પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન સમારંભને સંબોધન કર્યું


યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑફ ટેક્નૉલોજીનાં ભવન, કમ્પ્યુટર સેન્ટર અને એકેડેમિક બ્લોકનો શિલાન્યાસ કર્યો

શતાબ્દી ઉજવણીનું સંકલન એવા સ્મારક શતાબ્દી ગ્રંથ; લોગો બુક - દિલ્હી યુનિવર્સિટી અને તેની કૉલેજોનો લોગો; અને સુવાસ - દિલ્હી યુનિવર્સિટીનાં 100 વર્ષનું વિમોચન

મેટ્રોમાં મુસાફરી કરીને દિલ્હી યુનિવર્સિટી સુધી પહોંચ્યા

"દિલ્હી યુનિવર્સિટી માત્ર એક યુનિવર્સિટી જ નહીં પરંતુ એક ચળવળ રહી છે"

"જો આ સો વર્ષો દરમિયાન, ડીયુએ તેની લાગણીઓને જીવંત રાખી છે, તો તેણે તેનાં મૂલ્યોને પણ જીવંત રાખ્યાં છે"

"ભારતની સમૃદ્ધ શિક્ષણ વ્યવસ્થા ભારતની સમૃદ્ધિની વાહક છે"

"દિલ્હી યુનિવર્સિટીએ પ્રતિભાશાળી યુવાનોની મજબૂત પેઢી ઊભી કરવામાં મોટો ભાગ ભજવ્યો છે"

"જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો સંકલ્પ દેશ પ્રત્યે હોય છે, ત્યારે તેની સિદ્ધિઓને રાષ્ટ્રની સિદ્ધિઓ સાથે સરખાવવામાં આવે છે"

"પાછલી સદીના ત્રીજા દાયકાએ ભારતની આઝાદીની લડતને નવી ગતિ આપી હતી, હવે નવી સદીનો ત્રીજો દાયકો ભારતની વિકાસ યાત્રાને ગતિ આપશે"

"લોકશાહી, સમાનતા અને પારસ્પરિક આદ

Posted On: 30 JUN 2023 1:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી યુનિવર્સિટી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનાં મલ્ટિપર્પઝ હૉલમાં દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારંભના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીનાં નોર્થ કૅમ્પસમાં નિર્માણ પામનારી ફૅકલ્ટી ઑફ ટેક્નૉલોજીનાં ભવન, કમ્પ્યુટર સેન્ટર અને એકેડેમિક બ્લોકનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ યાદગીરી સ્વરૂપે શતાબ્દી મહોત્સવનાં સંકલન સ્વરૂપે શતાબ્દી ગ્રંથ; લોગો બુક - દિલ્હી યુનિવર્સિટી અને તેની કૉલેજોનો લોગો; અને સુવાસ - દિલ્હી યુનિવર્સિટીનાં 100 વર્ષનું વિમોચન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ દિલ્હી યુનિવર્સિટી પહોંચવા માટે મેટ્રો દ્વારા મુસાફરી કરી હતી. તેમણે પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. અહીં પહોંચ્યા પછી પ્રધાનમંત્રીએ પ્રદર્શન – જર્ની ઑફ 100 યર્સ'ને ચાલીને નિહાળ્યું હતું. તેઓ ફૅકલ્ટી ઑફ મ્યુઝિક એન્ડ ફાઇન આર્ટ્સ દ્વારા પ્રસ્તુત સરસ્વતી વંદના અને યુનિવર્સિટી કુલગીતમાં પણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારંભનાં સમાપન સમારંભમાં ભાગ લેવાનો મક્કમ નિર્ણય લીધો હતો અને કહ્યું હતું કે, આ લાગણી સ્વઘરે આગમન જેવી છે. સંબોધન અગાઉ ભજવવામાં આવેલી ટૂંકી ફિલ્મનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાંથી બહાર નીકળેલી હસ્તીઓનાં યોગદાથી દિલ્હી યુનિવર્સિટીનાં જીવનની ઝાંખી થાય છે. પ્રધાનમંત્રીએ એક તહેવારના પ્રસંગે અને ઉત્સવની ભાવના સાથે દિલ્હી યુનિવર્સિટીમાં ઉપસ્થિત રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. યુનિવર્સિટીની કોઈ પણ મુલાકાત માટે સાથીદારોની સંગતનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં પહોંચવા માટે મેટ્રોમાં મુસાફરી કરવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જ્યારે ભારત તેની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યા પછી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દિલ્હી યુનિવર્સિટીની શતાબ્દીની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કોઈ પણ દેશની યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ તેની સિદ્ધિઓનું પ્રતિબિંબ પ્રસ્તુત કરે છે." પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, ડીયુની 100 વર્ષ જૂની સફરમાં ઘણાં ઐતિહાસિક સીમાચિહ્નો છે, જેણે ઘણાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્યનાં જીવનને જોડ્યાં છે. તેમણે નોંધ્યું હતું કે, દિલ્હી યુનિવર્સિટી એ માત્ર એક વિશ્વવિદ્યાલય જ નથી, પણ એક ચળવળ છે અને તેણે દરેક ક્ષણને જીવનથી ભરી દીધી છે. પ્રધાનમંત્રીએ દરેક વિદ્યાર્થી, શિક્ષક અને દિલ્હી યુનિવર્સિટી સાથે સંકળાયેલા લોકોને શતાબ્દીની ઉજવણી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

જૂના અને નવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મેળાવડાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગ તેમને મળવાનો અવસર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જો આ 100 વર્ષ દરમિયાન ડીયુએ તેની લાગણીઓને જીવંત રાખી છે, તો તેણે તેનાં મૂલ્યોને પણ જીવંત રાખ્યાં છે." જ્ઞાનનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જ્યારે ભારતમાં નાલંદા અને તક્ષશિલા જેવી જીવંત-વાયબ્રન્ટ યુનિવર્સિટીઓ હતી, ત્યારે તે સમૃદ્ધિની ટોચ પર હતી. તેમણે કહ્યું હતું કે, "ભારતની સમૃદ્ધ શિક્ષણ વ્યવસ્થા ભારતની સમૃદ્ધિની વાહક છે," એમ તેમણે એ સમયની વૈશ્વિક જીડીપીમાં ભારતની ઊંચી ભાગીદારી પર ભાર મૂકીને કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ગુલામીના સમયગાળા દરમિયાન સતત હુમલાઓએ આ સંસ્થાઓનો નાશ કર્યો હતો, જેનાં પરિણામે ભારતના બૌદ્ધિક પ્રવાહમાં અવરોધ ઊભો થયો હતો અને વિકાસ અટકી ગયો હતો.

તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પછી યુનિવર્સિટીઓએ પ્રતિભાશાળી યુવાનોની મજબૂત પેઢીનું સર્જન કરીને આઝાદી પછીના ભારતની ભાવનાત્મક વૃદ્ધિને નક્કર આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દિલ્હી યુનિવર્સિટીએ પણ તેમાં મોટો ભાગ ભજવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું. ભૂતકાળની આ સમજણ આપણાં અસ્તિત્વને આકાર આપે છે, આપણા આદર્શોને આકાર આપે છે અને ભવિષ્યની દ્રષ્ટિને વિસ્તૃત કરે છે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો સંકલ્પ દેશ પ્રત્યે હોય છે, ત્યારે તેની સિદ્ધિઓને રાષ્ટ્રની સિદ્ધિઓ સાથે સરખાવાય છે." શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, જ્યારે દિલ્હી યુનિવર્સિટીની શરૂઆત થઈ હતી, ત્યારે અહીં ફક્ત 3 કૉલેજો હતી, પણ અત્યારે આ યુનિવર્સિટી હેઠળ 90થી વધારે કૉલેજો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત, જે એક સમયે નાજુક અર્થતંત્ર તરીકે ઓળખાતું હતું, અત્યારે દુનિયામાં ટોચનાં 5 અર્થતંત્રોમાંનું એક બની ગયું છે. ડીયુમાં અભ્યાસ કરતી મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધારે છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં લિંગ ગુણોત્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમણે યુનિવર્સિટી અને રાષ્ટ્રના સંકલ્પો વચ્ચે આંતરજોડાણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો તથા કહ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓનાં મૂળિયાં જેટલાં ઊંડાં હશે, તેટલી જ દેશની પ્રગતિ વધશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દિલ્હી યુનિવર્સિટીનો ઉદ્દેશ જ્યારે તેની શરૂઆત થઈ હતી ત્યારે ભારતની આઝાદીનો હતો, પણ હવે જ્યારે ભારતની આઝાદીનાં 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે આ સંસ્થાને 125 વર્ષ પૂર્ણ થશે, ત્યારે દિલ્હી યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને 'વિકસિત ભારત' બનાવવાનું હોવું જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "પાછલી સદીના ત્રીજા દાયકાએ ભારતની આઝાદીની લડતને નવી ગતિ આપી હતી, હવે નવી સદીનો ત્રીજો દાયકો ભારતની વિકાસયાત્રાને વેગ આપશે." પ્રધાનમંત્રીએ સંકેત આપ્યો કે યુનિવર્સિટીઓ, કૉલેજો, આઇઆઇટી, આઇઆઇએમ અને એઇમ્સ મોટી સંખ્યામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, "આ તમામ સંસ્થાઓ નવા ભારતનાં નિર્માણ ઘટકો બની રહી છે."

 

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષણ એ માત્ર શીખવવાની પ્રક્રિયા જ નથી, પણ શીખવાની રીત પણ છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે લાંબા સમય પછી, વિદ્યાર્થી જે શીખવા માગે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેમણે વિષયોની પસંદગી માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં લવચિકતા વિશે વાત કરી હતી. સંસ્થાઓ વચ્ચે સ્પર્ધાત્મકતાની ગુણવત્તા સુધારવા અને ઉમેરવા વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સંસ્થાગત રેન્કિંગ ફ્રેમવર્કનો ઉલ્લેખ કર્યો હતો, જે સંસ્થાઓને પ્રેરિત કરે છે. તેમણે સંસ્થાઓની સ્વાયત્તતાને શિક્ષણની ગુણવત્તા સાથે જોડવાના પ્રયત્નો તરફ પણ ધ્યાન દોર્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભવિષ્યની શૈક્ષણિક નીતિઓ અને નિર્ણયોને કારણે ભારતીય વિશ્વવિદ્યાલયોની સ્વીકૃતિમાં વધારો થઈ રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, વર્ષ 2014માં ક્યૂએસ વર્લ્ડ રૅન્કિંગમાં ભારતની માત્ર 12 યુનિવર્સિટીઓ હતી, ત્યારે આજે આ સંખ્યા 45 સુધી પહોંચી છે.  તેમણે ભારતની યુવાશક્તિને આ પરિવર્તન માટે માર્ગદર્શક બળ તરીકે શ્રેય આપ્યો હતો. પ્રધાનમંત્રીએ પ્લેસમેન્ટ અને ડિગ્રી સુધી જ મર્યાદિત શિક્ષણની વિભાવનાને ઓળંગી જવા બદલ આજના યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ તેમના પછી આવનારાને માર્ગ ચીંધવા નિશાની છોડવા માગે છે અને તેમણે આ વિચારસરણીના પુરાવા સ્વરૂપે એક લાખથી વધારે સ્ટાર્ટઅપ્સ, વર્ષ 2014-15ની સરખામણીમાં 40 ટકા વધારે પેટન્ટ ફાઇલિંગ અને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં વધારો પ્રસ્તુત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ તેમની તાજેતરની મુલાકાત દરમિયાન અમેરિકા સાથેની ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નૉલોજી અથવા આઇસીઇટી પરના સોદા પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, તેનાથી એઆઇથી માંડીને સેમિકન્ડક્ટર્સ સુધીનાં વિવિધ ક્ષેત્રોમાં ભારતના યુવાનો માટે નવી તકોનું સર્જન થશે. તેમણે કહ્યું હતું કે, તેનાથી એવી ટેક્નૉલોજીની સુલભતા શક્ય બનશે, જે એક સમયે આપણા યુવાનોની પહોંચની બહાર હતી અને કૌશલ્ય વિકાસમાં વધારો કરશે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, માઇક્રોન, ગૂગલ, એપ્લાઇડ મટિરિયલ્સ વગેરે જેવી કંપનીઓએ ભારતમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે અને તે યુવાનોનાં ઉજ્જવળ ભવિષ્યની ઝલક પૂરી પાડે છે.

"ઉદ્યોગ 4.0ની ક્રાંતિ ભારતનાં દ્વાર ખટખટાવી રહી છે." એવી ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, એઆઇ, એઆર અને વીઆર જેવી ટેક્નૉલોજી, જે ફક્ત ફિલ્મોમાં જ જોઇ શકાતી હતી, તે હવે આપણાં વાસ્તવિક જીવનનો એક ભાગ બની ગઈ છે. તેમણે નોંધ્યું હતું કે, રોબોટિક્સ એ ડ્રાઇવિંગથી લઈને સર્જરી સુધી નવી સામાન્ય બાબત બની ગઈ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ તમામ ક્ષેત્રો ભારતની યુવા પેઢી માટે નવા માર્ગોનું નિર્માણ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વીતેલાં વર્ષોમાં ભારતે પોતાનું અંતરિક્ષ અને સંરક્ષણ ક્ષેત્ર ખોલ્યું છે તથા ડ્રોન સાથે સંબંધિત નીતિઓમાં મોટા પાયે પરિવર્તન કર્યું છે, જેણે યુવાનો માટે આગળ વધવાની તક પ્રદાન કરી છે.

પ્રધાનમંત્રીએ ભારતની વધતી જતી પ્રોફાઇલની વિદ્યાર્થીઓ પર અસર વિશે સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે હવે લોકો ભારત વિશે જાણવા માગે છે. તેમણે કોરોના કાળમાં ભારતની દુનિયાને મદદનો ઉલ્લેખ કર્યો હતો. આનાથી વિશ્વમાં કટોકટી દરમિયાન પણ કામ કરતા ભારત વિશે વધુ જાણવાની ઉત્સુકતા ઊભી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, જી-20નાં પ્રમુખપદ જેવી ઇવેન્ટ્સ મારફતે વધતી જતી સ્વીકૃતિથી વિદ્યાર્થીઓ માટે યોગ, વિજ્ઞાન, સંસ્કૃતિ, તહેવારો, સાહિત્ય, ઇતિહાસ, વારસો અને રાંધણકળા જેવા નવા માર્ગોનું સર્જન થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, "ભારતીય યુવાનોની માગ વધી રહી છે, જે દુનિયાને ભારત વિશે જણાવી શકે છે અને આપણી ચીજવસ્તુઓને દુનિયામાં લઈ જઈ શકે છે."

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકશાહી, સમાનતા અને પારસ્પરિક આદર જેવાં ભારતીય મૂલ્યો માનવીય મૂલ્યો બની રહ્યાં છે, જે ભારતીય યુવાનો માટે આ પ્રકારનાં સરકાર અને મુત્સદ્દીગીરી જેવા મંચ પર નવી તકોનું સર્જન કરી રહ્યાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી પણ યુવાનો માટે નવી તકોનું સર્જન થઈ રહ્યું છે. તેમણે દેશનાં વિવિધ રાજ્યોમાં આદિવાસી સંગ્રહાલયોની સ્થાપના અને પીએમ મ્યુઝિયમનાં માધ્યમથી પ્રસ્તુત થયેલી સ્વતંત્ર ભારતની વિકાસ યાત્રાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે વિશ્વનું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ – 'યુગે યુગીન ભારત' પણ દિલ્હીમાં બનવા જઈ રહ્યું છે એ વાતનો આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતીય શિક્ષકોની વધતી જતી સ્વીકૃતિને પણ માન્યતા આપી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે, કેવી રીતે વિશ્વના નેતાઓએ તેમને તેમના ભારતીય શિક્ષકો વિશે ઘણી વાર વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, "ભારતની આ મૃદુ શક્તિ ભારતીય યુવાનોની સફળ ગાથા બની રહી છે." તેમણે યુનિવર્સિટીઓને આ ઘટનાક્રમ માટે તેમની માનસિકતા તૈયાર કરવા જણાવ્યું હતું. તેમણે તેમને આ માટે રોડમેપ તૈયાર કરવા જણાવ્યું હતું અને દિલ્હી યુનિવર્સિટીને જણાવ્યું હતું કે, જ્યારે તેઓ 125 વર્ષની ઉજવણી કરે, ત્યારે તેને વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન મળવું જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભવિષ્ય બનાવતી નવીનતાઓ અહીં થવી જોઈએ, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને નેતાઓએ અહીંથી નીકળવા જોઈએ, આ માટે તમારે સતત કામ કરવું પડશે."

સંબોધનનાં સમાપનમાં, પ્રધાનમંત્રીએ આપણાં મન અને હૃદયને એવાં લક્ષ્ય માટે તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જે આપણે જીવનમાં પોતાને માટે નિર્ધારિત કર્યાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ રાષ્ટ્રનાં મન અને હૃદયને તૈયાર કરવાની જવાબદારી તેની શૈક્ષણિક સંસ્થાઓએ અદા કરવી પડશે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દિલ્હી યુનિવર્સિટી આ યાત્રાને આગળ વધારતાં આ સંકલ્પોને પૂર્ણ કરશે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "આપણી નવી પેઢી ભવિષ્ય માટે તૈયાર હોવી જોઈએ, પડકારોને સ્વીકારવા અને તેનો સામનો કરવાનો મિજાજ ધરાવતી હોવી જોઈએ, આ શૈક્ષણિક સંસ્થાનાં વિઝન અને મિશન મારફતે જ શક્ય છે."

આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી યોગેશ સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

દિલ્હી વિશ્વવિદ્યાલયની સ્થાપના 1 મે 1922ના રોજ કરવામાં આવી હતી. છેલ્લાં 100 વર્ષોમાં, યુનિવર્સિટીએ ખૂબ વિકાસ અને વિસ્તરણ કર્યું છે અને હવે તે 86 વિભાગો, 90 કૉલેજો અને 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધરાવે છે અને રાષ્ટ્ર-નિર્માણમાં અપાર યોગદાન આપ્યું છે.

YP/GP/JD



(Release ID: 1936570) Visitor Counter : 180