પ્રધાનમંત્રીનું કાર્યાલય

23મા SCO સંમેલનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી

Posted On: 04 JUL 2023 7:45PM by PIB Ahmedabad

મહાનુભાવો,

નમસ્કાર!

આજે, 23મા SCO સંમેલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા બે દાયકામાં, SCO સમગ્ર એશિયાઇ ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવ્યું છે. ભારત અને આ ક્ષેત્ર વચ્ચે હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો આપણા સહિયારા વારસાનો જીવંત પુરાવો છે. અમે આ ક્ષેત્રને "વિસ્તૃત પડોશી" તરીકે નથી જોતા, પરંતુ "વિસ્તૃત પરિવાર" તરીકે જોઇએ છીએ.

મહાનુભાવો,

SCOના અધ્યક્ષ તરીકે, ભારતે આપણા બહુ-પરિમાણીય સહયોગને નવી ઊંચાઇઓ સુધી લઇ જવા માટે નિરંતર પ્રયાસો કર્યા છે. અમે બે મૂળભૂત સિદ્ધાંતોના આધારે આ તમામ પ્રયાસો કર્યા છે. સૌથી પહેલા તો, "વસુધૈવ કુટુંબકમ્," જેનો અર્થ થાય છે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. આ સિદ્ધાંત પ્રાચીન સમયથી આપણા સામાજિક વ્યવહારનો અભિન્ન ભાગ રહ્યો છે. તે આધુનિક સમયમાં આપણા માટે પ્રેરણા અને ઊર્જાના સ્ત્રોત તરીકે નિરંતર સેવા આપે છે. બીજો સિદ્ધાંત SECURE છે, જેનો અર્થ સિક્યોરિટી (સલામતી), ઇકોનોમિક ડેવલપમેન્ટ (આર્થિક વિકાસ), કનેક્ટિવિટી (જોડાણ), યુનિટી (એકતા), રિસ્પેક્ટ ફોર સોવેરિજનિટી એન્ડ ટેરિટોરિયલ ઇન્ટિગ્રીટી (સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદર) અને એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન (પર્યાવરણીય સંરક્ષણ) થાય છે. તે અમારા અધ્યક્ષપદની થીમ અને અમારા SCOની દૂરંદેશીને પ્રતિબિંબિત કરે છે.

આ પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને, ભારતે SCOની અંદર નીચે મુજબ સહકારના પાંચ નવા સ્તંભોની સ્થાપના કરી છે:

  • સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન,
  • પરંપરાગત દવા,
  • યુવા સશક્તિકરણ,
  • ડિજિટલ સમાવેશીતા અને
  • સહિયારો બૌદ્ધ વારસો.

મહાનુભાવો,
ભારતની અધ્યક્ષતા હેઠળ, અમે SCOની અંદર એકસો ચાલીસથી વધુ કાર્યક્રમો, પરિષદો અને બેઠકોનું આયોજન કર્યું છે. અમે SCOના તમામ નિરીક્ષક અને પરામર્શના ભાગીદારોને 14 જુદા જુદા કાર્યક્રમોમાં સક્રિયપણે સામેલ કર્યા છે. SCOની 14 મંત્રી સ્તરીય બેઠકોમાં અમે સામૂહિક રીતે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો તૈયાર કર્યા છે. આ સાથે અમે અમારા સહકારમાં નવા અને આધુનિક પરિમાણો ઉમેરી રહ્યા છીએ - જેમ કે

  • ઉર્જા ક્ષેત્રમાં ઉભરતા ઇંધણો અંગે સહકાર.
  • પરિવહન ક્ષેત્રે ડીકાર્બનાઇઝેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર સહયોગ.
  • ડિજિટલ સાર્વજનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં સહકાર.

SCOની અંદર સહકાર માત્ર સરકારો પૂરતો સિમિત ન રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારતે પ્રયાસો કર્યા છે. ભારતની અધ્યક્ષતા હેઠળ, લોકો વચ્ચે સંપર્ક અને જોડાણ વધારવા માટે નવી પહેલ હાથ ધરવામાં આવી છે. પ્રથમ વખત, SCO પોષક અન્ન મહોત્સવ, ફિલ્મ મહોત્સવ, SCO સૂરજકુંડ ક્રાફ્ટ મેળો, થિંક ટેન્ક પરિષદ અને સહિયારા બૌદ્ધ વારસા પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.

SCOની પ્રથમ પર્યટન અને સાંસ્કૃતિક રાજધાની, શાશ્વત શહેર વારાણસી, વિવિધ કાર્યક્રમો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. SCO દેશોના યુવાનોની ઊર્જા અને પ્રતિભાનો ઉપયોગ કરવા માટે, અમે યુવા વૈજ્ઞાનિક પરિસંવાદ, યુવા લેખક પરિસંવાદ, યુવા નિવાસી વિદ્વાન કાર્યક્રમ, સ્ટાર્ટઅપ ફોરમ અને યુવા પરિષદ જેવી નવી ફોરમનું આયોજન કર્યું છે.

મહાનુભાવો,
વર્તમાન સમય વૈશ્વિક બાબતોમાં નિર્ણાયક તબક્કો દર્શાવે છે.

સંઘર્ષો, તણાવ અને મહામારીઓથી ઘેરાયેલા વિશ્વમાં; અન્ન, ઇંધણ અને ખાતરની કટોકટી એ તમામ રાષ્ટ્રો માટે નોંધપાત્ર પડકાર છે.
આપણે સામૂહિક રીતે વિચારવું જોઇએ કે, શું આપણે એક સંગઠન તરીકે આપણા લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પૂરી કરવા માટે સમર્થ છીએ?
શું આપણે આધુનિક સમયના પડકારોનો સામનો કરવા માટે સજ્જ છીએ?
શું SCO એવી સંસ્થામાં વિકાસ પામી રહ્યું છે, જે ભવિષ્ય માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય?
આ સંદર્ભમાં, ભારત SCOની અંદર સુધારા અને આધુનિકીકરણ માટેની દરખાસ્તોને સમર્થન આપે છે.
SCOની અંદર ભાષાના અવરોધોને દૂર કરવા માટે ભારતના AI-આધારિત ભાષા પ્લેટફોર્મ ભાષિનીને દરેક સાથે શેર કરવામાં અમને આનંદ થશે. આ પ્લેટફોર્મ સર્વસમાવેશી વિકાસ માટે ડિજિટલ ટેકનોલોજીના ઉદાહરણ તરીકે સેવા આપી શકે છે.
SCO સંયુક્ત રાષ્ટ્ર સહિત વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે એક મહત્વપૂર્ણ અવાજ બની શકે છે.
મને ખુશી છે કે, આજે ઇરાન SCO પરિવારમાં નવા સભ્ય તરીકે જોડાવા જઇ રહ્યું છે.
હું આ અવસર પર રાષ્ટ્રપતિ રાઇસી અને ઇરાનના લોકોને મારા અભિનંદન પાઠવું છું.
અમે બેલારુસના SCO સભ્યપદ માટેના મેમોરેન્ડમ ઓફ ઓબ્લિગેશન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા તેનું પણ સ્વાગત કરીએ છીએ.
આજે SCO માં જોડાવામાં અન્ય દેશોની રુચિ આ સંગઠનનું મહત્વ દર્શાવતો પુરાવો છે.
આ પ્રક્રિયામાં, SCO માટે જરૂરી છે કે, તે મધ્ય એશિયાના દેશોના હિતો અને આકાંક્ષાઓ પર પ્રાથમિકતા સાથે ધ્યાન કેન્દ્રિત કરી રાખે.

મહાનુભાવો,
આતંકવાદ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે એક મોટું જોખમ બની ગયો છે. આ પડકારનો સામનો કરવા માટે નિર્ણાયક પગલાંની જરૂર છે. આતંદવાદના કોઇપણ સ્વરૂપ કે અભિવ્યક્તિને ધ્યાનમાં લીધા વિના, આપણે તેની સામેની આપણી લડાઇમાં એકજૂથ થવું આવશ્યક છે. કેટલાક દેશો તેમની નીતિઓના સાધન તરીકે સરહદ પારના આતંકવાદનો ઉપયોગ કરે છે, આતંકવાદીઓને આશરો આપે છે. SCOએ આવા રાષ્ટ્રોની ટીકા કરતાં અચકાવું ન જોઇએ. આવી ગંભીર બાબતો પર બેવડા ધોરણોને કોઇ જ સ્થાન ન હોવું જોઇએ. આપણે ટેરર ફાઇનાન્સિંગ સામે પણ પરસ્પર સહયોગ વધારવાની જરૂર છે. SCOના RATS વ્યવસ્થાતંત્રએ આ સંદર્ભમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આપણે આપણા યુવાનોમાં કટ્ટરપંથનો ફેલાવો રોકવા માટે પણ સક્રિય પગલાં લેવા જોઇએ. કટ્ટરવાદના વિષય પર આજે બહાર પાડવામાં આવેલું સંયુક્ત નિવેદન આપણી સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

મહાનુભાવો,
અફઘાનિસ્તાનની પરિસ્થિતિની સીધી અસર આપણા સૌની સુરક્ષા પર પડી છે. અફઘાનિસ્તાન બાબતે ભારતની ચિંતાઓ અને અપેક્ષાઓ SCO દેશોના મોટાભાગના દેશો જેવી જ છે. આપણે અફઘાનિસ્તાનના લોકોની સુખાકારી માટે પ્રયાસ કરવા માટે એકજૂથ થવું જોઇએ. અફઘાન નાગરિકોને માનવતાવાદી સહાય; સમાવેશી સરકારની રચના; આતંકવાદ અને ડ્રગ્સની હેરફેર સામેની લડાઇ; તેમજ મહિલાઓ, બાળકો અને લઘુમતીઓના અધિકારોને સુનિશ્ચિત કરવામાં આવે એ આપણી સહિયારી પ્રાથમિકતાઓ છે. ભારત અને અફઘાનિસ્તાનના લોકો વચ્ચે સદીઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધો છે. છેલ્લા બે દાયકામાં અમે અફઘાનિસ્તાનના આર્થિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપ્યું છે. 2021ની ઘટનાઓ પછી પણ, અમે માનવતાવાદી સહાય પૂરી પાડવાનું ચાલુ જ રાખ્યું છે. અફઘાનિસ્તાનના પ્રદેશનો ઉપયોગ પડોશી દેશોમાં અસ્થિરતા ફેલાવવા અથવા કટ્ટરપંથી વિચારધારાઓને પ્રોત્સાહન આપવા માટે ન થાય તે મહત્વનું છે.

મહાનુભાવો,
કોઇપણ ક્ષેત્રની પ્રગતિ માટે મજબૂત કનેક્ટિવિટી મહત્વપૂર્ણ છે. કનેક્ટિવિટી વધુ સારી હોય તેનાથી માત્ર પરસ્પર વેપાર જ નહીં પરંતુ પરસ્પર વિશ્વાસને પણ પ્રોત્સાહન આપે છે. જો કે, આ પ્રયાસોમાં, SCO અધિકારપત્રના મૂળભૂત સિદ્ધાંતોને જાળવી રાખવા જરૂરી છે, જેમાં ખાસ કરીને સભ્ય દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવો જરૂરી છે. SCOમાં ઇરાન સભ્ય બન્યા બાદ, અમે ચાબહાર બંદરનો મહત્તમ ઉપયોગ કરવાની દિશામાં કામ કરી શકીશું. આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર મધ્ય એશિયાના ભૂમિ પ્રદેશથી ઘેરાયેલા દેશો માટે હિન્દ મહાસાગર સુધી પહોંચવાના સુરક્ષિત અને કાર્યક્ષમ માર્ગ તરીકે કામ કરી શકે છે. આપણે તેની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવાનો પ્રયાસ કરવો જોઇએ.

મહાનુભાવો,
SCO વિશ્વની લગભગ 40 ટકા વસ્તી અને વૈશ્વિક અર્થતંત્રના લગભગ એક તૃતીયાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, આપણી સહિયારી જવાબદારી છે કે, આપણે એકબીજાની જરૂરિયાતો અને સંવેદનશીલતાને સમજીએ. વધુ સારા સહકાર અને સંકલન દ્વારા તમામ પડકારોનો ઉકેલ લાવીએ અને આપણા લોકોની સુખાકારી માટે સતત પ્રયાસ કરીએ. ભારતના અધ્યક્ષપદને સફળ બનાવવામાં અમને આપ સૌના તરફથી એકધારો સહયોગ મળ્યો છે. આ માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સમગ્ર ભારત વતી હું SCOના આગામી અધ્યક્ષ, કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને મારા મિત્ર રાષ્ટ્રપતિ ટોકાયેવને મારી શુભેચ્છા પાઠવું છું.

SCOની સફળતા માટે ભારત સૌની સાથે મળીને સક્રિય યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.

આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

YP/GP/JD



(Release ID: 1937389) Visitor Counter : 219