ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આયોજિત 'નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા' પર પ્રાદેશિક સંમેલનની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રીની હાજરીમાં વર્ચ્યુઅલ સ્વરૂપે NCB દ્વારા દેશનાં વિવિધ ભાગોમાં 1 લાખ 40 હજાર કિલોગ્રામથી વધારે નશીલા દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો, જે એક દિવસમાં સૌથી વધુ નશીલા દ્રવ્યનો નાશ કરવાનો રેકોર્ડ છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં છેલ્લાં એક વર્ષમાં 10 લાખ કિલોગ્રામ નશીલા દ્રવ્યોનો નાશ થયો છે, જેનું મૂલ્ય લગભગ 12,000 કરોડ રૂપિયા છે

દેશનો એક પણ યુવાનને નશાની લત ન હોવી જોઈએ, એવા ભારતનું સર્જન કરવાનો લક્ષ્યાંક મોદી સરકારનો છે


નશીલા દ્રવ્યો સામે આ લડાઈમાં આપણે જેટલી જાણકારી જિલ્લા વહીવટીતંત્ર, સેવાભાવી સંસ્થાઓ (NGOs) અને શાળાઓ સુધી પહોંચાડીશું, એટલી જ આ લડાઈ મજબૂત થશે

નશીલા દ્રવ્યોને નાબૂદ કરવા માટે સતત જાગૃતિની જરૂર છે, એટલે હું તમામને અપીલ કરું છું કે, શ્રેષ્ઠ સમન્વય અને તાલમેળ માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થનારી NCORDની બેઠકોને સતત યોજવા પર ભાર મૂકવો જોઈએ


નશીલા દ્રવ્યોની સંપૂર્ણ અવરજવરને અટકાવવા માટે આપણે નશીલા દ્રવ્યોની ઓળખ, નેટવર્કનો નાશ, ગુનેગારની ધરપકડ અને વ્યસનીઓની પુનઃસ્થાપના પર એકસરખી રીતે ધ્યાન આપીને આગેકૂચ કરવી પડશે

નશીલા દ્રવ્યો સામે આપણું અભિયાન દેશની આગામી પેઢીઓને બચાવવાનું પવિત્ર અભિયાન છે અને દેશને સુરક્ષિત રાખવાનું અભિયાન છે – આ આપણા બધાની પ્રાથમિકતા હોવી જોઈએ

મોદીજીની નશામુક્ત ભારતની કલ્પનાને સાકાર કરવા માટે કોઓપરેશન, કોઓર્ડિનેશન અને કોલાબોરેશન (સહકાર, સંકલન અને જોડાણ)ની સાથે કેન્દ્ર અને રાજ્યોનાં તમામ વિભાગોને ‘સરકારનાં સંપૂર્ણ’ અભિગમ સાથે આગેકૂચ કરવી પડશે

નશીલા દ્રવ્યોની દાણચોરી અને ઉપયોગથી આગામી પેઢીઓ બરબાદ થવાની સાથે રાષ્ટ્રીય સુરક્ષા પણ પ્રભાવિત થાય છે

Posted On: 17 JUL 2023 6:13PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આયોજિત 'નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા' પર પ્રાદેશિક સંમેલનની અધ્યક્ષતા કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016L9A.jpg

સંમેલન દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ સ્વરૂપે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા તમામ રાજ્યોના એન્ટિ-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની સાથે સમન્વયથી દેશના વિવિધ ભાગોમાં 2,381 કરોડ રૂપિયાના મૂલ્યના 1 લાખ 40 હજાર કિલોગ્રામથી વધારે નશીલા દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો, જે એક દિવસમાં સૌથી વધુ નશીલા દ્રવ્યોને નાશ કરવાનો રેકોર્ડ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ITFR.jpg

આ પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે, ભારત જેવા દેશમાં નશીલા દ્રવ્યોની દાણચોરી અને સેવનથી આગામી પેઢી બરબાદ થવાની સાથે એનાથી રાષ્ટ્રીય સુરક્ષા પણ પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું હતું કે, ભારત સરકારનું ગૃહ મંત્રાલય પ્રાદેશિક સંમેલનોની બેઠકોના માધ્યમથી સતત અભિયાન ચલાવી રહી છે અને તેમની સમીક્ષા કરવા અને પ્રતિભાવને આધારે આપણી નીતિઓમાં સમયને અનુકૂળ પરિવર્તન કરવા માટે આ બેઠક યોજાઈ રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન દેશ સામે લક્ષ્ય રાખ્યું છે કે, જ્યારે દેશની આઝાદીની શતાબ્દી ઉજવવામાં આવે, ત્યાં સુધી ભારત અને એની યુવાપેઢી નશામુક્ત થઈ જાય. તેમણે કહ્યું હતું કે, દેશનાં એક પણ યુવાનમાં નશાની આદત ન હોય, એવા ભારતનું સર્જન કરવું મોદી સરકારનું લક્ષ્ય છે અને આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે રાજ્યો અને કેન્દ્ર બંનેએ ખભેખભો મિલાવીને કામ કરવું જરૂરી છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, આજે પરમવીર ચક્રથી સન્માનિત નિર્મલજીત સિંહ સેખોની જયંતિ છે અને આ પ્રસંગે તેમણે સંપૂર્ણ દેશ અને ભારત સરકાર તરફથી પરમવીર ચક્ર વિજેતા નિર્મલજીત સંહ સેખોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આજે એનસીબીના અમૃતસર ઝોનલ કાર્યાલય માટે 12 કરોડ રૂપિયાના ખર્ચથી એક નવા ભવનનું નિર્માણ, ભુવનેશ્વર કાર્યાલયનું ઉદ્ઘાટન અને દિલ્હીમાં એક નવી ઓફિસનું ભૂમિપૂજન પણ થયું છે. તેમણે એનસીબીની વિવિધ ઓફિસો માટે જમીન આપીને એનસીબી અને ભારત સરકારને સાથસહકાર આપવા માટે ઓડિશા સરકાર અને પંજાબ સરકારનો આભાર માન્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે, એનસીબી આ ઓફિસોના માધ્યમથી આ બંને રાજ્યોમાં નશીલા દ્રવ્યો સામેની લડાઈને વધારે મજબૂત બનાવશે. તેમણે કહ્યું હતું કે, આજે અહીં નશામુક્ત ભારત પર એક સારસંગ્રહનું લોકાર્પણ પણ થયું છે. નશીલા દ્રવ્યો સામે આ લડાઈમાં આપણે જેટલી જાણકારી જિલ્લા વહીવટીતંત્ર, સેવાભાવી સંસ્થાઓ (NGOs) અને શાળાઓ સુધી પહોંચાડીશું એટલી જ આ લડાઈ વધારે મજબૂત થશે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, આ ફક્ત નશીલા દ્રવ્યને નિયંત્રણ કરવા કે તેના પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવાની લડાઈ નથી, પરંતુ આ લડાઈમાં સૌથી મોટો વિજય પ્રાપ્ત કરવાનો માર્ગ જાગૃકતા લાવવાનો છે. શ્રી શાહે કહ્યું હતું કે, જ્યાં સુધી આપણે દેશના યુવાનો અને માતાપિતાઓના મનમાં નશીલા દ્રવ્યો સામે જાગૃતિ પેદા નહીં કરીએ, ત્યાં સુધી આ લડાઈ આપણે જીતી નહીં શકીએ.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીએ કહ્યું હતું કે, અત્યારે કુલ 1,40,288 કિલોગ્રામથી વધારે નશીલા દ્રવ્યોનો નાશ થઈ ગયો છે અને આ માટે તમામ રાજ્ય સરકારો, ખાસ કરીને એનસીબી અભિનંદન અને પ્રશંસાને પાત્ર છે. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત 2,378 કરોડ રૂપિયાના નશીલા દ્રવ્યોને અત્યારે નષ્ટ કરવામાં આવ્યા છે, જે દિવસમાં સૌથી વધુ નશીલા દ્રવ્યોનો નાશ કરવાનો રેકોર્ડ છે. શ્રી શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આઝાદીના અમૃત મહોત્સવમાં ગત એક વર્ષમાં 10 લાખ કિલોગ્રામ નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે, જેનું મૂલ્ય લગભગ 12,000 કરોડ રૂપિયા છે અને આ પણ એક રેકોર્ડ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003AWER.jpg

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, નશીલા દ્રવ્યોના દુરુપયોગને સંપૂર્ણપણે અટકાવવા માટે આપણે નશીલા દ્રવ્યોની ઓળખ, નેટવર્કને તોડવા, ગુનેગારની ધરપકડ કરવા અને વ્યસનીઓને સારવાર આપવા અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં પરત લાવવા એકસમાન રીતે ધ્યાન આપીને આગળ વધવું પડશે. તેમણે કહ્યું હતું કે, નેટવર્કની ઓળખ, નેટવર્કની નાબૂદી અને ધરપકડ (ડિટેક્શન, ડિસ્ટ્રક્શન અને ડિટેન્શન)ના ક્ષેત્રોમાં આપણે ઘણી સારી કામગીરી કરી છે, પરંતુ જ્યાં સુધી પુનઃસ્થાપનની કામગીરી પર આપણે ધ્યાન નહીં આપીએ, ત્યાં સુધી આપણી આ લડાઈને સફળતા નહીં મળે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, સરકારના સંપૂર્ણ અભિગમ સાથે સ્વાસ્થ્ય, સમાજ કલ્યાણ વિભાગ, રસાયણ અને ડ્રગ વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયતીરાજ વિભાગ અને રાજ્યોના ગૃહ વિભાગોને એકમંચ પર એકસાથે આવીને કામ કરવું પડશે. પછી જ નશામુક્ત ભારતની કલ્પનાને આપણે સાકાર કરી શકીશું. તેમણે જણાવ્યું હતું કે, આ માટે કોઓપરેશન, કોઓર્ડિનેશન અને કોલાબોરેશન (સાથસહકાર, સંકલન અને જોડાણ)ની સાથે તમામ વિભાગોને સરકારનાં સંપૂર્ણ અભિગમ સાથે આગળ વધવું પડશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2006થી વર્ષ 2013 વચ્ચે કુલ 1250 કેસ નોંધાયા હતા, તો વર્ષ 2014થી વર્ષ 2023 સુધી 9 વર્ષના સમયગાળા દરમિયાન 3,700 કેસો નોંધાયા છે, જે 200 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. અગાઉ કુલ 1,360ની ધરપકડ થઈ હતી, જે અત્યારે વધીને 5,650 થઈ ગઈ છે, જે 300 ટકાનો વધારો દર્શાવે છે. જપ્ત કરેલા નશીલા દ્રવ્યોનું પ્રમાણ અગાઉ 1.52 લાખ કિલોગ્રામ હતું, જે અત્યારે 160 ટકા વધીને 3.94 લાખ કિલોગ્રામ થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2006થી વર્ષ 2013 વચ્ચે 5,900 કરોડ રૂપિયાના નશીલા દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો હતો, તો વર્ષ 2014થી વર્ષ 2023 વચ્ચે 18,100 કરોડ રૂપિયાના નશીલા દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો છે. આ અમારા અભિયાનની સફળતાને દર્શાવે છે.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, હવે આપણે ફક્ત ભારત નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડન ટ્રાયંગલ અને ગોલ્ડન ક્રિસેન્ટના સ્થાને ડેથ ટ્રાયંગલ અને ડેથ ક્રિસેન્ટ નામને પ્રતિસ્થાપિત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગોલ્ડન ટ્રાયંગલ નામ નશીલા દ્રવ્યોના વેપારીઓ માટે હોઈ શકે છે, પણ જે લોકો નશીલા દ્રવ્યો પર નિયંત્રણ લાવવાના પક્ષમાં છે, તેમના માટે ડેથ ટ્રાયંગલ અને ડેથ ક્રિસેન્ટ છે. શ્રી શાહે કહ્યું હતું કે, આ અભિગમ ફક્ત પ્રતીકાત્મક નથી, પણ આપણી લડાઈની તીવ્રતા અને દિશાને દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, નશીલા દ્રવ્યોની નાબૂદી માટે સતત જાગૃતિની જરૂર છે એટલે હું તમામને અપીલ કરું છું કે, શ્રેષ્ઠ સમન્વય અને તાલમેળ માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થનારી NCORDની બેઠકો સતત યોજાવી જોઈએ અને એના પર ભાર મૂકવો જોઈએ.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, મોદી સરકારે વર્ષ 2019માં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર (NCORD – નાર્કો સંકલન કેન્દ્ર)ની સ્થાપના કરી છે, જેમાં 4 સ્તરીય NCORDની બેઠક થાય છે. તેમણે કહ્યું હતું કે, જિલ્લા સ્તરે NCORD બેઠક સૌથી વધારે પરિણામદાયક કે ફળદાયક હોય છે. તેમણે જણાવ્યું હતું કે, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન (નાણાકીય બાબતોની તપાસ) પર રાજ્યોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સાથસહકાર આપવો જોઈએ અને આ કેસોને ઇડીની પાસે મોકલવા જોઈએ. શ્રી શાહે કહ્યું હતું કે, જ્યાં સુધી નશીલા દ્રવ્યોના વેપારીઓની નાણાકીય તપાસ કરીને અમે તેમની ઇન્ટરેસ્ટ ચેઇનને તોડીશું નહીં, ત્યાં સુધી આપણા અભિયાનને સફળતા પ્રાપ્ત નહીં થાય. તેમણે કહ્યું હતું કે, આપણો અભિગમ એવો હોવો જોઈએ કે, જે પણ નશીલા દ્રવ્યનું સેવન કરે છે, એ પીડિત છે અને જે એનો વેપાર કરે છે તે ગુનેગાર છે. તેમણે કહ્યું હતું કે, જે માદક કે નશીલા દ્રવ્યોનું સેવન કરે છે, તેઓ પીડિત છે અને આપણી સિસ્ટમમાં તેમને ફરી સામેલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીં કે તેમને કાયમ માટે નશેડી બનાવવાનો.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004UHQH.jpg

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આપણે એક એસઆઈએમએસઈ – પોર્ટલ પણ બનાવી છે અને એનો ઉપયોગ કરવા જોઈએ. કેન્દ્રીકૃત NCORD પોર્ટલ વિશે જાણકારીને પોલીસ સ્ટેશનો સુધી પહોંચાડવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, નેશનલ ઇન્ટિગ્રેટેડ ડેટાબેઝ ઓન એરેસ્ટેડ નાર્કો ઓફેન્ડર્સ (NIDAAN) નામનો એક એકીકૃત ડેટાબેઝ અને નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS) ફિંગરપ્રિન્ટ માટે એક ડેટાબેઝ છે. આ બંનેનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. શ્રી શાહે કહ્યું હતું કે, 35 રાજ્યોએ ડેડિકેટેડ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની રચના કરી છે અને આ માટે એ તમામ રાજ્યો અભિનંદન અને પ્રશંસાને પાત્ર છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય નાર્કોટિક્સ K9 પૂલની સ્થાપના પણ આપણે કરી છે અને જો રાજ્ય આ દિશામાં આગળ વધે છે, તો એનસીબી તેમને તાલીમ આપવામાં મદદરૂપ થઈ શકે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યોને નશીલા દ્રવ્યો સાથે સંબંધિત કેસો ચલાવવા વિશિષ્ટ અદાલતો ઊભી કરવી જોઈએ અને તેની કાયદેસર કાર્યવાહીને ફાસ્ટ ટ્રેક મોડમાં સ્થાપિત કરવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, જેટલી સજા વધારે હશે, એટલા પ્રમાણમાં નશીલા દ્રવ્યોના સેવનને અટકાવવામાં એટલો જ ફાયદો થશે, કારણ કે એનાથી એક કઠોર સંદેશ જાય છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, નશીલા દ્રવ્યોના વેપારમાં સંલગ્ન લોકોની સંપત્તિને જપ્ત કરવાનાં કેસોમાં પણ વધારો થવો જોઈએ. આ લોકોનો જાહેરમાં બહિષ્કાર કરવાથી અન્ય લોકો પણ આ વેપાર સાથે નહીં જોડાય. શ્રી શાહે કહ્યું હતું કે, આપણે ક્રૂરતાપૂર્વક સંપત્તિને જપ્ત કરવાની દિશામાં આગળ વધવું જોઈએ. જ્યાં સુધી આપણે ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)ને મજબૂત કરવા માટે કામ નહીં કરીએ, ત્યાં સુધી સરકારની કાયદેસર કાર્યવાહી આગળ નહીં વધે. તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને ઉત્તરના ક્ષેત્રોમાં આ ક્ષેત્રનાં મુખ્યમંત્રીઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ. ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, નશીલા દ્રવ્યોના સેવન સામે આપણું અભિયાન દેશની આગામી પેઢીઓને બચાવવાનું પુણ્ય અભિયાન છે, દેશને સુરક્ષિત રાખવાનું અભિયાન છે અને આ આપણા બધાની પ્રાથમિકતા હોવી જોઈએ.

આ સંમેલનમાં દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી વિનયકુમાર સક્સેના પણ ઉપસ્થિત હતા. તેમના ઉપરાંત પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના વહીવટદાર, કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લડાખના ઉપરાજ્યપાલ, હરિયાણા, હિમાચલપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી પણ સંમેલનમાં સામેલ થયા હતા. ઓડિશાના ગૃહ રાજ્ય મંત્રીએ સંમેલનમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ, NCBના મહાનિર્દેશક અને વિવિધ સુરક્ષા એજન્સીઓ તથા ભારત સરકારના સંબંધિત મંત્રાલયો/વિભાગોના વરિષ્ઠ અધિકારી પણ સંમેલનમાં ઉપસ્થિત હતા.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1940274) Visitor Counter : 175