માટે વિશાળ અભિયાન બનશે. તેના લાભો દેશના તમામ રાજ્યોમાં ફેલાશે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે ઉત્તર પ્રદેશમાં આશરે રૂ. 4,000 કરોડના ખર્ચે 55 અમૃત સ્ટેશનો વિકસાવવામાં આવશે, અને રાજસ્થાનમાં પણ 55 સ્ટેશનો અમૃત સ્ટેશન બનશે, 34 સ્ટેશનો. મધ્યપ્રદેશમાં અંદાજે રૂ. 1,000 કરોડના ખર્ચે, મહારાષ્ટ્રમાં 1,500 કરોડના ખર્ચે 44 સ્ટેશનો અને તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં પ્રાઇમ રેલ્વે સ્ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ રલવે મંત્રાલયની પ્રશંસા કરી હતી અને આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે નાગરિકોને અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ દુનિયામાં ભારતનાં વધી રહેલા દરજ્જા પર ભાર મૂક્યો હતો અને ભારતમાં દુનિયાભરનાં દેશો અને લોકોનાં વધી રહેલાં રસ વિશે વાત કરી હતી. તેમણે આનો શ્રેય મુખ્યત્વે બે પરિબળોને આપ્યો હતો. પ્રથમ, ભારતનાં લોકો દ્વારા સંપૂર્ણ બહુમતી ધરાવતી સ્થિર સરકારની પસંદગી અને બે, સરકારનાં મહત્વાકાંક્ષી નિર્ણયો અને લોકોની આકાંક્ષાઓને અનુરૂપ તેમનાં વિકાસ માટે અવિરતપણે કામગીરી. તેમણે ભાર મૂક્યો હતો કે, ભારતીય રેલવે પણ આનું પ્રતીક છે. તેમણે તેમનાં મુદ્દાઓને વિગતવાર સમજાવવા રેલવે ક્ષેત્રના વિસ્તરણની હકીકતો રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં દેશમાં પાથરવામાં આવેલા પાટાંની લંબાઈ દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ, યુકે અને સ્વીડનમાં સંયુક્ત રેલવે નેટવર્કથી વધારે છે. પ્રધાનમંત્રીએ ભારતીય રેલવેના વિસ્તરણની કામગીરીનાં પરિપ્રેક્ષ્યમાં ઉમેર્યું હતું કે, એકલા ગયા વર્ષે જ ભારતે સાઉથ કોરિયા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનાં સંયુક્ત રેલવે નેટવર્કથી વધારે રેલવે ટ્રેક પાથર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે સરકાર તમામ માટે રેલવેની સફર સુલભ અને આનંદદાયક બનાવવા કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ટ્રેનથી સ્ટેશન સુધી શક્ય શ્રેષ્ઠ અનુભવ આપવાનો પ્રયાસ છે.તેમણે પ્લેટફોર્મ્સ પર વધારે સારી બેઠકો, વેઇટિંગ રુમોનું અપગ્રેડેશન અને હજારો સ્ટેશનો પર ફ્રી વાઇફાઈ સુવિધાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારતીય રેલવેમાં આકાર લઈ રહેલા બહોળા વિકાસ પર ભાર મૂકીને જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી આ ઉપલબ્ધિઓ વિશે વાત કરવા ઇચ્છશે. જોકે પ્રધાનમંત્રીએ એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે, આજનાં કાર્યક્રમનાં ભવ્ય આયોજનને કારણે તેઓ આજે જ રેલવેની પ્રશંસનીય ઉપલબ્ધિઓ વિશે વાત કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ રેલવેને દેશની જીવાદોરી ગણાવી હતી અને કહ્યું હતું કે, આ સાથે શહેરોની ઓળખ પણ રેલવે સ્ટેશનો સાથે જોડાઈ ગઈ છે, જે પસાર થઈ રહેલા સમયની સાથે શહેરનું હાર્દ બની ગયા છે. એનાથી સ્ટેશનોને આધુનિક સ્વરૂપ પ્રદાન કરવું આવશ્યક બની ગયું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ દેશમાં વિકાસ માટે નવું વાતાવરણ ઊભું કરશે, કારણ કે તેઓ મુલાકાતીઓ વચ્ચે પ્રથમ સારી છાપ ઊભી કરશે. સ્ટેશનોનું આધુનિકીકરણ થવાથી પ્રવાસનને વેગ મળશે અને સાથે સાથે આસપાસનાં વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો પણ થશે. તેમણે જણાવ્યું હતું કે, વન સ્ટેશન, વન પ્રોડક્ટ (એક સ્ટેશન, એક ઉત્પાદન) યોજના કલાકારોને મદદ કરશે અને જિલ્લાનાં બ્રાન્ડિંગમાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, દેશએ આઝાદી કા અમૃત કાલમાં વ્યક્તિનાં સાંસ્કૃતિક વારસામાં ગર્વ લેવાનો સંકલ્પ પણ લીધો છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, આ અમૃત રેલવે સ્ટેશનો વ્યક્તિનાં સાંસ્કૃતિક વારસામાં ગર્વ લેવાનું પ્રતીક બનશે અને દરેક નાગરિકનાં હૃદયમાં ગર્વની લાગણી જન્માવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમૃત સ્ટેશનો ભારતનાં સાંસ્કૃતિક અને સ્થાનિક વારસાની ઝાંખી રજૂ કરશે. પ્રધાનમંત્રીએ ઉદાહરણો આપીને ઉલ્લેખ કર્યો હતો કે, જયપુરનું રેલવે સ્ટેશન રાજસ્થાનમાંથી હવામહલ અને આમેર કિલ્લાની ઝાંખી રજૂ કરશે, તો જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ તાવી રેલવે સ્ટેશન પ્રસિદ્ધ રઘુનાથ મંદિર દ્વારા પ્રેરિત હશે તથા નાગાલેન્ડમાં દિમાપુર સ્ટેશન આ વિસ્તારમાંથી 16 અલગ-અલગ જનજાતિઓનાં સ્થાનિક સ્થાપત્યને પ્રસ્તુત કરશે. તેમણે કહ્યું હતું કે, દરેક રેલવે સ્ટેશન એનાં પ્રાચીન વારસા સાથે દેશની આધુનિક આકાંક્ષાઓનું પ્રતીક બનશે. પ્રધાનમંત્રીએ ભારત ગૌરવ યાત્રા ટ્રેનોને મજબૂત કરવાનો ઉલ્લેખ કર્યો હતો, જે ઐતિહાસિક પ્રસ્તુતતા અને યાત્રાધામોને જોડે છે.

દેશની આર્થિક વૃદ્ધિને વેગ આપવામાં રેલવેની ભૂમિકા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રેલવેમાં રેકોર્ડ રોકાણ થઈ રહ્યું છે. ચાલુ વર્ષે રેલવેને રૂ. 2.5 લાખ કરોડથી વધારે બજેટ મળ્યું છે, જેમાં વર્ષ 2014ની સરખામણીમાં પાંચ ગણો વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે સર્વાંગી અભિગમ સાથે રેલવેનો સંપૂર્ણ વિકસા કરવા માટે કામગીરી ચાલી રહી છે. છેલ્લાં 9 વર્ષમાં લોકોમોટિવ ઉત્પાદનમાં નવ ગણો વધારો થયો છે. અત્યારે HLB કોચનું 13 ગણું વધારે ઉત્પાદન થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ પૂર્વોત્તર રાજ્યોમાં રેલવેના વિસ્તરણ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, લાઇન ડબલિંગ કરવા, ગેજ રૂપાંતરણ, વીજળીકરણ અને નવા રુટો પર ઝડપથી કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, ટૂંક સમયમાં પૂર્વોત્તર ભારતમાં સ્થિત તમામ રાજ્યોની રાજધાનીઓ રેલવે નેટવર્કથી જોડાઈ જશે. તેમણે જાણકારી આપી હતી કે, નાગાલેન્ડને 100 વર્ષ પછી બીજું સ્ટેશન મળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ વિસ્તારમાં નવી રેલવે લાઇનોની શરૂઆતમાં ત્રણ ગણો વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં નવ વર્ષમાં 2200 કિલોમીટરથી વધારે લંબાઈ ધરાવતા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણ થયું છે, જેનાંથી ચીજવસ્તુઓનું વહન કરતી ટ્રેનના પ્રવાસનાં સમયમાં ઘટાડો થયો છે. અત્યારે દિલ્હી એનસીઆરમાંથી પશ્ચિમ ભારતનાં બંદરો પર ચીજવસ્તુઓ 24 કલાકમાં પહોંચી જાય છે, જેમાં અગાઉ સામાન્ય રીતે 72 કલાક લાગતાં હતાં, પ્રવાસનાં સમયમાં 40 ટકાનો ઘટાડો અન્ય રુટો પર પણ જોવા મળ્યો છે, જેનાથી ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગપતિઓ અને ખેડૂતોનો મોટો ફાયદો થયો છે.

પ્રધાનમંત્રીએ રેલવે પુલોનાં અભાવને કારણે પડતી મુશ્કેલીઓ પર ધ્યાન દોરીને જાણકારી આપી હતી કે, વર્ષ 2014 અગાઉ 6000થી ઓછાં રેલવે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ હતાં, પણ અત્યારે આ સંખ્યા વધીને 10,000થી વધી ગઈ છે. તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, મોટી લાઇનો પર માનવરહિત ક્રોસિંગ્સની સંખ્યા ઘટીને ઝીરો થઈ છે. પ્રધાનમંત્રીએ પેસેન્જર્સ માટે સુવિધા વિશે વાત કરીને ભાર મૂક્યો હતો કે, વિશેષ ભાર વયોવૃદ્ધ અને દિવ્યાંગજનોની જરૂરિયાતો પર મૂકવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અમે ભારતીય રેલવેને આધુનિક તેમજ પર્યાવરણને અનુકૂળ બનાવવા પર ભાર મૂકી રહ્યાં છીએ. તેમણે જાણકારી આપી હતી કે, ટૂંક સમયમાં રેલવે લાઇનોનું 100 ટકા વીજળીકરણ હાંસલ થશે, જેનાં પરિણામે ભારતમાં તમામ ટ્રેનો વીજળી પર દોડશે. પ્રધાનમંત્રીએ એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, છેલ્લાં નવ વર્ષ દરમિયાન સૌર પેનલમાંથી વીજળી પેદા કરતાં સ્ટેશનોની સંખ્યા વધીને 1200થી વધારે થઈ છે. પ્રધઆનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, સરકારનો ઉદ્દેશ નજીકનાં ભવિષ્યમાં દરેક રેલવે સ્ટેશનમાંથી ગ્રીન ઊર્જા પેદા કરવાનો છે. તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, આશરે 70,000 કોચમાં LED લાઇટ સ્થાપિત થઈ છે અને ટ્રેનોમાં બાયો-ટોઇલેટ્સની સંખ્યા વર્ષ 2014ની સરખામણીમાં વધીને 28 ગણી થઈ છે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે, આ તમામ અમૃત સ્ટેશનો ગ્રીન બિલ્ડિંગ્સના ધારાધોરણોને પૂર્ણ કરે એ રીતે બનશે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2030 સુધીમાં ભારત એક એવો દેશ બની જશે, જ્યાં રેલવેનું નેટવર્ક કાર્બનનાં ચોખ્ખા ઝીરો ઉત્સર્જન પર ચાલતું હશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રેલવેએ આપણાં સગાસંબંધીઓ સાથે આપણને જોડવા દાયકાઓથી કામ કરે છે. આ દેશને જોડવા માટે કામ કરે છે. અત્યારે વધારે સારી ઓળખ અને આધુનિક ભવિષ્ય સાથે રેલવેને જોડવી આપણી જવાબદારી છે. તેમણે સંસદની નવી બિલ્ડિંગ, કર્તવ્ય પથ, યુદ્ધ સ્મારક અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટનો વિરોધ કરવા કરવા બદલ વિરોધ પક્ષોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, નકારાત્મક રાજકારણથી દૂર રહીને અમે એક અભિયાન તરીકે દેશના વિકાસની કામગીરી કરી રહ્યાં છીએ અને મતબેંક અને પક્ષનાં રાજકારણને ધ્યાનમાં લીધા વિના એને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે.

પ્રધાનમંત્રીએ રેલવે એકલા હાથે 1.5 લાખથી વધારે યુવાનોને રોજગારી પ્રદાન કરે છે એ વાતનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, માળખાગત સુવિધાઓ પર લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરીને રોજગારીનું સર્જન પણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, હાલ કેન્દ્ર સરકાર રોજગાર મેળા દ્વારા 10 લાખ યુવાનોને રોજગારી પ્રદાન આપવા એક અભિયાન ચલાવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે,  “આ પરિવર્તનનો અનુભવ કરી રહેલા ભારતનું ચિત્ર છે, જ્યાં યુવા પેઢી માટે વિકાસ નવી તકો ઊભી કરે છે અને યુવા પેઢી દેશના વિકાસને નવી પાંખો આપી રહી છે.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેલાં ઘણાં સ્વતંત્રતાસેનાનીઓ અને કેટલાંક પહ્મ પુરસ્કાર વિજેતાઓની નોંધ લીધી હતી. દરેક ભારતીય માટે ઑગસ્ટ મહિનાનાં મહત્વ વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ક્રાંતિ, કૃતજ્ઞતા અને ફરજનો મહિનો છે, જેમાં અનેક ઐતિહાસિક પ્રસંગો સમાયેલા છે, જેણે ભારતના ઇતિહાસને એક નવી દિશા આપી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હાથવણાટ દિવસનો ઉલ્લેખ કર્યો હતો, જેની ઉજવણી 7 ઓગસ્ટનાં રોજ થાય છે અને આ દિવસ સ્વદેશી આંદોલન પ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરે છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, 7 ઓગસ્ટની આ તારીખ દરેક ભારતીય માટે વોકલ ફોર લોકલ તરીકે સંકલ્પનો પુનરોચ્ચાર કરવાની છે.તેમણે પવિત્ર તહેવાર ગણેશચતુર્થીનો ઉલ્લેખ પણ કર્યો હતો અને પર્યાવરણને અનુકૂળ રીતે ગણેશચતુર્થીની ઉજવણી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ પર્યાવરણને અનુકૂળ સાધન કે સામગ્રીઓમાંથી બનેલી મૂર્તિઓ અજમાવવા સૂચન કર્યું હતું. તેમણે સ્થાનિક કલાકારો, હસ્તકળાનાં કારીગરો અને નાનાં ઉદ્યોગસાહસિકો દ્વારા બનેલાં ઉત્પાદનો ખરીદવા પણ સૂચન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ 9 ઑગસ્ટ વિશે બોલતાં કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક દિવસ છે અને 1942માં આ જ તારીખે ભારત છોડો આંદોલનનો પ્રારંભ થયો હતો, જેનાથી આઝાદી માટે ભારતની લડતમાં લોકોમાં નવી ઊર્જાનો સંચાર થયો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એનાથી પ્રેરિત થઈને અત્યારે આખો દેશ દરેક પ્રકારનાં અનિષ્ટ, ભ્રષ્ટાચાર, ભાઈભતીજાવાદ અને તુષ્ટિકરણમાંથી ભારતને છોડાવવા અગ્રેસર છે.

પ્રધાનમંત્રીએ આગામી વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આપણે અસંખ્યા લોકોને યાદ કરીએ છીએ, જેમણે વિભાજનની મોટી કિંમત ચુકવી છે અને આ આઘાત પછી પોતાને સંભાળીને દેશના વિકાસમાં પ્રદાન કરવાને લોકોની કદર કરીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, આ દિવસ આપણને આપણી એકતા અક્ષુણ જાળવી રાખવાની જવાબદારી આપે છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, આપણો સ્વતંત્રતા દિવસ આપણાં તિરંગા અને આપણી દેશની પ્રગતિ પ્રત્યે આપણી કટિબદ્ધતાને ફરી વ્યક્ત કરવાનો દિવસ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આપણે દરેક ઘર પર તિરંગો લહેરાવીશું.તેમણે સોશિયલ મીડિયા પર લોકોનાં ઉત્સાહ અને તિરંગા કૂચોની નોંધ લીધી હતી તથા દરેકને આ અભિયાન સાથે સહભાગી થવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, સરકારે એ વિભાવના બદલી નાંખી છે કે, નાગરિકો દ્વારા ચુકવવામાં આવતા કરવેરાની લૂંટ ભ્રષ્ટાચારમાં થાય છે અને અત્યારે લોકો અનુભવે છે કે, તેમનાં નાણાંનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણ માટે થઈ રહ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, સુવિધાઓમાં વધારો થવાથી અને જીવનની સરળતા વધવાથી કરવેરાની ચુકવણી કરતાં લોકોની સંખઅયામાં મોટો વધારો થયો છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, એક સમય એવો હતો, જ્યારે દેશમાં રૂ. 2 લાખની આવક પર કરવેરાની ચુકવણી કરવી પડતી હતી, ત્યારે હાલ રૂ. 7 લાખ સુધીની આવક કરમુક્ત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કરમુક્ત આવકની મર્યાદામાં આટલો મોટો વધારો થવા છતાં અત્યારે દેશમાં કરવેરાની આવકમાં વધારો થઈ રહ્યો છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે, દેશમાં મધ્યમ વર્ગ માટે તકોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે જાણકારી આપી હતી કે, ચાલુ વર્ષે આવકવેરાનું રિટર્ન ભરનારાં લોકોની સંખ્યામાં 16 ટકા સુધીનો વધારો થયો છે, જે તેમનો સરકારમાં વધેલો ભરોસો અને દેશમાં આકાર લઈ રહેલી નવીનતા દર્શાવે છે. અત્યારે લોકો જુએ છે કે, સમગ્ર દેશમાં રેલવેની કેવી રીતે કાયાપલટ થઈ રહી છે, મેટ્રોનો વિસ્તાર વધી રહ્યો છે. તેમણે નવા એક્સપ્રેસવે અને એરપોર્ટ્સના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, આ પ્રકારનાં પરિવર્તનો કરદાતાઓનાં નાણાંઓ સાથે વિકસી રહેલા નવા ભારતની લાગણીને વધારે છે. પોતાના સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ 508 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ પણ આ દિશામાં એક પગલું છે. હું તમને ખાતરી આપું છું કે, અમૃત ભારત સ્ટેશનો ભારતીય રેલવેના આ પરિવર્તનને નવી ઊંચાઈએ લઈ જશે.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રી અવારનવાર અદ્યતન જાહેર પરિવહનની જોગવાઈ પર ભાર મૂકે છે. સમગ્ર દેશમાં લોકો માટે રેલવે પરિવહન માટે પસંદગીનું માધ્યમ છે એ વાત પર ભાર મૂકીને તેમણે રેલવે સ્ટેશનો પર આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્રદાન કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે. આ વિઝનથી માર્ગદર્શિત અમૃત ભારત સ્ટેશન યોજના રાષ્ટ્રવ્યાપી ધોરણે 1309 સ્ટેશનોનું નવીનીકરણ હાથ ધરવા શરૂ થઈ હતી.

આ યોજનાનાં ભાગરૂપે પ્રધાનમંત્રીએ 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો છે. આ સ્ટેશનોનું નવીનીકરણ રૂ. 24,470 કરોડથી વધારે ખર્ચે થશે. આ સ્ટેશનોના વિકાસ માટે માસ્ટર પ્લાન્સ સિટી સેન્ટર્સ તરીકે તૈયાર થઈ રહ્યાં છે, જેમાં શહેરની બંને તરફથી ઉચિત સંકલન સ્થાપિત કરવામાં આવશે. આ સંકલિત અભિગમ શહેરના સંપૂર્ણ શહેરી વિકાસનાં સર્વાંગી વિઝન, રેલવે સ્ટેશનની આસપાસનાં કેન્દ્રો દ્વારા સંચાલિત છે.

આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પથરાયેલા છે, જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, ઝારખંડમાં 20, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.

આ નવીનીકરણ સારી ડિઝાઇન ધરાવતી ટ્રાફિકની અવરજવર, ઇન્ટર-મોડલ સંકલન અને પેસેન્જર્સના માર્ગદર્શન માટે સાઇનેજ સુનિશ્ચિત થવાની સાથે પેસેન્જરને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. સ્ટેશન બિલ્ડિંગોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસા અને સ્થાપત્ય દ્વારા પ્રેરિત થશે.

CB/GP/JD



(Release ID: 1946164) Visitor Counter : 306